રી મિત્ર શોભા અતિધાર્મિક. એ કાયમ વાર પ્રમાણે કપડાં પહેરે. એકવાર મેં એને ફિક્સ કલરવારનું કારણ પૂછ્યું તો કહે કે, ‘જો સઇલી કપડાં તો વાર પ્રમાણે જ પેરાય. સાસ્ત્રોમાં વર્ણન છે કે જે ગ્રહનો વાર હોય એ દિવસે તે ગ્રહની હોરા પ્રબળ હોય. તું બી થોડું સાસ્ત્રોનું માનતી જા.’ ‘શ’ને બદલે કાયમ ‘સ’ બોલતી ‘સ’કારાત્મક સોભાએ પોતાનું જ્ઞાન વેરતાં ઉમેર્યું કે, ‘ઓલા મોટિવેસનલ સ્પીકરેય કીધેલું કે, લાઈફમાં મોટા નિર્ણયો સહેલાઈથી લેવા હોય તો નાના નિર્ણયોની જફામાં બઉ નઈં પડવાનું. ત્યારથી આપડે રોજનો એક કલર ફિક્સ કરી દીધો. એટલે હવારમાં મોટું ટેન્સન જતું રે કે 'આજે સું પેરુ?’ શોભાનું જ્ઞાન સાંભળીને મેંય ડહાપણ ડહોળ્યું, ‘આમ તો મને તારા જેટલું નોલેજ નહીં આમાં, પણ મને એક જ્યોતિષીએ કહેલું કે, ‘તમારી કુંડળી માંગલિક છે, એટલે જલદી લગ્ન થાય એ માટે લાલ વસ્ત્રોનો ત્યાગ કરવો. નહીંતર મંગળ વધુ પ્રબળ બનીને લગ્નમાં અડચણ ઊભી કરશે.’ ‘માંગલિક તો હું બી છું. એટલે જ મારે દર મંગળવારે લાલ કપડાને લીધે ઓફિસમાં ઝઘડા થતાં લાગે છે.’ લગ્નનું નામ પડતાં જ ગુરુપદેથી સીધું જ શિષ્યપદે સ્થાન ગ્રહણ કરીને શોભાએ પ્રશ્નોત્તરી આરંભી. ‘તો હવેથી લાલ કલર પેરવાનો બંધ કરી દઉં? લગ્ન જલદી થાય એના માટે કોઈ કલર કીધેલો જોતિસીએ?’ ‘કયો પહેરવો એ તો નહીં કીધું, પણ કાળો કલર પણ નહીં પહેરવાનો એવું કીધેલું.’ મેં ઠાવકાઈથી જવાબ દીધો. ‘હાય હાય એટલે હવે સનિવાર માટે બી મારે બીજો કલર સોધવો પડસે? તો કાળા કપડાંનું સું કરું? દાનમાં દઈ દઉં? આમેય સાડાસાતી તો ચાલે જ છે કુંભ રાસીને.’ આટલું બોલતાંમાં તો એના ચહેરાનો રંગ ફિકો પડી ગયો. ‘હા કરાય એવું. પણ જ્યોતિષીએ તો એવું પણ કહેલું કે આર્થિક સ્થિતિને મજબૂત કરવી હોય તો લાલ રંગનો પ્રયોગ કરવો. કારણ કે લક્ષ્મીજીને રાતો રંગ પ્રિય છે.’ મેં શોભાને વધુ ગૂંચવી. ‘તું મને સ્પસ્ટ સબ્દોમાં કહે કે મારે લાલ પેરવાનો કે નઈં?’ લાલપીળી થતી શોભા બોલી. ‘એ તો તારી પ્રાયોરિટી પર નિર્ભર, પણ તારે વિગતવાર સમજવું હોય તો…’ હું હજી એને વિગતવાર સમજાવું એ પહેલાં જ વાત કાપતાં શોભાએ જાહેરાત કરી દીધી કે, ‘મારે અતારે લગ્ન સિવાય બીજી કોઈ જ પ્રાયોરિટી નહીં. તારું રંગસાસ્ત્ર આપડે હોળી પછી રાખસું. અતારે હું બઉ ઉતાવળમાં છું, બાય.’ આટલું કહીને એ ગઈ અને અમારા રંગશાસ્ત્રમાં ભંગ પડ્યો. બાકી મારે તો એને એય શીખવાડવું હતું કે કઈ રાશિની વ્યક્તિને ક્યા રંગથી રંગવી. ખેર! બાકીના રંગો આવતી મુલાકાતે. ત્યાં સુધી સૌને એડવાન્સમાં હોળી મુબારક! ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.