તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:બાળપણનો પ્રાણવાયુ...

3 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

બાળપણમાં જવું એટલે યુવાનીને રિચાર્જ કરવી. બાળપણને પાછું વળી જોઈ શકાય છે, એમાં જઈ શકાતું નથી. જવું હોય તો કવિતાને ભેરું બનાવવી પડે. સાથેની વ્યક્તિ આપણી સાથે બાળપણની હોય અને એની જ સાથે બાળપણમાં જવાય ત્યાર વા થયેલા પગમાં ‘વાહ વાહ’નો ચમત્કાર સળવળ થાય છે. વરસાદની જેમ યાદોથી ગામનું પાદર ભીંજવીને ગામની નદી જોડે જેને વહેતાં આવડ્યું છે એને ક્યારેય સંબંધના નામે આંસુના ચેકડેમની જરૂર નથી પડતી! એ તો એની મસ્તીમાં મ્હાલતા ફકીરની જેમ પોતાની મહેલાતો ઊભી કરતો આગળ ધપે છે. બાળપણમાં જતાં આવડે પછી કાળ પણ વર્તમાનની સંભાળ લઈને આગળ જીવંત બને છે. ગામડું કવિતામાં જેટલું સચવાયું છે એટલું બાળપણમાં પણ જળવાયું છે. બાળપણની યાદો જીવનનો પ્રાણવાયુ છે. કાળની કેડીએ પાછા પગલે બાળપણનું ગામ! વાદળીઓ વોક પર નીકળી હોય ને કમર લચકી જાય તો વરસાદના છાંટા ગામડાને આસોપાલવનું તોરણ બાંધે! એમાં જ ઊગી જઈએ આપણે ડાળી અને ફૂલની જેમ! કેટલીક યાદો વર્તમાનને ચોખ્ખો બનાવી બાળપણના કપડાં પહેરાવે છે. તૂટેલાં પાટી-પેન અને અધકચરું લેશન સાથે દોડતું હોય થેલીમાં! નિશાળનો ઘંટ કાળની ઘંટડી જેમ સફળતાઓને જોડી આપતો હોય! સવારની બાલસભામાં આંખો બંધ કરીને પ્રાર્થના ગાઈ કાઢતા હતા, એવું ખુલ્લા હૃદયનું હવે એકલામાં પણ ક્યાં ગવાય છે? થપ્પો રમતી વખતનો અવાજ સાંભળવાની તાલાવેલી છે, ત્યાં સુધી બાળપણ જીવે છે. ‘સમથિંગ’નો ભાર ઉતારીને હળવા થતાં આવડે છે ત્યાં બાળપણ જીવંત છે. કૃષ્ણ દવે ગુજરાતી કવિતાના રથને હાંકનારા સવ્યસાચી છે. આ કવિતા વાંચીને એકાંતમાં બે-ત્રણ વખત વાગોળવા જેવી છે. ભાર ઉતારીને હળવા થવા કવિતાથી રૂડી કોઈ જડીબુટ્ટી નથી. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...