ત અઠવાડિયે રમાયેલી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં રાફેલ નડાલે પોતાની જ એકેડેમીના વિદ્યાર્થી રહી ચૂકેલા અને પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશેલ કેસ્પર રડને 6-3, 6-3 અને 6-0 જેવા આસાન સ્કોરથી હરાવીને રેકોર્ડ બ્રેકિંગ 14 વાર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાને નામ કર્યું છે. આ ગ્રાન્ડ સ્લેમ જીત સાથે તે ફેડરર અને યોકોવિચથી 2 સ્લેમ વધુ જીતીને આગળ નીકળી ચૂક્યો છે. ફાઇનલમાં જીત મેળવ્યા બાદ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે નડાલના ગ્રાન્ડ સ્લેમરૂપી અશ્વમેધનો ઘોડો રોકવો તેના પ્રતિસ્પર્ધીઓ માટે અશક્ય છે.
માર્ચ મહિનામાં ઇન્ડિયાના વેલ્સ ખાતે પાંસળીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર તેમજ પોતાની વર્ષો જૂની ડાબા પગમાં થયેલી પગની ઇજાને કારણે ફ્રેન્ચ ઓપનમાં તેનો ભાગ લેવો મુશ્કેલ જણાતો હતો પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન સતત પોતાના અંગત ડોક્ટરની દેખરેખ હેઠળ નડાલ દરેક મેચમાં જીત અંકે કરતો રહ્યો. જો માત્ર આંકડાઓ પર નજર નાખીએ તો કેરિયરની 18 સિઝનમાં નડાલ 16 વાર ઈજાગ્રસ્ત થયો છે. 22 વાર ગ્રાન્ડ સ્લેમ જીતેલા નડાલે 11 ગ્રાન્ડ સ્લેમ જીતતા સહેજ માટે ચૂકી ગયો છે. 16માંથી 14 વાર એવું બન્યું છે કે ઇજામાંથી રિકવરી અને રિહેબ માટે નડાલને મહિનાઓ સુધી કોર્ટથી દૂર રહેવું પડ્યું હોય પરંતુ દરેક કમબેકના એક વર્ષની અંદર ઓછામાં ઓછું એક ગ્રાન્ડ સ્લેમ તે જીત્યો હોય.
ફ્રેન્ચ ઓપન જીતવી કેટલી કઠિન છે તે સંક્ષિપ્તમાં જાણીએ. સિન્થેટિક કે પછી ગ્રાસકોર્ટમાં ટેનિસ બોલનો ઉછાળ અને ગતિ બંનેનો અંદાજ અંશતઃ જાણી શકાય છે. જ્યારે ક્લે કોર્ટમાં એનો અંદાજ મેળવવો અઘરો છે તેથી ભલભલા સિડેડ પ્લેયર્સ શરૂઆતી રાઉન્ડમાં જ બહાર થઇ ગયાના દાખલા બની ગયેલા છે. ફ્રેન્ચ ઓપન જીતવી એ બાકીની ટૂર્નામેન્ટ જીતવા કરતા મુશ્કેલ છે. આર્થર એશ, બોરિસ બેકર, જિમી કોનર્સ, સ્ટીફન એડબર્ગ અને પિટ સામ્પ્રસ, વિનસ વિલિયમ્સ, માર્ટિના હિંગીસ જેવા ટેનિસના દિગ્ગ્જો ક્લે કોર્ટ પર નિષ્ફ્ળ ગયા હોવાથી ક્યારેય કરીઅર સ્લેમ જીતી શક્યા નથી. રોજર ફેડરરને પણ ફ્રેન્ચ ઓપન જીતતા પહેલાં 4 વાર ફાઇનલમાં પરાજય થયો છે. આ કોર્ટમાં માત્ર એવા ખેલાડીઓજ જીતી શકે છે કે જે પોતાની ફિટનેસ પ્રત્યે સભાન હોય. ક્લે કોર્ટ બોલની ગતિ ધીમી કરી દે છે જેનાથી પ્રતિસ્પર્ધીને પોતાનો શોટ રીલે કરવામાં થોડો વધુ સમય મળી રહે છે. જેના પરિણામે ક્લે કોર્ટમાં બેઝલાઈનથી રેલી કરવાની સાથે ફિટનેસ ઉપરાંત ધીરજની પણ આકરી કસોટી થાય છે.
1968માં ફ્રેન્ચ ઓપનથી ઓપન એરાની શરૂઆત થઇ જેમાં પ્રથમ વાર પ્રોફેશનલ ખેલાડીઓ સાથે એમેચ્યોર ખેલાડીઓની મેચ રમાવાની શરૂઆત થઇ. તે સાથે ફ્રેન્ચ ઓપનની પોપ્યુલારિટીમાં વર્ષો સુધી ઉત્તરોત્તર વધારો થતો ગયો. ને એમાંય સળંગ 5 વર્ષ (2010-2014) જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 19મી સદીની શરૂઆતમાં ફ્રેન્ચ ખેલાડી મૅક્સિમ ડાકુગીઝે 8 વાર તેમજ સ્વિડિશ સુપરસ્ટાર બ્યોન બોર્ગે 6 વાર ટાઇટલ જીત્યા છે. ઓપન એરા શરૂ થયા બાદ ફ્રેન્ચ ખેલાડી યાનિક નોઆહે મેટ્સવિલાન્ડર ને હરાવીને ટાઇટલ જીત્યું હતું. જે એક માત્ર બનાવ હતો.
બે દાયકા જેટલા લાંબા સમયમાં જેટલી વાર નડાલ ઈજાગ્રસ્ત થયો છે એટલી વાર કરોડો ફેન્સ નિરાશ થયા છે પરંતુ જેમ દેવહૂમા પક્ષી તેની રાખમાંથી બેઠું થાય તેમ નડાલ દર વખતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને પોતાના મનોબળ અને પોતાની ટેલેન્ટનો પરચો બતાવે છે. કદાચ એવું લાગી રહ્યું છે કે આ તેની છેલ્લી ફ્રેન્ચ ઓપન હોય. જો તેની સર્જરી સફળ થાય તો વર્ષને અંતે યુ. એસ. ઓપન કે પછી નવા વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપન સાથે તે ફરીથી કોર્ટમાં ઊતરે. ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.