ડૂબકી:સીમા એક પ્રકારની મોકળાશ છે

વીનેશ અંતાણી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘સ્કાય ઇઝ ધ લિમિટ.’ એ વાક્ય સકારાત્મક અર્થ ધરાવે છે અને જીવનમાં કશુંય અશક્ય નથી એવી પ્રેરણા આપે છે. તેમ છતાં એનો શાબ્દિક અર્થ પકડી ખરેખરા આકાશને આંબવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ કોઈ નક્કર સ્થળે પહોંચતી નથી, બલ્કે ‘અવકાશ’માં ફંગોળાયા કરે છે. ‘સ્કાય ઇઝ ધ લિમિટ’માં એક ગોપિત સંદેશો છે

સિત્તેર વર્ષના ધનાઢ્ય પુરુષનું બાળપણ ગરીબી અને અભાવોમાં વીત્યું. એની કોઈ પણ બાળસહજ ઇચ્છા મા-બાપ પૂરી કરી શકતાં નહીં, એથી એને ઓછું આવી જતું. એ બીજા છોકરાઓને જોતો, મળતો, એમને ઘેર જતો, ત્યારે એનું મન અભાવોથી ભરાઈ જતું. ભણવામાં બહુ હોશિયાર, ચબરાક છોકરો. થોડો મોટો થયો પછી એણે નક્કી કર્યું કે ગરીબીમાં સબડવાનો અર્થ નથી. એણે નાની વયથી કામ કરવાનું શરૂ કર્યું. બીડી વાળી, શાકભાજીની રંેકડી ચલાવી, રસકસની નાની દુકાન કરી. એ રીતે પૈસા કમાતો થયો. એનામાં ધંધો કરવાની સૂઝ હતી. ધંધો વિસ્તારતો ગયો. પરણ્યો. સંતાનો થયાં. આજે એની પાસે ભવ્ય બંગલો, નોકરચાકર, ગાડી, વૈભવી ફર્નિચર બધું છે. તેમ છતાં આ ઉંમરે એને સંતોષ નથી. ભૌતિક સુખ મળ્યું, પરંતુ અંદરથી એ ખાલી થઈ ગયો છે. બધું છે, છતાં કશું જ નથી. એકલે હાથે ચલાવેલા સંસારના ભારથી પત્ની વહેલી વૃદ્ધ થઈને બીમાર રહે છે. એ પત્નીને જુએ ત્યારે અપરાધભાવ જાગે કે આવી પ્રેમાળ, સમજુ, ઘરરખ્ખુ પત્નીને પ્રેમ કરવાનો સમય જ એને મળ્યો નહીં. સંતાનો પણ જાણે પિતાની ગેરહાજરીમાં મોટાં થઈ ગયાં અને હવે એમના સંસારમાં વ્યસ્ત થઈ ગયાં છે. જિંદગીની દોડધામમાં એ મિત્રો પણ બનાવી શક્યો નહીં. હવે સમય એના હાથમાંથી સરી ગયો છે. એણે કામ જ કરતાં રહેવાની ઘેલછા પર ક્યારેય બ્રેક મારી નહી. એ કોઈ જગ્યાએ અટક્યો હોત, પૈસા લ્હાયમાં લિમિટ બાંધી શક્યો હોત તો વૃદ્ધાવસ્થાના અજંપા અને ખાલીપણામાંથી બચી શક્યો હોત અને જીવનનો સાચો આનંદ માણી શક્યો હોત. આ દૃષ્ટાંત ગરીબીમાં મોટી થયેલી વ્યક્તિનું છે. બધી રીતે સંપન્ન લોકો પણ વધારે મેળવવા જીવનભર દોડતાં રહે છે. માણસની લાલસાનો અંત નથી. એની પાસે જે કંઈ હોય એટલાથી એને સંતોષ થતો નથી અને મન વધારે ને વધારે મેળવવા ઝંખે છે. લાલચમાં સપડાયા પછી એ ‘વધારે’નો અંત દેખાતો નથી. માણસ એની શક્તિ, આવડત અને સંજોગોને ધ્યાનમાં રાખ્યા વિના લાલચનો માર્યો દોડ્યા કરે છે. ઘણી વાર એની હડિયાપટ્ટી પાછળ કોઈ ચોક્કસ ધ્યેય પણ હોતું નથી. વાસ્તવમાં એ શું મેળવવા માગે છે, તે પણ જાણતો હોતો નથી. એવા લોકો કોઈ જગ્યાએ પહોંચી શકતા નથી, સફળતાના નામે શૂન્ય રહે છે. એ કારણે જ શાણા માણસો જીવનમાં દરેક બાબતનું ધ્યેય નિર્ધારિત કરવા પર ભાર મૂકે છે. ધ્યેય નિર્ધારિત કરવાનો અર્થ છે આપણે શું કરવા માગીએ છીએ અને શું નથી જ કરવા માગતા એ નક્કી કરીને મર્યાદા બાંધવી. એ રીતે વિસ્તાર નક્કી કર્યા પછી જ્યાંત્યાં ભટકવું પડતું નથી. કેટલે પહોંચ્યા, કેટલે આગળ જવાનું બાકી રહ્યું એનો સ્પષ્ટ અંદાજ રહે છે. ઘણા લોકો અનેક સપનાં સેવે છે અને એકસાથે એના પર કામ કરે છે. પરિણામે