સ્ટોરી પોઇન્ટ:કેરમ બોર્ડની કૂકરી

23 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક

નવા બનેલા ઘરને જોઈને વખાણ કરતા મિત્રોએ કહેલું, ‘કલરની પસંદ ધનસુખલાલની જ લાગે છે.’ ધનસુખલાલને બે ઘડી રાજીપો થયેલો. પણ આવો મોકો પત્ની છોડે ખરી? એ તરત બોલી હતી. ‘એમને કલરમાં ખબર ન પડે, આ તો અમારી પસંદ છે.’ ધનસુખલાલે તે વખતે મોં વકાસીને જોઈ રાખેલું. એમને થયેલું કે કહી દઉં, ‘એ તો પૂછો કે આ ઘર માટે રાત-દિવસ તનતોડ મહેનત કોણે કરી છે? પણ એવું ધનસુખલાલ કદી બોલી શક્યા નથી. હા, બાકી ગામમાં બધા કહે છે ધનસુખલાલને જલસા છે. પાંચેક વર્ષથી ધનસુખલાલને એવું થાય છે કે ધીમે ધીમે બહાર નીકળતા જાય છે, ધકેલાતા જાય છે. અરે ક્યારેક તો એવું લાગે કે પોતાની કોઈને જરૂર જ નથી. ધનસુખલાલ જૂની એસએસસી.માં બે વાર નાપાસ થયેલા. પછી ભણવાની માંડવાળ કરી નાખી. એમને ક્યારેક પોતાના વિશે વિચારવાનું ગમતું. પણ જેમ વિચારતા તો એવું લાગતું કે ઘરમાં હું ક્યાં છું? ભલા ધનસુખલાલને કોણ સમજાવે કે એવા પ્રશ્નો પોતાને કરવાના ન હોય. પણ ધનસુખલાલને એવું સૂઝ્યું નહીં અને મંડી પડ્યા પોતાના વિશે વિચારવા. ઉપરના રૂમની ટાઇલ્સ પર એક અંગૂઠો ટેકવી ધનસુખલાલ જરા બળ કરે કે તરત હીંચકો ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર. ધનસુખલાલ પણ એ હીંચકા સાથે આમથી તેમ અને તેમથી આમ. સાથે સાથે એમની વિચારયાત્રા પણ આમથી તેમ, તેમથી આમ થયા કરે. ધનસુખલાલની સામે પચાસ વર્ષનો ઢગલો થાય. એ ઢગલામાંથી જાતજાતના ધનસુખલાલ નીકળે. એસએસસીમાં બે વાર નાપાસ થયા પછી બાપુજીની ગાળો ખાતા ધનસુખલાલ, બાપાની હાટડીએ પડીકાં વાળતાં ધનસુખલાલ, જૂનાં થઈ ગયેલા પાનાંવાળી નોટબુકમાં વજન દઇને હિસાબ લખતા ધનસુખલાલ, મોડી રાતે રૂપિયાની બે રૂપિયાની ગળી ગયેલી નોટો અને સિક્કાનું પરચુરણ ગણતા, આખો દિવસ પરસેવે રેબઝેબ થતા ધનસુખલાલ પણ નીકળે. ધનસુખલાને એક દૃશ્ય બહુ ગમતું. લગ્ન પછી જરા હાડેતી, પણ રૂપાળી અને રોફવાળી ઘરવાળી સાથે બહાર નીકળતા એકવડિયા ધનસુખલાલ જોવા ગમતા. લગ્ન પછી ધનસુખલાલના દિવસો બદલાયા. લગ્નને એક વર્ષ વીત્યું પછી ધનસુખલાલને લાગ્યું કે પોતાના બાપા વાતવાતમાં ટાંગ અડાવે છે. પોતે હવે નાના નથી કે બધું બાપાને પૂછીને કરે. એવામાં એક દિવસ ધનસુખલાલની ઘરવાળીએ તેમને વહાલથી ધરવી દીધા. એવા ધરવ્યા કે ધનસુખલાલ ગદ્્ગદ્્ થઈ ગયા. એ પછીના ત્રીજા દિવસે તો ગામમાં જ એક નાનું મકાન ભાડે લઈને ધનસુખલાલ અને એમની પત્ની રહેવા જતા રહ્યા. ધનસુખલાલને મજા આવી ગઈ. એમને લાગ્યું બાપની રોજની ટકટકથી છૂટ્યા. પછી ધનસુખલાલ દોડ્યા. અહીં દોડ્યા, ત્યાં દોડ્યા. રાતે દોડ્યા, દિવસે દોડ્યા. ઘરવાળી દિશાઓ બતાવ્યા કરે અને ધનસુખલાલ દોડ્યા કરે. એમાં ને એમાં એક સારી દિશા મળી ગઈ. ધનસુખલાલ અમદાવાદનો ફેરો મારી આવે. વજન પર કાપડ લઈ આવે અને પછી સાઈકલ પર એ કાપડ લઈને નીકળી પડે. બાકીનું એમની ઘરવાળી સંભાળી લે. સમય જતાં સાઇકલ ગઈ અને મોપેડ આવ્યું. ધનસુખલાલને તો મજા આવી ગઈ. જરાય થાક ન લાગે, પાછો વટ પડે તે વધારામાં. ધનસુખલાલનું મોપેડ પેટ્રોલ પીતું રહ્યું, દોડતું રહ્યું. એમની ઘરવાળી રાતના મોડે સુધી જાગીને બીજા દિવસે શું કરવું તે નક્કી કરી રાખતી. ધનસુખલાલ બીજા દિવસે ઘરવાળીના ટાઈમ ટેબલ પ્રમાણે કાપડ લઈને નીકળી પડતા. લોકોના ધ્યાનમાં આવ્યું કે હવે ધનસુખલાલના છોકરાએ ભણવાનું બંધ કરી શહેરમાં એક દુકાન લીધી છે. મોપેડની જગ્યાએ બે બાઈક આવી ગઈ. તે પછી કાપડના તાકામાં ધનસુખલાલ વીંટળાઈ ગયા, ગોઠવાઈ ગયા. શહેર બહુ દૂર ન હતું. બાપ-દીકરા ત્રણેય સવારે જાય. મોડી રાતે પાછા આવે, મોટો દીકરો સ્કૂટરની ડેકીમાંથી એક પાકીટ કાઢે, પોતાની માને આપે. મા રાજી થાય. ધનસુખલાલ ઓસરીમાં બેસી રહે. છોકરાઓ નાહી લે ત્યાં સુધી ઘરમાં ટીવી ચાલુ થઈ ગયું હોય. ધનસુખલાલ ટીવીમાં દેખાતાં રંગીન દૃશ્યો જોયાં કરે. સૂવાનો સમય થાય એટલે તે બીજા દિવસની રાહ જુએ. પણ બીજો દિવસ એટલે એવોને એવો. રવિવારના દિવસે છોકરાના ભાઈબંધો આવ્યા હોય, ધનસુખલાલની ભાષામાં દેકારો થતો હોય. એમની ઘરવાળી છોકરાઓને કાંઈક બનાવી દેવાના કામના આનંદમાં ખૂંપી ગઈ હોય. ધનસુખલાલ એકલાએકલા દીવાલોને જોયા કરે. રંગ તાજો હતો તોય ક્યાંક પોપડી દેખાય. રંગ કરનાર કારીગર કહેતો હતો, ‘જ્યાં ઈંટો નબળી હશે ત્યાંથી તો કલર ઉખડશે જ.’⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...