હસાયરામ:કેબિનેટ કે કોબીનેટ?

11 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

ચારેબાજુ ચૂંટણીનો માહોલ જોઈ અક્કલના બારદાન નૂરાને પણ ચૂંટણી લડવાનું મન થયું. પીરાએ નૂરાને ચૂંટણી લડતા રોક્યો એ સમયનો વાર્તાલાપ ભારત-પાકિસ્તાન મેચ જેવો દિલધડક રહ્યો. પીરો: હે નૂરા, તું સાચે જ આ વખતે ચૂંટણીમાં ઊભો રહી લડવાનો? નૂરો: હા, પીરા ફાઇનલ છે કારણ ચૂંટણી બેસીને લડાતી નથી માટે. પીરો: તું ફોર્મ ભરવા માગે છે? નૂરો: હા, કારણ ખિસ્સું ભરવા માટે સૌપ્રથમ ફોર્મ ભરવું ફરજિયાત છે. પીરો: તું ફૂલ સાથે ખીલવા માગે છે એમ? નૂરો: ના, ત્યાં હાઉસફુલનું પાટિયું છે. પીરો: તો તું હાથાનો હાથ બનીશ એમ ને? નૂરો: ના રે! હાથમાં ફ્રેક્ચર છે. પીરો: તો તું સફાઈની વસ્તુ પકડીશ? નૂરો: અહ... એની સળીયું હજી ગોઠવાઈ રહી છે. પીરો: તો પાર્ટી વગર જીતીશ કેવી રીતે? નૂરો: પાર્ટીઓ કરાવી કરાવીને...! પીરો: તે કોઈ મોટા પક્ષ પાસે ટિકિટ કેમ ન માગી? નૂરો: હું જેની પાસે માગવા ગયો હતો એ બધાને પણ પાર્ટીએ ટિકિટ નથી આપી! પીરો: તો તું અપક્ષ લડીશ? નૂરો: હમમમ્...! આ વખતે અપક્ષની સરકાર બનશે. પીરો: એવું ના થાય લ્યા! અપક્ષ થોડી કોઈ પાર્ટી છે? નૂરો: પણ અપક્ષ તરીકે જીતી જાવ પછી તો સરકારમાં જઈ શકુંને? પીરો: ‘પક્ષપલટો પ્રથા’ બંધ છે. નૂરો: આવું ચૂંટણીની કંકોતરીમાં ક્યાંય નથી લખ્યું ઓકે? પીરો: લખવું જોઈએ...! ચૂંટણી પંચે ખોટી પ્રથા બંધ કરાવવી જોઈએ. નૂરો: તો તો ‘આક્ષેપ પ્રથા’ અને ‘ભાષણ પ્રથા’ પણ નીકળી જાય. પંચ તો એક જ છે. પીરો: એ વળી કયો? નૂરો: પક્ષીપંચ. પીરો: કોઈ કવિએ સ્થાપ્યો હતો એ? નૂરો: રામ જાણે...! પણ પક્ષીપંચના ‘પંચ’ માસ્ટર સ્ટ્રોક હોય છે. પીરો: માસ્ટરો તો બધા ચૂંટણીમાં ઓનડ્યુટી હોય છે. નૂરો: હા, એ બિચાકડાની ‘ઓફ ડ્યુટી’ કદી થાતી જ નથી. પીરો: ઓફથી યાદ આવ્યું તારું ચૂંટણી નિશાન કયું છે? નૂરો: ઠાઠડી... નનામી... પીરો: હાય હાય કેમ નનામી? આવું ચિહ્ન! નૂરો: લોકો ચિહ્ન જોઈને જ બે મિનિટનું મૌન પાળેને એટલે. પીરો: હા, પણ એમાં તને શું ફાયદો? નૂરો: મૌન પાળશે એટલે તેને હું યાદ આવીશ એટલે મોતની બીકે મતદારો મને મત આપશે. પીરો: મત માટે મોતનો સોદો? નૂરો: એવરીથિંગ ઈઝ ફેર ઇન રાજકારણ એન્ડ રમત. પીરો: આ ખોટું સૂત્ર છે. ‘એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર’ આવે. નૂરો: હા, પણ હું પાંચસો વાર જાહેરમાં બોલીશ એટલે સાચું થઈ જશે. પીરો: પણ નૂરા એ તો ચીટિંગ કહેવાય. નૂરો: ચીટિંગથી મિટિંગ ગોઠવાશે. પીરો: નૂરા! પણ તને કોઈ શું કામ મત આપે? નૂરો: હું તદ્દન સ્વચ્છ પ્રતિભા છું એટલે. પીરો: હવે આ પ્રતિભા કોણ છે? નૂરો: ભૂલી ગયો આપણી સાથે દસમામાં ભણતી’તી. પીરો: હા! યાદ આવી માંજરી આંખોવાળીને? નૂરો: યસ બકા એ જ પ્રતિભા. પીરો: પ્રતિભા તો શેરબજારવાળા પરીયા સાથે પરણી ગઈ. નૂરો: બજાર તો ચૂંટણી