તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસ દર્શન:પ્રેમીની મૂર્તિ બની શકે, પ્રેમની મૂર્તિ ન બને

11 દિવસ પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક
  • દેવર્ષિ નારદજીના વિચારો મુજબ પ્રેમ સૂક્ષ્મતર છે. પ્રેમ ફૂલ નથી. ફૂલ તો બહાનું છે

શ્રી શ્રીમદ્્ ભગવદ્્ગીતા’ના ‘વિભૂતિયોગ’ નામના દસમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કર્યું છે એમાં કહ્યું છે, ‘દેવર્ષીણાં ચ નારદ:’ દેવર્ષિઓમાં નારદ હું છું. એવું એક મહિમાવંત ચરિત્ર દેવર્ષિ નારદ; એમણે ‘ભક્તિસૂત્ર’ આપીને આપણી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. ‘નારદ-ભક્તિસૂત્ર’ બહુ જ પ્રસિદ્ધ અને પાવન ગ્રંથ છે. જેવી રીતે ‘સાંખ્યસૂત્ર’ કપિલ ભગવાને આપ્યું; ‘બ્રહ્મસૂત્ર’ બાદરાયણ વ્યાસજીએ આપ્યું; ‘યોગસૂત્ર’ પતંજલિ ભગવાને આપ્યું. ધર્મસૂત્ર અને કલ્પસૂત્ર ઘણા મહાપુરુષોએ આપ્યાં છે. એમ નારદે પ્રેમસૂત્ર આપ્યાં, જેને ભક્તિસૂત્ર કહે છે. પ્રેમ છે પંચમ પુરુષાર્થ. પ્રેમનો દરજ્જો બહુ ઊંચો છે. નારદ કહે છે, પ્રેમના છ સ્વભાવ છે; છ લક્ષણ છે; છ વિધાઓ છે. હું મારી રીતે વિચારું છું તો મને લાગે છે કે પ્રેમનાં આ છ લક્ષણો જાણે કે છ શાસ્ત્રોનો એક સાર છે. નારદે દર્શાવેલાં એ છ પ્રસિદ્ધ લક્ષણ છે- ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્નં સૂક્ષ્મતરં અનુભવરૂપમ્. નારદનાં આ બધાં સૂત્રો અકાટ્ય છે, શાશ્વત છે, અસીમ છે, અલૌકિક છે, અદ્્ભુત છે. પહેલું લક્ષણ, ‘ગુણરહિતં.’ નારદજી કહે છે, પ્રેમ એ ગુણરહિત છે, ગુણાતીત છે. પ્રેમ નિર્ગુણ છે. પ્રેમ અગુણ છે. આપણે જો આર્ટિસ્ટ હોઈએ તો પ્રેમીની મૂર્તિ બનાવી શકીએ છીએ; પ્રેયસીની મૂર્તિ બનાવી શકીએ છીએ; પ્રેમની મૂર્તિ નથી બનાવી શકતાં. મતલબ કે પ્રેમીની મૂર્તિ બની શકે, પ્રેમની મૂર્તિ ન બને. પ્રેમ અગુણ છે, અરૂપ છે. એ થયો આધ્યાત્મિક પક્ષ. દેવર્ષિ નારદ કહે છે, પ્રેમ ગુણરહિત છે. આપણે ત્યાં ત્રણ ગુણ મુખ્ય માનવામાં આવ્યા છે- સત્ત્વ, રજસ, તમસ. પ્રેમનો એક પણ ગુણ નથી; પ્રેમ ગુણરહિત છે. પ્રેમનાં ત્રણ સ્તર હોય છે. એક સ્થૂળ. સ્થૂળ પ્રેમમાં દેહ કેન્દ્રમાં હોય છે અને માણસને પોતાના દેહનું અભિમાન હોય છે; દેહજનિત એક અભિમાન હોય છે. એ પ્રત્યેક વ્યક્તિમાં હોય છે. પરમાત્મા