તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:ચામાચીડિયું અને વાઇરસ યહ બંધન તો... પ્યાર કા બંધન હૈ!

પરખ ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચામાચીડિયાં માણસની માફક સસ્તન પ્રાણી છે. તેથી માનવજાત પર અવનવા વાઇરસનો મારો સ્વાભાવિક છે

છેલ્લાં અમુક વર્ષમાં વિશ્વભરમાં ફેલાયેલાં કેટલાક ખતરનાક વાઇરસનું મૂળ જન્મસ્થાન ચામાચીડિયું છે, પરંતુ અહીં એ પ્રશ્ન થવો પણ સ્વાભાવિક છે કે, શા માટે ચામાચીડિયામાંથી જ માનવજાતને અવનવા રોગો મળી રહ્યા છે? અન્ય પ્રાણીઓના શરીરમાં પણ વાઇરસ અને બેક્ટેરિયા હોય જ છે, તો પછી ફક્ત ચામાચીડિયાં જ કેમ માનવજાતના નિકંદનનું કારણ બની રહ્યાં છે? ચીનના વુહાનની માર્કેટમાં ચામાચીડિયાંનું વેચાણ ખોરાકરૂપે નહોતું થતું! આમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના મૂળ ચામાચીડિયાંમાંથી જ ફેલાયો છે. એક લોજિક મુજબ, ચામાચીડિયાંમાંથી કોરોના મરઘા તેમ જ અન્ય પ્રાણીઓમાં ટ્રાન્સફર થયો છે, જેને આરોગવાથી માનવશરીર પણ એનો ભોગ બન્યું છે. આ પહેલી વાર નથી કે માનવજાત પર ચામાચીડિયાંને કારણે આપદા આવી હોય! 1967ની સાલમાં જર્મનીમાં ફેલાયેલા માર્બર્ગ વાઇરસનો મૂળ સ્ત્રોત પણ ચામાચીડિયાં હોવાનો વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો હતો. 2014ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચાવી ચૂકેલા ઈબોલા વાઇરસના મૂળિયા ચામાચીડિયાંની ઘણીબધી ગુફાઓ, વૃક્ષો અને ઇમારતોમાં મળી આવ્યાં હતાં. વર્ષ 2018માં ભારતમાં હાહાકાર મચાવી ચૂકેલાં નિપાહ વાઇરસે ઘણા માણસોનો ભોગ લીધો હતો, જેની પાછળ ચામાચીડિયાંને જવાબદાર માનવામાં આવે છે. હકીકત તો એ છે કે, ચામાચીડિયાં પણ માણસોની માફક સસ્તન પ્રાણી છે. આને કારણે માનવજાત પર અવનવા વાઇરસનો મારો રહેવો એ સ્વાભાવિક બાબત બની જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાઇરસના રહેઠાણ માટે ચામાચીડિયાંનું શરીર અને માનવદેહ એ સૌથી શ્રેષ્ઠ હોસ્ટ છે! વાઇરસને પોતાની અસરકારકતા ફેલાવવા માટે આવું અનુકૂલન ધરાવતાં શરીરો જ વધારે માફક આવે છે. વળી, ચામાચીડિયું એવો જીવ નથી, જે આપણી રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલો હોય. માણસજાત સાથે લગભગ દરરોજ સંપર્કમાં આવતાં ગાય, ભેંસ, ભૂંડ અને કૂતરા જેવા પ્રાણી-પશુના શરીરમાં વસતા વાઇરસ અથવા બેક્ટેરિયા સામે આપણે રક્ષણ પ્રાપ્ત કરી લીધું છે. ઓરી, અછબડા, શીતળા, ટીબી વગેરે આના ઉદાહરણો ગણી શકાય. ચામાચીડિયું માનવજાતની વચ્ચે રહેવાને બદલે દૂરના પ્રદેશોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. સિંહ, વાઘ કે અન્ય જંગલી પ્રાણીઓની માફક તે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાથી દૂર રહે છે. આથી ચામાચીડિયાંની અંદર ઉછરી રહેલાં વાઇરસ પણ આને લીધે ઘાતક બની જાય છે. કોઇ પણ માનવ અથવા પ્રાણી-પશુ (જેમ કે, મરઘા) સાથે સંપર્કમાં આવતાં તેમની અંદર વસવાટ ધરાવતાં વાઇરસને રહેઠાણ માટે એક નવું શરીર મળી જાય છે. ત્યાર બાદ માંસાહાર આરોગતાં માણસો આ વાઇરસને પોતાના પેટમાં ઠાલવીને માનવજાતને સંક્રમિત કરી શકે છે (સંક્રમણ ફેલાઈ શકવાના આ સિવાયના પણ બીજા ઘણાં રસ્તા છે). ચામાચીડિયાંઓ તડકામાં વધુ બહાર નથી નીકળી શકતાં, આથી વાઇરસને પોતાનું ઘર બનાવવા માટેનો છૂટો દોર મળી જાય છે. વળી, વૈજ્ઞાનિકોએ પૂરવાર પણ કર્યુ છે કે ચામાચીડિયાંની રોગપ્રતિકારક શક્તિ અને શરીરતંત્ર એવા પ્રકારનાં છે, જે આવા વાઇરસને આશરો આપવાની સાથોસાથ એમની ખરાબ અસરો સામે લડત પણ આપી શકે છે. આમ જોવા જઈએ તો, વાઇરસની હાનિકારક અસરોથી ચામાચીડિયાંના શરીરને વાસ્તવમાં કોઇ જ નુકસાન નથી પહોંચતું. ઊલટું, એનાં સંપર્કમાં આવનારા અન્ય જીવોમાં આ વાઇરસ ટ્રાન્સમિટ થઈને પોતાની વિનાશક અસરો દેખાડવાનું શરૂ કરે છે. એક અભ્યાસ મુજબ, ચામાચીડિયાંના શરીરમાં ઉછરી રહેલાં વાઇરસની કાર્યક્ષમતા સમયની સાથે વધુ ધારદાર થતી જાય છે, જેના પરિણામે બહારના વાતાવરણમાં તેના ફેલાવાનો દર અને ઝડપમાં પણ વધારો થયેલો જોવા મળે છે. આ કારણોસર અન્ય સસ્તન જીવો, જેમની રોગપ્રતિકારક શક્તિ વધુ પ્રબળ નથી એમને આ વાઇરસની અસર થતાંવેંત તેઓ મૃત્યુને ઘાટ ઊતરી શકે છે અથવા ગંભીર બીમારીનો ભોગ બની શકે છે, જેની દવા હજુ સુધી શોધી શકાઈ નથી. અમેરિકાના ન્યૂયોર્ક શહેર ખાતે માનવજાતને થનારા રોગ માટેના ઇકોલોજિસ્ટ કેવિન ઓલિવલ કહે છે કે, ‘વૈજ્ઞાનિકોએ હજુ ચામાચીડિયાંના રોગપ્રતિકારક તંત્ર વિશે ખાસી જાણકારી મેળવવાની જરૂર છે. માણસજાતને આવનારા ભવિષ્યના વાઇરસથી રક્ષણ પ્રાપ્ત કરાવવા માટે આ અત્યંત જરૂરી પગલું પૂરવાર થશે. ચામાચીડિયાં પરના પૂરતા અભ્યાસ અને સંશોધન પરથી આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્ય માટે આવશ્યક કદમ ઉઠાવી શકીશું.’⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...