સહજ સંવાદ:બંગાળી ક્રાંતિકાર અને ગુજરાતી પત્રકાર!

3 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

સાવ અજાણ્યું રહી ગયેલું આપણા સ્વાતંત્ર્યજંગનું અનોખું પ્રકરણ છે અને તે ય છેક અમેરિકામાં! આમ તો ભારતના 50 ક્રાંતિકારો (જેમાંના બે આપણા ગુજરાતી આપણા ગુજરાતીઓ-પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અને ‘ગદર’-વીર છગન ખેરાજ વર્મા પણ ખરા!) જલાવતન જ રહ્યા, ક્યારેય ભારતમાં પાછા વળી શક્યા નહીં.

વીસમી સદીનાં પ્રથમ વીસ વર્ષ મુખ્યત્વે (ઇમિગ્રેટ્સ) પ્રજા તરીકે ભારતવાસીઓની સમસ્યાને નિમિત્ત બનાવીને સાનફ્રાંસિસ્કોથી ગદર પાર્ટી અને ગદર ચળવળ ચાલી. સશસ્ત્ર સંઘર્ષ હોવાથી તેમાં ફાંસી, ગોળી, આંદામાન અને હદપારીની સજાઓ કરવામાં આવી; અનેક અ-નામ લોકોએ તેમાં જીવન ગુમાવ્યું.

બીજો તબક્કો ગાંધીનો હતો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહથી એ જાણીતા બન્યા. લિયો ટોલ્સટૉય અને બીજા કેટલાક ચિંતકોએ તેમના વિચારોને સમર્થન આપ્યું. તેમણે ‘હિંદસ્વરાજ’ લખ્યું અને ‘સત્યાગ્રહ’ની વિભાવનાને જમીન પર ઉતારી. આ અદ્્ભુત પ્રયોગે અમેરિકામાંયે ભારે જિજ્ઞાસા જગવી હતી.

કૃષ્ણલાલ શ્રીધરાણી ઉચ્ચ અભ્યાસ દરમિયાન તારકનાથ દાસને મળ્યા. તારકનાથ ‘ગદર’ સમયના વિપ્લવી વિચારક હતા. 1906માં અમેરિકા આવ્યા તે પહેલાં બંગાળમાં ‘અનુશીલન સમિતિ’ના સ્થાપક સભ્ય હતા. વિવેકાનંદના ભાઇ ભૂપેન્દ્રનાથ દત્તના પરમ મિત્ર અને ભગિની નિવેદિતાનો સંપર્ક રહ્યો. ‘તારક બ્રહ્મચારી’ નામથી ફ્રેન્ચ જહાજમાં જાપાન અને ત્યાંથી અમેરિકા. નામ રાખ્યું હતું, જોગેન્દ્રનાથ દાસ! ‘મેન્યુઅલ લેબરર’, ત્રિગુણાતીત મંદિરનાં બાંધકામની દેખરેખ, બર્કલે યુનિવર્સિટીમાં સહાયક, પછી રસાયણશાસ્ત્રનો અભ્યાસ અને સ્વાતંત્ર્ય પ્રવૃત્તિનો પ્રારંભ. આ તારકનાથની જીવનકથાનો એક અધ્યાય. બીજી શરૂઆત વિદ્યાર્થી સંગઠન રચવા સાથે થઇ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ્સ લીગમાં પાંડુરંગ ખાનખોજે અને રામનાથ પુરી જેવા ‘નિષ્ણાત’ વિપ્લવીઓની સાથે કામ કર્યું. ઑકલેન્ડમાં નિ:શુલ્ક શાળા ઊભી કરી. વેનકુંવરમાં આઇએનએસના દુભાષિયા બન્યા.

પરંતુ ધ્યેય અને ધૂન માત્ર ભારતમુક્તિનાં. જાપાને તો હદપાર કરેલા. ભારતમાં તેમને પકડવા માટે મોટું ઇનામ. અમેરિકાની નાગરિકતા વ્યૂહરચના તરીકે જરૂરી હતી. ‘કાળા’ અને ‘ધોળા’ની કાનૂની વ્યાખ્યા બદલવા માટે ઊંડો અભ્યાસ કરીને તેમણે પ્રમાણિત કર્યું કે કોકેશિયન વંશ-જાતિમાંથી ભારતીયો પણ ઊતરી આવ્યા છે! હિંદુસ્તાની એસોસિએશન, ‘ફ્રી હિંદુસ્તાન’ સામયિક, આ પ્રવૃત્તિથી અમેરિકામાં બ્રિટિશ અધિકારીઓ ચોંકી ગયા. હોપકિન્સ (જેની પછીથી એક શીખ વિપ્લવીએ હત્યા કરી.)ની ઇચ્છા એવી કે દાસને ‘બ્રિટિશ સબ્જેક્ટ’ ગણાવીને, સાવરકરની જેમ ભારતમાં મુકદ્દમો ચલાવવો જેથી ફાંસી કે આંદામાનની સજા થાય. દાસે તો અમેરિકાની સૌથી જૂની લશ્કર તાલીમની કોલેજમાંયે પ્રવેશ મેળવી લીધો! આઇરિશ ક્રાંતિકારીઓનો સંપર્ક કર્યો.

લંડનમાં મદનલાલ ધીંગરાને કર્ઝન વાયલીવધ માટે ફાંસીની સજા મળી ત્યારે તેની પાસેથી મળેલી સામગ્રીમાં તારકનાથ દાસનું લખેલું પોસ્ટકાર્ડ પણ હતું! 1910માં દાસે બી. એ.ની પરીક્ષા સફળતા પાર કરી. પછી બર્કલે યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે સીએટલમાં વિદ્યાર્થીઓ માટે બાંધેલા મકાનને વડોદરાના ગાયકવાડે મદદ કરી હતી. વિવિધ યુનિવર્સિટીઓમાં હરદયાળ અને તારકનાથ ‘લોકપ્રિય’ વ્યાખ્યાતાઓ હતા. બોસ્ટનમાં તેણે આઇરિશ-ઇન્ડિયન રેલીમાં ભાષણ કર્યું ત્યારે એક નવી વાત મૂકી કે ભારતીય સૈનિકો ગાંધીમાર્ગે સત્યાગ્રહ કરવા તૈયાર છે. 1924માં દાસે જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી ‘ડાૅક્ટરેટ’ની પદવી મેળવી અને એ જ વર્ષે વીસ વર્ષ મોટી યુવતી મેરી કિટિંગ મોર્સની સાથે લગ્ન કર્યાં. તારકનાથ દાસના ‘અમેરિકન નાગરિકતા’ માટેના મુકદ્દમાએ સમગ્ર અમેરિકામાં ઊહાપોહ જગવ્યો હતો. ગદર-પ્રવાહ નામશેષ બન્યો હતો. શ્રીધરાણી તેમને એન્સોનિયા હોટેલ, બ્રોડવેના પચાસમાં માળે નિવાસસ્થાને મળ્યા ત્યારે ‘ગદર’ વિચારના અંતિમ તણખાની સાથે સત્યાગ્રહ-યુગના પ્રવક્તાની છેલ્લી મુલાકાત બની રહી.

કૃષ્ણલાલ શ્રીધરાણીને માટે ગાંધીવિચારના ક્રિયાન્વયનનું ચિંતન મહત્ત્વનું હતું. એ કંઇ પૂરા સમયના સમાજકર્મી-એક્ટિવિસ્ટ નહોતા. તેઓ પહેલાં વ્યાવસાયિક લેખક-અધ્યાપક હતા, સ્વાતંત્ર્ય સંઘર્ષવાદી પછી. તેમના માટે જે આદરપૂર્વક ઓળખ બંધાઇ તે ‘સ્કોલર જર્નલિસ્ટ’ની, તેની એક કેડી સ્વાતંત્ર્યસાધના તરફ વળી, તે વિગતો ઉત્તર-ગદર આંદોલનના ઘણા પડાવો અને સફળતાનો પરિચય આપે છે.

