પણે બંદા તો છેક દેવપ્રયાગ (અલ્લાહાબાદ)માં ભરબપોરેય રાજીના રેડ થઇ ગયા!
એકત્રીસમી મેનો ધોમધખતો તાપ અને પસીનાથી તરબતર કરતી બપોર. અમે દેવપ્રયાગના બજારના રસ્તાઓ પાર કરીને પહોંચ્યા હતા આનંદભવન.
હા, નેહરુ પરિવારનો રળિયામણો નિવાસ. ઘાટીલો બંગલો અને તેને જોડતા બીજા ઓરડાઓ. આસપાસ લીલુંછમ ઉદ્યાન. પણ, આ બધું હોવા છતાં ગરમીનો પ્રકોપ તો એવો ને એવો જ.
ગુજરાત-ગૌરવની ક્ષણ ત્યારે સાંપડી, જ્યારે પંડિત જવાહરલાલ નેહરુના અભ્યાસ અને શયનખંડમાં પહોંચ્યા. નેહરુ રહેવા-કરવામાં સાદા. એ તો તેમની પથારી અને ટેબલ-ખુરશી બતાવે છે, પણ ઓરડાનું શિલ્પ સુંદર છે. અને તેવાં જ નજરે ચડતા પુસ્તકોના કબાટો. સદ્્ભાગ્યે તેને ખાલી નહોતા કરવામાં આવ્યા, તેમાં ‘નેહરુનાં અંગત પુસ્તકો’ ગોઠવવામાં આવ્યા હતાં. મોતીલાલ નેહરુના ખંડમાં વકીલાતનાં વધારે, અહીં બીજાં પણ હતાં.
પુસ્તકોનાં કબાટોને તાળું માર્યું હતું. એટલે બહારથી જ નજર કરવી પડે. વિશ્વના ઇતિહાસ, સમાજવિદ્યા, સાહિત્યનાં આ પુસ્તકો જર્જરિત દશામાં છે. સ્મારક તો એવું જ હોય ને, ‘ખંડહર બતા રહા હૈ, ઇમારત કિતની બુલંદ થી!’ પણ પુસ્તકોનું તો ડિજિટલાઇઝેશન કરાવી લેવું જોઇએને?
એવું નથી થયું. તેવામાં ફરતાં ફરતાં એક ખૂણા પરના બંધ કબાટમાં, કાચમાંથી એક પુસ્તક નજરે ચડ્યું. - અરે, આ તો આપણા ગુજરાતી પત્રકારનું પુસ્તક! ‘ગુજરાતી પત્રકારનું?’ ‘હા. વૉર વિધાઉટ વાયોલન્સ!’ ‘એ તો કૃષ્ણલાલ શ્રીધરાણીનું.’
આપણા આંતરરાષ્ટ્રીય પત્રકાર, ગુજરાતી સાહિત્યે તેમને કવિતા-નાટકની કેદમાં જ પૂરી રાખ્યા છે! એમણે કોલંબિયા યુનિવર્સિટીમાં સમાજવિદ્યા અંતર્ગત પીએચ. ડી.ની પદવી મેળવી તે આ પુસ્તક.
શું જવાહરલાલે તે વાંચ્યું હશે? કદાચ. કેમ કે શ્રીધરાણી નેહરુના મિત્ર હતા. અમેરિકા-નિવાસ પછી નવી દિલ્હીમાં સ્થાયી થયા હતા. થોડા સમય માટે વિદેશ મંત્રાલયમાં ‘ઓફિસર ઑન ડ્યુટી’ તરીકે રહ્યા પણ ન ફાવ્યું. એટલે શરૂઆતથી જ તેમના પ્રિય ક્ષેત્ર- પત્રકારત્વને પસંદ કર્યું. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’, ‘અમૃત બઝાર પત્રિકા’, ‘પ્રજાબંધુ’, ‘જન્મભૂમિ’, ‘કરન્ટ હિસ્ટરી’, ‘ધ વેસ્ટ દામ્બુર્ગ’, ‘સેટરડે’, ‘રિવ્યૂ ઑફ લિટરેચર’, ‘ટોકિયો શિમ્બુન’, ‘ધ સન’, ‘બોમ્બે ક્રોનિકલ,’ ‘ધ ન્યૂ રિપબ્લિક’, ‘એશિયા’, ‘અમેરેશિયા’, ‘વોઇસ ઑફ ઇન્ડિયા’ આ બધાંમાં તેમની કલમ ચાલી. ‘વોઇસ ઑફ ઇન્ડિયા’એ અમેરિકામાં ભારતીય સ્વતંત્રતા વિશે મજબૂત પક્ષ મૂક્યો.
