ડૂબકી:મધ્યરાત્રિએ મળેલી આઝાદીનું પર્વ

વીનેશ અંતાણી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણે આજે આઝાદ દેશમાં રહેવાનો ગર્વ અનુભવી રહ્યાં છીએ તો એની ક્ષણેક્ષણ એ માણસને આભારી છે, જેને ગોળી મારવામાં આવી અને એમણે માત્ર એક જ ઉદ્્્ગાર કાઢ્યો : ‘હે રામ’. જે હવે રાજઘાટના સમાધિસ્થળ પર શણગાર થઈને રહી ગયા છે

ભારત અંગ્રેજોના શાસનની ગુલામીમાંથી મધ્યરાત્રિના બાર વાગ્યે આઝાદ થયો. મધ્યરાત્રિનો સમય સૂચક છે. અર્ધી રાત વીતી હોય અને અર્ધી બાકી હોય. રાત પડખું બદલે તે સાથે સપનાંનું રૂપ પણ બદલાય. 1947ની ચૌદમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટની વચ્ચે ભારતના ઇતિહાસે પડખું ફેરવ્યું હતું. આપણે ગુલામીમાંથી આઝાદીમાં પગ માંડ્યો હતો. અનેક નામી-અનામી વ્યક્તિઓના બલિદાન પછી મળેલી આઝાદીના અવસરને વધાવતાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઐતિહાસિક પ્રવચન આપતાં કહ્યું હતું : ‘ઘણાં વર્ષો પહેલાં આપણે આપણું ભાગ્ય બદલવાનો સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ પૂરો કરવાની ઘડી આવી છે. આજે મધ્યરાત્રિએ બારના ટકોરે દુનિયા ઊંઘતી હશે, ત્યારે ભારત નવા જીવન અને આઝાદીની દિશામાં જોવાની શરૂઆત કરશે.’ એમણે ભારતને નવેસરથી શોધવાની વાત પર ભાર મૂક્યો હતો. નવા અવસર ઉઘાડવાનું અને અનેક ઉપલ્બ્ધિઓ મેળવવાનું સપનું બતાવ્યું હતું. એમણે એક પ્રશ્ન પૂછ્યો હતો : ‘શું આજના અવસરનું મહત્ત્વ સમજી ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવાની સમજણ અને શક્તિ આપણામાં છે ખરી?’ એમણે દેશસેવાનો અર્થ સમજાવ્યો હતો – ભારતની સેવા કરવાનો અર્થ છે, કરોડો પીડિત દેશવાસીઓની સેવા કરવી અને નવા ભારતનું નિર્માણ કરવું. દેશસેવાનું, નૂતન ભારતનું નિર્માણ કરવાનું, સ્વપ્ન ઠાલા શબ્દો જ રહી ગયું છે કે કશું નક્કર કામ કરી શકાયું છે? આ પ્રશ્ન ભારતના દરેક સ્વતંત્રતા દિવસની સવારે આપણે જાતને પૂછવો જોઈએ. ઘણું કરી શક્યા છીએ અને ઘણું કરવાનું બાકી છે. ઘણાં ક્ષેત્રોમાં ભારત આગળ નીકળી ગયું છે, તો ઘણી બાબતોમાં આપણે પારોઠનાં પગલાં ભર્યાં છે. વિશ્વબંધુત્વનો સંદેશો આપનાર દેશમાં દ્વેષભાવ ઘર કરી ગયો છે. હર ક્ષણે કરવટ બદલતા ઇતિહાસમાં ઘણી વાસ્તવિકતા ચગદાઈ જાય છે, કાન ફાડી નાખતા ઘોંઘાટમાં ઘણી ચીસો સંભળાતી નથી. મધ્યરાત્રિએ આઝાદીની ઘટના દેશનાં વિભાજનથી લોહિયાળ બની. દેશ આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યો હતો, ત્યારે આઝાદીનું સપનું પૂરું કરનાર સાચા દેશસેવક નામે મોહનલાલ કરમચંદ ગાંધી કોમી એકતાની હઠ અને સંદેશ લઈને પાગલ બનેલા લોકોની વચ્ચે બંગાળમાં જીવનાં જોખમે ફરી વળ્યા હતા. એમણે કહ્યું હતું કે એમને માટે દેશની આઝાદીથી વિશેષ મહત્ત્વ કોમી એખલાસનું છે. માનવતાને ધિક્કારની ગુલામીમાંથી આઝાદ કરવા એ આખી જિંદગી મથતા રહ્યા. સર્વધર્મ સમભાવ એમનું સપનું હતું, એમના નૂતન ભારતમાં જણેજણનો સમાવેશ થતો હતો. એ સૂકલકડી માણસ છેવાડેના માણસની પડખે ઊભા રહી દુનિયાને નવી દિશા ચીંધતા રહ્યા હતા. સત્ય અને અહિંસાનાં બે શસ્ત્રોથી એમણે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્યાસ્ત કર્યો. એ જ લગનથી એ માણસ-માણસ વચ્ચેનું વૈમનસ્ય દૂર કરવા બંગાળમાં ફરતા હતા. આઝાદીની ઉષાના આગમન ટાણે એ દેશવાસીઓને કાળી અંધારી રાતમાં માનવતાનું અજવાળું બતાવવા ઉદ્વિગ્ન હતા. આઝાદ ભારતના જન્મ સમયે એ પવિત્ર દુ:ખી વ્યક્તિએ આત્માનાં ઊંડાણમાંથી કહ્યું હતું : ‘હું તમને છેતરવા માગતો નથી, તમને દેશની આઝાદીના આનંદમાં સહભાગી થતા પણ રોકતો નથી. કમનસીબે આપણે મેળવેલી આઝાદીના પાયામાં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના ભાવિનાં બીજ પડેલાં છે.’ એમનો પ્રશ્ન હતો : ‘આવી અંધારઘેરી રાતે આપણે કયા મોઢે દીવા પ્રગટાવી શકીએ?’ ગાંધીજી સત્તા અને સેવા વચ્ચેનો ભેદ સમજતા હતા. એ જણજણની મુક્તિના સ્વપ્નદૃષ્ટા હતા. એ માત્ર સપનાં બતાવતા નહોતા, પોકળ અને દંભી સિદ્ધિઓનાં ગાણાં ગાતા નહોતા, બીજાને નીચા દેખાડી પોતાને ઊંચા દર્શાવતા વામન નહોતા. એ સત્તાનો લોભ ત્યાગી, જાતને હોમી, દેશવાસીઓનાં નાનાંનાનાં સપનાં સાકાર કરવા મથતા, મહાત્માને નામે ઓળખાતા સામાન્ય માણસ હતા. વિભાજન પછી ફાટી નીકળેલા કોમી હિંસાની આગના સંદર્ભમાં ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને નોંધ્યું છે : ‘પંજાબમાં આપણા પંચાવન હજાર સૈનિકો કોમી હુલ્લડોને શાંત પાડવા તૈનાત છે, છતાં ત્યાં હિંસાની આગ ઠરી નથી, જ્યારે બંગાળમાં માત્ર એક જ જણ છે અને ત્યાં હુલ્લડો શાંત થઈ ગયાં છે.’ આપણે આજે આઝાદ દેશમાં રહેવાનો ગર્વ અનુભવી રહ્યાં છીએ તો એની ક્ષણેક્ષણ એ માણસને આભારી છે, જેને ગોળી મારવામાં આવી અને એમણે માત્ર એક જ ઉદ્્્ગાર કાઢ્યો : ‘હે રામ’ એ ઉદ્્્ગારમાં સમાયેલા હજારો સવાલોનો ઉત્તર આટલાં વર્ષો પછી પણ નાગરિક તરીકે કે દેશની ધૂરાની વાહક સરકારો તરીકે આપણે આપી શક્યા છીએ? કરુણતા એ છે કે ગાંધીજીના ‘હે રામ’ ઉદ્્ગાર હવે રાજઘાટના સમાધિસ્થળ પર માત્ર શણગાર થઈને રહી ગયા છે. આઝાદી પછી નવી પેઢી આવી ગઈ, વિચારો બદલાયા, જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું, મૂલ્યો બદલાયાં, આશા-આકાંક્ષાનાં રૂપ બદલાયાં. જીવનના અગ્રતાક્રમમાં પલટા આવ્યા છે. દેશ પર આવેલી અનેક આંધીમાં ઇતિહાસનાં પાનાં પલટાઈ ગયાં છે. દરેક નવી આઝાદી નવી ગુલામીના દરવાજા ખોલે છે. વ્યક્તિગત સ્વતંત્રતાનો ખ્યાલ કાટ ખાઈ ગયો છે. માણસ મુક્ત થયો તે સાથે પોતાના વાડામાં ભરાઈ ગયો. આ બધાં વર્ષોમાં સત્તાના મદમાં સાચી દેશસેવાની ખાંભી રચાઈ ગઈ. મધ્યરાત્રિ પછી બાકી રહેલી રાત પાર કરવાની હજી બાકી હોય એવું કેમ લાગ્યા કરે છે? ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...