તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ નેટવર્ક:છગનલાલ જાદવે બાપુની દાંડીયાત્રાને પીંછીથી જીવંત કરી

કિશોર મકવાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીની દાંડીકૂચની યાત્રાને િચત્રપોથીમાં રેખાંકિત કરી તેનું જીવંત દસ્તાવેજીકરણ કર્યું

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજી પોતાના ચુનંદા સાથીઓ સાથે મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ ‘સવિનય કાનૂનભંગ’ની લડતનો પ્રારંભ કર્યો, ત્યારે દેશ-વિદેશના પત્રકાર, ફોટોગ્રાફર અને ચલચિત્રકાર અમદાવાદના ‘સત્યાગ્રહ આશ્રમ’માં ઉપસ્થિત હતા. સૌ પોતપોતાની રીતે આ ઐતિહાસિક ઘટનાને રિપોર્ટિંગ, ફોટોગ્રાફી તથા મૂવીમાં અંકિત કરતા હતા, એમાં સૌથી આગવી રીતે આ ઘટનાને પોતાની પીંછીથી કાગળ પર ઉતારતો હતો, 27 વર્ષનો યુવાન ચિત્રકાર. નામ છગનલાલ જાદવ. અનુસૂચિત સમાજમાં જન્મેલો એ યુવાન દાંડીકૂચના આરંભથી અંત સુધી જીવંત ચિત્ર આલેખનથી દસ્તાવેજીકરણ કરતો રહ્યો. આંખે દેખી દોરેલા આ યુવાનના ચિત્રો દાંડીકૂચની જેમ ઇતિહાસ બની ગયા. જોકે દાંડીકૂચનાં સંભારણાંરૂપે છગનલાલે દોરેલ જીવંત ઐતિહાસિક દસ્તાવેજ એવા આ રેખાંકનો લોકો સામે ક્યારેય આવ્યા જ નહીં! દાંડીકૂચના ‘મિજાજ’ (Spirit)નો આજની પેઢીને પરિચય થાય તે હેતુથી અત્યાર સુધી અલોપ રહેલાં તે રેખાંકન અસલ સ્વરૂપમાં લોકો સામે લાવ્યા ગુજરાતના જાણીતા સંપાદક-સંશોધક ડો. રિઝવાન કાદરી. ડો. રિઝવાન કાદરીએ બધાં ચિત્રોને સંગ્રહિત કર્યા : ‘અનસીન ડ્રોઇંગ ઓફ દાંડીકૂચ’ (છગનલાલ જાદવના રેખાંકન) પુસ્તકમાં. છગનલાલ દાંડીકૂચના આયોજનની ‘અરુણોદય ટુકડી’ના સદસ્ય હોવાથી તેમને મહાત્મા ગાંધીની છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી. જેને કારણે છગનલાલની ચિત્રપોથી દાંડીકૂચનો એકમાત્ર જીવંત ચિત્રાત્મક દસ્તાવેજ બની રહ્યો. ખુદ ગાંધીજીને પણ ખ્યાલ ન હતો કે તેમણે સ્થાપેલ ‘અંત્યજ રાત્રિશાળા’નો વિદ્યાર્થી છગનલાલ દાંડીકૂચનું વિરલ દસ્તાવેજીકરણ કરશે! ગાંધીજી અને છગનલાલને જોડનાર ચિત્રપોથી ડો. રિઝવાન કાદરીને અમદાવાદના ‘ગુજરી બજાર’માં ખાંખાંખોળા કરતાં મળી. દ. આફ્રિકામાં સત્યાગ્રહ પછી 1915માં મહાત્મા ગાંધીના ભારત આગમન સાથે સ્વતંત્રતાસંગ્રામની દિશા બદલાઇ ગઈ. અમદાવાદમાં કોચરબમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપનાની કરી. આશ્રમમાં દલિતોને રાખવાનો વિરોધ થયો, પરંતુ ગાંધીજી મક્કમ રહ્યા. ધરાર દલિત પરિવારને આશ્રમમાં રાખ્યો. 