સહજ સંવાદ:બુકર-વિજેતા ગીતાંજલિ શ્રીનું ગુજરાત કનેક્શન

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ‘રેત સમાધિ’ની અનુવાદિકા ભારતીય નથી લાગતી, નહીં તો ‘સમાધિ’નું ‘ટોમ્બ’ના કર્યું હોત. ‘સમાધિ’ ‘ટોમ્બ’ કરતાં અલગ છે ખાસ કરીને ભારતીય પરંપરાના સંદર્ભમાં

ગીતાંજલિ શ્રીનું પરંપરાગત નામ તો ગીતાંજલિ પાંડેય. 2018માં તેમણે લખેલી નવલકથા ‘રેત સમાધિ’ને બુકર સન્માન મળ્યું તે હિન્દી સાહિત્ય માટે અને સમગ્ર ભારતીય સાહિત્યકારોને માટે ગૌરવની ઘટના છે. ગૌરવ એટલા માટે પણ, કે દુનિયાની બીજી ભાષાઓ જેટલું જ સામર્થ્ય અને ગુણવત્તા આપણી હિન્દી ભાષા પણ ધરાવે છે તેને આટલાં વર્ષે આંતરરાષ્ટ્રીય સન્માન આપીને સ્વીકૃતિ મળી. અગાઉ માર્ક્વેઝની નવલકથાને લેટિન સાહિત્યની આવી જ ઘટના માનવામાં આવી હતી. ગીતાંજલિનો સંબંધ ગુજરાતની સાથે પણ રહ્યો છે. અયોધ્યા-ઘટના પછીની તેની નવલકથા ‘હમારા શહર, ઉસ બરસ’ હતી ત્યારે હું ભૂલતો ના હોઉં તો તેમનો નિવાસ સુરતમાં હતો. તે નવલકથામાં કોઇ પૂર્વગ્રહ કે પક્ષપાત વિના તત્કાલીન પાત્રોનું પરિસ્થિતિનપં ઘેરું ચિત્રણ હતું, તે વખતે તેમણે પોતાના સુંદર હસ્તાક્ષરોમાં મને લખેલા કેટલાક પત્રો ફાઇલોમાં ફંફોસી રહ્યો છું, પણ લેખક, પત્રકાર કે સંશોધકને માટે વીતેલાં વર્ષોની સામગ્રી કેવી મુશ્કેલ હોય છે તે સૌ જાણે છે. ગીતાંજલિ શ્રીની નવલકથાને પ્રાપ્ત સન્માનનો હરખ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ કર્યો છે, ત્યાં તેમણે પ્રેમચંદ પર પીએચ. ડી. કર્યું છે. એક જગ્યાએ તેમણે લખ્યું પણ છે કે પ્રેમચંદની પૌત્રી સાથે મારી કાયમી મૈત્રી રહી છે. ગીતાંજલિનું ભાવાત્મક તર્પણ તેમની માતાને માટે રહ્યું છે. આ ‘શ્રી’ શબ્દે ‘પાંડેય’ની જગ્યા લીધી છે તેનું કારણ માતૃ-સ્મૃતિની અખંડતા છે. જન્મ થયો ઉત્તર પ્રદેશના ગાઝીપુર નજીક ગોડુર ગામમાં. ભણ્યા દિલ્હીમાં શ્રીરામ કોલેજમાં અને પછી જેએનયુમાં નાગરિક સેવાની નોકરી કરી અને એમ. એસ.માં પીએચ. ડી.ની પદવી મેળવી.મૈનપુરી, ઉત્તરપ્રદેશમાં તરુણવયની સ્મૃતિ છે. પ્રિય વિષય ઇતિહાસ. શોખ નૃત્ય, સંગીત અને રંગભૂમિનો. તેમનાં નાટકોની સ્ક્રિપ્ટ પરથી ઘણાં નાટકો થયાં તે દિલ્હી અને મુંબઇનું પૃથ્વી થિયેટર યાદ કરે છે. તેમની એક નવલકથા છે ‘માઇ.’ સામાન્ય મનુષ્યની ત્રણ પેઢી તેમાં વ્યક્ત થઇ. ગીતાંજલિ શ્રીના ભાગ્યમાં, તેમની વાર્તા-નવલકથાઓના અન્ય ભાષાઓમાં અનુવાદોની ઉપલબ્ધિ રહી. શરૂઆતથી જ ફ્રેન્ચ, સર્બિયન, કોરિયન અને અંગ્રેજીમાં અનુવાદો થતા રહ્યા. અને યોગ તો જુઓ કે ‘રેત સમાધિ’નો અંગ્રેજી અનુવાદ જ બુકર માટે નોંધનીય ગણાયો! એવાં કેટલાં ઉત્તમ પુસ્તકો હશે, જે અંગ્રેજીમાં અનુદિત ન થવાને લીધે જ સન્માનિત નથી થયા? રવીન્દ્રનાથ તેનું ઉદાહરણ છે. નિર્મલ વર્મા પણ નોબેલ માટે મનોનિત