તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ દર્શન:ચિત્રકૂટ વિહારભૂમિ છે અને વિરાગભૂમિ પણ છે

મોરારિબાપુ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રકૂટ પાંચ વસ્તુની ભૂમિ છે. ચિત્રકૂટ અસીમ છે, પરંતુ આપણી સીમા છે; આપણી મર્યાદા છે

વિત્રકૂટની જે પાવન ભૂમિ છે, એના માટે તો શું કહેવું? હું જે ગામમાં જન્મ્યો છું એ ગામમાં વર્ષો પહેલાં એક કથા આયોજિત થઈ હતી અને પછી થયું કે કથાના સ્થાનનું નામ શું રાખવું? એ સમયે કથાના સ્થાન માટે મારા મનમાં પહેલું જે નામ આવ્યું એ ચિત્રકૂટધામ આવ્યું. પછી તો અમે આખા તલગાજરડાને ચિત્રકૂટ જ કહી દઈએ છીએ. તો ચિત્રકૂટની ભૂમિ વિશે બીજું શું કહેવું? એ સિદ્ધોની ભૂમિ છે. એનાથી પણ વિશેષ એ શ્રદ્ધાની ભૂમિ છે. વર્તમાનમાં આપણે જે-જે મહાપુરુષોનાં દર્શન કર્યાં છે, એવા કેટલાય મહાપુરુષો એ ધરતી પર રહીને જગમંગલમાં પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. હું ક્યા-ક્યા મહાપુરુષોનાં નામ લઉં? અહીંની એક વિભૂતિ થઈ પૂજ્ય રણછોડદાસજીબાપુ, એમણે એ ભૂમિને વિશેષ પાવન કરી અને કેટલી બધી સેવાપ્રવૃત્તિ કરી! ગોસ્વામીજીને ચિત્રકૂટ પ્રત્યે કેટલો બધો પ્યાર! અપાર પ્યાર, મમતા, જે કહો તે જગવિદિત છે. પોતાનાં પદોમાં, ‘માનસ’માં તુલસીએ ચિત્રકૂટનું ગાન કર્યું એ અદ્્ભુત છે! ચિત્રકૂટ અતિબિચિત્ર સુંદર બન મહિ પવિત્ર, પાવનિ પય સરિત સકલ મલ નિકંદિનિ. ચિત્રકૂટનો મહિમા કોણ ગાઈ શકે? એવી એ પાવનભૂમિ છે. એ તપસ્યાની ભૂમિ છે. મારા ગુરુની કૃપાથી મારી સમજ મુજબ મને જે મળ્યું છે એ હું તમને જણાવું. મારા દાદાજી કહ્યા કરતા હતા કે બેટા, ચિત્રકૂટ પાંચ વસ્તુની ભૂમિ છે. ચિત્રકૂટને હું કેવળ પાંચ વસ્તુમાં બાંધવા નથી માગતો. ચિત્રકૂટ અસીમ છે, પરંતુ આપણી સીમા છે; આપણી મર્યાદા છે. આપણા વિચાર અને આપણી સમજની મર્યાદા છે. આપણે એ સ્વીકારવું જોઈએ, કેમ કે આપણે જીવ છીએ, આપણે જંતુ છીએ. ચિત્રકૂટની ભૂમિ અસીમ છે પરંતુ ભગવદ્કૃપાથી અને સંતોને સાંભળીને એવી સમજ થઈ છે કે આ ભૂમિને પાંચ ચીજોમાં આપણે જોઈ શકીએ. ભગવાન સીતા-રામજીની આ વિહારભૂમિ છે. આટલાં વર્ષો સુધી ઠાકુર અહીં નિવાસ કરતા રહ્યા. આ ચિત્રકૂટ પ્રભુની વિહારભૂમિ છે. પ્રભુ માટે આ વિહારભૂમિ છે, પરંતુ સાધકો માટે આ વિરાગભૂમિ છે. ક્યાંય કોઈ આ વિહારમાંથી ખોટી પ્રેરણા ન લે. સાધકો માટે આ વિરાગભૂમિ છે. અહીંથી માણસને સહજ વિરાગ પ્રાપ્ત થાય છે. મારા ગોસ્વામીજી ભરતનું સ્મરણ કરતા બોલ્યા છે - ભરત ચરિત કરિ નેમુ તુલસી જો સાદર સુનહિં, સીય રામ પદ પ્રેમુ અવસિ હોઇ ભવ રસ બિરતિ. આ વિરતિની ભૂમિ છે, વિરાગની ભૂમિ છે. ચિત્રકૂટ વિહારભૂમિ છે અને વિરાગભૂમિ પણ છે. ત્રીજું, ભગવાન વશિષ્ઠ, રાજર્ષિ જનક, પરમહંસ ભરત, મુનિગણ વગેરેની આ વિવેકભૂમિ છે. અહીં વિવેક પ્રગટ્યો છે. આપણા બધા માટે તો છે આ પ્રભુની વિહારભૂમિ. પરમાત્મામાં પ્રીત લાગી જાય તો અવશ્ય વિરાગ પ્રાપ્ત થઈ જાય એવી આ વિરાગભૂમિ છે. ત્રીજી વસ્તુ, આ વિવેક-વિચારની ભૂમિ છે. ચોથી, આ વિશ્વાસની ભૂમિ છે. અહીં જેનો વિશ્વાસ દૃઢ ન થયો તો ખબર નહીં, પછી એ થઈ શકશે કે કેમ! પાંચમું અને અંતિમ સૂત્ર, આ વિયોગની ભૂમિ છે. અલબત્ત, અહીં રામ-ભરતનું મિલન થયું છે; સૌનું મિલન થયું છે પરંતુ તત્ત્વત: આ આંસુ અને વિગ્રહની ભૂમિ છે. જ્યારે ભરતજી અહીંથી પાદુકાને શિરોધાર્ય કરીને વિદાય લે છે ત્યારે રામ, લક્ષ્મણ અને જાનકીની સ્થિતિનું જે વર્ણન છે, એના વિયોગની સ્થિતિનું જે વર્ણન છે એ તમે વાંચો તો ખ્યાલ આવે. જ્યારે જ્યારે પ્રભુને એ સ્મૃતિ થઈ છે, એમાં જ્યારે ભરતની સ્મૃતિની વાત આવી છે ત્યારે તો વિયોગની પરાકાષ્ઠા સર્જાય છે. ગુરુકૃપાથી મને એવું કહેવામાં કોઈ મુશ્કેલી નથી થતી કે આ વિયોગની ભૂમિ છે. યાદ રાખજો, ચિત્રકૂટ એ વિહારની ભૂમિ છે; વિરાગની ભૂમિ છે; વિવેક-વિચારની ભૂમિ છે. અહીં બહુ જ વિચાર વિનિમય થયો છે. એ વિશ્વાસની ભૂમિ છે અને એ વિયોગની ભૂમિ છે. આપણા જીવનમાં વિવેક-વિચારની જરૂર છે. વિચાર તો છે, વિવેક-વિચાર નથી. ‘માનસ’ વિવેક-વિચારની પ્રધાનતા તરફ આપણને સંકેત કરે છે. ભણેલી-ગણેલી દુનિયા માટે વિવેક-વિચાર બહુ જરૂરી છે. એનું દાન ‘રામચરિતમાનસ’ કરે છે. આપણને શીખવવામાં આવે છે કે વિશ્ર્વાસની જરૂર નથી; વિશ્વાસ આંધળો છે! ‘રામચરિતમાનસ’ જુઓ. વિશ્વાસ શંકર છે. ‘ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ’ અને શંકર ક્યારેય આંધળા નથી. એમની પંદર-પંદર દૃષ્ટિ છે. વિશ્વાસની પંદર આંખ કઈ છે? પંચદસ દૃષ્ટિકોણ છે. યુવાનીમાં વિશ્રામ જરૂરી છે. અંધવિશ્વાસ વગેરેનો તો હું પણ સ્વીકાર ન કરું, પરંતુ બૌદ્ધિક જગતમાં ‘વિશ્વાસ’ શબ્દની જે પિટાઈ થઈ રહી છે એના તરફ ધ્યાન દોરવાની જરૂર છે. એ ખૂબ જ જરૂરી છે. યુવાનીને વિશ્વાસની જરૂર છે, વિવેક-વિચારની જરૂર છે. યુવાન લોકોને વિહાર કરવાની જરૂર છે. ઘૂમો, આનંદ કરો, સારું ખાઓ, સારાં કપડાં પહેરો. તુલસીએ બધી છૂટ આપી છે. પરંતુ વિવેક-વિચાર હશે તો વિહાર સુગંધી થશે. વિવેક-વિચાર હશે તો ચિત્તને ભ્રષ્ટ કરનારો વિહાર નહીં હોય; ચિત્તને ચલિત કરનારો વિહાર નહીં હોય; ચૈતસિક સ્ખલન કરનારો વિહાર નહીં હોય. જરૂર છે આપણા જીવનમાં વિવેક-વિચારની; જરૂર છે આપણા જીવનમાં વિશ્વાસની; જરૂર છે વિરાગની. વિરાગનો મારો મતલબ છે કે બીજા માટે ત્યાગ કરવાની વૃત્તિ પ્રગટ થઈ જાય કે આપણે બીજા માટે ત્યાગીએ, છોડીએ. જેવી રીતે ભરતજીએ રામ માટે બધું જ છોડ્યું. જરૂર છે વિરતિની, વિરાગની. આ રૂપમાં વિરાગની- કહ હનુમંત બિપતિ પ્રભુ સોઇ, જબ તવ સુમિરન ભજન ન હોઇ. ભજનનો વિયોગ; હરિનામનું વિસ્મરણ; આપણી પ્રભુની સ્મૃતિ ખોવાઈ જાય એના જેવી બીજી કોઈ વિપત્તિ ‘માનસ’કારે નથી બતાવી. આપણે ત્યાં સંયોગ-વિયોગની વાત આવે છે તો પ્રેમી લોકો વિયોગને જ પસંદ કરે છે. તો આ પાંચેય તત્ત્વોની આપણા જીવનમાં જરૂર છે ત્યારે ‘માનસ’ એની પૂર્તિ કરે છે.⬛ (સંકલન : નીિતન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...