જુલાઇ 24, 1944ના ડ્રયુ પિઅર્સનનો એક અભ્યાસલેખ છપાયો હતો. તેણે અમેરિકા-ઇંગ્લેન્ડની કૂટનીતિ વિશે અનેક સવાલો પેદા કર્યા. આ લેખમાં અમેરિકામાં સક્રિય ગુરુદત્ત કુમાર, છગન ખેરાજ વર્મા, જગજિતસિંઘ, ડૉ. સુંદરસિંઘ, ગુરુદત્ત સહાલિ, વીરસિંઘ, દલજિતસિંઘ, ખાલસા દીવાન સોસાયટી, ઇન્ડિયા લીગ, જે એડવર્ડ બર્ડ, ફિત્ઝીરાલ્ડ, મેવાસિંઘ, દેશસેવક, ગદર, ખાલસા હેરોલ્ડ, આર્યન, સ્વદેશસેવક, હિંદુસ્તાની વગેરે અખબારો, સારંગધર દાસ, તારકનાથ દાસ વગેરેના કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા, શાંગહાઇ, હોંગકોંગ, મનિલા, સિંગતુર, ઇન્ડોનેશિયા, રંગૂન, જાપાન અને જર્મની સુધીના સંપર્કો રાજા મહેન્દ્રપ્રતાપ-ભગવાનસિંગ-રામચંદ્ર પેશાવરી-પાંડુરંગ ખાનખોજની સક્રિયતા અને અમેરિકી ઉદારવાદીઓનો સ્વતંત્રતા માટે સહયોગ મુકદ્દમાઓની વિગતે ચર્ચા કરાઇ હતી, જાણે કે અમેરિકામાં ભારતનો સ્વાતંત્ર્ય્ધ્યાય!

કૃષ્ણલાલ શ્રીધરાણી વિશે વિસ્તૃત અને પ્રભાવી માહિતી આપનાર અમેરિકી લેખક હેરોલ્ડ એ. ગોલ્ડના પુસ્તક ‘Shikhs, Swamies, Students and Spies’માં આ લેખ વિશે નોંધ કરતા જણાવ્યું છે કે ભારતમાં સૈનિકી વિપ્લવ માટે, ‘ગદર’ એ ભારતની બહારની આધુનિક યુગની પહેલી ક્રાંતિકારી ચળવળ હતી.’

શ્રીધરાણીને માટે ગદર પછીની- એટલે કે ડ્રયુ પિઅર્સનના લેખમાં દર્શાવાયેલી વિગતોના સંધાને જે કહેવાયું કે ભારતની સ્વાતંત્ર્ય ઝંખનાને અમેરિકાએ સમજવી જોઇએ, તેના વિશે બ્રિટિશ શાસનને તમામ રીતે સમર્થન આપી શકાય નહીં, તે વિચારને અમેરિકામાં કઇ રીતે અમલમાં મૂકવામાં આવ્યો અને શ્રીધરાણીએ કેવો ભાગ ભજવ્યો તેની વિગતો રસપ્રદ છે.

આ ઉત્તર-અભિયાનમાં મુખ્યત્વે નવી પેઢીના પાંચ કર્મશીલોએ મથામણ કરી, વ્યાખ્યાનો આપ્યાં, લેખો લખ્યા, સ્વાતંત્ર્યવાદીઓની મુલાકાતો લીધી, મંડળો સ્થાપ્યાં, મુખપત્ર ચલાવ્યું અને આંદોલનને આકાર આપ્યો.

અન્ય સમાચારો પણ છે...