રાગ બિન્દાસ:લક, લોજિક ને લાગણી માનો કે ના માનો, મનડું ના માને!

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • ઘણાં લોકો કોઇ તાવીજ કે લકી કલરના રૂમાલના સહારે આખી જિંદગી જીવી જાય છે અને ઘણાં લોકો બહુ વિચારીને લંગડા લોજિક સાથે જીવતરમાં ઘસડાયા કરે છે

ટાઇટલ્સ ભ્રમ અને બ્રહ્મમાં બહું મોટો ફેર હોય છે.(છેલવાણી) જો કાળી બિલાડી રસ્તો કાપે તો ઘણા માને કે અપશુકન થયા, પણ ગ્રાઉચો માર્કસ નામનો કોમેડિયન કહે છે,‘જો કાળી બિલાડી રસ્તો કાપે એનો અર્થ એટલો જ કે એ પ્રાણી કોઇક કામે જઈ રહ્યું છે!’ જે લોકો પોતાની જાતમાં નથી માનતા એ લોકો જાતજાતની વાતોમાં માનતા હોય છે. એક જબરદસ્ત કોમેડી હીરો ને ડાન્સિંગ સ્ટાર આખી જિંદગી જાતજાતની માન્યતાઓમાં માનતો રહ્યો ને સફળ કેરિયરની બરબાદી કરી નાખી. એકવાર છેક લંડનમાં એક ફિલ્મના શૂટિંગમાં રાબેતા મુજબ હીરોજી મોડા આવ્યા ને વળી હાથમાં લાલ મરઘી તેડીને લાવ્યા અને પછી એમણે નિર્દેશકને કહ્યું, ‘આજે હું આખો સીન હાથમાં આ મરઘીને તેડીને કરીશ.’ ડાયરેક્ટર તો ચક્કર ખાઇ ગયા કે સીનમાં હીરો, અચાનક મરઘી લઇને કેવી રીતે આવી શકે? ડાયરેક્ટરે ના પાડી ને પૂછ્યું કે આમ કરવાનું કારણ શું? હીરોજીએ કહ્યું, ‘મારા જ્યોતિષીએ કહ્યું છે કે આજે મારે હાથમાં લાલ રંગનું પક્ષી રાખવું, નહીંતર જીવનું જોખમ છે! એટલે કેમેરા સામે મરઘી તો હાથમાં રહેશે જ!’ ડાયરેક્ટરે બહુ સમજાવ્યું પણ હીરોજી ના જ માન્યા. કંટાળીને ડાયરેક્ટરે હાર માની કારણ કે લંડનમાં શૂટિંગ કેન્સલ કરવું પોસાય એમ નહોતું. પછી હાથમાં મરઘી તેડીને એ હીરો, ડાયલોગ બોલતી વખતે વચ્ચે વચ્ચે મરઘી સાથે વિચિત્ર અવાજોમાં વાત પણ કરે ને સીન આગળ ચાલે! વિશ્વ સિનેમાના ઇતિહાસમાં કોઇ ફિલ્મી સેટ પર કદીયે નહીં થયું હોય એવું થયું! .... વાર્તામાં ટ્વિસ્ટ હવે આવે છે કે શૂટિંગની લાઇટોની ગરમીથી થોડી વારમાં મરઘી મરી ગઇ! હવે અડધા સીનમાં અચાનક મરઘી ગાયબ કેવી રીતે કરાય? તો હીરોજી મરેલી મરઘીને હલાવતાં હલાવતાં એ જીવતી હોય એમ એની સાથે વાતો કરતાં કરતાં બાકીનો સીન પૂરો કર્યો પણ મરઘી તો ન જ છોડી! છેને અંધશ્રદ્ધા કે અજીબ માન્યતાની હદ? અમેરિકાન સર્વેમાં 50 ટકાથી વધુએ માન્યું હતું કે એ લોકો થોડાઘણા અંશે‵ અંધશ્રદ્ધાળુ′ તો છે. નિષ્ણાતો આવાં લક્ષણોને જીવનમાં ઘટતી ઘટનાઓને કાબૂ કરવા માટે સહજ રીતે જરૂરી પણ માને છે. મનોવિજ્ઞાની સ્ટૂઅર્ટ વાયસ કહે છે, ‘અંધશ્રદ્ધાળુ લોકો જે પરિણામ શોધે છે એની ખાતરી કરવા માટે આવાં અજીબ કામ કરે છે.’ આવી મનોવૃત્તિ એ વાતનો સંકેત પણ આપે છે કે, તમે કોઈ ઇચ્છેલા પરિણામ માટે બહારની શક્તિઓ પર આધાર રાખી રહ્યા છો. ઈન્ટરવલ તલ તલક લટ મુગટ શું છે? જો નથી કૈં ગુપ્ત, પ્રગટ શું છે?(ઘાયલ) એક માણસે મિત્રને પૂછ્યંુ, ‘યાર, આજે ઉદાસ કેમ છે?’ મિત્રએ નિસાસો નાખીને કહ્યું, ‘યાર, મેં તો ધારેલું કે મારો આજનો દિવસ બહુ સૉલિડ જશે! ’ ‘કેમ તને એવું કેમ લાગેલું?’ ‘તો મિત્રે કહ્યું, ‘હું આજે સવારે બરાબર 7 વાગ્યે ઊઠી ગયો. કેલેન્ડરમાં જોયું તો આજની તારીખ 7 જુલાઈ, એટલે સાતમા મહિનાનો સાતમો દિવસ. પછી નાહીને પેન્ટ પહેરવા ગયો તો એમાંથી સાત ડોલર નીકળ્યા! એટલે મને થયું કે આ બધું કંઈક સારું થવાની નિશાની છે! એટલે હું સાત નંબરની બસ પકડીને રેસકોર્સ ગયો અને ત્યાં પણ સાતમી રેસમાં સાતમાં ઘોડાનું નામ 7-અપ હતું! એટલે મેં એના પર 770 ડોલરનો દાવ લગાડ્યો. ’ ‘પછી શું થયું?’ પેલા માણસે પૂછ્યું. ‘કંઇ નહીં… એ ઘોડો છેક સાતમા નંબરે આવ્યો!’ આમાં લોજિક એ છે કે-‶આપણા જીવનમાં કોઇ સંકેત કે નસીબ પર આધાર રાખવો લોજિક વિનાનો રસ્તો છે. પણ આપણે બધાં વારંવાર આવું કરીએ છે ને મોટા ભાગે ઊંધે રવાડે ચડીએ છીએ. ‘આખું બ્રહ્માંડ તમને કોઇ ડાયરેક્ટલી ગુપ્ત સંદેશ પહોંચાડી રહ્યું છે’-એવું માનવું તમને ટેમ્પરરી મીઠું મીઠું લાગે છે. પણ આવા તુક્કાઓને લીધે તમે જે વિચિત્ર નિર્ણયો લો છો, એનાં પરિણામો આખરે તમારે જ ભોગવવા પડે છે! મનોવિજ્ઞાનીઓ આવા લક્ષણો માટે ‘એક્સટર્નલ લોકસ ઓફ કંટ્રોલ’ એટલે કે ‘બાહ્ય અવસ્થા પર નિયંત્રણ’ જેવા અઘરા શબ્દનો ઉપયોગ કરે છે. ‘ઇન્ટરનલ લોકસ’ એટલે કે આંતરિક અવસ્થાવાળા લોકો એમના જીવનમાં ઘટતી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે પણ ‘બાહ્ય અવસ્થા’વાળા લોકો એમના જીવનમાં ઘટતી ઘટનાઓ માટે ‶તક, ભાગ્ય અથવા બહારની શક્તિઓને જવાબદાર માને છે. એક સર્વે મુજબ, આંતરિક અવસ્થા પર નિયંત્રણ રાખવાવાળા લોકો મોટા ભાગે વધુ ખુશ ને તૃપ્ત હોય છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના નેશનલ સર્વે મુજબ, આવા લોકો જીવન પર કંટ્રોલ અનુભવે છે. એક્ચ્યુઅલી વાત એમ છે કે, ઘણાં લોકો કોઇ તાવીજ કે લકી કલરના રૂમાલના સહારે આખી જિંદગી જીવી જાય છે અને ઘણાં લોકો બહુ વિચારીને લંગડા લોજિક સાથે જીવતરમાં ઘસડાયા કરે છે. બેઉનો અતિરેક ખતરનાક છે. એક જૂની હિંદી ફિલ્મું ટાઇટલ હતું કે ‘ભગવાન હૈ તો ભૂત ભી હૈ!’ – આ એના જેવી અકળ ને અજીબ વાત છે. એન્ડ ટાઇટલ્સ આદમ: તું ઈશ્વરમાં માને? ઈવ: તારી સાથે પનારો પડ્યા પછી તો માનવા માંડી! {sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...