કૃપા કરે તો દેહજનિત અભિમાનમાંથી મુક્ત થવાય છે અને દેહજનિત ચિંતામાંથી મુક્ત થવાય છે. જ્યારે પ્રેમ દેહ પર, સ્થૂળ શરીર પર કેન્દ્રિત થાય છે ત્યારે એ તમોગુણગ્રસ્ત છે, અભિમાનગ્રસ્ત છે. પછી દેહને કોઈ શણગાર કરે; કોઈ સંકેત કરે, કોઈ અદાઓ કે ઈશારાઓ કરે, એ રજોગુણ છે. દેહ અને દેહના શૃંગાર એ બધામાં તમોગુણ છે, રજોગુણ છે, પરંતુ દેહ અને શૃંગાર બાદ જે સત્ત્વગુણી પ્રેમ હોય છે એનું કેન્દ્રબિંદુ છે મન. નારદજી જ્યારે ‘ગુણરહિતમ્’ કહે છે ત્યારે એ પરમપ્રેમ છે. પછી નારદજી કહે છે, ‘કામનારહિતમ્.’ પ્રેમ એ છે, જ્યાં કોઈ કામના નથી. જુઓ, ‘પ્રાર્થના’ શબ્દના ઘણા અર્થો શબ્દકોશમાં છે, પરંતુ ક્યારેક ક્યારેક આપણે હાથ જોડીને કોઈને પ્રાર્થના કરીએ છીએ તો એનો સ્થૂળ અર્થ થાય છે કંઈક માગણી કરવી, યાચના કરવી. પ્રેમમાં કોઈની કામના છે દેહની, કોઈની દિમાગની કે કોઈની દિલની. ઘણાં લોકોનો પ્રેમ દેહની માંગ કરે છે; ઘણાં લોકોની માંગ હોય છે દિલની; હૃદયનો પ્રેમ; સારી વાત છે. ઘણાં લોકોની માંગ હોય છે દિમાગની. આપણે એના વિચારોને પ્રેમ કરીએ છીએ; એની બુદ્ધિને પ્રેમ કરીએ છીએ કે શું પ્રજ્ઞા છે! એ દિમાગને પ્રેમ છે. તો ક્યારેક પ્રેમ ઈચ્છે છે દેહ, ક્યારેક દિમાગ, ક્યારેક દિલ. નારદજી કહે છે, પ્રેમ કામનારહિત હોય. મંદિરોમાં જઈને આપણે સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ તો કોઈ ને કોઈ કામના હોય છે, કેમ કે આપણે જીવ છીએ, સંસારી છીએ. પરંતુ નારદજી કહે છે, પ્રેમ કામનારહિત છે. પ્રેમનું ત્રીજું લક્ષણ દર્શાવતાં નારદજી કહે છે, ‘પ્રતિક્ષણ વર્ધમાનમ્.’ જેમાં પ્રત્યેક ક્ષણે ઉમેરો થાય છે. પ્રેમ વધતો જ રહે છે; ક્યારેય ઓછો નથી થતો. એક પળે જે હતો એનાથી બીજી પળે વધે છે; ઘટતો નથી. એને જ પ્રેમ કહે છે. થોડી ક્ષણો માટે પ્રેમ પ્રગટ્યો અને ત્યાર બાદ કંઈક સારું ખાઈ લીધું, પી લીધું, વિહાર કરી લીધો, મોજ કરી લીધી અને પછી તરત ઊબકો આવી જાય એ પ્રેમ નથી. પ્રેમના ચંદ્રને ક્યારેય કૃષ્ણ-પક્ષ નથી લાગતો, સ્વયં કૃષ્ણ લાગે છે. કૃષ્ણ-પક્ષ નહીં; સ્વયં કૃષ્ણ, પરમપ્રેમરૂપ ગોવિંદ, એ જ એને લાગે છે. પ્રેમરૂપી ચંદ્રમાં ભક્તને કૃષ્ણ-પક્ષ નથી દેખાતો, પરમાત્મા દેખાય છે. જે વધતો રહે છે એને જ પ્રેમ કહે છે. ‘અવિચ્છિન્નમ્’; પ્રેમ એ છે, જે અવિચ્છિન્ન છે, અખંડ છે, તૈલધારાવત્ છે. પ્રેમ છિન્ન-ભિન્ન નથી થતો. કોઈ પણ તાકાત પ્રેમને વિચ્છિન્ન નથી કરી શકતી; મિટાવી નથી શકતી; એ જ પ્રેમ છે. માણસ બુદ્ધપુરુષ પાસે જાય અને જ્ઞાનનો ઉદય થઈ જાય તો એ કહેશે, ‘નષ્ટો મોહ:’ મારો મોહ નષ્ટ થઈ ગયો. જેવી રીતે ગરુડ ભુશુંડિને કહે છે, ‘ગયઉ મોર સંદેહ.’ મારો સંદેહ ગયો. મેં તો નથી સાંભળ્યું કે કોઈ બુદ્ધપુરુષ પાસે જઈને કોઈએ કહ્યું હોય કે મારો પ્રેમ નષ્ટ થઈ ગયો. પ્રેમ નષ્ટ નથી થતો, કેમ કે એ અવિચ્છિન્ન તત્ત્વ છે; એ શાશ્વત ધારા છે. પાંચમું સૂત્ર નારદજી કહે છે, ‘સૂક્ષ્મતરમ્.’ પ્રેમ સ્થૂળ નથી હોતો. પ્રેમ સૂક્ષ્મ છે, બહુ જ સૂક્ષ્મ છે અને નારદ કહે છે, પ્રેમ સૂક્ષ્મતર છે; સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે. આપ કહેશો કે નારદજીએ સૂક્ષ્મતર કેમ કહ્યું? સૂક્ષ્મતમ કહી દીધું હોત તો! પરંતુ સૂક્ષ્મતમ તો પછી પ્રેમ પણ નથી રહેતો, પરમાત્મા થઈ જાય છે. દેવર્ષિ નારદજીના વિચારો મુજબ પ્રેમ સૂક્ષ્મતર છે. પ્રેમ ફૂલ નથી. ફૂલ તો બહાનું છે. આપણે આપીએ છીએ ફૂલ. પ્રેમનું પ્રતીક છે ફૂલ. ફૂલ એ સ્થૂળ પ્રેમ છે. સૂક્ષ્મતર પ્રેમ છે અત્તર. છઠ્ઠું અને આખરી સૂત્ર નારદજી કહે છે, ‘અનુભવરૂપમ્.’ પ્રેમ અનુભવરૂપ છે. પ્રેમ મહેસૂસ કરી શકાય છે. પ્રેમનો અનુભવ કરી શકાય છે. ઠીક છે, આપણે પ્રેમને શબ્દોમાં ઢાળવાની કોશિશ કરીએ છીએ, પરંતુ શબ્દોની પોતાની સીમા છે. ક્યાં સુધી આપણે એનું બયાન કરીશું? મૂલત: તો એ અનુભવરૂપમ્ છે. તો પ્રેમનાં આ છ લક્ષણ નારદજીએ આપ્યાં. આમ તો સૂત્રોના રૂપમાં પ્રેમ પર નારદજીએ પ્રકાશ પાડ્યો છે; સંતોએ એના પર ભાષ્ય કર્યું છે. તલગાજરડા એના વિશે કંઈક કહેવા માગે તો કહેશે કે પ્રેમ વિશે કહી થોડું શકાય? પ્રેમ તો કરી શકાય. કહેવામાં આવે એ પ્રેમ થોડો છે? પ્રેમ તો કરી શકાય અને તલગાજરડાનો એ ખૂણો એક બીજી વાત પણ કહેવા માગે છે. પ્રેમ કહી ન શકાય; પ્રેમ કરી શકાય. પણ ના, પ્રેમ કરી પણ ન શકાય; પ્રેમ થઈ જાય. પરમાત્મા કરે, પ્રેમ થઈ જાય. કરવામાં આવે એ ઠીક છે; કહેવામાં આવે એ ઠીક છે; પણ ખરેખર તો પ્રેમ થઈ જાય અને મને લાગે છે કે કેવળ પરમાત્માના અનુગ્રહને કારણે જ એ થાય છે; આપણાં કોઈ ક્રિયા-કર્મ એમાં કામ નથી આવતાં. ⬛

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો