સ્પોર્ટ્સ:બોબ વુલ્મર - એક રુકા હુઆ ફેંસલા

3 દિવસ પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક

તારીખ - 17 માર્ચ 2007. પાકિસ્તાનના મુલતાન શહેરમાં લોકલ બોય ઈન્ઝમામ ઉલ હકના પૂતળા બળાઈ રહ્યા હતા અને પાકિસ્તાનની હારથી નિરાશ થયેલું ટોળું કોચ બોબ વુલ્મરના નામના છાજીયાં લઇ રહ્યું હતું, ત્યારે બોબ વુલ્મર કિંગ્સ્ટનના સબિના પાર્કમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા હતા. તે સમયે તેમના ચહેરા પર હતાશા જરૂર હતી, પરંતુ તે સિવાય તેઓ સ્વસ્થ લાગી રહ્યા હતા. તેઓ હોટેલ પહોંચ્યા અને અમ્પાયર ઇયાન ગોલ્ડ સાથે એક ડ્રિન્ક લીધું અને ત્યાર બાદ પોતાના રૂમમાં જતા રહ્યા. તેમની બાજુનો રૂમ દાનિશ કનેરીયાનો હતો અને સામેની બાજુનો રૂમમાં પોતાની કેરિયરના અસ્તાચળે પહોંચી ચૂકેલ વેસ્ટ ઇન્ડિઝના લેજન્ડરી બેટ્સમેન અને બ્રાયન લારા આરામ ફરમાવી રહ્યા હતા. તારીખ 18 માર્ચ 2007 - સાંજે 8.12 વાગ્યે વુલ્મરે પોતાની પત્ની જીલને ઈ-મેઇલ કર્યો અને તેના 14 કલાક અને 18 મિનિટ પછી હોટેલ પેગાસસના રૂમ નંબર 374ના બાથરૂમમાં બોબ વુલ્મરનો અચેતન દેહ મળ્યો. તેમના રૂમમાંથી શેમ્પેઇનની બે બોટલ મળી. ડિનરની અડધી છાંડી દેવાયેલી પ્લેટ અને તેમના પોતાના સામાન સિવાય બીજું કશું અજુગતું મળ્યું નહોતું. વુલ્મર પોતે ડાયાબિટીસ અને સ્લીપ એપ્નિયાથી પીડાતા હતા. કોરોનરના રિપોર્ટ મુજબ, વુલ્મરનું હૃદય સામાન્ય કરતાં વધુ ફુલેલું હતું અને તેમની ધમનીઓ સામાન્ય કરતાં વધુ પાતળી થઇ ચૂકી હતી. તદુપરાંત, બસ ડ્રાઇવરના મત મુજબ આગલા દિવસે મેચ પત્યા બાદ બસમાં સતત તેઓ ખાંસતા રહ્યા હતા. ફોરેન્સિક એક્સપર્ટના મત મુજબ, વુલ્મરના રૂમમાંથી મળી આવેલ લેપટોપમાંથી પણ કશું અજુગતું નહોતું મળ્યું. શું વુલ્મરની હત્યા થઇ હતી? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાંથી ચોક્કસપણે કુદરતી મૃત્યુ સાબિત થઇ શકે તેમ નહોતું અને ત્યાર બાદ પેથોલોજિસ્ટના રિપોર્ટ મુજબ, વુલ્મરના મૃત્યુનું કારણ ગળે ટુંપો દેવાના કારણે થયેલી ગૂંગળામણ દર્શાવવામાં આવ્યું માટે જમૈકન પોલીસે મર્ડર ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. વુલ્મર પાકિસ્તાન ક્રિકેટ પર એક પુસ્તક લખવાના હતા અને તેમના અંતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે, તેમાં ઘણો મોટો ઘટસ્ફોટ થવાનો હતો. સૌ જાણે છે તેમ 90ના દશકમાં મેચ ફિક્સિંગને કારણે પાકિસ્તાન ક્રિકેટની છબી ખરડાયેલી હતી અને એમાં ભૂતપૂર્વ ક્રિકેટર સરફરાઝ નવાઝે મેચ ફિક્સિંગ માફિયાએ બોબ વુલ્મરની હત્યા કરી હોવાનો દાવો રજૂ કરીને સમગ્ર ઘટનાક્રમને એક નવો એન્ગલ આપી દીધો. વર્લ્ડકપ ચાલુ રાખવો કે નહીં તે ચર્ચામાં માર્ક શિલ્ડસ નામના ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરે તપાસનો દૌર પોતાના હાથમાં લીધો. તેણે અલગ અલગ એન્ગલ પરથી તપાસ શરૂ કરી. જો માફિયાએ વુલ્મરની હત્યા કરી હોય તો તેમના શરીર પર ઇજાના નિશાન કેમ નથી? વુલ્મરને બાથરૂમમાં કેવી રીતે મારી શકાય? શું તેમને ફૂડ પોઇઝન આપવામાં આવેલું? શું ડ્રગના ઓવરડોઝને કારણે તેઓનું મૃત્યુ થયું? તેમને ગળે ટુંપો દેવામાં આવ્યો હોય તો એના નિશાન કેમ ગેરહાજર છે? બોબ પોતે એક પડછંદ વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમને મારવા માટે એકથી વધુ વ્યક્તિઓ સામેલ હતા કે શું? આનુષંગિક પુરાવાઓ : વુલ્મરનું શરીર બાથરૂમના દરવાજાને અઢેલું મળ્યું હતું, જેનાથી સાબિત થતું હતું કે કોઈ તેમનું ગળું દબાવીને કે ટુંપો દઈને બહાર નીકળી શકે તેમ નહોતું. તે સિવાય વેસ્ટ ઇન્ડિઝ પેસ્ટિસાઇડ રિસર્ચ યુનિટના રિપોર્ટ પ્રમાણે વુલ્મરના શરીરમાં કોઈ પણ પ્રકારના ઝેરની હાજરી સાબિત થઇ નહોતી. પેથોલોજિસ્ટના રિપોર્ટની સામે ઘણી વિસંગતતાઓ આવી રહી હતી. કુટુંબીજનોએ માની લીધું છે કે બોબનું મૃત્યુ કુદરતી હતું પરંતુ મર્ડર, કુદરતી મૃત્યુ, આત્મહત્યા, અકસ્માત જેવા અલગ અલગ કારણો સાથે કોઈ ને કોઈ રીતે આ કેસ જોડાયેલો હતો, પરંતુ સ્પષ્ટ રીતે કહી શકાય તેવા પ્રાથમિક પુરાવાઓની ગેરહાજરીને કારણે 8 મહિના બાદ પણ મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...