તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્ન વિશેષ:કોરોના પછીની જિંદગી ?!

4 મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
 • કૉપી લિંક
 • એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ‘લાઇફ આફ્ટર કોરોના’ કેવી હશે?

જરા શંકા છે કે શું ‘લાઇફ આફ્ટર કોરોના’ અલગ હશે કે ના, હતી તેવી જ હશે, મારી, તમારી ને આપણી જિંદગી?! ઘણુંખરું તો આપણે ‘જૈસે થે’ના માણસો છીએ. આપણને ‘મેલ કરવત મોચીના મોચી’માં જ રસ પડ્યો છે, પરંતુ કોરોના મહામારીએ આપણને થંભાવી દઈને એવા હચમચાવી નાખ્યા છે કે કોરોનાની વિદાય પછી આપણે સાવ જ ‘હતા તેવા ને તેવા’ રહીશું તો તો આપણા માટે ખોટનો ધંધો થશે... કુદરતના કરિશ્માનો કારમો અનુભવ મેળવ્યા પછી જો આપણે રુખડ જ રહીશું તો હવે કુદરત આપણને કોળિયો કરી જશે, એ નક્કી. એથી ઉલ્ટું, બહુ મોટી તક મળી છે, આપણને, જીવનના બદલાવની, જીવનને પરમાનંદથી માણવાની અને લોકડાઉનમાં આપણે તેનું રિહર્સલ પણ કરી લીધું છે! અને એટલે મારી ‘ લાઇફ ડ્યુરિંગ લોકડાઉન’ એ વોર્મિંગઅપ સેશન ગણવું ‘લાઇફ આફ્ટર કોરોના’નું! ‘સ્વસ્થ’ પછી ‘ ગૃહસ્થ’ ને પછી ‘ પ્રશસ્ત’, ... આ ત્રણ પગલાંને વ્યાપક બનાવવાનાં અને એ નેવું દિવસમાં ઘરમાં જે કર્યું તેને ન છોડવું એ કોરોના પછીના જીવન માટે અતિઆવશ્યક. ઘરમાં રહેવું, પતિ- પત્ની- સંતાનો- મા-બાપ સાથે રહેવું, ઘરકામમાં સહભાગી બનવું, સાથે બેસીને ગીતો ગાવાં-ગેમ રમવી-યોગાભ્યાસ કરવો-વરાળનો નાસ લેવો, લીંબુ નાખેલ ઉકાળો પીવો અને ‘દૂર રહીને સાથે રહેવું’ શરૂશરૂમાં ન ગમ્યું, પણ પછી તે રૂટિનમાં આનંદ આવવા લાગ્યો કે નહીં? બસ, આ રૂટિનને શક્ય તેટલો જાળવી રાખવા હું પ્રયત્નશીલ રહીશ, એવી પ્રતિજ્ઞા કોરોના પછીના કાળ માટે ભીષ્મ પ્રતિજ્ઞા બની રહેશે.

બહાર જઈએ કે બહાર ખાઈએ એને જ લક્ઝરી કહેવાય એવું નથી તેવી સમજ વિકસી ને? બાળકોએ મા-બાપને જાણ્યાં, ઓળખ્યાં ને નાણ્યાં. માબાપ શીખ્યાં કે સંતાનોની હાજરીમાં પ્રેમ વિકસે છે. મોબાઈલ ને ટીવી ને મનોરંજનનાં માધ્યમો સાથે માણવાની ઓર મઝા છે. ટેક્નોલોજી દુશ્મન નથી જો યથાર્થ ઉપયોગ કરતાં આવડે તો! મોબાઈલ લર્નિંગ ટૂલ છે અને તે શિક્ષણનો આધાર બની શકે છે. એટલે તેને તરછોડીને નહીં, પણ પુખ્ત સમજથી હું વાપરીશ અને ઘરનાં સૌ સાથે રહી એમ વાપરતાં શીખવીશ.

મારાં બાળકો માનસિક રીતે મજબૂત બને તેની મારે હવે વિશેષ કાળજી લેવાની છે. અત્યાર સુધી ઘરમાં મૃત્યુની વાત થતી તો વડીલ તરીકે હું તરત જ વાત બદલાવી નાખતો હતો, પણ હવે મારે જ મારાં સંતાનોને સમજાવવું પડશે કે, ‘મૃત્યુ પણ મંગળ છે અને તે આવશે જ.’ કારણ આપણે મૃત્યુને આપણી શેરીમાં લટાર મારતું જોયું છે. મહામારીમાં વધુ જીવ તો ભયથી ગયા છે. સ્વામી વિવેકાનંદ ‘અભય’ની વાત કરે તે હવે મારાં કુટુંબનાં દાદા-દાદીથી લઈ નાના દીકરા-દીકરીને ગળે ઊતરાવવી રહેશે અને ‘જે જન્મે છે તે અવશ્ય મરે છે’ તે હકીકતનો આત્મબળ સાથે સ્વીકાર કરતાં શીખવવું પડશે. કઠોપનિષદની નચિકેતાની કહાની ઘરમાં જાહેરમાં ચર્ચવી પડશે! ‘મારું-તારું-આપણું’ બોલવાને બદલે ‘સૌનું-સહુનું-સર્વનું-સકલ વિશ્વનું’ એમ કહેતા ને અનુભવતા થવાનું હવે આવશ્યક બનશે. ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી’ની ફિલસૂફી મારે આત્મસાત કરી સૌને એ સ્વીકારતાં કરવાની જવાબદારી મારી રહેશે. ભગવદ્્્ ગીતાના બે શબ્દો મારી ‘લાઇફ આફ્ટર કોરોના’ના આધારસ્તંભો બની રહેશે : 1. સ્વધર્માચરણ, 2. સર્વ ઇશ્વરાપર્ણ... મારે હવે પળેપળ યાદ રાખવાનું છે કે હું પૃથ્વી પર આવ્યો ત્યારે મને નિયત હોમવર્ક આપીને મોકલ્યો છે તે મારું સ્વધર્માચરણ અને તે પૂર્ણ કરતાં જે કંઈ મળે તેમાં હું નિમિત્ત માત્ર છું માટે સઘળું પરમ તત્ત્વને અર્પણ! મહામારી મોકલનારની અપેક્ષા આપણી પાસે આટલી જ છે! એ અપેક્ષા સંતોષીશું તો હજુ આવતી રહેનારી નાની-મોટી મહામારીને ‘સુસ્વાગતમ’ કહેવા જેટલો આત્મવિશ્વાસ હૈયે ભરેલો રહેશે. bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો