ન્યૂ રીલ્સ:બોલિવૂડ ‘કમ-બેક’ કરશે! કઇ રીતે?

23 દિવસ પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક
  • ’90ના દશકામાં વિડીયો પાયરસી ફૂટી નીકળી હતી ને મુંબઇનો ફિલ્મ ઉદ્યોગ અંડરવર્લ્ડની મુઠ્ઠીમાં સરકી રહ્યો હતો ત્યારે પણ બોલિવૂડે કમ-બેક કર્યો હતો

બોલિવૂડ હવે પતી ગયું… હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ થઇ જશે… આવી વાતો ભલે આખા દેશમાં ચાલતી હોય પરંતુ આ બોલિવૂડ એટલી સહેલાઇથી ખતમ થવાનું નથી. ભૂતકાળમાં પણ હિંદી ફિલ્મોએ કમ-બેક કર્યો જ હતો. 1985 પછી જ્યારે ઘરે ઘરે ટીવી પહોંચી ગયાં હતાં ત્યારે થિયેટરોમાં કાગડા ઊડવા લાગ્યા હતા છતાં હિંદી ફિલ્મો ટકી રહી હતી. ’90ના દશકામાં એક બાજુ વિડીયો પાયરસી ફૂટી નીકળી હતી અને બીજી બાજુ મુંબઇનો ફિલ્મ ઉદ્યોગ અંડરવર્લ્ડની મુઠ્ઠીમાં સરકી રહ્યો હતો ત્યારે પણ બોલિવૂડે કમ-બેક કર્યો જ હતો. જોકે, આ વખતે મામલો અલગ છે. આ વખતે પ્રશ્નો ‘નિપોટિઝમ’ના છે, હિંદુ કલ્ચર સાથે છેડખાનીના છે, ભારતીય દેશપ્રેમ સાથેની ગંદી રમતના છે અને સૌથી મોટો મુદ્દો અમુક ચોક્કસ લોકો દ્વારા ચાલાકીપૂર્વક ફિલ્મોમાં ઘુસાડાતા ‘એજન્ડા’નો છે. પરંતુ ‘લાલસિંહ ચડ્ઢા’નો જે રીતે આખા દેશમાં બહિષ્કાર થયો તે જોતાં બોલિવૂડના કહેવાતા માંધાતાઓની આંખો ઊઘડી જ ગઇ હશે! (એ લોકો કંઇ ડફોળ નથી, બહુ ચાલાક છે.) અગાઉ આ પ્રકારની છુછી કરવાનું સરળ હતું કેમ કે માત્ર એકાદ નહીં પણ ડઝનબંધ એવી ફિલ્મોને વિવાદને કારણે ‘પબ્લિસિટી’ મળી જતી હતી. આ ‘કોન્ટ્રોવર્સી માર્કેટિંગ’ એક જાતની સફળતાની ફોર્મ્યૂલા બની ગઇ હતી, કે ભારતમાં વિવાદ થવા છતાં લોકો તો જોવા આવવાના જ છે! અને ઇન્ટરનેશનલ મીડિયામાં ન્યૂઝ ફેલાવાથી વિદેશોમાં (ખાસ કરીને પાકિસ્તાન અને ખાડીના દેશોમાં) તેને ખરીદનારા મ‌ળી જ રહેવાના છે. જોકે, હવે આ ડબલ-ઢોલકી પોલિસી ઉઘાડી પડી ગઇ છે. આમ જનતા, ખાસ કરીને હિંદુઓને, હવે સોશિયલ મીડિયાને ચશ્મે નહીં, પણ પોતાની જ આંખો વડે આ બદમાશી પારખતાં આવડી ગયું છે. તો હવે વિચારો, કયો એવો મૂરખ નિર્માતા હશે જે આ ફ્લોપ ગયેલી માર્કેટિંગ સ્ટ્રેટેજી ચાલુ રાખશે? શક્ય છે કે ‘લાલસિંહ ચડ્ઢા’ના સમાચારો જાણ્યા પછી કંઇ કેટલીયે ફિલ્મોની સ્ક્રિપ્ટોમાં ફેરફાર થવા માંડ્યા હશે! કંઇ કેટલાંય શૂટ થયેલાં દૃશ્યો પર પોતાની જ કાતર