પ્રાચીન કાળમાં સ્કંદ નામના યુદ્ધના દેવતા હતા. વિદ્વાનોના મતે સ્કંદ અને સિકંદર જે એલેક્ઝાંડરનું ફારસી નામ હતું, એ નામો સાથે કદાચ કોઇ સંબંધ છે. ચોથી સદી BCEમાં સિકંદરની નિર્દયી સેનાએ ઉત્તર-પશ્ચિમ ભારતના લોકો પર એટલો અત્યાચાર કર્યો હતો કે તેઓ સિકંદરને હિંસા અને યુદ્ધ સાથે સાંકળવા લાગ્યા હતા. કદાચ ઉત્તરથી આવનારા મહાન સ્કંદ નામના સેનાપતિની કલ્પના અહીંથી જ આવી. 600 વર્ષ પછી એટલે કે 300 CEમાં ગુપ્તકાળના સમય સુધી સ્કંદ અત્યંત લોકપ્રિય બની ગયા હતા. રાજા એમની પૂજા કરવા લાગ્યા હતા અને તેમના અનેક મંદિરો પણ બનાવવામાં આવ્યા હતા. લોકો માનવા લાગ્યા હતા કે તેઓ જ ઇન્દ્રની સેનાઓની વીર સેનાપતિ હતા જેમણે દેવતાઓને જીત અપાવી હતી. એમને શિવજીના પુત્ર કાર્તિકેય સાથે સાંકળવામાં આવતા હતા. સ્કંદના જન્મની અનેક પૌરાણિક કથાઓ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કઇ રીતે એમણે જનજાતિ લોકસાહિત્યથી લઇને વૈદિક અને અંતે શૈવ લોકસાહિત્યમાં સ્થાન મેળવ્યું. મહાભારતમાં જાણવા મળતી પ્રારંભિક કથાઓ અનુસાર શિવ સાથે તેમને કોઇ સંબંધ નહોતો. અગ્નિદેવને સપ્તર્ષિઓની પત્નીઓ સાથે સંભોગ કરવો હતો. તેઓ કોઇ ભૂલ ન કરે એ નિશ્ચિત કરવા માટે અગ્નિદેવની પત્ની સ્વાહાએ ઋષિઓની પત્નીઓનું સ્વરૂપ ધારણ કરી પોતે અગ્નિદેવ સાથે સંભોગ કર્યો. સ્વાહા છ પત્નીઓનું રૂપ ધારણ કરવામાં સફળ રહી. આ સંભોગથી છ દેવતાઓની શક્તિ ધરાવતા દેવતાનો જન્મ થયો. તે પછીની કથાઓ અનુસાર દેવતા ઇચ્છતા હતા કે ભગવાન શિવને ત્યાં એક પુત્રનો જન્મ થાય, પરંતુ શિવનું બીજ એટલું તેજસ્વી હતું કે તેને સેવવા માટે અનેક દેવતાઓ, અગ્નિ, વાયુ, નદી, બરુના જંગલ અને તારાઓની જરૂર પડી. બરુના જંગલ એટલે કે સરકટ જેના નામ પરથી બરુવન નામ આવ્યું છે. કાર્તિકેય નામ કૃતિકા નક્ષત્ર પરથી પડ્યું છે. કાર્તિકેયને કુમાર એટલે કે બાળ-દેવતા નામે પણ ઓળખવામાં આવે છે. તેમના અનેક પૌરુષ ચિહ્નો છે - એમના ધ્વજ પર કૂકડો, એમનું વાહન મોર અને એમના હાથમાં ભાલો છે. જ્યોતિષશાસ્ત્રમાં એમને મંગળ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. તેઓ લાલ રંગ સાથે પણ સંબંધિત છે જે સામાન્ય રીતે મંગળનો રંગ છે. મંગળ ગ્રહ આક્રમકતા, ક્રોધ સાથે જોડાયેલો છે, આ એક એવી લાક્ષણિકતા છે જે યુદ્ધ સાથે સંબંધિત વીર દેવતાને શોભા પ્રદાન કરે