લા... આ ચાંદી એટલે સુ હોય એજજેટલી?’ સવિતાકાકીએ એમને સતાવતો પ્રશ્ન લોકો સમક્ષ મૂક્યો. ‘લો બોલો... હવે આ ઉંમરે તમને અમારે ચાંદી વીસે જાણકારી આપવાની? જેમ સોનું હોય ને એમ ચાંદી હોય યાર.’ કલાકાકીએ થોડું ચીડાઈને કહ્યું. ‘આમ તો એ એક ધાતુ છે. એને એક રીતે જોવા જાવ તો સોનાની નાની બેન બી કહી સકાય.’ હંસામાસી બોલ્યા એટલે કંકુકાકીએ એમાં ઉમેર્યું, ‘ખાલી કલર ડિફરન્સ હોય. પેલું પીળું અને આ ધોળું.’ ‘ના ના... સાવ એવું નઇ... હું તમને હમજાઉ... જો, આપડે બે બહેનો હોય એક મોટી ને એક નાની. તો જો મોટી બેન મેઇન રોટલી કરવાનું કામ કરતી હોય, તો નાની બેન સાક ય સુધારે ને ઘી ય કાઢવાનું હોય તો એ ય કરે, બધું દે અને લે કરે... એવી જ રીતે પેલાના ખાલી ઘરેણાં જ થાય... ને આનું તો તમારે ઘરેણાં ય થાય ને વાસણ ય થાય ને રાખડી, ચસ્માની ફ્રેમ, ઘડિયાળના પટ્ટા... બધું ય થાય. પેલી પેશીયલ અને આ જનરલ.’ લીનાબેને તફાવત સમજાવ્યો. ‘હવે હમજી ગ્યા, કે હજી ડિટેલમાં હમજાઈએ?’ કલાકાકીએ સહેજ જુદા ટોનમાં કહ્યું, એટલે સવિતાકાકી આકરેપાણીએ થતાં કહે, ‘તમે લોકો યાર... આખું હાંભળ્યા વગર બસ મંડી જ પડ્યા છો એક હારે બધાય. મેં પ્રસ્નાર્થ કરીને પોજ લીધેલો. ફુલ સ્ટોપ નતું મૂક્યું. આખો સવાલ બે ભાગમાં છે. ના ના... ખરેખર તો નાના-નાના ત્રણથી ચાર ભાગમાં છે.’ ‘તે પણ આટલો લાંબો તો પોજ ના હોય ને બેન. આ તે કંઇ શિરીયલ નહીં, તે પહેલાં કોક બોલે, પછી આજુબાજુવાળા અડધા એક્સ્પ્રેસનો આલે... પછી પેલું આગળ બોલે... અને એ રહ્યુએ એનું ધાર્યું બધું બોલી જાય, એ પતવાની રાહ જોવે બીજા બધાં... પછી પતે, એટલે આખા એક્સ્પ્રેસનો આલે અને પછી વારાફરતી જવાબ આલે. વાસ્તવિકતામાં આવું ના હોય. અહીંયાં તો પોજ ટૂંકા હોય.’ હંસામાસીએ ય સામે સાંભળાવ્યું. ‘હા... અને જો બેન, બે સબ્દો વચ્ચે એક આંગળીનું જ અંતર હોય... આ તો તમે બીજો ફકરો પાડવા નીચેની લીટીમાં જવા જેટલો મોટો પોજ લીધો. હવે યાર કોઈને આટલી બધી તો અપેક્સા ના જ હોય ને!’ લીના ટીચરે સમજાવ્યું. ‘એ જ અને બીજું, આ તો તમારે જાણવું’તું એટલે અમે તો ખાલી તમને જાણકારી આલતા’તા. બાકી અમારે સુ? એક તો એમના ઠેકાણા વગરના પ્રસ્નો સિઓલ કરો, ને તો ય વઢ ખાવાની. આ કળયુગની જ નિસાની... બીજું સુ.’ કંકુકાકી ય શું કામ રહી જાય. ‘અરે યાર... ભૂલ થઈ ગઈ... હવે આખો સવાલ બોલું? કે જતી રઉ?’ સવિતાકાકીને આમાં પોતાનો વાંક દેખાતો જ નહોતો એટલે એમણે ખીજાવાનું ચાલુ જ રાખ્યું. ‘હવે ખોટી ધમકીઓ આપ્યા વગર બોલતા હોય તો બોલોને છાનામાના... આખી દુનિયા જાણે છે, કે નથી તમે બોલ્યા વગરના રહેવાના કે નથી અમે હાંભળ્યા વગરના જવાના... બોલો હેંડો.’ કલાકાકીએ એમને ટાઢા પાડતા આવું કીધું, એટલે સવિતાકાકીએ દરેક શબ્દ વચ્ચે એક એક આંગળીનું જ અંતર રાખીને પૂછ્યું, ‘તે હું એમ કહેતી’તી, કે આ ચાંદી એટલે સુ હોય? અને એ પડે કેવી રીતે? અને કેમ પડે? અને ખરેખર ક્યાં પડે?’ એમનો પ્રશ્ન લીનાબેને ઝીલી લીધો. ‘ચાંદીનું તો એવું છે ને બેન, કે એ એની મરજીની માલિક છે. એનું એક રીતે જોવા જાવ તો વરસાદ જેવું જ કહેવાય હમજ્યા ! એની જગ્યા, એના આવવાનો ટાઈમ, જવાનો ટાઈમ... બધું એ જ નક્કી કરે... આપડો એના ઉપર કોઈ કંટ્રોલ નઇ અને કેવી રીતે? તો એમાં કોઈ રીત ભાત ના હોય. એ તો વળી એના રૂટમાં આવતી કોઈ બી જગ્યાએ એને ઠીક પડે ત્યાં... એવું જ હોય.’ ‘પણ એને ચાંદી જ કેમ કહેવાય?’ સવિતાકાકીએ પાંચમો પ્રશ્ન કર્યો. ‘હવે એ તો પેલા ખાંચાના શ્ટાર્ટીંગમા રહે છે, એ સસિકાન્ત સોનીને જ પૂછવું પડે... કારણ કે એમના જ કોઈ હાતમી દહમી પેઢીમાં કોક દાદાએ પાડ્યું હસે... સોધ્યુ ભલે સાયન્ટિસ્ટોએ, પણ નામકરણ તો નક્કી કોક સોની એ જ પાડ્યું હોવું જોવે.’ હંસામાસીએ પ્રશ્ન પૂછવાનું સાચું ઠેકાણું બતાવ્યું, ‘ના ના અલા... બહુ પ્રાચીન કાળથી એને ચાંદી જ કહે છે... અને ચાંદી બી નઇ હું તો કઉ... એને બી ચાંદા જ કહે... આ આકાસમાં ચાંદાની જેમ એની સાઈજ અને એની જગ્યા આમ એકદમ ફિક્સ તો નહીં જ ને યાર. એટલે જ એને ચાંદી-ચાંદા કહે... હમજ્યા ! અને પેલી સફેદ ધાતુ બી ચાંદા જેવી સફેદ હોય એટલે એને બી ચાંદી જ કહે. એટલે આ બંનેના નામ પાડવાનું કામ તો કોક ગુજરાતી મીડિયમમાં ભણેલા ખગોળશાસ્ત્રીનું જ.’ લીનાટીચરને બધી જ ખબર હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.