સ્ટોરી પોઈન્ટ:રંગીન ભીંતો અને ઉદાસ અંધારું

માવજી મહેશ્વરી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ઉત્તરાયણ છે. વર્ષમાં એક વખત આવતો આ દિવસ મનની શાંતિ ડહોળી જાય છે. રાતનો એક વાગ્યો છે. હવામાં બરફની કણીઓ વેરાઈ હોય એવો શિયાળો જામ્યો છે. છોકરા ધાબળામાં ઢબુરાઈ ગયા છે. ઓરડાની મજબૂત દીવાલો. આ કંઈ આજનું નથી. એ જ્યાં સુધી આવે નહીં, ત્યાં સુધી મારે જાગતાં રહેવાનું. ઊંઘ આવી જાય, બારણું ખોલતાં વાર થાય તો પછીના દિવસો કાંટાળા ઝાડ જેવા. અરે! સ્વમાન તો ક્યારનુંય મરી પરવાર્યું છે. જીવ પર આવી જઈને વિનંતીઓ કરવાની. એક દાયકામાં જે કંઇ બન્યું, એ કેવી રીતે બન્યું એ વાત સાતમે પાતાળ દાટી દીધી છે, તોય આ મન છે કે ત્યાં જઈને જ ઊભું રહી જાય છે અને પછી ડરીને કોકડું વળી જાય છે. સોસાયટીમાં શાનથી ઊભેલું આ ઘર મારું છે. હું આ ઘરની માલિકણ છું, ગૃહિણી છું, સ્વામિની છું, લખનારાંઓએ કેટલાય શબ્દો આપી દીધા છે, પણ એ વિશેષણોની ભીતર શું છે તેની મને જ ખબર છે. આ ઘરની સ્વામિની હું કામ કરવાનું સાધન, તો મનોરંજનનું મશીન. ગુસ્સો ઉતારવા મારાથી વિશેષ કોઈ નથી. મારું નામ મનિષા હતું, પણ મારા પતિને લાંબું લાગ્યું એટલે એક અક્ષર ઓછો કરી નિશા કરી નાખ્યું, પણ એમ કરવાથી અર્થ બદલાઈ ગયો એનો ખ્યાલ કોઈને ન આવ્યો. જેટલા લોકો મને ઓળખે છે, એમની નજરમાં હું લકી અને સુખી સ્ત્રી છું. હા, મારી આસપાસ કહેવાતા સુખોનો ખડકલો છે. મારા પતિ એમના પિતાના એકના એક પુત્ર છે. એમના પિતાની સમૃદ્ધિ એમને વારસામાં મળી છે. એ સમૃદ્ધિએ મને ચારેકોરથી ચણી નાખી છે. સાસુ-સસરા પોતાની રીતે સ્વતંત્ર રહે છે. હું પતિ અને બાળકો સાથે રહું છું. મારી પાસે એ બધું જ છે, જે એક સ્ત્રીની ઝંખના હોય છે. છતાં મારા સપનાંના ગોખલામાં કાળુંધબ્બ અંધારું છે. રાતનું પોતાનું એક સૌંદર્ય હોય છે, પણ દિવસના એ કોઈને દેખાતું નથી. તો પછી મારા પતિને ક્યાંથી દેખાય? એ તો અજવાળાના ચાહક છે. એમને પ્રકાશની ઘેલછા છે. આજે ઉત્તરાયણ છે. ઉત્તરાયણના દિવસે એક નાનકડો અકસ્માત. આમ તો અકસ્માત નહોતો, પણ સર્જાયો અને આખી જિંદગી અપાહિજ બની ગઈ. હું એ વખતે કોલેજના ત્રીજા વર્ષમાં હતી. ઉત્તરાયણની નમતી સાંજે બે સાઇકલ નદી તરફના માર્ગ પરથી ચાલી આવતી હતી અને એક ધસમસતી આવેલી કારે બેય સાઇકલ સવારનાં સપનાંને ચગદી નાખ્યાં. એકબીજાનાં ગાલ ઉપર પડેલી હોઠની છાપ ઉપર કારના ચારેય પૈડાં ફરી વળ્યાં. એક ભીરુ યુવાન બી ગયો અને કોલેજ છોડી પોતાના બાપની દુકાને બેસી ગયો. શહેરની ભીડ એને ખાઈ ગઈ. થોડા દિવસમાં જ એક કુંવારી કન્યાના આંગણે પેલી કારનાં પૈડાં આવીને ઊભાં રહ્યાં. કન્યાના પિતાનું આંગણું ગદ્્ગદ થઈ ગયું, પણ એ કુંવારી છોકરીની છાતી પરથી કારના પૈંડાં વારાફરતી પસાર થઈ ગયાં. એ વાતને દસ વર્ષ વીતી ગયાં. એ કુંવારી કન્યા એટલે આજની નિશા. રાતના કેટલા વાગે કારનું હોર્ન વાગે નક્કી નહીં. શરૂઆતમાં ઝઘડા થતા. એક દિવસ એમણે કહી દીધું, ‘આ જિંદગી એક જ વાર જીવવા મળી છે. માણવા દે. તને ઠીક લાગે તો તુંય માણ. મને કશો વાંધો નથી. હું તને ક્યારેય એવું નહીં પૂછું કે તું ક્યાં અને કોની સાથે ગઈ હતી. આનાથી વધુ તને કઈ સ્વતંત્રતા જોઈએ? તારે મારા વચ્ચે આવવાનું નહીં એટલે નહીં.’. રોજ એક વિચાર આવે છે, શા માટે મેં દસ વર્ષ પહેલાં બળવો ન કર્યો? બી ગયેલા મનીષને મળવાનો પ્રયત્ન પણ શા માટે ન કર્યો? થઈ-થઈને શું થાત? છાપાંમાં એવા સમાચાર આવ્યા હોત કે એક સુંદર યુવતી લાપતા છે. પોલીસ તપાસ ચલાવી રહ્યા છે. તો મારે જાગતાં રહીને પતિના ગાલ પર પડેલી લિપસ્ટિકની છાપ ભૂંસવી ન પડી હોત. હવે આ જિંદગી જીવતા તારમાં અટવાયેલી પતંગ જેવી છે. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...