છે. યૂનાની-રોમ પુરાણકથાઓમાં પણ મંગળ ગ્રહ યુદ્ધના દેવતા છે. તેમના દેવાલય (મંદિર)નાં બારણાં માત્ર યુદ્ધના સમયે ખોલવામાં આવતા હતા, શાંતિના સમયમાં તે બંધ રહેતા હતા. સ્કંદ કાર્તિકેય યુદ્ધ સાથે એટલા નિકટતમ સંબંધ ધરાવતા હતા કે મહિલાઓ માટે એમના મંદિરમાં જવા માટે મનાઇ હતી. એનું કારણ એ હતું કે કાર્તિકેય એમના પુત્રો અને પતિઓને યુદ્ધમાં લઇ જતા જ્યાં મોટા ભાગે એમનું અવસાન થતું. હરિયાણાના કુરુક્ષેત્રમાં એક નાનકડા મંદિરમાં કાર્તિકેયને હાડમાંસ વિનાના રૂપે પૂજવામાં આવે છે. આ રૂપમાં એમના માત્ર હાડકાં છે, જેની પાછળ પણ એક રસપ્રદ કથા છે. કાર્તિકેયે મહિલાઓ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. એથી ક્રોધે ભરાઇને દેવીએ જાહેર કર્યું કે કાર્તિકેય તેમના શરીરના એ તમામ ભાગ ગુમાવી દેશે જે માતા તરફથી મળે છે. સામાન્ય રીતે શરીરના નરમ અને તરળ ભાગ માતા તરફથી મળે છે. આથી કાર્તિકેયએ પોતાનું માંસ અને લોહી ગુમાવી દીધા અને તેમના હાડકાં અને સ્નાયુઓ જ માત્ર બચ્યાં. જોકે કાર્તિકેયની આ નારીદ્વેષી લાક્ષણિકતા ઉત્તર ભારતની કથાઓ પૂરતી જ મર્યાદિત છે. દક્ષિણ ભારતમાં કથા પાછી એકદમ અલગ જ છે. તામિલનાડુમાં પલનીના પર્વતોમાં સ્કંદ બાળ-દેવતા છે, જેમણે પર્વતની ટોચ પર ભાલો લઇને ઊભા રહીને આસપાસના વિસ્તારોનો પહેરો ભર્યો. અહીં એ બાળ-દેવતા મુરુગન નામે ઓળખાયા, જે ઉત્તરમાં કૈલાસમાં પોતાના રહસ્યમય, વૈરાગી પિતાને છોડીને દક્ષિણ આવ્યા હતા. તેમનાં માતા કાર્રબાઇ એક ભયાનક, રક્તપિપાસુ દેવી હતાં જે પોતાના પુત્ર સાથે યુદ્ધક્ષેત્રમાં મરેલા યોદ્ધાઓની લાશો પર નાચતાં અને તેમના આંતરડાઓનો સ્વાદ માણતાં. કાર્તિકેય ત્યાંના લોકોના દેવતા હતા. એ લોકો લાલ કપડાં પહેરી નશામાં ભાન ભૂલીને કાર્તિકેયની ચોતરફ નાચતા હતા. જે રીતે બ્રાહ્મણવાદ ઉત્તરથી દક્ષિણ સુધી પ્રસર્યો એ જ રીતે ઉત્તરના યોદ્ધા દેવતા દક્ષિણના સંરક્ષક દેવતા સાથે મળીને એક થઇ ગયા. તેઓ પૂજારીઓની પરોપકારી દેવતા, સુબ્રમણ્ય બન્યા, જેમની આરાધના શુભ માનવામાં આવતી હતી કેમ કે તેનાથી બુદ્ધિમાં વધારો થતો હતો. તેઓ ઓછા હિંસક, કૃષ્ણની માફક લગભગ દિવ્ય બની ગયા અને માયાળું પણ... તેમની બે પત્નીઓ હતી, ઇન્દ્રદેવની પુત્રી સેન અને સ્થાનિક લોકોની પુત્રી વલ્લી. ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.