11 સપ્ટેમ્બર, 1915ના રોજ ગાંધીજીએ લોકવિરોધ વચ્ચે દૂદાભાઇ દાફડા નામના દલિત વણકરને સત્યાગ્રહ આશ્રમમાં પ્રવેશ આપીનેે આભડછેટની વિકૃતિ સામે રણશિંગું ફૂંક્યું અને આશ્રમની બાજુમાં આવેલા કોચરબ ગામમાં ‘અંત્યજ રાત્રિશાળા’ શરૂ કરી. ગાંધીજીને સમજવા આ બંને ઘટનાઓ અત્યંત મહત્ત્વની છે. આ ઘટનાઓ જ ભારતના રાજકારણ, સમાજકારણ અને અર્થકારણના પરિવર્તનને સમજવાનું પરિમાણ પૂરું પાડે છે. કોચરબની રાત્રિશાળામાં ભણવા છગન જાદવ બારેક વર્ષનો વણકર વિદ્યાર્થી 4-5 કિ.મી. દૂર વાડજથી પગપાળા આવતો. રાત્રિશાળાના શિક્ષક પરીક્ષિતલાલ મજમુદાર પાસેથી અક્ષરજ્ઞાન મેળવ્યું. બાપુની છાયામાં એને હૂંફાળું જગત પ્રાપ્ત થયું. બાપુના સાંનિધ્યમાં છગન મોટો થયો અને છગનલાલ તરીકે ઓળખાવા લાગ્યા. ગાંધીજીએ છગનલાલને મિલની નોકરી છોડાવીને ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં નોકરીએ રાખ્યા. ગૂજરાત વિદ્યાપીઠની રાત્રિશાળામાં આગળ અભ્યાસ કર્યો અને પછી એ જ શાળામાં શિક્ષક બન્યા. છગનલાલ જાદવે ચિત્રકામની પદ્ધતિસરની તાલીમ લીધી ન હતી, પણ તેમની લગની જોઈ મહાત્મા ગાંધીએ વિદ્યાપીઠમાંથી શિષ્યવૃત્તિ અપાવી. છગનલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતિષ્ઠિત ચિત્રકાર કનુ દેસાઈના શિષ્ય બન્યા. મહાત્મા ગાંધીએ એક દિવસ તેમનો પરિચય કલાગુરુ રવિશંકર રાવળ સાથે કરાવ્યો. એમણે અનેક સ્થળો અને ઘટનાઓના ચિત્રો દોર્યા. 1947માં મહર્ષિ અરવિંદના અનુયાયી થયા. આ ‘આધ્યાત્મિક ટર્નિંગ પોઇન્ટ’ને કારણે અરવિંદ આશ્રમ, પોંડિચેરી સાથે અંત સુધી નાતો રહ્યો. 30 જાન્યુઆરી, 1948ના રોજ બાપુની શહાદતથી છગનલાલને કારમો આઘાત લાગ્યો. બાપુને અંજલિરૂપે દોરેલાં તેમનાં ચિત્રોમાં ઊંડો વિષાદ જોવા મળે છે. કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા સ્થાપિત ‘કુમાર’ માસિકમાં પ્રગટ થતાં ચિત્રોએ છગનલાલની પ્રતિષ્ઠા વધારી. દાંડી પાસેની ‘કરાડી શિબિર’માં તેમને ગાંધીજીનું સાંનિધ્ય મળ્યું, તો ત્યાં પણ રેખાંકન કર્યાં. આમ, છગનલાલની ચિત્રપોથી દાંડીકૂચનો એકમાત્ર દુર્લભ ચિત્રાત્મક જીવંત દસ્તાવેજ બની રહ્યો. 1933ના બે ઐતિહાસિક પ્રસંગો પણ છગનલાલે દાંડીકૂચની જ ચિત્રપોથીમાં અંકિત કર્યા. 22 જુલાઈએ ગાંધીજીએ ‘સત્યાગ્રહ આશ્રમ-સાબરમતી’ છોડી દેવાનો નિર્ણય કર્યો તે સમયનું હૃદયમંથન રેખાંકનમાં અંકિત કર્યું. 31 જુલાઈએ ગાંધીજીની આશ્રમની અંતિમ મુલાકાત તથા પ્રાર્થનાસભા પછી વિદાય આપતા સમયની બાપુની વેદના છગનલાલે એ જ ચિત્રપોથીમાં અંકિત કરી. અન્ય એક રેખાંકનમાં ખુદ ગાંધીજીએ છગનલાલને હસ્તાક્ષર કરી આપ્યા હોવાથી આ ચિત્રપોથીનું ઐતિહાસિક મહત્ત્વ વધી ગયું. ગુજરાતની ‘મોડર્ન આર્ટ મૂવમેન્ટ’ના પિતામહ ગણાતા છગનલાલને નવા ચિત્રકારો ‘છગનકાકા’ નામથી સંબોધતા. 84 વર્ષની વયે 12 એપ્રિલ, 1987ના રોજ ‘છગનકાકા’નો સ્વર્ગવાસ થયો, પણ ગાંધીયુગના સંભારણા સ્વરૂપે રહી ગઈ તેમની અસલ ચિત્રપોથી.⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...