થયા હતા. શરદબાબુની ‘શેષેર પ્રશ્ન’નો ઍલેન રોય અનુવાદ કરવા માગતા હતા જેથી નોબેલ સમિતિની નજરમાં આવે. આ સમસ્યાનો એક ઉપાય ઉત્તમ અનુવાદોનો છે, બીજો બુકર કે નોબેલ જેવા સન્માન ભારતીય ભાષામાં સમાંતરે સ્થાપિત થવા જોઇએ. નહીં તો ગુજરાતી સાહિત્યકારોમાં થાય છે તેમ દર વર્ષે નોબેલ જાહેર થાય એટલે ચર્ચા કરવામાં આવે કે ગુજરાતી સાહિત્યની કૃતિને નોબેલ કેમ નહીં? મળે. જરૂર મળે. પણ તેને માટે સર્જકતા સાથેની સજ્જતા જોઇએ. નકલચી વિદ્રોહી કવિતા કે સર્જકતાનો આભાસ પેદા કરતી વાર્તા-નવલકથામાં કશું વળે નહીં. આંતરરાષ્ટ્રીય સાહિત્ય-સંસ્થાઓ પણ ક્યારેક પક્ષપાત કરે છે. પણ દરેક વખતે નહીં. જેને કાશ્મીરના આતંકવાદીઓમાં ગાંધીજી દેખાયા હતા તે અરુંધતી રોયને અગાઉ બુકર સન્માન મળ્યું હતું, તેવી ભૂલો ત્યાં બેઠેલા સ્થાપિત હિતો સંસ્થા પાસે કરાવી લેતાં હોય છે. પણ ગીતાંજલિ શ્રી ખરા અર્થમાં સર્જકતા સાથે ‌વણાયેલાં છે. ત્યાં પાત્રો છે, વર્તન છે, ક્રિયા છે, પ્રતિક્રિયા છે, પરિસ્થિતિઓનું અરણ્ય છે, સંવાદ છે અને તે રીતે આસપાસનો આપણો પોતાનો મનુષ્ય રચી દે છે. આ સંસાર પરિસ્થિતિ છે, જાદુઇ પણ છે. અજાણ્યું નથી પણ અનોખું જરૂર છે. એક ક્ષણમાં તે સદીને જાગતી કરી દે છે. સરહદ તો ક્યાં નથી? સ્ત્રી અને પુરુષ, યુવક અને વૃદ્ધ, તન અને મન, પ્રેમ અને દ્વેષ, નિદ્રા અને જાગરણ, સંયુક્ત અને એકાકી પરિવાર… આ સરહદોની ભીતર અને બહારનું દ્વંદ્વ તે ઉજાગર કરે છે. ‘રેત સમાધિ’ માટે કહેવાયું છે કે દરેક સાધારણ ઔરતમાં છૂપાયેલી એક અસામાન્ય સ્ત્રીની આ મહાગાથા છે.’ આ કથાને તમે જોઇ શકશો કે પીઠ, ધૂપ, હદ-સરહદ જેવાં શીર્ષકોથી વિભાગ કર્યા છે. પણ એ તો છે આંતરસંબંધની સીડી. તેમાં ક્યાંક તો એકાદ વાક્ય જ સંપૂર્ણ પ્રકરણ બનીને આવે છે! ‘રોઝી મરી ગઇ’ આ એક જ વાક્ય. પછી બીજું કદમ ક્યાંક બે-ત્રણ પંક્તિ, ક્યાંક પાંચ-સાત. ક્યાંક બે પાનાં. વાચકની સજ્જતાની યે આ નવલકથા કસોટી કરે છે. આધુનિક સાહિત્યની નદીના બે પટ સમાંતરે ચાલે છે. એક સરળ, સહજ, મધુર પ્રવાહ છે. બીજો ભેખડોમાં અટવાતો, ક્યાંક થોભી જતો, વળી દોડતો, મંદગતિએ અને અર્થોનું જંગલ તેને આકાર-નિરાકાર આપે છે. ‘રેત સમાધિ’ની અનુવાદિકા બિચારી ભારતીય નથી લાગતી નહીં તો ‘સમાધિ’નું ‘ટોમ્બ’ના કર્યું હોત. અંગ્રેજીમાં ‘ટોમ્બ’ અર્થાત્ કબર, મકબરો કે રોજો. ‘સમાધિ’ ‘ટોમ્બ’ કરતાં અલગ છે ખાસ કરીને ભારતીય પરંપરાના સંદર્ભમાં. તેનો જીવ અને શિવને જોડવા માટેની અધ્યાત્મ ક્રિયા સાથે છે. તે સ્થૂળ ભૌતિક નથી. તે મેડિટેશન અને સર્વોચ્ચ સ્પિરિટ સાથે જોડાય તે સમાધિ છે. પણ ખેર, આ નિમિત્તે નવલકથાને- તે પણ એક ભારતીય ભાષાની નવલકથાને- આ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું તેનો આનંદ ગુજરાતને પણ છે!

અન્ય સમાચારો પણ છે...