સંભવ છે કે નેહરુને તેમની અમેરિકા-નિવાસ દરમિયાનની કામગીરી ગમી હોય. દિલ્હીમાં તો સંબંધો ગાઢ થયા. શ્રીધરાણીનાં બે સંતાનો- અમર અને કવિતા. એમનું નામકરણ જવાહરલાલ નેહરુ અને ડૉ. રાધાકૃષ્ણને કર્યું હતું! નેહરુ પરિવાર સાથેની શ્રીધરાણીની એક અવાન્તર કથા પણ છે. સ્વતંત્રતા જંગ દરમિયાન અમેરિકામાં કેટલાક ભારતીય બૌદ્ધિકો (સાચા અર્થમાં બૌદ્ધિકો)એ એક સંસ્થાની સ્થાપના કરી તે ‘ઇન્ડિયા લીગ.’ તેનું મુખપત્ર એટલે ‘ઇન્ડિયા વોઇસ.’ હવે આ ‘ઇન્ડિયા વોઇસ’માં એકઠા થયેલા ‘મિસ્ચીવિયસ બોય્ઝ’ કોણ- તો કૃષ્ણલાલ શ્રીધરાણી, ડો. અનુપ સિંહ, ગોવિંદ બિહારી લાલ, સઇદ હુસેન, અનુલેખા પંડિત, વિજયાલક્ષ્મી પંડિત, લૂઇસ બ્રૂમફિલ્ડ, દીવાન ચમનલાલ… ‘ઇન્ડિયા ટુડે’ (તે સમયના અમેરિકાનું) અને ‘ઇન્ડિયા વોઇસ’માં એકત્રિત આ બધાંનો અનોખો ઇતિહાસ છે. તેમાંનો એક સઇદ હુસેન. ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને 1914માં ભારતમાં પાછો ફર્યો, દિલ્હીના બૌદ્ધિક મુસ્લિમ પરિવારનું સંતાન. અભ્યાસ ચાલુ રાખ્યો. જવાહરલાલની તેમના પર નજર પડી. રૂપાળો, આકર્ષક સઇદ કોંગ્રેસમાં જોડાયો. તે સમયે મોતીલાલ નેહરુનું અખબાર ‘ઇન્ડિપેન્ડન્ટ’ લોકપ્રિય હતું તેમાં જોડાવા અલ્લાહાબાદ પહોંચ્યો. આનંદભવનમાં મોતીલાલ નેહરુને મળ્યો. મોતીલાલ ખૂબ રાજી થયા એટલે નેહરુ પરિવારનો સભ્ય જ થઇ ગયો. આનંદભવન તે સમયે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. વિજયાલક્ષ્મી ઠાઠમાઠ સાથેનાં મહિલા, સઇદ હુસેન પર આકર્ષાયા. પરિચય પ્રેમમાં બદલાયો. ‘ઇન્ડિપેન્ડન્ટ’ પછી મુંબઇમાં હોર્નિમેનના ‘બોમ્બે ક્રોનિકલ’નો સહતંત્રી થયો અને વિજયાલક્ષ્મી-સઇદ હુસેન ગાઢ પ્રણય પછી એકબીજાનાં જીવનસંગી બનવા તૈયાર થયાં. ‘આનંદભવન’માં આ જાણીને ઝંઝાવાત થયો. મોતીલાલે ઘસીને ના પાડી. જવાહરલાલ સંમત ન થયા. એટલે નક્કી થયું કે ગાંધીજીની મુલાકાત લેવી. ગાંધીજીએ પણ ચોખ્ખી ના પાડી!
