ડૂબકી:બાળચિકિત્સામાં ક્લાઉન થેરપી

એક મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

હું મુંબઈમાં રહેતો હતો ત્યારે અમેરિકાના ‘લાઇફ’ મેગેઝિનના ઓગસ્ટ, 1990ના અંકમાં ‘સેન્ડ ઇન ક્લાઉન્સ’ – વિદૂષકોને અંદર મોકલો – નામનો લેખ વાંચ્યો હતો. તે સમયે મેં એના વિશે નિબંધ લખ્યો હતો. એમાં દર્શાવેલી એક વિગત ફરી લખવાની લાલચ રોકી શકતો નથી. ‘લાઇફ’ના લેખની સાથે મોટી ઉંમરના વિદૂષક અને બાળવિદૂષકનો ફોટો હતો. એમણે વિદૂષકનો મેકઅપ કર્યો હતો. સફેદ હોઠ, રબરનું મોટું નાક, ચિત્રવિચિત્ર પોશાક. ઘણાં બાળકોને કેન્સર, એઇડ્સ, બ્રેઇન ટ્યુમર, હૃદય અને કિડનીની બીમારી, જન્મથી જ ગંભીર ખામીઓની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવાં પડે છે. આ સારવાર લાંબી ચાલે છે. તેવા સમયે બીમાર બાળકોની શારીરિક પીડાની સાથે એમની માનસિક હાલત, બહારના જગતથી વિખૂટા પડી જવાની એકલતા, હતાશા વગેરે પર ધ્યાન આપવું જરૂરી છે. બાળકો એમની ગંભીર બીમારી વિશે ઝાઝું જાણતાં ન હોય, છતાં એમને ખબર હોય છે કે તેઓ સામાન્ય બાળકોની જેમ જીવતાં નથી. એમને પ્રસન્ન રાખવાની તાતી આવશ્યકતા હોય છે. તેઓ થોડી વાર માટે પણ હતાશા અને પીડા ભૂલી હસી શકે તો સારવાર પર સકારાત્મક અસર પડે છે. ન્યૂ યોર્કના ‘બિગ ઍપલ સર્કસ’માં વિદૂષકનું કામ કરતા માઇકલ ક્રિસ્ટન્સનનો ભાઈ થોડા દિવસ પહેલાં નાની ઉંમરે કેન્સરમાં મૃત્યુ પામ્યો હતો. વ્યથિત માઇકલ ચર્ચમાં બેઠો હતો. એણે એના બીમાર ભાઈને દિવસો સુધી એકલો, હતાશ, ઉદાસ સૂતેલો જોયો હતો. ત્યાં એને વિચાર આવ્યો કે એણે એ રીતે હતાશ થયેલા બાળરોગીઓ માટે કશુંક કરવું જોઈએ. સર્કસમાં વિદૂષકો બાળકોને ખડખડાટ હસાવી શકે છે તો બીમાર બાળકોને પણ હસાવીને એમનું દુ:ખ ઓછું કરી શકે. એણે વિદૂષકના વેશમાં જુદી જુદી હૉસ્પિટલોમાં બાળકોના વૉર્ડની મુલાકાત લેવાનું શરૂ કર્યું. એના રમૂજી હાવભાવ જોઈ બીમાર બાળકો હસવા લાગ્યાં. એ બાળકો થોડી વાર માટે એમની બીમારી અને દુ:ખ ભૂલી ગયાં હતાં. માઇકલ પોતાને ‘ડૉ. સ્ટબ્સ’ તરીકે ઓળખાવતો હતો. ધીરે ધીરે માઇકલે બાર મહિલા અને તેર પુરુષ વિદૂષકોનું ‘બિગ ઍપલ ક્લાઉન કૅર યુનિટ’ બનાવ્યું. તેઓ બાળરોગીઓ પાસે જઈ, એમની સાથે રહી, વિદૂષકને સહજ એવી કળાથી બાળકોને ખુશ કરવાની સેવા બજાવતાં હતાં. મોટા મોટા માનસશાસ્ત્રીઓ કે સામાજસેવકો જે કામ સહેલાઈથી ન કરી શકે તે કામ આ વિદૂષકો કરતાં હતાં. કારમેલો નામનો બીમાર છોકરો પણ એમની ટોળીમાં જોડાયો. કારમેલો પોતે મહિનાઓથી હૃદયની તકલીફો, ડાયાલિસિસ, દવાઓ, શરીરમાં ખોસેલી સોઈઓની સાથે જીવતો હતો. એ પણ માઇકલની જેમ મોઢા પર રંગના લપેડા મારી, વ્હીલચેરમાં બેસી, બીમાર બાળકો પાસે જવા લાગ્યો અને એમને હસાવવા લાગ્યો. એક વાર માઇકલે કારમેલોને કહ્યું કે એ જબદસ્ત ઍક્ટર છે ત્યારે એણે જવાબ આપ્યો: ‘હા, મને ખબર છે. આ બધો સમય હુ ઍક્ટિંગ જ કરતો હતો. હું તંદુરસ્ત હોત તો શું કરતો હોત એની કલ્પના કરી તે દૃશ્યો મારા મનમાં ભજવતો રહ્યો છું.’ મોટી ઉંમરના બીમાર લોકોની જેમ બાળકો પણ એમની શારીરિક વ્યાધિમાં થોડાં ખુશ રહી શકે તે જોવું મહત્ત્વનું છે. થોડાં વરસોથી ભારત સહિત જુદા જુદા દેશોની હૉસ્પિટલોમાં વિદૂષકોની ઉપસ્થિતિમાં વધારો થયો છે. એ માટે સેવાભાવી સંસ્થાઓ પણ સક્રિય થઈ છે. 2017માં ઓનલાઇન પ્રગટ થયેલા અહેવાલમાં આગળ ઉલ્લેખ કર્યો છે તે ‘બિગ એપલ સર્કસ ક્લાઉન યુનિટ’ના વિદૂષકોએ આખા વરસમાં લગભગ બે લાખ પચાસ હજાર વાર બાળરોગીઓની હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. એવાં જ અન્ય યુનિટોના વિદૂષકો પણ મોટી સંખ્યામાં એ કામ કરે છે. વિદૂષકોની હાજરીથી બાળરોગીઓના ચહેરા પ્રસન્નતાથી છલકે છે અને એમના મનમાં અશક્યને શક્ય બનાવવાની આશા જાગે છે. તેમ છતાં ક્લાઉન થેરપીનો માર્ગ સરળ રહ્યો નથી. એક દિવસ માઇકલ બાળકોના વૉર્ડમાં હતો ત્યારે એક ડૉક્ટરે એને કહ્યું કે આ જગ્યા વિદૂષકો માટે નથી. માઇકલે જવાબ આપ્યો: ‘બાળકો માટે પણ હૉસ્પિટલ યોગ્ય જગ્યા નથી.’ બાળવય ઘરમાં, શેરીમાં, શાળામાં હસતા-રમવાની હોય છે, હૉસ્પિટલની પથારીમાં પડ્યા રહેવાની હોતી નથી. ક્લાઉન થેરપીના નિષ્ણાતોને મતે બીમાર બાળકોની સારવાર દવાઓ અને ટેક્નોલોજીથી કશુંક વિશેષ છે. પ્રસન્નતા એમની માનસિક તકલીફ ઓછી કરે છે. ઘણા દેશોમાં બાળકોને પ્રફુલ્લિત રાખવાની સેવા બજાવતા વિદૂષકોને યોગ્ય તાલીમ અપાય છે અને એમને ‘ક્લાઉન ડૉક્ટર્સ’ કહેવાય છે. તેઓ તબીબી ક્ષેત્રના ન હોય, પરંતુ બાળમાનસને વધારે સારી પેઠે સમજે છે. લાંબા નાકવાળા, રંગના લપેડાથી રંગાયેલાં મોઢાંવાળા, ફફડતા લાંબા કાન પહેરી ચિત્રવિચિત્ર ચેનચાળા કરતા, રમૂજની છોળ ઉડાડતા, હસતા-હસાવતા, નાચતા, ગાતા વિદૂષકો જાણે છે કે બાળક હોવું એટલે શું અને એમને એક ઘડી માટે પણ પ્રસન્ન કરી શકાય એટલે શું. તેઓ બીમારી મટાડી ન શકે, પરંતુ થોડીક રાહત તો આપી જ શકે. અસાધ્ય બીમારીમાં સપડાયેલા અને માઇકલના ક્લાઉન કૅર યુનિટમાં જોડાયેલા બાળક કારમેલો પાસે ફરી જઈએ. ઓપન હાર્ટ સર્જરી કરવા માટે એને ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે એની અંદર રહેલો પેલો વિદૂષક બોલી ઊઠ્યો હતો: ‘હું આશા રાખું કે ઑપરેશન પછી ડૉક્ટરો મારું હૃદય એની જગ્યાએ મૂકવાનું ભૂલી નહીં જાય!’ ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...