જીવનના હકારની કવિતા:સાંજના જન્મોત્સવ પહેલાં...

5 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

સાંજ... સંધ્યાકાળ... જોડતી કડી... ઉઘાડ અને અંતરા વચ્ચેનું અંતર... વેણીભાઈ શીર્ષકથી જ કવિતાની શરૂઆત કરે છે. ‘સાંજ પહેલાંની સાંજ...’ હજુ સાંજ થવું થવું કરે છે. દિવસનો અંત અને રાતનો જન્મ થાય એ પહેલાનું વાતાવરણ છે. સાંજનો જન્મોત્સવ છે. હજુ... આ શબ્દ કવિતાની આંગળી પકડીને સાંજને પા-પા પગલી કરાવે છે. તડકો છે પણ કોકરવરણો... તાસકમાં ફૂલેલી રોટલી થાળીમાં આવતા અટામણના લોટથી દબાઈ જાય – એવો તડકો છે! પંખી ઝાડ ઉપર કલશોર કરતાં પરત ફરે એ પહેલાંનો સમય છે. પાણિયારે અને તુલસીક્યારે દીવા પ્રગટવાના બાકી છે. મંદિરમાં આરતીની તૈયારીઓ પૂર્ણ થવામાં છે. લગરીક ઊની ધરતી સાંજ પડતાં જ ઠંડકમાં પરિણમશે. સાંજને માણતાં આવડે તો બેડો પાર! સંધ્યાના રંગો આગળ ચિત્રકારો ઝાંખા પડે! રાત આવે એ પહેલાં ગગનમાં જે નજારો દેખાય છે એ આંખોમાં કેદ કરીએ છીએ. સાંજ આવે એ પહેલાંનું વર્ણન છે. વેણીભાઈ પુરોહિત ગુજરાતી કવિતામાં લય પર્વનો ઉલ્લાસ છે. સાંજને ન જીરવી શકનારાઓને ‘સાંજ પહેલાંની સાંજ’ માણતાં જ નથી આવડતી!

સાંજ પહેલાંની સાંજ હજી આ કોકરવરણો તડકો છે સાંજ તો પડવા દો હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે દિવસ ઢળવા દો… હજી ક્યાં પંખી આયાં તરુવર પર? અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર? હજી ના મનડું બેઠું મહુવર પર દેવ-મંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો... સાંજ તો પડવા દો. દિવસને ઢળવા દો. હજી ક્યાં દુનિયાદારી થાકી છે? હવાની રૂખ બદલવી બાકી છે હજી આ કિરણોમાં કરડાકી છે! ગમતીલી ગોરજને ઊંચે અંગેઅંગ મરડવા દો! સાંજ તો પડવા દો : દિવસને ઢળવા દો : હજી આ ધરતી લગરીક ઊની છે, ગગનની મખમલ તારકસૂની છે, સાંજ તો શોખીન ને સમજુની છે : કનકકિરણને નભવાદળમાં અદ્્ભુત રંગ રગડવા દો સાંજ તો પડવા દો. દિવસને ઢળવા દો. -વેણીભાઈ પુરોહિત⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...