ફરવા માંડી હશે! આફ્ટર ઓલ, ફિલ્મો બનાવવી એ ‘ધંધો’ છે, કંઇ ‘રાજકીય ઝુંબેશ’ તો નથી જ ને? વળી, એવી રાજકીય ઝુંબેશનો શો ફાયદો કે એવી ફિલ્મો કોઇ જોવા જ ના આને? રહી વાત વિષયોના દુકાળની, તો ભાઇ મોટાં મોટાં પ્રોડક્શન હાઉસો એમ વિચારશે કે સાઉથનો જ સીધો સંપર્ક કરોને? હિંદીમાં રિમેક બનાવીને એમાં બંબઇયા વઘાર કરવા જતાં ફિલ્મનો સ્વાદ બગાડવાનું જોખમ લેવાને બદલે સાઉથના અચ્છા અચ્છા ફિલ્મકારોને જ મૂડીરોકાણ આપોને? આખરે તો પ્રોડ્યુસરોએ રૂપિયા જ કમાવાના છેને? તો મુંબઇની કહેવાતી ‘હાઇ-ફાઇ’ ટેલેન્ટો ગઇ ખાડામાં. સાઉથના ‘દેશી’ ભેજાંનો ઉપયોગ કરોને? શક્ય છે કે આ પ્રકારની વાટાઘાટો શરૂ પણ થઇ ગઇ હશે. મને જરાય નવાઇ નહીં લાગે કે જ્યારે આવનારા છ મહિનામાં સાઉથ અને નોર્થના સ્ટાર્સ ભેગા હોય એવી અને પૂરેપૂરી સાઉથના મેકરો દ્વારા બનેલી ‘હિંદી’ ફિલ્મો રિલીઝ થતી હશે. ત્રીજો મુદ્દો, જેમાં બોલિવૂડ પોતાની જાતે ફસાઇ ગયું છે તે છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પ્રેક્ષકોની સદંતર ઉપેક્ષા કરવી! અંગ્રેજીમાં પટપટ બોલતા મેકરો ભલે ‘પેન ઇન્ડિયા… પેન ઇન્ડિયા’ કહ્યા કરે, પરંતુ માત્ર અને માત્ર મલ્ટિપ્લેક્સનાં ખિસ્સાંઓને ટાર્ગેટ કરવામાં તેઓ બાકીના હિંદુસ્તાનને ભુલાવી જ બેઠા છે. એ વર્ગના લોકો આજે સાઉથની ડબિંગવાળી ફિલ્મો શા માટે વારંવાર જુએ છે? કેમ કે સાઉથની ઇન્ડસ્ટ્રીએ આ પ્રેક્ષકોની કદી ઉપેક્ષા કરી જ નહોતી. બમ્બૈયા ઇન્ડસ્ટ્રીએ તો એ હદે એમને તરછોડ્યા છે કે નાનાં નાનાં શહેરોમાં સિંગલ સ્ક્રીન થિયેટરો જ બચ્યાં નથી! જો નવી ‘પેન ઇન્ડિયા’ ફિલ્મોમાંથી ઝાઝો નફો કમાવો હશે તો ઓછા દરની ટિકિટોવાળાં સિનેમાગૃહોને ફરી જીવતાં કરવાં જ પડશે! હવે વિચારો, એ કરશે કોણ? જવાબ છે, ખુદ સરકારો આ કામ કરશે! 1999 પછી મલ્ટિપ્લેક્સોને તગડો નફો કમાવા મળે એ માટે રાજ્યોએ પાંચથી દસ વરસ સુધી કોઇ ટેક્સ લીધો નહોતો. યાદ રહે, આ પોલિસી ફિલ્મ ઉદ્યોગના તજજ્ઞોના પરામર્શ પછી વાજપેયી સરકારે અમલમાં મૂકી હતી. આ વખતે ‘પરામર્શકારો’ કદાચ બદલાઇ જશે, પરંતુ મોદી સરકાર જો લાંબુ વિચારે તો નાનાં સિંગલ સ્ક્રીન થિયેટરોનો પુનરોધ્ધાર કરવાની આ નવી પોલિસી ‘ઘણી રીતે’ લાભકારક નીવડી શકે છે! ટૂંકમાં, બોલિવૂડ ખતમ તો નહીં જ થાય. લખી રાખજો. ⬛

અન્ય સમાચારો પણ છે...