મસ્તી-અમસ્તી:ઊડતા બોલિવૂડકરતાં ગરબે રમતું ગુજરાત ભલું!

રઈશ મનીઆર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હસુભાઈ લગભગ ઊડતા ઊડતા આવીને બોલ્યા, ‘કવિરાજ! અનુરાગ કશ્યપે ક્યારેક ‘ઊડતા પંજાબ’નું વર્ણન કર્યું હતું અને હવે આર્યનખાનને દબોચનાર સમીર વાનખેડે કહે છે કે આ તો ‘ઊડતા બોલિવૂડ’ છે!’ ‘ફળદીન, સુશાંટ, રિયા, સારા, ડીપિકા અને હવે આળયન.. શંકાસ્પડ લોકોની યાડી લાંબી ઠટી જાય છે!’ સૌમ્ય નશો કરનાર બાબુએ અફસોસ વ્યક્ત કર્યો, ‘અહીં હાળા હોમરહ (સોમરસ)ના ફાંફા છે, ત્યાં મુંબઈમાં એ ખુલ્લેઆમ મલે છે તો એની વેલ્યૂ ની મલે. એને છોડી લોકો ડ્રગ્સ તળફ જાય છે!’ ધનશંકરે પરિસ્થિતિનું વર્ણન કરવા કાવ્યનો સહારો લીધો: ‘છે ગરીબોના કૂબામાં તેલ-ટીપું દોહ્યલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!’ ‘આમાં ગરીબ એટલે ગુજરાતી, તેલ એટલે આલ્કોહોલ અને ઘી એટલે ડ્રગ્સ.’ હસુભાઈએ સ્પષ્ટતા કરી. ધનશંકર બોલ્યા, ‘જેને હું ચલિત ચિત્તવાળા સમજતો હતો એ ચલચિત્રકાર અનુરાગ કશ્યપ આર્ષદૃષ્ટા કે ઋષિ કહેવાય.’ ‘એ ઋષિએ તો ડ્રગ્સ સામે જાગૃતિ લાવવાને નામે આખા દેશના યુવાનોને દેખાડી અને શીખવાડી દીધું કે માદક પદાર્થો શું છે, એ કેવી રીતે લેવાય!’ હસુભાઈ બોલ્યા. ‘આ જ અનુરાગ કશ્યપે હમણાં એક ઈન્ટરવ્યૂમાં સિગારેટ પીતાં પીતાં કહ્યું કે મેં બહુ ડ્રગ્સ લીધું. હવે કદી ડ્રગ્સ નહીં લઉં! ‘ઓહ, તો અનુળાગ કશ્યપ ખુડ ‘ઊડતા અનુરાગ’ હટા!’ હસુભાઈએ ચિંતા વ્યક્ત કરી, ‘હવે ઊડતા મુંબઈ પછી ‘ઊડતા ગુજરાત’ને કેટલી વાર?’ ‘ગુજરાટમાં માટ્ર પટંગો ઊડે. ગુજરાતના માણસો કડી નશામાં ઊડે નહીં. એ ઊડે તો ફક્ટ અમેળિકા જવા માટે ઊડે.’ બાબુએ ગુજરાતની અસ્મિતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. ‘કેમ ‘વાંચે ગુજરાત’, ‘ખેલે ગુજરાત’ તો ‘ઊડે ગુજરાત’ ન થાય?’ કનુએ દહેશત વ્યક્ત કરી. બાબુ બોલ્યો, ‘ગુજરાટીને ‘વાંચે ગુજરાટ’નો નહીં, પણ ‘નાચે ગુજરાટ’નો નશો ખરો. એને ગરબાઠી અને પટંગઠી નશો થાય એટલે ડ્રગ્સની જરૂરટ ન પડે!’ ‘ઊડતા બોલિવૂડ કરતાં ગરબે રમતું ગુજરાત ભલું!’ પ્રેરણાડી બોલી. ધનશંકરે કહ્યું, ‘તમે ગમે તે કહો, નશાથી દૂર રહેલા ગુજરાતથી વધુ સલામત બીજું કોઈ રાજ્ય ક્યાંય દેશ કે દુનિયામાં નથી!’ બાબુએ નિખાલસ કબૂલાત કરી, ‘સાવ એવું નથી! નર્મદે જય જય ગરવી ગુજરાટમાં ગુજરાટની ચારે દિશામાં કયા કયા ડેવસ્થાનો આવેલા છે એ લખ્યું, જેમ કે ઊટ્ટરમાં અંબા માટ વગેરે.., હકીકતમાં આપણે ઉત્તરમાં આબુ, પશ્ચિમમાં ડીવ, પૂર્વમાં સાપુટારા અને દક્ષિણમાં ડમ્મન-સેલવાસનો બંડોબસ્ટ રાખેલો છે, એ ગુજરાતના રસિકો માટે કાફી અને કેફી છે.’ હસુભાઈએ કહ્યું, ‘ગુજરાતીઓનો મંત્ર છે, સરહદની બહાર જઈ પીવાનું પણ હદમાં રહીને પીવાનું. ગમ્મે એટલું પીવાનું પણ લિમિટમાં પીવાનું!’ ‘ગુજરાતીઓ વ્યસની નથી, ઓકેઝનલ ડ્રિંકર્સ છે. ઓકેઝન હોય ત્યારે જ પીએ!’ મેં કહ્યું. ‘વાત માત્ર શરાબ સુધી સીમિત નથી, કચ્છથી ડ્રગ્સ પકડાયું એનું શું?’ કનુ કોંગ્રેસી બોલ્યો. ‘એ કોંગ્રેસશાસિત પંજાબમાં સપ્લાય કરવા માટે હશે!’ ભગુ ભાજપી બોલ્યો. ‘ગુજરાતીઓ ‘પંજાબી ડ્રેસ’ અપનાવી શકે, ‘પંજાબી સબ્જી’ અપનાવી શકે, પણ ‘પંજાબી ડ્રગ્સ’ કદી ન અપનાવે!’ માવાની પડીકી ખોલીને શાંતિ સરકાર બોલ્યા. ‘બોલિવૂડ જ નશાની પ્રેરણા આપે છે!’ મનસુખ સટોડિયો બોલ્યો. ‘બોલિવૂડનો વાંક અડધો જ છે. આ દેશને આવું જ જોઈએ છે! વર્તમાન સમયના મહાકવિ હનીસિંહે છોકરીઓ સાથે દુર્વ્યવહાર, દારૂ, ડ્રગ્સનો મહિમા કરતાં ગીતો લખ્યાં. આખા દેશે એ ઝીલ્યાં. યુવાનો અને યુવતીઓની પાર્ટી હનીસિંહનાં ગીતો વગર પૂરી નથી થતી.’ મેં કહ્યું. ‘વાસ્તવિક દુનિયામાં મવાલીગીરી છે, ગાળો છે, સટ્ટો છે, તો ભલે ને ફિલ્મ અને સાહિત્યમાં પણ આવે! વાંધો શું છે?’ હસુભાઈએ અવળી દલીલ કરી. ‘આજે એ જાણવાની કોઈને પરવા નથી કે જેણે એક આખી પેઢીને રવાડે ચડાવી, એ હનીસિંહ અંતે પોતે આ બૂરાઈઓ માટે 18 મહિના રિહેબિલિટેશનમાં રહ્યો!’ ‘સ્વતંત્રતાને નામે જ એ સ્વચ્છંદતા… સિનેતારકોનાં સંતાનોથી શરૂઆત થઈ છે, આખી પેઢી સંગીત, નૃત્ય અને આનંદને નામે લક્ષ્મણરેખા ઓળંગવાથી આ શતમુખી (અને શાહરુખી) વિનિપાત થયો છે.’ ધનશંકર જે બોલ્યા એ એમના જ ઘરની નવી પેઢીને સમજાય એવું નહોતું. ‘પણ આ આર્યનખાનને શું તકલીફ હશે કે વ્યસન તરફ ધકેલાયો? એણે તો કેલિફોર્નિયાથી ફિલ્મ મેકિંગની ડિગ્રી લીધી છે, બાપાની કંપની છે.. સીધું ગલ્લે જ બેસવાનું હતું!’ હેમિશે કહ્યું. બાબુ બોલ્યો, ‘એણે વિચાયળું હશે કે શિવ-સેનાનું રાજ છે, તો થોડી શિવની પ્રસાડી લેવામાં શું વાંઢો?’ ‘મારી પણ હાલત અભિષેક બચ્ચન જેવી થશે એવો એને સ્ટ્રેસ હશે!’ પ્રેરણાડી બોલી. ધનશંકર બોલ્યા, ‘માનસિક તાણથી કોઈ મુક્ત નથી. જો વ્યસન જ એનો ઉપચાર હોય તો બધાએ જ વ્યસન કરવું પડે!’ હસુભાઈ બોલ્યા, ‘હા, મને પણ વ્યસન છે!’ સભામાં સોપો પડી ગયો. હસુભાઈએ આગળ કહ્યું, ‘મને તાપી કાંઠે હવા ખાવાનું વ્યસન છે. સ્ટ્રેસ વધી જાય તો હું તાપીના કોઈ પુલ પર ઊભો રહી હવા ખાઉં!’ ‘એટલાથી સ્ટ્રેસ ઓછો ન થાય તો?’ હેમિશે પૂછ્યું. ‘હું શેકેલી મકાઈ ખાઉં અને તને આઈસક્રીમ ખવડાવું!’ ‘આમ નાની-નાની ખુશીઓથી માનસિક તાણ દૂર થતી હોય તો જળ-સહેલ(ક્રુઝ) પર જઈ અનિષ્ટ ઔષધ(ડ્રગ્સ) લેવું ન પડે!’ ધનશંકરે સમાપન કર્યું. ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...