ડણક:કોવિડ : માનવ સર્જિત આપત્તિ છે કે પછી પ્રાકૃતિક ઉત્ક્રાંતિ પામેલ વાઇરસ?

શ્યામ પારેખ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ચીનની વુહાન વાઇરોલોજી ઇન્સ્ટિટ્યુટ કોવિડ માટે દોષી નથી તેવી ચર્ચાઓ બાદ, ‘ડ્રાસ્ટિક’ નામના એક ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા ડિટેક્ટિવ્સના એક સ્વૈચ્છિક જૂથે વિશ્વવ્યાપી સંશોધન બાદ અનેક નવી હકીકતો જાહેર કરી છે

મેમહિનાના છેલ્લાં અઠવાડિયામાં અમેરિકી પ્રમુખ જો બાઈડને એક જાહેરાત કરી અને અમેરિકાની જાસૂસી સંસ્થાઓને હુકમ કર્યો કે આગામી 90 દિવસની અંદર covid-19 માટે જવાબદાર કોરોના વાઇરસનાં મૂળ પ્રાકૃતિક છે કે માનવસર્જિત અને તેને ચીન સ્થિત wuhan institute of virology દ્વારા બનાવવામાં આવેલ અને આકસ્મિક રીતે તે ફેલાઇ ગયો કે પછી ચીનના દવા મુજબ તે પ્રાકૃતિક આપદા છે - એ અંગે સંપૂર્ણ સંશોધન કરી અને સ્પષ્ટ માહિતી પૂરી પાડે. આમ તો સાવ અચાનક જ થયેલી હોય તેવી લાગતી આ જાહેરાત પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે. કોવિડના રોગચાળાની શરૂઆતથી જ ઘણા બધા વૈજ્ઞાનિકો તબીબો અને રાજકારણીઓ તથા સુરક્ષા નિષ્ણાતો દાવો કરતા આવ્યા છે કે કોરોના વાઇરસ સમૂહનો એક વાઇરસ કે જે SARS-COV-2 નામે ઓળખાય છે તે ચીન દ્વારા વુહાન ખાતે જ બનાવવામાં આવ્યો છે. ‘ગેઇન-ઓફ-ફંક્શન’ નામના પ્રયોગો માટે મૂળ ચામાચીડિયામાં જ સીમિત એવા આ વાઇરસને માણસોમાં પણ ચેપ ફેલાવવા માટે, અમેરિકાની આર્થિક મદદથી, સક્ષમ બનાવવામાં આવ્યો છે તેવું દૃઢપણે માનવામાં આવે છે. શક્ય છે કે આ વાઇરસ આકસ્મિકરૂપે લેબોરેટરીમાંથી પૂરતી સુરક્ષાના અભાવે લીક થઇ અને પ્રસરી ગયો અથવા પછી તેને જાણીબૂઝીને ફેલાવવામાં આવ્યો હોય. પણ મૂળભૂત રીતે ચીન જવાબદાર હોય તેવું ઊભરી આવે છે. જોકે, આ વૈશ્વિક મહામારીની શરૂઆત વખતે અમેરિકાના તે વખતના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અનેક આક્ષેપો કર્યા હતા. પરંતુ કોઈ પગલાં લીધા ન હતા. પરંતુ કોઈ ફિલ્મ કે વેબ સિરીઝને પણ ઝાંખી પાડે તેવી સનસનાટીભરી ઘટનાઓ, વાર્તાઓ અને જાસૂસી દ્વારા મેળવાયેલા પ્રમાણોને પરિણામે બાઈડન પાસે આ વાતને ખૂબ ગંભીરતાથી લીધા સિવાય છૂટકો જ નહોતો. વાત એમ છે કે ઇન્ટરનેટ પાર આવા સમાચારો વાંચ્યા પછી બધા જ લોકો કંઈ ચૂપચાપ બેઠા ના રહે! સાઇબર નિષ્ણાતો, મેડિકલ ઇન્વેસ્ટિગર્સ, હેકર્સ, વૈજ્ઞાનિકો એમ અનેક દેશોના અંદાજે બે ડઝન તજજ્ઞોએ મળીને ઈન્ટરનેટ જાસૂસોનું એક જૂથ બનાવ્યું અને સંશોધન આદર્યું. આ જૂથનું નામ આપ્યું, ‘Decentralized Radical Autonomous Search Team Investigating COVID-19 (DRASTIC).’ આ જૂથ દ્વારા છેલ્લા પાંચ-છ મહિનામાં ઘણી બધી હકીકતો પુરાવા સાથે જાહેર કરાય છે. જેમાં મુખ્ય બાબત એ છે કે ચીનના વુહાન ખાતે કોરોના વાઈરસને માનવોમાં ચેપ ફેલાવવા માટે સક્ષમ બનાવવા, લગભગ એક દસકા જેટલા સમયથી સંશોધન અને પ્રયોગો ચાલતા હતા. વળી, તેમણે શોધી કાઢ્યું કે ‘બેટ-વૂમન’ તરીકે ઓળખાતા અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની નિદેશક એવા શી ઝેન્ગલી દ્વારા વર્ષ 2012થી ‘મોજિઆંગ’ ખાતે આવેલી ખાણોની મુલાકાત લઇ ચામાચીડિયાઓમાં રહેલા વાઇરસના સૅમ્પલ લઇ સંશોધનો કરેલા. અને ‘RATG13’ ના નામે ઓળખાતો એક વાઇરસ કે જે કોવિડ માટે કારણભૂત કોરોના વાઈરસ જેવો જ છે તેની પર પણ ઘણું સંશોધન કરેલ. વળી, અમેરિકા સ્થિત ‘ઈકો હેલ્થ એલાયન્સ’ સંસ્થા દ્વારા વુહાનસ્થિત સંસ્થાને કરોડોનું ભંડોળ આ સંશોધન માટે પૂરું પડાયું હતું. અને આમ આ ખૂબ ભયાનક એવા ચીની સંશોધન પાછળ રહેલી અમેરિકી મદદ જ અત્યારે અમેરિકા સહીત બધાને મૂંઝવી રહી છે. વળી, એક મોટી સમસ્યા એ ઊભરી આવી છે કે જ્યારે વર્ષ 2003માં અન્ય એક કોરોના વાઈરસ દ્વારા SARS સાર્સ-1 નામનો રોગચાળો ફેલાયો હતો ત્યારે માત્ર ચાર મહિનાની અંદર વૈજ્ઞાનિકો તેના મૂળ સુધી જઈ શક્યા હતા - ચામાચીડિયાનો સમૂહ અને તેમના દ્વારા જે પ્રાણીઓને ચેપ લાગ્યો હતો તે પણ ઓળખાય ગયા હતા. ત્યારબાદ MERS મર્સ રોગચાળો ફેલાયો ત્યારે પણ જે ઊંટ દ્વારા માણસોમાં ફેલાયો હતો તે સુધ્ધાં નવ મહિનામાં ઓળખાઇ ગયા હતા. પરંતુ 15 માસ બાદ પણ હજુ પણ કોવિડને લગતી ચાઈનીઝ થિયરી - કે વુહાન વેટ માર્કેટ’ માં ચામાચીડિયાથી આનો ચેપ માણસો સુધી પહોંચ્યો - તેને પુષ્ટિ આપતા કોઈ પુરાવા મળી શક્યા નથી. આમ આવનારા દિવસોમાં મહદ અંશે ગુપ્ત રહીને કામ કરતા DRASTIC ના સભ્યો હોય કે અમેરિકી જાસૂસી સંસ્થાના નિષ્ણાંતો હોય, બધાનું ફોકસ એકજ જગ્યાએ કેન્દ્રિત રહેશે - ચીનના વુહાન સ્થિત વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી. જોકે સંપૂર્ણ માહિતી અને પુરાવાઓ ચીન કંઈ એમ સહેલાઈથી અન્યોના હાથમાં જવા નહીં દે. અને અનેક જાસૂસો પુરજોશથી કામ કરે તો કદાચ અશક્યને પણ શક્ય બનાવી દે તેવું પણ બને. હવે જો અત્યારે ઉપલબ્ધ માહિતી પ્રમાણે જઈએ તો બે શક્યતાઓ સ્પષ્ટ દેખાય છે. વિશ્વભરમાં ફેલાયેલો આ વાઇરસ યા તો ચીન દ્વારા આકસ્મિક રીતે લૅબોરેટોરીમા થોડી બેકાળજીને કારણે પ્રસરી ગયો અને પછી તેના પર ઢાંકપિછોડો કરવા વેટ માર્કેટની વાત ફેલાવવામાં આવી. યા તો ચીન દ્વારા જાણીબૂઝીને ફેલાવાયો હોય. ત્રીજું કારણ જે અત્યાર સુધી સ્વીકાર્ય ગણાતું હતું - પ્રાકૃતિક રીતે ચામાચીડિયામાંથી માનવોમાં ફેલાઇ ગયો - તે અત્યારના સંજોગોમાં નવી માહિતીને કારણે થોડું ઓછું સ્વીકાર્ય લાગે છે. ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...