હસાયરામ:પીઠાધીશ

22 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

જ્યારે યુદ્ધના ભણકારા વાગે ત્યારે ત્યારે મને અતુલના લગ્ન અચૂક સાંભરે. યુદ્ધ અને વિવાહ આ બંનેમાં ક્યાંથી મિસાઈલ આવશે એ કહી શકાય નહીં. છેલ્લે કોણ વધશે એ પણ એડવાન્સમાં આગાહી ન કરી શકાય. કેટલું નુકસાન જશે અને કેટલો ફાયદો થશે એ પણ બંને કિસ્સામાં અન પ્રિડીક્ટેબલ જ રહે છે.

અતુલ, ઉંમરમાં મારાથી મોટો. સોરી અમારા આખા લગ્નવાંચ્છુક મિત્રમંડળમાં સૌથી મોટો દાવેદાર હતો. અતુલના લગ્ન અમારા તમામ મિત્રમંડળ માટે આશાવાદનું પ્રતીક હતું. ગોંડલમાં અમે રોજ સાંજ પડ્યે સાતે’ક મિત્રો ઢોરને પાણી પીવડાવવાની એક ખાલી કુંડી પર બેસતા. (અલબત્ત ઢોર ન હોય ત્યારે હો!) છએક મહિના અમે આ કુંડી પર એવું તપ જમાવ્યું કે પછી ઢોર લોકોએ આ કુંડીને ગણતરીમાં લેવાની જ બંધ કરી દીધી.

છોકરી જોવા જાવ ત્યારે શું શું ધ્યાન રાખવું? શું પૂછવું? શું ન પૂછવું? આવા વિષયોની વિસ્તૃત અને મુદ્દાસર છણાવટ કુંડી પર થતી. અતુલનું માગું આવ્યું ત્યારે આખા ગ્રૂપે જેકપોટ લાગ્યો હોય એવી લાગણી અનુભવી. અતુલનું ગોઠવાશે એટલે તેના લગ્નમાં જ અન્ય છ ભાઈબંધોનું ગોઠવાઈ જશે. આત્મનિર્ભર યોજના ત્યારે અમલમાં ન હોવા છતાં અમો આ મુદ્દે સંપૂર્ણ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ હતા.

સદ્દનસીબે અતુલ પાણી પુરવઠામાં સરકારી નોકરિયાત હતો. તેના અન્ય છ મિત્રોમાં પાણી હતું પણ પુરવઠો નહોતો. પરિણામે નોકરી અને છોકરી વગરના કોરાધાકોર હતા. અતુલનું પહેલું માગું ગોંડલમાંથી આવ્યું અને ગોઠવાઈ ગયું. અમારા મિત્રમંડળમાં એવરેસ્ટ સર કર્યા જેટલો તે દિવસે આનંદ હતો. અતુલે સગાઈ પછી ભાભીને ત્રણ પાનાંનો પ્રથમ રોમેન્ટિક પત્ર લખ્યો. પરંતુ ગામમાં ને ગામમાં ભાભી રહેતા હોવાથી પત્ર મળતાની સાથે ભાભી પત્ર લઈને તેનો જવાબ દેવા રૂબરૂ જ પધાર્યા. આ રીતે અતુલની પ્રથમ પત્રમૈત્રીનું બાળ મરણ થયું. પરંતુ અતુલ અને ભાભીનાં હૃદયના તાર એવા જોડાયા કે આજે એકત્રીસ વર્ષ પછી પણ બંને એકબીજા સાથે એટલાં જ સંલગ્ન છે.

છ મહિનામાં અતુલના લગ્ન આવ્યા. કુંડી પરથી હવે એક જણો કાયમી વિદાય થશે એ જાણ હોવા છતાં અમે બધાએ લગ્નની તડામાર તૈયારી કરી. વોકિંગ ડિસ્ટન્સમાં જાન જવાની હોવાથી મોટી બસનો ખર્ચ બચી ગયો. શેરીમાં મંડપ બાંધીને અમે વાડીનો ખર્ચ બચાવી ડાંડિયારાસ ત્યાં જ ગોઠવ્યા. રાજકોટથી વરરાજા માટે સિંગલ ડોરવાળી ઈમ્પોર્ટેડ કાર મેં મગાવી હતી (એટલે ભાઈબંધ પાસેથી ભાડે હો...!) માંડવાની બપોરે ગામનો જમણવાર જેવો શરૂ થયો અને ઇમરજન્સી સાયરન વાગ્યું. કેટલાક મહેમાનોના મોંમાંથી લાડુ નીકળી ગયા તો કોઈથી દાળ વાડકાને બદલે ખોળામાં અપાઈ ગઈ. કોઈએ ચાંદલાના ટેબલ પર 51 રૂ.ના બદલે 151 લખી નાખ્યું. સાયરનથી સમગ્ર જમણવાર ધબકારો ચૂકી ગયો. અમે છ મિત્રો જે પીરસવામાં હતા એમાંથી કોઈ બોલ્યું કે અતુલને ચેતવણી આપવા તો સાયરન નથી વાગ્યુંને? થોડી વારમાં કોઈ સમાચાર લાવ્યું કે ઇરાન-ઇરાક વચ્ચે યુદ્ધ થવાની ભીતિ છે. કદાચ પેટ્રોલ નહીં મળે. આટલું સાંભળતા કેટલાક મહેમાનો તો થાળી મૂકીને પેટ્રોલ પમ્પ તરફ ભાગ્યા. ચાંદલો લખવાવાળા અંકલે નોટબુક સંકેલી ત્યારે મેં કહ્યું ‘કાકા ઇરાકમાં યુદ્ધ થવાની ભીતિ છે. ગોંડલના પાદરમાં ભડાકા નહીં થાય. બે’ય માંથી એકપણ પક્ષનું સગું ઇરાકમાં નથી વસતું. નોટ ખુલ્લી રાખો નહીંતર અમારા ભાઈબંધના નસીબ સંકેલાઈ જાશે.’

કાકાને થોડું ખોટું તો લાગ્યું પણ છોકરો જાણીને મને માફ કર્યો. જમણવાર પૂરો થયો. અતુલના લગ્નમાં બહારગામથી આવનારા તમામ મહેમાનો પેટ્રોલ પમ્પની લાંબી લાઈનમાં ફસાઈ ગયા. ફૈબા નહીં પહોંચે, મામાનું નક્કી નહીં, માસી તો નહીં જ પહોંચે આવા ભણકારા વચ્ચે સદ્નસીબે વરરાજા માટે ઈમ્પોર્ટેડ કાર મારા ઘરે પહોંચી ગઈ હતી. ડાંડિયારાસમાં લાઈવ ગાયકો રાજકોટથી ડીઝલના પાપે ન પહોંચ્યા. અમે ‘ખેલૈયો’ ઓડિયો કેસેટ ચડાવી તાબડતોબ ડાંડિયા શરૂ કર્યા. માંડ અડધે પહોંચ્યા ત્યાં ફરી સાયરન વાગ્યું. અમે છ મિત્રો અતુલ ફરતે બાઉન્સર્સની જેમ ગોઠવાઈ ગયા. અચાનક લાઈટ ગઈ, ખેલૈયા ચણિયા બોરની જેમ વેરાઈ ગયા.

અતુલ અમારા ઉપર ખીજાણો કે ‘એલા’વ મને મારા ગામમાં, મારા લગ્નમાં કોણ મારે? તે તમે મને સિક્યોરિટી આપી રહ્યા છો! કો’ક જઈને આ સાયરન બંધ કરાવો. ક્યાંક સાયરનની પિન ચોંટી નથી ગઈ ને?’ અમારામાંથી બે જણા સાયરનની સોપારી લઈને નીકળ્યા. પણ વીલા મોઢે પાછા ફર્યા.

ત્યાં એક કાકી કહે લાઈટ નથી તો ‘પીઠીવાના’ પતાવી લેવાય. આ સાંભળી અતુલ મને કાનમાં કહે ‘મારું ચાલે તો અત્યારે લગ્ન જ પતાવી લઉં! ફરી સાયરન વાગે એ પહેલા મારા કોઈ ફેરા ફેરવી દો!’ મેં કહ્યું ‘અતુલ અરેન્જ મેરેજમાં ‘લવ મેરેજવેડા’ ન કરાય. હવે પલાળ્યું જ છે તો મૂંડાવી લઈએ.’ ઘોર અંધારામાં અતુલને પીઠી ચોળવામાં આવી. કોઈએ પીઠીના લપેડા કાનમાં નાખ્યા, કોઈએ માથાના વાળને ડાઈ કરી. કોઈએ નાક ગોટે ચડાવ્યું. ફરિયાદ કરવા અતુલે મોં ઉઘાડ્યું. પણ અંધારાના લીધે પીઠીનો ફાકડો સીધો અતુલના મોમાં આવ્યો. જગતભરના વરલાડાઓએ પીઠી ચોળાવી હશે જ્યારે અતુલે તો પીઠી ખાધી હો બાપ...!

અન્ય પુરુષોને ગોળધાણા અને કંસારના સ્વાદની જ ખબર હોય છે. જ્યારે અમારો અતુલ પીઠીના સ્વાદનો જાણતલ છે. તપેલીમાં પીઠીનો આમ અંતિમ થપેડો લાગ્યો હશે અને આમ લાઈટ આવી! અતુલ ત્યારે મને ‘પીઠાધીશ’ લાગતો હતો. અંધારાને લીધે પીઠીએ પોતાની મેળે શ્રૃંગારમાંથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ તો ભલું થજો કે એ સમયે જ ફોટાવાળો કંટાળીને ઘરે ભાગી ગયો હતો. બાકી અતુલનો પીઠીવાળો ફોટો જો અતુલ સ્વયં જોઈ જાય તો એને પણ તાવ આવી જાય એવાં દૃશ્યો સર્જાયાં. લાઈટ આવી પરંતુ અતુલને જોઈ માંડવાના છોકરાઓએ સમૂહ ભેંકડા તાણ્યા. ‘આગાજ ઐસા હૈ તો અંદાજ કેસા હોગા?’ શાયરીમાં આવું બધું બોલાય. પરંતુ છ મિત્રોના પેટમાં ટાંટિયા ઘરી ગયા હતા કે માંડવામાં આટલા ગોટાળા થયા છે હવે કાલ લગ્નમાં શું થશે?

અમે વિચાર્યું ત્યાં ફરી સાયરન વાગ્યું! અમારે તો રાત જ કાઢવાની હતી પણ અતુલે તો જિંદગી કાઢવાની છે. તો આ લગ્નમાં આગળ શું થયું એ જાણવા તમારે એક અઠવાડિયું કાઢવું પડશે. સૌ સૌના કર્યા ભોગવે છે ભાઈ!

અન્ય સમાચારો પણ છે...