તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ નેટવર્ક:તમારા મોઢા પર મીઠી મીઠી વાત કરે એનાથી ચેતજો!

2 મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
 • કૉપી લિંક
 • ચાણક્યએ કહેલી વાતો જીવનના દરેક સ્તરે બહુ ઉપયોગી છે. મૂળ નામ તો વિષ્ણુગુપ્ત પણ ‘ચાણક્ય’ તરીકે ઓળખાયા

ચાણક્યનું એક વાક્ય આપણે બહુ સાંભળ્યું છે: ‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિમૉણ ઉસકી ગોદ મેં પલતે હૈ’ પરંતુ ચાણક્યએ કહેલી નીતિગત વાતો અને સૂત્રો આજે નહીં હંમેશા તરોતાજા અને જીવનમાં બહુ ઉપયોગી બને એવા છે. ચાણક્યે કહ્યું છે કે ઢીલાપોચા સ્વભાવવાળા લોકોનું એમના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે. કોઈ પણ કાર્ય કરતા અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ ચોખ્ખા શબ્દોમાં: ના કહી દેવાની.

ખૂબ બધાં કામ માથે ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. ચાણક્યને આપણે માત્ર રાજનીતિ પૂરતાં સીમિત કરી દીધા છે. વાસ્તવમાં ચાણક્યએ કહેલી વાતો જીવનના દરેક સ્તરે બહુ ઉપયોગી છે. મૂળ નામ તો વિષ્ણુગુપ્ત પણ ‘ચાણક્ય’ તરીકે ઓળખાયા. મક્કમ મનોબળ, પ્રચંડ આત્મવિશ્વાસ, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા, ચતુર રાજનીતિજ્ઞ અને મહાપંડિત. આજથી અઢી હજાર વર્ષ પહેલાં જન્મેલા...પણ એમણે દેશ, કુટુંબ, મહિલા, રાજનીતિ કે જીવન વ્યવહાર વિશે જે ચિંતન રજૂ કરેલું એ આજ એકવીસમી સદીમાં પણ વ્યવહારુ અને મૂલ્યવાન છે. એમણે શિક્ષણ, રાષ્ટ્ર અને રાજનીતિ માટે સચોટ અને સ્પષ્ટ દિશાદર્શન કર્યુ છે. ચાણક્ય સમાજજીવનની દરેક બાબતને સ્પર્શ્યા છે. જોકે એમની ચાતુવર્ણ વ્યવસ્થા અંગે કરેલી ટિપ્પણીઓ કે મહિલાઓ બાબતે કરેલા વિધાન ગળે ઊતરે એવા નથી. ચાણક્યે વિદેશી આક્રમણને ખાળવા ભારતને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમના જીવન વિશે વધુ લખવા કરતાં આજના સમયમાં પણ એવી એમની કેટલીક નીતિઓ જાણીએ અને અમલ કરીએ તો આપણો ય ઉદ્ધાર થાય અને કુટુંબનો ય ઉદ્ધાર થાય! મહત્ત્વપૂર્ણ કાર્ય સમયે સેવકની, દુ:ખ આવી પડે ત્યારે સગા-સંબંધીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરિદ્રાવસ્થામાં પત્નીની કસોટી થાય. કોઇ રોગ થયો હોય, દુ:ખ આવી પડે, દુશ્મનો મુશ્કેલી સર્જે, કોઇના મૃત્યુની અણીએ પણ જે વ્યક્તિ સાથ ન છોડે વાસ્તવમાં એ જ સાચો મિત્ર છે. જે માણસ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે એ હાથમાં આવેલું કાર્ય અથવા પ્રાપ્ત થયેલી વસ્તુ પણ ગુમાવે છે. જેનો પુત્ર આજ્ઞાકારી, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય, જે પોતાના ધન-વૈભવ અર્થાત્ પોતાની પાસે જે કંઇ છે એનાથી સંતુષ્ટ છે તેના માટે અહીં પૃથ્વી પર જ સ્વર્ગ છે.

જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા ઘડા જેવો છે, એવા મિત્રને છોડી દેવામાં જ ભલાઇ છે. જે કાર્ય કરવાની યોજના બનાવી હોય કે નિર્ણય કર્યો હોય તેનો ગુપ્તમંત્રની જેમ રક્ષણ કરો. કોઇને પણ કહ્યા વગર કરેલા નિર્ણય પ્રમાણે કામ શરૂ કરી દો, અને કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખો, એનો ઠંઠેરો ના પીટો. બુદ્ધિમાન લોકો એ પોતાના સંતાનને હમેશાં વિવિધ પ્રકારના સદાચારનું શિક્ષણ આપવું જોઇએ. નીતિવાન સદાચારી સંતાનો જ કુળમાં પૂજાય છે. પોતાના સંતાનોને અભ્યાસ ન કરાવનાર માતા-પિતા શત્રુ સમાન છે. હંસોની સભામાં બગલો ન શોભે એમ સાક્ષરોની સભામાં અભણ માણસ શોભતો નથી. સાપનું ઝેર તેના દાંતમાં હોય છે. માખીનું ઝેર તેના માથામાં હોય છે. વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. એટલે કે દરેક ઝેરીલા પ્રાણીઓના એકાદ અંગમાં જ ઝેર હોય છે, પરંતુ દુર્જન વ્યક્તિના બધા જ અંગમાં ઝેર ભરેલું હોય છે. આખી દુનિયા કડવાશથી ભરેલાં ફળોનું ઝેરી વૃક્ષ છે, તેમાં માત્ર બે જ ફળ અમૃત સમાં મીઠાં છે. એક મીઠી વાણી અને બીજું સજ્જનોની સંગત. જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એશોઆરામ છોડો, કારણ કે મોજશોખ ની ઇચ્છા હોય તેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેને ક્યારેય આરામ મળતો નથી. નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે- ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ માણસની સેવા. જેમ સુગંધિત ફૂલોવાળું વૃક્ષ સમગ્ર જંગલને મહેકાવી દે છે, તેમ એક જ સુપુત્ર આખા કુળનું નામ રોશન કરી દે છે. તમારા મોઢાં પર તો મીઠી મીઠી વાત કરે એનાથી બચવું જોઇએ, આવા લોકો જ તમારી પીઠ પાછળ બરબાદ કરવાની યોજના બનાવે છે આવું કરનારા એ ઝેરના ઘડા સમાન છે જેનુ ઉપરનું પડ દૂધથી ઢંકાયેલુ હોય છે. જે નિશ્વિત છે એ છોડી, અનિશ્ચિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.

- ચાણક્યે આવી તો ઘણી વાતો એમણે એના નીતિ ગ્રંથમાં આપી છે, જે જીવનમાં ઉપયોગી થાય એવી છે. જોકે ચાણક્યનાં ઘણાં નીતિ સૂત્રો સહમત ન થવાય એવા ય છે. જરૂરી નથી કે ચાણક્ય કહે એને પકડીને આપણે ચાલીએ, આપણે આપણી નીતિ રીતિ મુજબ ચાલીએ તો ય સફળ થવાય. કહેવાનું એટલું જ ચાણક્યનાં સૂત્રોમાંથી જે સારું લાગે અને જીવનમાં ઉપયોગી હોય એને અપનાવવું બાકીનું છોડી દેવું. હા, ચાણક્યની એક વાત ગાંઠે બાંધી રાખજો: દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો