લક્ષ્યવેધ:કાયદાશાસ્ત્ર-ગુજરાતી સાહિત્ય વિષય સાથે ચોથા પ્રયાસે UPSC ક્રેક કરી

4 મહિનો પહેલાલેખક: ઉત્સવ પરમાર
  • કૉપી લિંક
  • જોઈન્ટ સેક્રેટરી કરણજીત વડોદરીયાએ પર્સનાલિટી ટેસ્ટમાં કોચિંગ ક્લાસની ફોર્મ્યુલા પ્રમાણે નહીં પણ પોતાની કોઠાસૂઝથી જવાબો આપ્યા હતા

કરણજીત વડોદરીયા. મૂળિયાં જામનગરનાં. સ્કૂલ-કૉલેજમાં એવરેજ માર્ક્સની સામાન્ય રેખા નીચે પાસ થનાર વિદ્યાર્થી. પાંચમા ધોરણથી લઈને બી. કોમ. સુધીનો અભ્યાસ તેમણે જામનગરમાં જ ગુજરાતી માધ્યમમાં કર્યો. પિતા પુરુષોત્તમભાઈ એડવોકેટ અને માતા ચંપાબહેન ગૃહિણી. જામનગર ખાતે ફરજ બજાવી ચૂકેલા IPS પી. કે. ઝા, તેમજ રાજીવ ટકરૂ અને જી. સી. મુર્મુ જેવા IAS અધિકારીઓની કાર્યપદ્ધતિ અને તેમની સામાજિક પ્રતિષ્ઠાની મનમાં ઊંડી છાપ પડી. આમ અજાણતા જ સિવિલ સેવાનું સ્વપ્ન મનમાં આકાર લઈ રહ્યું હતું. પિતાના પગલે કરણજીતભાઈએ લૉ નો અભ્યાસ શરૂ કર્યો. કાયદાશાસ્ત્રના અભ્યાસની સાથે સાથે જ UPSCની સિવિલ સેવા પરીક્ષાની તૈયારી પણ તેમણે શરૂ કરી. એ વર્ષોમાં UPSCમાં બે મુખ્ય વિષયો પસંદ કરવાના રહેતા- કરણજીતભાઈએ કાયદાશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્ય વિષય સાથે આ લાંબી લડાઈમાં ઊતરવાનું નક્કી કર્યું. કરણજીતભાઈ મક્કમ મનોબળના. સિવિલ સેવા સિવાય બીજું કંઈ નહીં એવો ઈરાદો. જો આ પરીક્ષામાં સફળ નહીં નીવડે તો વકીલાતમાં આગળ વધશે એવું નક્કી કરી દીધેલું. સિવિલ સેવાના ચાર પ્રયાસો સળંગ આપશે અને બીજે મન ભટકવા નહીં દે એવો નિર્ધાર. તેઓ કહે છે, ‘મને હાર્ડ વર્ક સિવાય બીજું કઈ સમજાતું નહીં. મારા એક સંબંધીની દુકાન પર લખેલા ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ એ સુભાષિતને સાર્થક કરવામાં જાત લગાવી દીધી. એ વર્ષોમાં ગુજરાતમાં સિવિલ સેવા પરીક્ષા આપવા બાબતે થોડી ઉદાસીનતા હતી. ‘સ્પીપા’ જેવી સંસ્થામાં આવતા પરિણામો તૈયારી કરનારા જૂજ ઉમેદવારોને બળ આપી રહી હતી.’ સ્રોતોના અભાવોના એ કાળમાં કરણજીતભાઈ જેવા ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે આ એક જુદો જ પડકાર હતો. 2005માં પ્રીલિમિનરીમાં તો નીકળી જવાયું પણ મેઇન્સનો ચક્રવ્યૂહ પાર ના થયો. પહેલી જ વારમાં પ્રીલિમિનરીમાં સફળ નીવડે એનો કોન્ફિડન્સ ઘણીવાર જુદો જ હોય છે. કરણજીતભાઈ આ જ વિશ્વાસ સાથે 2006ની પ્રીલિમિનરી ઊતર્યા પણ એમનો કોન્ફિડન્સ ઓવરકોન્ફિડન્સ નીકળ્યો. તેઓ કહે છે, ‘એ વર્ષના પરિણામે અંદરથી મને હચમચાવી નાખ્યો. ત્રીજા વર્ષે મેં પરીક્ષા આપી પણ પેલી ગ્રીક કથાના સિસીફસના શાપની જેમ મેઈન્સની ટોચે પહોંચાડેલો પથ્થર પાછો ગબડી ગયો. ધીરજ ખૂટે એવો વ્યાકુળ સમય. મેઇન્સમાં વિજયરથ અટકવાનું કારણ શોધ્યું તો જાણવા મળ્યું કે લેખનક્ષમતા નબળી છે. નિબંધના પેપરમાં 200માંથી માંડ 20 માર્ક્સ આવેલા. સ્પીપામાં મારા એક મિત્ર મારી પાછળ પડી ગયા- નિબંધનો એક વિષય પ્રેક્ટિસમાં લખવા આપ્યો. મેં 10 મિનિટમાં જ પેપર-પેન છોડી દીધાં. પોતાની નબળાઈઓ પોતાની આંખ સામે જોવી અઘરી હોય અને મિત્રની આંખમાં જોવી એનાથી પણ અઘરી. તે મિત્રએ મને નિબંધ લખાવી-લખાવીને હાથ અને મન બંને કેળવી આપ્યાં. સંઘર્ષના વર્ષોમાં મિત્રો માત્ર ટેકો જ નથી આપતા, અંદર ઓલવાતાં સપનાઓને બળતાં પણ રાખે છે.’ ચોથો અને છેલ્લો પ્રયાસ. કરણજીત ભાઈ મેઈન્સમાં ફતેહ હાંસલ કરે છે. પર્સનાલિટી ટેસ્ટમાં તેમણે નક્કી કર્યું હતું કે તેઓ અખબાર સિવાય કઈ બીજું વાંચશે નહીં પણ વ્યાવહારિક જ્ઞાન મેળવીને અનુભવોએ ઘડેલું વ્યક્તિત્વ પર્સનાલિટી ટેસ્ટમાં રજૂ કરશે. એ દિવસોમાં તેમણે ભારત જ નહીં પણ ગ્લોબલ કહી શકાય એવી રોજની 2-3 ફિલ્મો જોવાનું શરૂ કર્યું હતું. પર્સનાલિટી ટેસ્ટમાં તેમને કાયદાશાસ્ત્રને લગતા સવાલો પુછાયા હતા. કોચિંગ ક્લાસની ફોર્મ્યુલા પ્રમાણે નહીં પણ પોતાની કોઠાસૂઝથી તેમણે જવાબો આપ્યા હતા. મેચની છેલ્લી ઓવરમાં સ્કોર કરવાનું કેવું દબાણ ખેલાડી પર હોય એવું જ કંઇક એ દિવસના ઇન્ટરવ્યૂમાં કરણજીતભાઈ પર હતું. કાયદાશાસ્ત્ર વિષય રાખનાર ગુજરાતમાં જવલ્લે જ મળે. તેઓ કહે છે, ‘આ વિષય મૂળ તાર્કિક છે. એમાં લાબું લખાણ નથી પણ સ્પષ્ટ સમજશક્તિ જરૂરી છે. કાયદાના મૂળ સિદ્ધાંતો સાથે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓને જોડીને એક વિહંગમ દૃશ્ય ઊભું કરવું જરૂરી છે. તર્ક અને ભાષા જોડાય તો આ વિષય સ્કોર અપાવે ખરો.’ એમનો બીજો વિષય તે વર્ષોમાં ગુજરાતી સાહિત્ય હતો. કરણજીતભાઈની રણનીતિ સ્પષ્ટ હતી જે વિષય મજબૂત છે તેની મજબૂત ધાર કાઢવી અને જે નબળા છે તેમાં ઝાઝો સમય આપવા કરતા તેને સરેરાશ રેખાની પાસે લાવી દેવા. આ રણનીતિ તેમના માટે કામ કરી ગઈ. કરણજીતભાઈ કહે છે, ‘હતાશા એ આ તૈયારીનો ભાગ છે. બાળપણમાં NCCમાં ગવાતી ‘ઇતની શક્તિ હમે દેના…’ અને સ્કૂલમાં ગવાતી ‘એક જ દે ચિનગારી…’ જેવી પ્રાર્થનાઓએ અંદરનો લય ખોરવાવા ન દીધો. ‘માનવીની ભવાઈ’ નવલકથાનાં ગીતો સંઘર્ષના દિવસોનું સંગીત બન્યાં.’ આખરે આટલાં વર્ષોનો સંઘર્ષ ફળીભૂત થયો. સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા સંદર્ભે ચાલતા કોઈ કેસના કારણે પરિણામ મોડું મળ્યું પણ મળ્યું ખરું. એ દિવસે અંતરિયાળ વિસ્તારમાં કાર ડ્રાઈવ કરી રહેલા કરણજીતભાઈને અભિનંદન આપવા ઘણા ફોન લોકોએ કર્યા પણ નેટવર્ક ના હોવાના લીધે એ ફોન લાગ્યા નહીં. જેવું નેટવર્ક મળ્યું કે બપોરે એક મિત્રએ કરેલો અને કરણજીતભાઈની કાગડોળે રાહ જોતો અભિનંદનનો મેસેજ ડિલિવર થયો. કેટલાય કિ. મી. ચાલ્યા પછી મળતા વિસામાનો અનુભવ તેમને થયો. કરણજીત વડોદરીયાને DANICS સેવા મળી. આ સેવા અંતર્ગત દિલ્હી સહિત આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દુર્ગમ વિસ્તારોમાં વહીવટી સેવા કરવાનો અવસર મળે છે. લક્ષદ્વીપના આન્ડ્રોટ ટાપુ પર 2014ની ચૂંટણી દરમિયાન સંવદેનશીલ માહોલમાં તેમણે SDM તરીકે શાંતિપૂર્ણ મતદાન કરાવ્યું હતું. એક પણ FIR વિનાની ચૂંટણી કાયદો અને વ્યવસ્થાનું પ્રમાણપત્ર આપે છે. હાલ તેઓ દમણ ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે મહત્ત્વપૂર્ણ હોદ્દા પર ફરજ બજાવે છે. પોતાની સફળતા માટે તેઓ માતા-પિતા, પરિવારજનો અને મિત્રોનો આભાર માને છે. પોતાના પત્નીને તેઓ લકી ચાર્મ માને છે કેમે કે જીવનમાં તેમના આગમન પછી જ પરિણામ આવ્યું અને તેમાં તેઓ સફળ થયા. કઠોર પરિશ્રમને નિર્વિકલ્પ માનતા કરણજીતભાઈની આ સફર સૌ ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે. ⬛

અન્ય સમાચારો પણ છે...