માનસ દર્શન:મન, વચન અને કર્મના ત્રિકૂટનું નામ છે ભજન

મોરારિબાપુ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકલ્પ વગરનો મનનો સંકલ્પ એ ભજનનો આરંભ છે. જેના મનમાં અનેક વિકલ્પ હોય, એ ભજનના માર્ગનો પથિક થઈ શકે નહીં

ભજન છે શું? એ ગવાય પણ, લખાય પણ, કરાય પણ, જીવાય પણ, જોવાય પણ. ખુલ્લી આંખોએ, બંધ આંખોએ, અનેક વિધામાં પ્રવેશ કરતું આ પરમતત્ત્વની જોડે બેસનારું આ તત્ત્વ કોણ છે, શું છે? એના માટે આપણા સમર્થ ભજનિકોએ અનુભવમાંથી વાણી ઉચ્ચારી એને ગાઈને, સાંભળીને, આપણા માંહ્યલાને વધારે પવિત્ર કરી રહ્યા છે. કોઈ પણ વસ્તુને સમજવાની કળ હોય છે, ચાવી હોય છે. ‘રામચરિતમાનસ’માં ‘જુગતિ’ શબ્દ છે. હનુમાનજીએ વિભીષણને પૂછ્યું, ‘જાનકી ક્યાં છે?’ જાનકી એટલે જીવતું ભજન. હનુમાનજીએ પૂછયું, ‘તું મને બતાવીશ કે સીતા ક્યાં છે?’ ત્યાં તુલસીએ ‘જુગતિ’ શબ્દબ્રહ્મનો પ્રયોગ કર્યો. ભજનની જુગતિ હનુમાન જેવા અગિયારમા રુદ્રને એક રાક્ષસ બતાવે છે. એટલે આ કોઈનો ઈજારો નથી કે ભજનની જુગતિ અમે જ બતાવીએ! અમે જ બતાવી શકીએ! ત્યાં વર્ણ, નાત, જાત, દેશ, કાળ, કોઈ ભેદ નથી; તેથી હનુમાનજી જુગતિ વિભીષણને પૂછે અને વિભીષણ એની જુગતિ બતાવે અને હનુમાનજી સ્વીકારે અને પછી સીતાતત્ત્વ સુધી પહોંચે. તો આ ભજન શું છે? ગુરુકૃપાથી જેટલું જાણ્યું હોય, તલગાજરડી આંખોથી જેટલું જોયું હોય અને હનુમાનજીની કૃપાથી જીવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હોય એના આધારે હું એટલું જ કહીશ કે આપણે ત્યાં ત્રણ શબ્દ વપરાય છે - ‘મનસા, વાચા, કર્મણા’; ભજન ક્ષેત્રમાં કોણ ખેલી શકે? આ ગગનગઢમાં કોણ રમી શકે? એક વસ્તુ સમજી લઈએ. ભજનના ક્ષેત્રમાં અભયપદ તો છેલ્લે છે. પહેલાં તો બીવાનું જ હોય છે. સીધા અભય થઈને ભજનનું પહેલું પગથિયું પણ ન ચડાય. પહેલું પગથિયું તો થરથરાવી મૂકે, ધ્રૂજાવી મૂકે, બીવડાવે, હૈયું કાંપે, આ માર્ગમાં પગ મૂકું કે ન મૂકું? અનેક વખત પાછી પાની કરાવી દે! ભજનની શરૂઆત તો કંપારી છોડાવે! છેલ્લે અભયપદ મળે; નિર્ભયપદ, અભયપદ, જે આપણે ત્યાં આવે છે. કેટલી બાધાઓ આવે છે! મન, વચન અને કર્મના ત્રિકૂટનું નામ છે ભજન. એ છે ત્રિવેણી તીર્થ ભજનનું. મનમાં હું ને તમે એવું શું લાવીએ કે ભજન શરૂ થાય? એવું કેવું મન હોય? મને જે થોડું સમજાયું એ શેર કરું છું કે વિકલ્પ વગરનો મનનો સંકલ્પ એ ભજનનો આરંભ છે. જેના મનમાં અનેક વિકલ્પ હોય, એ ભજનના માર્ગનો પથિક થઈ શકે નહીં. પહેલાં બીક લાગે, એટલે વિકલ્પો શરૂ થાય કે આ તો ન કરાય. આપણને કેટલા લોકો મેણાં મારે! પ્રહાર કરતાં ઘણાં પરિબળો એ મારા અને તમારા ભજનના સંકલ્પોમાં વિકલ્પો પેદા કરે કે આના કરતાં તો આમ કર્યું હોત તો સારું હતું! જે વ્યક્તિનું મન વિકલ્પમુક્ત સંકલ્પોનો માર્ગ પકડશે એ ભજનમાં પ્રવેશ કરશે. ભજનનો મધ્ય ભાગ એટલે વચનમાં વિશ્વાસ. જેને ગુરુના વચનમાં વિશ્વાસ હોય. આ ભજન પ્રદેશનો કોઈ સમ્રાટ હોય તો તે ગુરુ છે. એનું શહેનશાહ તત્ત્વ કોઈ હોય તો એ ગુરુતત્ત્વ છે. એના વચનમાં વિશ્વાસ એ ભજનનો મધ્ય ભાગ છે. સદ્ગુરુના વચનમાં પૂરેપૂરો વિશ્વાસ જાગે ત્યારે સમજવાનું કે આપણે ‘મધોમધ નિરખ્યા મુરારિ.’ સવો બાપો કહે છે. મધ્ય ભાગ ભજનનો આ છે. જેમને સદ્ગુરુ વચન અથવા એની વાણી પર વિશ્વાસ ન હોય, એણે આ માર્ગમાં આવવું જ નહીં. હું કોઈ પણ જગ્યાએ જાઉં એટલે મને એટલી ખબર તો હોવી જ જોઈએ કે મારું બેસવાનું ક્યાં છે? હું કોઈ દિવસ ખોટી જગ્યાએ બેઠો હોઉં એવો દાખલો નથી. હું પહેલાં જોઈ લઉં કે કોઈ આપણને ઉઠાડે એવી જગ્યાએ બેસાઈ નથી ગયું ને? ભજનનું એવું છે, તમને ખબર પડે કે બેસાય ક્યાં? કોઈ આપણને ઉઠાડી તો નહીં મૂકે ને? એ શક્તિ આવે છે બુદ્ધપુરુષના વચનના વિશ્વાસથી. આ બીજી કળ છે. ભજનનો મધ્ય ભાગ છે એ તો ગુરુ વચન પર વિશ્વાસનો માર્ગ છે. આપણી પાસે હકારાત્મક ચિંતન જ નથી! બધું નકારાત્મક જ છે. આચાર્યોએ નકારાત્મક ચર્ચા કરી છે. સદ્ગુરુઓએ નકારાત્મક ચર્ચા નથી કરી. આચાર્ય કરતાં સદ્ગુરુ બહુ જ ઊંચો છે અને તેથી જ ઉપનિષદ પણ સદ્ગુરુને આંબી નથી શક્યા. એટલે ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, ‘આચાર્યદેવો ભવ’, પછી અટક્યા. ‘અતિથિદેવો ભવ’ કરીને પૂરું કરી નાખ્યું! કારણ કે એને ખબર છે. આચાર્ય અને ગુરુ એક નથી. તુલસીદાસજીએ આખો માયાવાદ શંકરાચાર્યજીમાંથી લીધો, પણ શંકરાચાર્ય આચાર્ય છે અને તુલસી સંત છે. આચાર્યમાં નકારાત્મકતા આવે છે. આ માયા છે, આ જૂઠ છે, પ્રપંચ છે, આ કરવા જેવું નથી અને તુલસીદાસ સંત છે એટલે કહે છે, ભજન કરો એટલે ન કરવા જેવું આપોઆપ જતું રહેશે. ધક્કા ન મારો! એટલે કર્મણા એ ભજનનો અંતિમ પડાવ છે. એમાં નકારાત્મક ચિંતા ન થવી જોઈએ. મેકરણડાડાએ હકારાત્મક વાતો કરી છે. આપણે ત્યાં બધું નકારાત્મક છે! નકારાત્મક વૃત્તિ નીકળી જવી જોઈએ. હકારાત્મક વિચાર, આપણું કર્મ; ત્યારે ભજનનો એક પિંડ બંધાય છે. એમાંથી પછી કંઈક એવો આકાર સર્જાય છે કે જે આકારમાં હરિને પણ એકાકાર થવાની ઈચ્છા ઉત્પન્ન થતી હોય છે. એવું આ ભજન છે. હું કહ્યા કરું કે હનુમાનજી લંકામાં ગયા, ત્યારે લંકાવાળા તરફથી વિઘ્નો કંઈ આવ્યાં જ નથી. એક લંકિની હતી, એ તો ડ્યૂટી પર હતી. એ કંઈ વિઘ્ન ન કહેવાય. આપણે એરપોર્ટમાં ઊતરીએ ને આપણું કસ્ટમ ચેકિંગ થાય, એ કંઈ આપણો વિરોધ નથી કરતો. એ એની ડ્યૂટી છે. જે કંઈ વિઘ્નો આવ્યાં એ રાવણે લંકામાંથી મોકલ્યાં જ નથી, આકાશના દેવતાઓએ જ મોકલ્યાં! એમ ભજનમાં જે વિઘ્નો આવે છે એ દુરાચારીઓ નથી આપતાં, ક્યારેક-ક્યારેક કહેવાતા તથાકથિત એવાં સુરી તત્ત્વો જ વિઘ્નો કરતાં હોય છે! અને એવાં વિઘ્નોના સમયે સાધકે આગળ વધતાં રહેવું, ભજન ગાતા રહેવું, ભજન લખતાં રહેવું અને કાંઈ ન આવડે તો ભજન સાંભળતા રહેવું. ‘ભજન’નું રોકડું પરિણામ આવે. યોગનું પરિણામ પછીથી આવે; એ આવે કે ન આવે, કેટલાયે યોગીઓ ભ્રષ્ટ થતા હોય છે. ભજન તો એ જ પળે આપણને આનંદ આપે. આપણું માથું ડોલી જાય, આપણો માંહ્યલો ઝૂમી જાય. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં કહું તો, ‘પાથલેસ પાથ’, માર્ગમુક્ત માર્ગ. એનું નામ છે ભજન અને બીજી બધી સાધનાને સંપ્રદાય હોય, પણ ભજન કાયમ બિનસાંપ્રદાયિક હોય છે. એને કોઈ સંપ્રદાય હોતો નથી.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...