તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:બેવતન કચ્છી જ્યાં વસે ત્યાં ઊજવે અષાઢી બીજ

કીર્તિ ખત્રી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છના અેકમાત્ર ભાગ્યવિધાતા અેવા મેઘરાજા અા વખતે જેઠ મહિનામાં જ વરસી પડ્યા અને મેઘાનંદ છવાઇ ગયો. નહીંતર અા દિવસોમાં તો કચ્છીમાડુ ચાતકની જેમ વરસાદની પધરામણીની રાહ જોતો હોય. તેથી જ તો ‘અષાઢી બીજ, કાં વાદળ કાં વીજ’ ઉક્તિ કચ્છમાં અતિ પ્રચલિત છે. અા દિવસથી વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થાય. અે દિવસે અાકાશ કેવું છે? વાદળછાયું છે કે કોરું, કે વીજળી ચમકે છે અેનું નિરીક્ષણ કરીને અાવનારા વર્ષના અેંધાણ જોવાય. વહાણવટીઅો પણ અષાઢી બીજ પછી નવી સફર અારંભે અને વેપારીઅો પોતાના ચોપડામાં નવા વર્ષના શુકન કરે. કંઠ પરંપરા અનુસાર બારમા સૈકાથી અષાઢી બીજ કચ્છી નવા વર્ષ તરીકે મનાવાય છે, પરંતુ દબદબાભેર નવું વર્ષ ઊજવવાના શ્રીગણેશ 472 વર્ષ પહેલાં કચ્છની રાજધાની તરીકે ભુજની જાહેરાત થઇ અને દરબારગઢની ખીલી ખોડાઇ ત્યારથી થયા હતા. તે પછીના જાડેજા વંશના યુગમાં અષાઢી બીજે જાહેર રજા રહેતી. શાળાઅોમાં રાજ તરફથી મીઠાઇ વિતરણ થતું, રાજમહેલની કચેરીમાં પરંપરાગત કચ્છી પાઘડી, ધોતી અને ખભે ખેસ-પછેડી નાખીને, લોકો ઉત્સાહભેર અાવતા. ઘેરઘેર લાપસી રંધાતી, ફુવારા-ફાનસની રોશનીના શણગાર અને મેઘલાડુના જમણે થતા. જોકે અાજે ચિત્ર સાવ બદલાઇ ગયું છે. અલબત્ત, લાપસીના અાંધણ અાજેય ઘેરેઘેર મુકાય છે, પણ અે વ્યક્તિગત ધોરણે છે. સામૂહિક ઉત્સાહ સાથે જાહેર ઉજવણીનો માહોલ અાઝાદી પછી ક્રમશ: અોસરતો ગયો છે અને અાજે નામશેષ થવામાં છે. બીજી તરફ અાશ્ચર્યની વાત અે છે કે અગાઉ જે ઉત્સવ કચ્છમાં ઉજવાતા નહોતા તે ઊજવાઇ રહ્યા છે. છેલ્લાં પચીસેક વર્ષથી તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દા.ત. ગણેશોત્સવ. અગાઉ માત્ર ભુજ પોલીસ લાઇનમાં ઊજવાતો, પણ હવે ગામેગામ ઊજવાય છે. જન્માષ્ટમીએ અગાઉ મટકાફોડ કાર્યક્રમ નહોતા યોજાતા, અાજે સર્વત્ર ઊજવાય છે. અેવું જ દશેરાઅે રાવણદહનનું છે. અરે! અષાઢી બીજે કચ્છી નવા વર્ષની પરંપરા ભૂંસાઇ ગઇ છે, પણ અોરિસ્સાની જેમ જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાય છે. અા થઇ કચ્છની વાત. બૃહદ કચ્છની વાત કંઇ અોર છે. ગુજરાતના કચ્છી વસ્તીવાળા જિલ્લાઅો અને બીજું કચ્છ મુંબઇ જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના હૈદ્રાબાદ, ચેન્નાઇ, કોઇમ્બતુર, મદુરાઇ, મહારાષ્ટ્રના નાગપુર, પૂણે કે સાંગલી, મ.