હતાશ સઇદે ભારત છોડી દીધું અને અમેરિકા ચાલ્યો ગયો. પત્રકારનો જીવ એટલે ‘ક્રોનિકલ’માં લખતો રહેતો. ‘આર્મ્ડ કોન્ફરન્સ’માં ભાગ લેવા ગયો ત્યાં જ હરિદાસ મઝુમદારનો પરિચય થયો. આ માણસ પણ આપણી તવારીખનું રસપ્રદ વ્યક્તિત્વ! શ્રીધરાણીએ એક લેખમાં લખ્યું હતું કે ‘આ માણસ એક ગાઉ સુધી સંભળાય તેવું હાસ્ય કરતા!’ 1930ની ગાંધીજીની દાંડીકૂચમાં ભાગ લીધો. ત્યાં શ્રીધરાણી તો ‘ટીન એજ’ના મુગ્ધ છાત્ર તરીકે સત્યાગ્રહીઓની સાથે નીકળ્યા હતા. શ્રીધરાણી-મઝુમદાર ત્યાં મળ્યા. 1926માં અમેરિકામાં એમ. એ. થયા. વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં પીએચ. ડી.ની પદવી મેળવી, અધ્યાપક બન્યા. ગાંધીજી વિશે અમેરિકામાં પહેલું પુસ્તક લખ્યું. દાંડીકૂચ દરમિયાન તે પકડાઇને જેલમાં ન જાય તેવી મોતીલાલ નેહરુની ઇચ્છા હતી એટલે મુંબઇ કોંગ્રેસે ટિકિટ કઢાવીને મઝુમદારને અમેરિકા મોકલી દીધા.
સઇદ હુસેનને તરછોડનાર નેહરુ-પરિવારના વિજયાલક્ષ્મીને 1944માં અમેરિકામાં મળેલી શાંતિ-પરિષદમાં ફરી વાર મળવાનું તો થયું, પણ નેહરુપરિવારે જાજરમાન વિજયાલક્ષ્મીને ગુજરાતના સંપન્ન પંડિત સાથે પરણાવી દીધાં હતાં! શ્રીધરાણીનો નયનતારા સહગલ અને અનુલેખા પંડિતની સાથે પણ રસપ્રદ સંબંધ હતો. શ્રીધરાણીએ કહ્યું પણ ખરું: ‘પ્રેમમાં તો હું બે-ત્રણ વાર પડ્યો છું. જેમ હિન્દમાં તેમ અમેરિકામાં પણ પ્રેમ કર્યો. 1950ની આસપાસ નેહરુની ‘ડિસ્ક્વરી ઑફ ઇન્ડિયા’ પરથી નૃત્ય નાટિકા થઇ હતી ત્યાં મેં સુંદરી (પછીથી પત્ની)ને જોઇ. જયરામદાસ દોલતરામની ભત્રીજી. દયારામ ગીડુમલ પરિવારની. તેની સાથે પ્રેમમાં પડ્યો અને લગ્ન કર્યાં.’
શ્રીધરાણીનું પુસ્તક ‘વર્લ્ડ વિધાઉટ વાયોલન્સ’ અમેરિકનો ને ગાંધીજી અને સત્યાગ્રહ સમજવાનું બાઇબલ ગણે છે! 27 જુલાઇ, 1960ના તેમનું નવી દિલ્હીમાં અવસાન થયું. ગુજરાતમાં પત્રકાર તરીકે તેમને સદૈવ યાદ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીએ તેમનાં નામની ‘ચેર’ સ્થાપી છે.
અલ્લાહબાદ-પ્રયાગરાજમાં નેહરુનાં આનંદભવનમાં તેમનું પુસ્તક જોઇને બપોરનો સમય ગૌરવ બની ગયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.