સોશિયલ નેટવર્ક:ચરૈવેતિ… બસ ચાલતા રહો

કિશોર મકવાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ-તારીખ બદલાતી રહે છે, પણ આપણે નથી બદલાતાં, કારણ આપણે સ્વભાવના ગુલામ છીએ. જોકે સાવ એવું પણ નથી કે સ્વભાવ ન જ બદલાય. એવા તો સ્વભાવ કે વર્તનના પાસાં છે એ બદલીએ તો સંબંધો પણ સુધરે ને સફળતા પણ મળે. એ માટે પહેલું તો જરૂરી છે : આપણી વાણી સુધારીએ. વાણી એ ઠાલા શબ્દો નથી. એમાં અર્થ અને ભાવ હોય છે. વાણીના અર્થ અને ભાવ ત્યારે જ અસર કરે, જ્યારે ચરિત્રનું તપ અને તેજ હોય. કુરુક્ષેત્રના મેદાનમાં, કૌરવ સેના સામે ઊભેલો અર્જુન શ્રીકૃષ્ણને કહે છે, ‘ભગવન્! આ સૌનો સંહાર કરીને ત્રણ લોકનું રાજ્ય મળે, તો પણ મારે નથી જોઈતું.’ ...ને અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણે ગીતારૂપે તેજમય શબ્દો વહાવ્યા. મુખ્ય ત્રણ વાત પ્રભુએ કરી. (1) અર્જુન! તું રખે માનતો કે આ બધાં તું મારીશ તો મરશે. તેઓ મરેલા જ છે. તારે તો તેમને મારવામાં નિમિત્ત જ બનવાનું છે. હું જ આ વિશ્વનું સર્જન કરું છું, પાલન કરું છું ને સંહાર કરું છું. (2) અર્જુન! તું કર્મ કર. ફળની આશા રાખવાની નથી. (3) યુગે યુગે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર લઉં છું. બીજું છે, સમય. સમય અત્યંત ગતિશીલ તત્ત્વ છે. એનું મૂલ્ય ન સમજનારા પામર છે. સમયના અમાપ ભંડાર વચ્ચે આપણું જીવન અલ્પ છે અને માટે જ એે અમૂલ્ય છે. સમયની ક્ષણેક્ષણ માપવી અને માણવી જોઇએ. ત્રીજું ટીમ ભાવના છે. જગતમાં મોટા ભાગનાં કામો ટીમથી થાય છે. ‘અહમ્’ એકલતા સર્જે છે, ‘વયમ્’ ટીમ. અહમ્ છોડનાર માણસ નેતૃત્વના ગુણોનો સહજતાથી વિકાસ કરી શકે છે. એ અપયશ પોતાના માથે લે છે અને યશ ટીમને આપે છે. ચોથું છે, અહંકાર છોડો. પ્રોબ્લેમ અહંકારમાંથી જન્મે છે. અહંકાર તોછડાઈ લાવે છે. એમાંથી મુક્ત કરીને પ્રેમ જ મૈત્રીનો સ્પર્શ કરાવી શકે. પાંચમું છે, ડગલું ભરો, જે શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય. લક્ષ્યની દિશામાં મંડાયેલું હોય. આત્મવિશ્વાસપૂર્ણ ડગલાં કેડી કંડારશે ને રસ્તો પણ બનાવશે. કપરી પળ કે નિરાશા આવે તોય ‘ચરૈવેતિ…’ ચાલતાં રહેવું એ જીવનમંત્ર છે. છઠ્ઠું - આશા. આશા જીવનનું ચાલકબળ છે. કોઈક સિદ્ધિની આશામાં સાધના કરે છે. કોઈને સર્જનની આશા હોય છે, માટે પુરુષાર્થ કરે છે. આશા જ માણસને ચાલતો રાખે છે. ⬛ namaskarkishore@gmail.com