તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન િવશેષ:કાયદાને ઘોળીને પી જનારા લોકોને છાવરવાનું આપણને પોસાશે ખરું ?

ભદ્રાયુ વછરાજાની7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદો છે તો તેનો ડર રાષ્ટ્રના અગ્રીમથી લઈને અતિ સામાન્ય માણસને રહેવો જ જોઈએ

‘માન મરતબા લાયક હોય તેને માન મરતબા ના અપાય, તો લોકો દૂર રહે ઈર્ષા અને નકલથી. વિરલ વસ્તુઓને મૂલ્યવાન ના ગણાય, તો લોકો દૂર રહે ચોરી કરવાથી. ઈચ્છવા યોગ્ય શું તે ના દર્શાવાય, તો લોકોનું હૃદય મુક્ત રહે ગૂંચવણોથી. તેથી સંત શાસન કરે છે લોકોના હૃદયમાં શૂન્યતા આણીને, એમનું ઉદર ભરેલું રાખીને, તેમની મહત્ત્વાકાંક્ષા નબળી પાડીને અને તેમનું હાડ મજબૂત બનાવીને. સંત લોકોને હંમેશાં દૂર રાખે છે જે બૂરું હોય તેની જાણથી અને સારું હોય તેની કામનાથી સંત આ રીતે લુચ્ચાઓને કંઈ કરવાનો મોકો જ ના આપે. સંત કાંઈ ના કરીને શાસન કરે; એટલે શાસનરહિત કાંઈ ના રહે. અતિ ગહન એવી આ કંડિકાઓને સરળતાથી સમજવા નીચેનાં થોડાં વાક્યો વાંચવા પડશે : ‘મહત્ત્વાકાંક્ષીઓ અને લુચ્ચાઓ દુનિયામાં અશાંતિ અને અવ્યવસ્થા ઊભી કરે છે. મહત્ત્વાકાંક્ષી હોય તે ઊંચી, મહત્ત્વની ગણાતી વસ્તુઓ પ્રાપ્ત કરવા મથે છે. લુચ્ચા હોય તે અણગમતી બાબતોને દૂર રાખીને ગમતી હોય તેની પાછળ પડે છે. સંતની જેમ શાસનકર્તાઓ તેમની પ્રજાનાં શરીર અને આત્માને હંમેશાં સંતુલિત રાખે તો દુનિયામાં શાંતિ જળવાય.’ આદ્યલેખક ‘લાઓ ત્ઝુ’નું વિરલ અને અદ્્ભુત પુસ્તક ‘તાઓ-તે-ચિંગ’ અને તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે કિશોર ગોહિલે, તેમાંથી આ ચોટડુક અવતરણ અહીં ટાંક્યું છે. ચીની ભાષામાં ‘લાઓ ત્ઝુ’ એટલે ‘પ્રાચીન બીજ’. તાઓ-તે-ચિંગ એટલું સઘન છે, જાણે ચિત્તમાંથી શ્વેત તાપમાન ધરાવતી વિચારણાનો કિરણોત્સર્ગ થતો હોય! ‘તાઓ-તે-ચિંગ’ને તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં ‘શ્વેત વામન’ ગણી શકાય. અહીં આ પુસ્તકમાંથી જે કંડિકા રજૂ કરેલ છે તે આજના વર્તમાનની વિષમતાઓને નજર સામે રાખીને કરેલ છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનમાં થઈ ગયેલા લાઓ ત્ઝુએ આ પુસ્તકમાં ‘શાસકને સંત કહ્યો છે!’ અને કહે છે કે : ‘સંત કંઈ ન કરીને શાસન કરે, એટલે શાસન રહિત કંઈ ન રહે,’ આ સંદેશ દ્વારા કાયદો-વ્યવસ્થા-અનુશાસન-વહીવટ જેવા શાસકના ક્ષેત્રોમાં કેવી રીતે પ્રદાન કરવાનું છે તેનો અંગુલિનિર્દેશ છે. કાયદો એટલે શું? કાયદાનું પાલન એટલે શું? કાયદાનો ડર એટલે શું? કાયદાના વ્યવસ્થિત પાલનથી રાષ્ટ્ર-શાસન સુપેરે કેમ થઈ શકે? તે ચીન ફિલસૂફ થોડા શબ્દોમાં ભારે મર્મ સાથે સમજાવે છે. પ્રશ્ન એ થાય કે દેશની વડી અદાલત કેન્દ્રના શાસકોને અને રાજ્યની વડી અદાલતો રાજ્યના શાસકોને ગુસ્સે થઈને વારંવાર સુચારુ વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરે, છતાં મહામારીના સમયમાં એકના એક ગુનાઓ વારંવાર, ઠેરઠેર થયા જ કરે, ત્યારે પ્રશ્ન એ થાય કે શું શાસકો ગેરવહીવટને તથા વ્યાપી રહેલ અવ્યવસ્થાને, મૌન સંમતિ આપી રહ્યા છે? કાયદામાં તો સૌને સમાન ગણીને દંડ સંહિતા અમલમાં મૂકવી જોઈએ. કાયદાનો ડર અગ્રીમથી લઈને સામાન્ય માણસને રહેવો જોઈએ. એક નાનું ઉદાહરણ લઈએ : કોઈ એક ઇન્જેક્શનના કાળાબજાર કરનારી ગેંગ છ મહિના પહેલાં પકડાય છે, પછી કશું જ થયા વગર છૂટી જાય છે અને છ મહિનામાં એ જ ગેંગને, ફરી એ જ ઇન્જેક્શનના કાળાબજાર કરતાં, એ જ શાસકો દ્વારા પકડવામાં આવે તો… રાષ્ટ્રના શાસન અંગે શું વિચારવું? એ જ કે કાળાબજારી કરનાર લોકોને વિશ્વાસ છે કે પકડાઈશું તો પણ કશું જ નહીં થાય અને ફરી પાછા એ જ જાકુબીના ધંધા રાજ્યમાં કરી શકીશું! અહીં વાત કાળાબજારની કરવામાં આવી છે એ પ્રતીકાત્મક છે. થોડામાં ઘણું સમજવાનું છે. બીટવીન ધ લાઇન્સ વાંચવાનું છે. સમજદાર કો ઇશારા કાફી હૈ... છે કોઈ સમજદાર? ડંખે છે દિલમાં? ખૂંચે છે આ શૂળ શાસનમાં? ના, ચોતરફ અરણ્યરુદન જ છે! આપણે વિશ્વગુરુ બનવું છે, તો ઘર-આંગણે નીતિ-નિયમો-કાયદો-વ્યવસ્થાને ઘોળીને પી જનારાને છાવરવાનું પોષાશે? આપણે વિશ્વની અગ્રીમ સંસ્કૃતિના સંતાનો હોઈએ તો શાસનરહિત કશું ન રહે એવું ક્યારે પ્રસ્થાપિત કરીશું?⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...