ઉપર જ ગરમ હોય. પીરો: રાજકારણ તો લોકોની સેવા કરવાનું માધ્યમ છે. નૂરો: હા, એવું જ કહેવાનું હોય. પીરો: એટલે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય. નૂરો: સર્જરી કરાવવાના દાંત પણ અલગ હોય. પીરો: નૂરા, તું પ્રચાર કાર્યાલય ક્યાં ખોલીશ? નૂરો: સ્મશાનની બહાર! પીરો: કેમ? મહાણમાં મત માગવા જઈશ? નૂરો: મારું ચિહ્ન લોકોને સ્મશાન થકી જ સ્મરણમાં રહેશે. પીરો: તારો ચૂંટણી પ્રચાર કોણ કરશે? નૂરો: સ્મશાનના તમામ ડાઘુઓ જ મારા કાયમી કાર્યકરો બનશે. પીરો: તને ખબર છે નૂરા! ઇલેક્શન ટોટલી જ્ઞાતિનાં સમીકરણો પર જિતાય છે. નૂરો: સમીકરણ નવમા ધોરણમાં ગણિતમાં ભણવામાં આવતા મને એ યાદ છે. પીરો: પછી એ ગણિતના ટીચરની સગાઈના સમાચારે તારું દિલ તૂટી ગયું હતું, તે તને યાદ છે? નૂરો: હા, પીરા! ને તું નકટો બની તે દિવસે જ મને તીખી ભેળ ખાવા લઈ ગયો’તો તને યાદ છે? પીરો: કેમ ભુલાય નૂરા! આપણા ગણિતના ટીચર દેખાવે બહુ સુંદર અને સારા હતા. નૂરો: એમાં જ આપણું ગણિત બગડ્યું. પીરો: નવમા ધોરણમાં એ મેડમે મોનિટર માટે વર્ગમાં ચૂંટણી કરાવી હતી યાદ આવ્યું? નૂરો: હા બિલકુલ, એ મારા જીવનની પહેલી ચૂંટણી હતી. કેમ ભૂલી શકું? પીરો: તને આખા ક્લાસમાંથી ત્રણ જ મત મળેલા, જો યાદ હોય તો. નૂરો: હા, મારી સામે પેલી ગજુભાઈની પભલી (પ્રભા) ઊભી’તી એમાં બધા ચણીયા બોરની જેમ વેરાઈ ગયા. પીરો: એ ત્રણમાંથી એક મારો મત હતો, બીજો તારો પોતાનો અને ત્રીજો કોનો હતો? હવે તો કે... નૂરો: મેથ્સવાળા મસ્ત-મસ્ત મેઘા ટીચરનો...! પીરો: ઓહ પણ નૂરા વિધાનસભાની ચૂંટણી જીતવામાં બહુ ખર્ચો થાય હો...! નૂરો: જીતવું હોય તેને થાય ને! પીરો: એટલે? તું કહેવા શું માગે છે? નૂરો: મારે ક્યાં જીતવું છે. મારે તો લડવું છે. પીરો: એને લડવું નહી નડવું કહેવાય. વિચારધારા વગર રાજકારણમાં ન પડાય. નૂરો: રાજકારણ વગર વિચારધારા પણ ક્યાં નક્કી થાય છે? પીરો: પોલિટિક્સમાં કોઈનો ભરોસો ન કરાય? નૂરો: ખોટી વાત. દેશનો દરેક નાગરિક મત આપીને પાંચ વર્ષ ભરોસાથી રાહ જુએ જ છે ને! પીરો: ભરોસાની ભેંસ જ પછી પાડો જણે. નૂરો: ઈ તો જણનારી (પ્રજા)માં જોર નહી એમાં સુયાણી (EVM) શું કરે? પીરો: ભાઈ નૂરા, મારી સલાહ માનજે પોલિટિક્સમાં ભરોસો ન કરતો. નૂરો: ભલે ભાઈ પણ ભરોસાનું પોલિટિક્સ તો કરી શકુંને? પીરો: તારી ડિપોઝિટ જાશે. નૂરો: પણ અનુભવ તો આવશે ને! ત્રણ તાલુકાના લોકો ફોટો ને નામથી તો ઓળખશે નૂરાભાઈ સ્મશાન ચિહ્નવાળા...! બસ આપણું હાલશે. પીરો: તેથી શું ફાયદો થશે? નૂરો: નેતા થઈ જાવ તો’ય શું ફાયદો છે ભાઈ! અહીં ગમે તે ગમે ત્યારે બદલી જાય છે. કેબિનેટમાંથી ‘કોબીનેટ’ જેવા થઈ જાય છે… … ફાયદો એક પ્રજાને થાય છે. પીરો: એ વળી શેનો? નૂરો: મફત મનોરંજનનો! ⬛ }}} હાયરામ હેડકી અને વોડકાનો તફાવત કોઈ જાણો છો? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...