પ્ર., અોરિસ્સા કે દિલ્હીમાં કચ્છીઅો અેક પરિવાર-સમાજરૂપે ભેગા થઇને અષાઢી બીજ ઊજવે છે. લંડનમાં લેઉવા પટેલ સમાજનું મિલન તો અંગ્રેજોયે વખાણે છે. અાફ્રિકા, યુરોપના કેટલાક દેશો અને મસ્કત સહિતના અખાતી દેશોમાંયે કચ્છીઅો પોતાનું નવું વર્ષ હળીમળીને જમણવાર તેમ જ વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમો યોજી ઊજવે છે. મુંબઇમાં તો કચ્છીશક્તિના અેવોર્ડ અને કચ્છ યુવક સંઘના કચ્છીનાટક સહિતના કાર્યક્રમ અષાઢી બીજની અાગવી પહેચાન બની ગયા છે. છેક 1980થી હેમરાજ શાહે ‘કચ્છ શક્તિ’ અંક અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કચ્છીઅોને સન્માનવાની પ્રથા શરૂ કરી તે અાજેય જારી છે અને હજારો નામી-અનામી કચ્છી અેવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. 80 વર્ષ પાર કરી ચૂકેલા હેમરાજભાઇ ગુજરાતી સમાજનાયે જાણીતા મોભી છે. કોમલભાઇ છેડાના નેતૃત્વ હેઠળ કચ્છ યુવક સંઘના નાટકોઅે કચ્છી ભાષાના સંવર્ધનમાં ભાગ ભજવ્યો છે અે નોંધનીય છે. મૂળ મુદ્દા પર પાછા ફરીઅે તો પ્રશ્ન અે છે કે કચ્છ અને બૃહદ કચ્છની અષાઢી બીજની ઉજવણીમાં અાવો વિરોધાભાસ કેમ? અેક તરફ પરંપરા અોસરે છે, બીજી તરફ નવી પરંપરા ઉદ્્ભવે છે. અા બાબતે મંથન કરતાં પ્રાથમિક છાપ ઊપસે છે કે, બેવતન કચ્છીઅોની પોતાના મૂળ-વતન સાથે જકડાયેલા રહેવાની માનસિકતા છે. કચ્છમાં વિસરાતી જતી પરંપરામાં ઉજવણીને સરકારી સમર્થનના અભાવની સાથે સાથે બદલાયેલા સંજોગોમાં મુખ્ય-રાષ્ટ્રીય પ્રવાહમાં ભળી જવાની પ્રક્રિયા ભાગ ભજવતી હોય અે સંભવ છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં ટીવી ન્યૂઝ ચેનલોે અને પછી સોશિયલ મીડિયાના બહોળા અાદાનપ્રદાને ધાર્મિક-સામાજિક રીતે દેશના લોકોને નજીક અાણી દીધા છે. કોઇને અેમાં રાષ્ટ્રીય અેકતાના દર્શન થાય તો નવાઇ નહીં. બાકી બૃહદ કચ્છની ઉજવણીને સંબંધ છે ત્યાં સુધી અેક વાર કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમભાઇ રૂપાલાઅે બેવતન કચ્છી હજારો કિ.મી. દૂર બેઠા બેઠા માદરે વતનને સતત સેવ્યા કરે છે અેની લાગણીસભર વાત કરી હતી તે યાદ અાવે છે. સાૈરાષ્ટ્રની તળપદી ભાષામાં મંત્રમુગ્ધ કરી દે તેવી છટા સાથે તેમણે કહેલું કે કચ્છીમાડુ રોજીરોટીની ખોજમાં જ્યાં ગયો છે, ત્યાં પણ માદરે વતનની ચિંતા કરે છે અને જરૂર પડે ત્યારે તેની વહારે દોડી જાય છે. વતન દુ:ખી તો પોતે દુ:ખી અને સુખી તો સુખી અેવી લાગણી કચ્છીઅોમાં જોવા મળે છે. સુખદુ:ખની લાગણીના અા તાર કોઇ અગોચર શક્તિથી જોડાયેલા હોઇ શકે. બધું જવા દઇઅે. કચ્છીમાડુને અેના અજોડ વતનપ્રેમ સાથે જ સંબંધ છે. કુદરતી અાપત્તિ હોય કે અન્ય પીડા પણ વતનની ચિંતા કરવામાં કચ્છીમાડુઅે પાછા વળીને જોયું નથી. ⬛kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...