તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજાતા:આટલાં દુઃખમાંથી પસાર થવા છતાં કોઈ વ્યક્તિ ઉત્સાહભરી, ખુશમિજાજ રહી શકે?

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘એ નહીં આવે!’ નિશાએ હાથ પાછો ખેંચી લીધો. ‘જો આવે તો પણ મારે એને નથી આવવા દેવો. હી ઇઝ અ ચીટર! આઇ હેટ હિમ!’

હોસ્પિટલની ડ્યૂટી પતાવીને ઘરે આવતાં સુજાતાને રાતના બાર વાગી ગયા હતા. અંદર આવીને જોયું તો નિશાનો રૂમ ખાલી હતો! સુજાતાને ધ્રાસ્કો પડ્યો. તે આખા ઘરમાં ફરી વળી. નિશા ક્યાંય નહોતી. ઝડપથી તે મમ્મીના રૂમમાં ગઈ. મમ્મીની કદાચ થોડી વાર પહેલાં જ આંખ મળી હશે. તે ઝબકીને જાગ્યાં. ‘મમ્મી, નિશા એના રૂમમાં નથી. ઘરમાં પણ ક્યાંય નથી!’ ‘અરેરે... આ છોકરી...’ મમ્મીને ચિંતા થઈ આવી. ‘તું જરા બહાર જઈને જો ને. એક તો બિચારી બેજીવી છે અને ઉપરથી શહેરમાં તોફાન હજી બંધ નથી થયાં. ક્યાં ગઈ હશે?’ સુજાતા જેવી આવી હતી તેવી જ પહેરેલે કપડે બહાર નીકળી પડી. રાતના સન્નાટામાં કાળી સડકો સુમસામ હતી. નિશા જાય તો કઈ બાજુ જાય? એવામાં સુજાતાને નજીકમાંથી પસાર થતી રેલ્વેલાઈન તરફથી ટ્રેનનો હોર્ન સંભળાવા લાગ્યો. સુજાતાને ફાળ પડી. એ છોકરી ક્યાંક ફરી આત્મહત્યા કરવા ના નીકળી પડી હોય! તેણે ઝડપથી સ્કુટીને રેલ્વે-ટ્રેક તરફ ઘુમાવ્યું. રેલ્વેના પાટા નજીક પહોંચીને સુજાતાએ સ્કુટીને સ્ટેન્ડ ઉપર ચડાવ્યું-ના ચડાવ્યું ત્યાં તો ફરીથી ટ્રેનનું હોર્ન સંભળાયું. આ વખતે હોર્ન સતત અને વારંવાર વાગી રહ્યું હતું! સુજાતા પાટા તરફ દોડી. જુએ છે તો એક તરફથી તીવ્ર પ્રકાશના શેરડા સાથે ટ્રેન ધમધમતી આવી રહી છે અને બીજી તરફ દૂર એક યુવતી બરોબર પાટાની વચ્ચોવચ્ચ ચાલી જતી દેખાઈ રહી છે! ‘નિશાઆઆ...!’ સુજાતા બૂમો પાડતી એ તરફ દોડી. ટ્રેનનો હોર્ન, તેની લાઈટનો તીવ્ર ઉજાસ અને આસપાસનાં ઊંચા બિલ્ડિંગોમાં પડઘાઈ રહેલી ટ્રેનની ધમધમાટીમાં સુજાતા એકદમ બહાવરી બની ગઈ હતી. તે નિશાની પાસે પહોંચી ત્યાં સુધીમાં તો ટ્રેન એમની લગોલગ પહોંચી ગઈ હતી! ‘નિશાઆઆ...!’ બે હાથથી નિશાને જકડીને તેણે બાજુમાં હડસેલી દીધી ત્યારે સુજાતાને ભાન થયું કે ટ્રેન તો બાજુના બીજા ટ્રેક ઉપરથી પસાર થઈ રહી હતી! ધડધડ... ધડધડ... અવાજ કરતા ડબ્બાઓ પસાર થઈ રહ્યા હતા. ડબ્બાઓમાંથી કટકે કટકે આવતો પ્રકાશ નિશા અને સુજાતાના ચહેરાઓ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. સુજાતાએ જોયું કે નિશાના ચહેરા ઉપર કોઈ હાવભાવ સુધ્ધાં નહોતાં! તે સાવ પૂતળાં જેવી બનીને ઊભી હતી! ‘નિશા?’ સુજાતાએ નિશાને હચમચાવી નાખી, ત્યારે તેણે આંખોની કીકી સુજાતા તરફ ફેરવી.‘તું અહીં શું કરી રહી હતી?’ ઘોંઘાટના પડઘા પાડતી ટ્રેન પસાર થઈ ગઈ. નિશા ઘડીકમાં દૂર ગયેલી ટ્રેન તરફ, તો ઘડીકમાં સુજાતા તરફ જોતી રહી. હજી તે હોશહવાસમાં લાગતી નહોતી. આખરે તેણે હોઠ ખોલ્યા, ‘હું... હું તમારા ઉપર બોજ છું. મારે અહીંથી ક્યાંક જતાં રહેવું જોઈએ. મને આ શહેરની કંઈ ખબર નથી એટલે મને હતું કે રેલ્વેના પાટેપાટે ચાલીશ તો કમ સે કમ કોઈ સ્ટેશને તો પહોંચી જઈશ.’ ‘નિશા, તારે ક્યાંય જવાનું નથી.’ સુજાતાના ચહેરા ઉપર ફરીથી પેલું ગુલાબી સ્મિત આવી ગયું. ‘અને તું કોઈના ઉપર બોજ નથી. સમજી? ચાલ, હવે ઘરે ચાલ, આપણે મેગી બનાવી ખાઈશું. ઓકે?’ ⬛ ⬛ ⬛ કિચનમાં ગેસ ઉપર મેગીની તપેલીમાંથી વરાળ નીકળી રહી હતી. ‘ટુ મિનિટ’વાળી મેગીની બે મિનિટો અહીં નિશાના મૌનને કારણે પાંચ મિનિટ જેવી લંબાઈ ગઈ હતી. મેગી બની ગયા પછી પણ તેને ખાવાલાયક બનવા માટે થોડી ઠંડી પાડવી જરૂરી હોય છે. મેગી થોડી ઠંડી પડી ગઈ હતી છતાં નિશા તેમાં કાંટાવાળી ચમચી ફેરવી રહી હતી. ‘ટેસ્ટ તો કર? કેવી બની છે?’ નિશાએ કાંટા-ચમચીમાં મેગીની લીસ્સી સેવોને સમેટીને મોંમાં મુકી. પછી સ્હેજ મમળાવતાં તેણે છેલ્લા દસ દિવસમાં મનમાં ઘુમરાઈ રહેલો સવાલ કર્યો, ‘સુજાતા, એક વાત પૂછું ? તમે દેખાવે સુંદર છો, યુવાન પણ છો. કદાચ મારા કરતાં પાંચેક વરસ મોટા પણ છો. તો... તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યું ?’ ‘લગ્ન...’ સુજાતાએ પોતાનું સ્ટાન્ડર્ડ ગુલાબી હાસ્ય વેરતાં કહ્યું. ‘લગ્ન થવાનાં જ હતાં, પણ પછી કંઈક એવું બની ગયું કે એની જરૂર જ ના રહી...’ ⬛ ⬛ ⬛ ‘હું બારમા ધોરણથી જ એક છોકરાના પ્રેમમાં હતી... અને પ્રેમ પણ કેવો ! બિલકુલ લવ ઇન યુનિફોર્મ!’ સુજાતાએ તેની કહાણીની માંડણી કરી. નિશા પલંગમાં આડી પડીને સાંભળી રહી હતી. ‘એનું નામ હતું કાર્તિક... કાર્તિક પરીખ. અમારા ક્લાસનો સૌથી બ્રિલિયન્ટ છોકરો ! અને હું? માંડ માંડ પાસ થનારી પંચાવન ટકાવાળી સુજાતા સવાણી! કાર્તિક મારા પપ્પાના એક મિત્રનો દીકરો હતો. એને તો ડોક્ટર જ બનવું હતું એટલે હું એને કહેતી હતી કે યાર, તું મને ગમે તેમ કરીને બારમું પાસ કરાવી દે તો હું નર્સ બનીને તારી સાથે રહી શકું!’ નિશાને હવે આ લવ-સ્ટોરીમાં રસ પડવા લાગ્યો. ‘કાર્તિક ગયો મેડિકલ કોલેજમાં અને હું પહોંચી નર્સિંગ કોલેજમાં. હું એની સાથે ને સાથે રહેવા માગતી હતી એટલે જે હોસ્પિટલ સાથે બંને કોલેજો સંકળાયેલી હતી તેમાં જ મેં એડમિશન લીધું. મારો કોર્સ તો ત્રણ વર્ષમાં પૂરો થઈ ગયો અને ભાઈસાહેબ તો હજી ભણી રહ્યા હતા. એની ઇન્ટર્નશિપ વખતે જ્યાં એની ડ્યૂટી હોય ત્યાં જ હું મારી ડ્યૂટી પણ ઘૂસાડી દેતી હતી. મારાં મમ્મી-પપ્પાને પણ આ સંબંધ મંજૂર હતો એટલે જેવો કાર્તિક ડોક્ટર બન્યો કે તરત સગાઈના ગોળધાણા પણ વહેંચાઈ ગયા. કાર્તિકનું કુટુંબ મધ્યમ વર્ગનું હતું. જ્યારે મારા પપ્પાની ધીકતી પાર્ટનરશિપ ફેક્ટરી હતી. જોકે મારા પપ્પાને ધીમે ધીમે પાર્કિન્સન્સની અસર થવા લાગી હતી. એટલે એમની પાર્ટનરશિપ માત્ર રૂપિયા રોકવા સુધીની જ બની ગઈ હતી.’ નિશાનો ચહેરો જરા ગંભીર થવા લાગ્યો. એટલે સુજાતાએ કહ્યું ‘ખબર છે નિશા, પાર્કિન્સન્સની મજા શું છે? કોઈ પણ જાતની મ્યુઝિક સિસ્ટમ વિના તમે મીની-રોક સ્ટાર બની શકો છો ! કહેવાનો મતલબ એમ કે શરીર સતત ધ્રુજ્યા કરે... પરંતુ જેવી તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની મોંઘી ટેબ્લેટ લો કે તરત ધ્રુજારી ગાયબ!’ નિશાને નવાઈ લાગી. ‘સુજાતા, તમે તો પેઇનને પણ કેવી રીતે ડિસ્ક્રાઈબ કરો છો ?’ ‘ડિસ્ક્રિપ્શન અને પ્રિસ્ક્રિપ્શન! બસ આ બે ચીજોની વચ્ચે જ આખું મેડિકલ સાયન્સ છે, સમજી?’ સુજાતાએ નિશાના ગાલ ઉપર હળવી ટપલી મારી. ‘હમણાં થોડી જ વાર પહેલાં તારું ડિસ્ક્રિપ્શન કેવું હતું? ચાલ, છોડ...’ સુજાતાએ વાત આગળ ચલાવી. ‘લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. પપ્પાએ કાર્તિકને પ્રોમિસ કર્યું હતું કે તારે તારી પોતાની પ્રેક્ટિસ કરવા માટે લોન લેવાની જરૂર નથી. દહેજના બહાને ઘણાંબધાં ઘરેણાં અને બહુ મોટી કેશ તેમણે આ ઘરમાં લાવીને કબાટમાં રાખી મૂકી હતી, પણ -’ સુજાતાના ચહેરા ઉપર હજી એ ગુલાબી સ્મિત હતું. ‘ઉપરવાળો જ્યારે આપણી સ્ટોરી લખવા બેસે છે ને, ત્યારે તે આપણને પૂછતો જ નથી! વોર્નિંગ પણ નથી આપતો! બસ, અચાનક વાર્તામાં વળાંક ઘૂસાડી દેતો હોય છે... લગ્નના ત્રણ જ દિવસ પહેલાં પપ્પાની કન્ડિશન અચાનક લથડી ગઈ. એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હું અને મમ્મી આખી રાત હોસ્પિટલમાં હતાં. સવાર થતાં સુધીમાં પપ્પા ગુડબાય કરી ગયા... પણ વાર્તાનો અસલી વળાંક એ નહોતો. ઘરે આવીને જોયું તો કબાટ ખુલ્લું પડ્યું હતું! તમામ કેશ અને બધા જ ઘરેણાંની ચોરી થઈ ગઈ હતી. આ જોઈને -’ બે ક્ષણ માટે સુજાતાનું સ્મિત ઝાંખુ પડી ગયું. ગળામાં બાઝી ગયેલી ખખરીને સાફ કરતાં તેણે વાત આગળ વધારી. ‘એ જોઈને મમ્મીને અચાનક પેરેલિસીસનો એટેક આવી ગયો. આખું ડાબું અંગ ઝલાઈ ગયું. મોં ત્રાંસુ, આંખો ત્રાંસી, ગરદન ત્રાંસી, હોઠ ત્રાંસા.. જાણે ફોટોશોપમાં ફોટો ભૂલથી એક સાઈડે ખેંચાઈ ગયો હોય તેવું! યુ નો?’ સુજાતાની આ જોક નિશાને જરાય હસાવી શકી નહીં. તેણે કહ્યું, ‘હમણાં તો મમ્મી એવાં નથી દેખાતાં.’ ‘સતત એક વર્ષ સુધી રોજ સવાર-સાંજ એક એક કલાક માલિશ કરવી પડતી હતી. ટાઈમ-ટેબલ ભરચક થઈ ગયું હતું. જોબ કરવાની, જાતે માલિશ કરવાની અને ફિઝિયોથેરાપી માટે પણ મમ્મીને રોજ લઈ જવાની. પણ મમ્મી બહાદુર નીકળી. મારી માલિશથી એ પહેલવાનની જેમ મજબૂત થતી ગઈ. જો ને, આજે તો ફક્ત પગમાં જ થોડી કસર છે. એ સુધરી જાય ને, પછી મમ્મીને મારે ઇન્ડિયાની સિનિયર મહિલા ટીમમાં ફૂટબોલ રમવા માટે મોકલવાની છે!’ નિશાને સતત નવાઈ લાગી રહી હતી. આટ-આટલાં દુઃખમાંથી પસાર થવા છતાં કોઈ વ્યક્તિ આટલી ઉત્સાહથી ભરેલી, આટલી ખુશમિજાજ અને આટલી હસતી શી રીતે રહી શકે? ‘પછી કાર્તિકનું શું થયું?’ નિશાએ પૂછ્યું. જવાબમાં સુજાતાના ચહેરા ઉપર એ જ સ્મિત આવ્યું, ‘એનો કોઈ જ વાંક નહોતો. આ તો મેં જ કહ્યું કે મમ્મીને આવી હાલતમાં મૂકીને હું તારા ઘરે રહેવા માટે શી રીતે આવી શકું? શું મમ્મી આપણી સાથે ના રહી શકે?’ ‘તો કાર્તિકે શું કહ્યું?’ ‘એ શું કહે? એનાં મા-બાપે જ ના પાડી.’ ‘હું નથી માનતી. મને લાગે છે કે કાર્તિકને તમારા પ્રેમ કરતાં લગ્ન પછી મળનારા પૈસામાં વધારે રસ હશે. ઘરમાં ચોરી ન થઈ હોત તો -’ ‘તો મમ્મીને માલિશ કોઈ ઓર્ડિનરી માલિશવાળો કરતો હોત, રાઈટ ? જેની હથેળીમાં માત્ર તેલ હોત, લાગણી નહીં!’ સુજાતા હસી. ‘ભલભલા ડોક્ટરોને ખબર નથી કે પ્રિસ્ક્રિપ્શનમાં કદી ન લખાતી દવાનું નામ લાગણી હોય છે, પ્રેમ હોય છે.’ નિશા કંઈ બોલી નહીં. કદાચ તેને તેના દગાબાજ પ્રેમીની યાદ આવી ગઈ હતી. સુજાતાએ તેના વાંકડીયા વાળમાં હાથ ફેરવતાં કહ્યું,‘નિશા, હવે ખરાબ સમય પસાર થઈ ગયો છે. તું આવી છે ત્યારથી બધું બદલાઈ જવાનું છે. હવે તારે અહીં જ રહેવાનું છે. હું તારા માટે કોઈ સરસ જોબ શોધી કાઢીશ.’ ‘અને આ બાળક ?’ નિશાએ પોતાના પેટ ઉપર મુકેલો હાથ સુજાતાએ પોતાની બંને હથેળીમાં લઈ લીધો. ‘એ બાળક પણ અહીં જ રહેશે. જોજે ને, એક દિવસ, એ જ બાળકનો ચહેરો જોવા માટે તારો પ્રેમી અહીં પાછો આવશે.’ ‘એ નહીં આવે!’ નિશાએ હાથ પાછો ખેંચી લીધો. ‘જો આવે તો પણ મારે એને નથી આવવા દેવો. હી ઇઝ અ ચીટર! હી ઇઝ અ ફ્રોડ! આઇ હેટ હિમ!’ ‘આ લે લે! તું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણી લાગે છે!’ સુજાતા હસી પડી. ‘આ હિસાબે તો તને જોબ પણ બહુ સારી મળશે.’ નિશા ફરી ચૂપ થઈ ગઈ. ‘સોરી. બેડ જોક.’ સુજાતાનો ચહેરો થોડો વિલાઈ ગયો. ‘પછી, કાર્તિકનું શું થયું?’ ‘એ છે ને! આ શહેરમાં જ છે. એનું પોતાનું ક્લિનિક છે. બહુ સારી પ્રેક્ટિસ છે.’ ‘અને એણે મેરેજ કર્યાં કે નહીં?’ ‘કર્યાં ને! સરસ છોકરી સાથે મેરેજ કર્યા.’ ‘એના પપ્પા બહુ પૈસાદાર હશે, રાઈટ ?’ ‘હા.’ પછી સુજાતા અટકી ગઈ. ‘કમ ઓન નિશા. એવા વિચારો નહીં કરવાનાં. અમુક વાર્તાઓ બધે સરખી જ નીકળતી હોય છે. છોડો ને, આ નાનકડા ટાપુમાં આપણે ખુશ છીએ ને?’ ‘હા, પણ જો તમારા પપ્પાનું અચાનક અવસાન ન થયું હોત તો વાર્તા અલગ હોત ને?’ એ જ ઘડીએ બહાર ‘ખણણણ...’ કરતાં કશુંક તૂટવાનો અવાજ આવ્યો ! નિશા અને સુજાતા બહાર જઈને જુએ છે તો દિવાલ ઉપર લટકાવેલી પપ્પાની તસવીર એની મેળે તૂટીને ફર્શ ઉપર પડી ગઈ હતી. તૂટેલા કાચ અહીં તહીં વિખરાઈ ગયા હતા અને સુજાતાની મમ્મી તૂટેલી કરચોની પાસે વ્હીલચેરમાં હતી! એની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. ‘હું મરી કેમ નથી જતી? સુજાતા, હું મરી કેમ નથી જતી?’ મમ્મીના ચિત્કારથી ‘ટાપુ’ નામે ઓળખાતા એ બંગલાની દીવાલોમાં તેના પડઘા આખી રાત ઘૂમરાતા રહ્યા... (ક્રમશઃ) vibhavari4dil@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો