રાગ બિન્દાસ:મુબારક હો! નેતાજી પાસ હો ગયે!

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેતાઓનાં જૂઠાણાં પર આખેઆખા ગ્રંથ લખી શકાય. જૂઠું બોલવાની બાબતમાં દેશના
  • દરેક પક્ષના નેતાઓમાં ભયંકર એકતા છે

રિક્ષા અને પરીક્ષામાં ગમે ત્યારે બેસી શકાય (છેલાવાણી)એક ગલીમાં 3-4 બાળકો વિચિત્ર રમત રમતાં હતાં. એકના હાથમાં ગલૂડિયું હતું અને એ બીજા પાસે બીજા બાળક તરફ ફેંકતું હતું, એમ એકમેકને ગલૂડિયું ઉછાળી ઉછાળીને પાસ કરતાં હતાં. ઉછાળતાં પહેલાં શરત એ હતી કે જે સૌથી મોટું જૂઠું બોલે ગલૂડિયું એનું થઇ જાય! એવામાં ત્યાંથી એક નેતા પસાર થયા. એમણે બાળકોને ટોક્યાં કે ‘આવી ક્રૂર રમત ના રમાય અને આ ઉંમરે તમે લોકો ખોટું બોલો છો? હું તો કદીયે ખોટું બોલતો નથી! …. અને બાળકે તરત જ ગલૂડિયું નેતા તરફ ફેંકીને કહ્યું: ‘અંકલ, તમે જીતી ગયા! આનાથી મોટું જૂઠાણું અમને નહીં આવડે!’ નેતાઓનાં જૂઠાણાં પર આખેઆખા ગ્રંથ લખી શકાય. એમાંયે નેતાઓની આવક, સંપત્તિ, ડિગ્રીઓ વગેરે પર ચાલતા હોય છે. જૂઠું બોલવાની બાબતમાં દેશના દરેક પક્ષના નેતાઓમાં ભયંકર એકતા છે… પણ હમણાં સારા સમાચાર મળ્યા કે હરિયાણાના જાણીતા નેતા ઓમપ્રકાશ ચૌટાલા 87 વરસની ઉંમરે 10મું ને 12મું પાસ કરી શક્યા છે અને એ પણ તિહાર જેલમાં બેઠાં બેઠાં! એક્ચ્યુલી, ચૌટાલાજી 2021માં જ 12મું પાસ કરી નાખત પણ ત્યારે ખબર પડેલી કે નેતાજીએ 10મા ધોરણનું અંગ્રેજીનું પેપર પાસ જ નહોતું કર્યું! બાકીના વિષયો 2017માં જ પાસ કરી નાખેલા પણ અંગ્રેજીવાળી વાત છૂપાવેલી એટલે આ વખતે એ વિષય પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન યુનિવર્સિટીમાંથી પાસ કરી નાખ્યો! આમ જોઇએ તો આ ઉંમરે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચૌટાલાજી 10મું-12મું પાસ કરીને દેશને પ્રેરણા આપી રહ્યા છે. ધન્ય છે! લોકમાન્ય તિલકે જેલમાં રહીને ‘ગીતા રહસ્ય’ નામનો મહાન ગ્રંથ લખેલો તો ચૌટાલાજીએ 10મું -12મું પાસ કર્યું! દરેક યુગને પોતાની લાયકાત પ્રમાણે નેતાઓ મળી જ રહે છે! ખરેખર તો દેશના દરેક નેતા કોઇપણ ઉંમરે ડિગ્રી અને એ પણ સાચી ડિગ્રીઓ મેળવવા માટે મહેનત કરે એવું થાય તો કેવું સારું! આપણાં બાળકોને પણ એમ થાય કે અમે પણ ભણીએ અને પાસ થઇએ અને નપાસ થઇએ તો રાજકારણમાં જઇએ! પછી વખત આવે જેલમાંથી પાસ ક્યાં નથી થવાતું? વળી, મજાની વાત એ છે કે ચૌટાલાજીને 10 વરસની જેલ પણ એટલે થઇ છે કે એ હરિયાણાના મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષકોની ભરતીમાં ગોટાળા કરીને કરોડોનું શિક્ષા કૌભાંડ કરેલું! વિચાર કરો શિક્ષા કૌભાંડમાં સંડોવેલો નેતા જ તિહાર જેલમાં બેસીને શિક્ષણ પામે એ કેવી આશ્ચર્યની વાત છે! કહેવાય છેને કે-‘જે એનું કારણ એ જ એનું મારણ!’ અમને તો આમાં ઇશ્વરનો કોઇ દૈવી સંકેત દેખાય છે! ભગવાન કૃષ્ણનો જેલમાં જન્મ થયેલો એમ કૌભાંડી નેતાનો જેલમાં 12મું પાસ તરીકે પુનર્જન્મ થયો કહેવાય! ઇન્ટરવલ ભૈ આ મારી નામના શી રીતે વહેચું તને, બાપની મિલકત નથી કે ભાગ અડધો પાડીએ( ખલીલ ધનતેજવી) વળી, આ 10 ને 12મું પાસ થવાની સિદ્ધિ વિશે જ્યારે ચૌટાલાજીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે માત્ર એટલું જ કહ્યું કે–‘હું તો બસ વિદ્યાર્થી છું!’ આને કહેવાય નમ્રતા! ‘વિદ્યા વિનયથી શોભે છે’- જેવાં સુવાક્યોને ચૌટાલાજીએ જેલમાંથી સાર્થક કરી બતાવ્યા. અમે તો કહીએ છીએ કે ચૌટાલા પાસેથી પ્રેરણા લઇને દેશના અનેક અભણ નેતાઓ માટે ખાસ પરીક્ષાઓ યોજાવી જોઇએ….અને જરૂરી નથી કે જે જેલમાં હોય એમણે જ અધૂરી રહી ગયેલી પરીક્ષાઓ આપવી. જે જેલની બહાર હોય, જેલ જવામાં હોય કે જેલ જઇને આવ્યા હોય એ સૌને એકસમાન ચાન્સ મળવો જોઇએ! અરે, શિક્ષા મેળવવી સૌનો અધિકાર છે. કોઇ કૌભાંડી કે કોમવાદી કે ગુનેગાર હોય તો શું થયું? વિદ્યાદેવી સામે તો સૌ સરખા! આ બહાને સૌની ડિગ્રી પણ ચેક થઇ જશે કે નેતાજી ભણેલ છે કે નથી, નકલી ડિગ્રી તો નથી! આ વિશે આખા દેશભરમાં તપાસ થવી જોઇએ! આમાં શું છે કે તપાસ પંચ નિમાશે, દેશની તિજોરીના પૈસા પણ વપરાશે. બની શકે કે એમાંયે પાછું કોઇ તપાસ કૌભાંડ થાય. આ દેશમાં કંઇ કહેવાય નહીં! નેતાઓ સંસદમાં કે વિધાનસભામાં બેઠાં બેઠાં ધમાલો કરે અવાજો કરે એકમેક પર આક્ષપો કરે એના કરતાં પરીક્ષાની તૈયારી કરતા દેખાય તો કેવું સારું લાગે! મોટી ઉંમરે ઓછું ભણવાની વાત આવે ત્યારે વિચિત્ર સંજોગો ઊભા થાય. ગયા વરસે જ ગુજરી ગયેલા આપણા શાયર ખલીલ ધનતેજવીને વરસો અગાઉ એમ કહીને કારનું લાઇસન્સ નહોતું અપાયું કે તેઓ આઠમું ધોરણ પાસ નથી! જેમની કવિતાઓ શાળામાં ભણાવાતી હોય એવા વિદ્વાન શાયરની કાર ચલાવવાના લાઇસન્સ માટે આવી હાલત થાય તો અને તો પછી દેશ ચલાવનારા નેતાઓ માટે પણ મિનિમમ ભણતરની શરતત કેમ નહીં? જોકે આવું થવાથી યુપી, બિહારના અનેક નેતાઓ ચૂંટણી નહીં લડી શકે એ વાતનો પણ મોટો ખતરો છે! એ બધું છોડો, અત્યારે તો આખા દેશે ચૌટાલાજીને અભિનંદન આપવા જોઇએ આમને આમ તેઓ જેલમાં બેઠા બેઠાં બી. એ.- એમ. એ. કે પીએચ. ડી. પણ થઇ જાય તો નવાઇ નહીં, હોં! એન્ડ ટાઇટલ્સ આદમ: તું કેટલું ભણી છે? ઇવ: તને સમજી શકું એટલી! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...