તેઓ એક પણ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરી શકતા નથી. કેટલાક લોકો નૂતન વર્ષે નવા સંકલ્પ લે છે. વધારે પડતા ઉત્સાહી લોકો દસ-પંદર નવાં ધ્યેય નક્કી કરે અને એક પણ પૂરું કરી શકે નહીં. જ્યારે માત્ર બેથી ત્રણ સંકલ્પ લેનાર સંતોષ અને આનંદ સાથે એનાં કામ સંપન્ન કરે છે. એને હતાશ થવું પડતું નથી. મર્યાદા બાંધીને કરેલું કામ પૂરું થાય પછી નિરાંતનો શ્વાસ લઈ નવી દિશાની યોજના બનાવી શકાય છે. આપણી ક્ષમતામાં વધારો થાય છે, આત્મવિશ્વાસ વધારે મજબૂત બને છે. સપનાં શેખચલ્લીના વિચારોની જેમ હવાઈ બની અધૂરાં રહેતાં નથી. આપણને વારંવાર કહેવામાં આવે છે કે ‘સ્કાય ઇઝ ધ લિમિટ.’ એ વાક્ય સકારાત્મક અર્થ ધરાવે છે અને જીવનમાં કશુંય અશક્ય નથી એવી પ્રેરણા આપે છે. તેમ છતાં એનો શાબ્દિક અર્થ પકડી ખરેખરા આકાશને આંબવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ કોઈ નક્કર સ્થળે પહોંચતી નથી, બલ્કે ‘અવકાશ’માં ફંગોળાયા કરે છે. ‘આકાશ’નો એક અર્થ ‘ખાલી શૂન્ય સ્થાન, પોલાણ’ પણ થાય છે. ‘સ્કાય ઇઝ ધ લિમિટ’માં એક ગોપિત સંદેશો છે. આપણી ક્ષમતા મુજબ નક્કી કરેલો વિસ્તાર આપણું આકાશ છે. ત્યાં પહોંચવા બધું કરીએ, પરંતુ વધારે ઊંચી છલાંગ પછડાટમાં પરિણમે છે. કવિ હરીન્દ્ર દવેના જાણીતા ગીત ‘એક રજકણ સૂરજ થવાને શમણે’ના મુખડાની પંક્તિઓમાં આ વાત સદૃષ્ટાંત સમજાવી છે. સૂરજ થવાની મહત્ત્વાકાંક્ષા સેવતું એક રજકણ ‘ઉગમણે’ ઊડે છે અને પલકવારમાં ‘આથમણે’ ઢળી પડે છે. રજકણ તો રજકણ જેટલું જ ઊડી શકે. એનું આકાશ સૂરજનું આકાશ નથી. એનું રજકણ હોવું પણ એના માટે પર્યાપ્ત છે. આપણે મોટાં સપનાં અવશ્ય સેવવાં જોઈએ, પરંતુ એની સીમા પણ બાંધવી જોઈએ. આપણા માટે શું યોગ્ય અને શું શક્ય છે એનો ખ્યાલ રાખવો જોઈએ. કોઈ સપનું નાનું નથી અને કોઈ સપનું મોટું નથી. વ્યક્તિની ક્ષમતા પ્રમાણે જ એની મર્યાદા બંધાય છે. પ્રેરણાત્મક જીવનસંદેશના અમેરિકન લેખક હેનરી ક્લાઉડે કહ્યું છે : ‘મારી ક્ષમતા પ્રમાણે મેં બાંધેલી સીમાથી મારું કાર્યક્ષેત્ર સ્પષ્ટ થાય છે. હું સમજી શકું છું કે હું શું છું અને શું નથી. સીમા નિર્ધારિત કરવાથી મારે ક્યાં અટકવાનું છે અને સફળ થવા માટે મારે શું કરવાનું છે એનો મને ખ્યાલ રહે છે…’ સીમા એ કોઈ બંધન નથી, એક પ્રકારની મોકળાશ છે. કેટલાક લોકોને વધારે પડતું બોલવાની અને લાંબુંલચક લખવાની આદત હોય છે. તેઓ માને છે કે એમ કરવાથી જ એમના વિચાર લોકો સુધી પહોંચશે. વાસ્તવમાં ઓછું બોલવાની અને શબ્દસંખ્યાની મર્યાદા બાંધવાથી કહેવું હોય એ સચોટ બને છે. વિદેશમાં એક પ્રયોગ થયો. સુપ્રસિદ્ધ અને ઓછી જાણીતી વ્યક્તિઓને એક જ વાક્યમાં એમના જીવનનો સાર જણાવવા કહ્યું. એમી માન નામની ગાયિકાએ લખ્યું : ‘અસહ્ય થઈ પડ્યું એથી મેં ગીતો ગાયાં.’ એકલી પડી ગયેલી એક મહિલાએ લખ્યું : ‘હું હજી પણ બે જણ માટે કોફી બનાવું છું.’ આ બંને મહિલાઓએ એમની જીવનભરની પીડા વ્યક્ત કરવા લાંબું કહેવાની જરૂર પડી નથી, મર્યાદિત શબ્દોમાં જ કહેવાઈ ગયું. લિમિટ બાંધીને કરેલાં કામની આ પણ એક મજા છે. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...