તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી-અમસ્તી:બસપન કા પ્યાર અને પચપન કા પ્યાર

રઈશ મનીઆર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બચપન કા પ્યાર પર્સન-સ્પેસિફિક હોતો નથી. સોસાયટીમાં એક ગમે અને સ્કૂલમાં બીજી...

‘સોનુ મેરી ડાર્લિંગ! જાને મેરી જાનેમન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે...’ હેમિશે શરૂ કર્યું અને સૌ ઘરડાંઓએ ઉપાડી લીધુ, ‘બસપન કા પ્યાર.. બસપન કા પ્યાર!” કોઈકોઈ તો શબ્દો બદલીને ‘પચપન કા પ્યાર” પણ ગાવા લાગ્યા. હસુભાઈએ હાથ અને આંખના કરડા ઈશારાથી હેમિશને બોલાવ્યો. હેમિશનું બચપણ હતું ત્યાં સુધી તો આ નિમંત્રણનો એક જ અર્થ થતો. બોચી પર એક ‘ફડાક’ કરીને પડતી અથવા કાનને ઘડિયાળના કાંટા કરતાં ઊંધી દિશામાં ફેરવવામાં આવતો, પણ હેમિશ સોળનો થયો પછી હસુભાઈ શબ્દકોશમાન્ય ગાળોથી જ કામ ચલાવતા, ‘ડફોળ! ઓથમીરની ઓલાદ! આ બસપન કા પ્યાર એટલે શું?’ ‘માતાપિતા પ્રેમ કરવા લાયક ન હોય ત્યારે બાળક કોઈ કન્યાને પ્રેમ કરતો હોય છે!’ ‘તું જેને ‘ભૂલ નહીં જાના રે’ કહે છે, એ કોણ છે?’ હેમિશ માથું ખંજવાળતાં બોલ્યો. ‘એને તો હું ભૂલી ગયો છું!’ ‘નાલાયક તું જેને ભૂલી ગયો છે એને જ કહે છે કે મને યાદ રાખજે! નેતા છે તું?’ ‘ઇનફેક્ટ પપ્પા, બચપન કા પ્યાર પર્સન-સ્પેસિફિક હોતો નથી. સોસાયટીમાં એક ગમે, સ્કૂલમાં બીજી અને ટ્યુશન પર ત્રીજી ગમે અને એ પણ ગેરહાજર હોય તે દિવસે પ્રોક્ષીમાં ચોથી ગમે. આમાં વ્યક્તિ મહત્ત્વની નથી, ભાવના મહત્ત્વની છે!’ ધનશંકર બોલ્યા, ‘જે પાવનભૂમિમાં તાનસેન અને સૂરદાસ થઈ ગયા, એ ભૂમિ પર આવું ભદ્દું ગીત!’ પ્રેરણાડી બોલી, ‘પપ્પા! અઢી કરોડ વ્યૂ છે એના!’ બાબુ બોલ્યો, ‘એ કહો આડતરી કરોડમાંથી અઢી કરોડ જુએ એટલે ડોઢ ટકો કહેવાય, એટલા સ્ક્રૂ તો ઢીલા હોય જ કોઈ પણ સમાજમાં!’ એ અઢી કરોડમાં એક હું પણ હતો, ‘મને આ ગીતમાં કંઈ વખાણવા કે વખોડવા જેવું લાગ્યું નહીં!’ હેમિશ બોલ્યો, ‘સહદેવ નામના છત્તીસગઢના બાળકે આ વાઈરલ ગીત ગાયું છે!’ ધનશંકર બોલ્યા, ‘ઘોર પતન! એક સહદેવ ત્રિકાળજ્ઞાની હતો, અને આ?’ ‘આ પણ સહદેવ ત્રિકાળજ્ઞાની અને એનો વીડિયો બનાવનાર શિક્ષક પણ. એમણે ‘ઝંડા ઊંચા રહે હમારા’ ગવડાવ્યું હોત તો વાઈરલ થાત?’ પ્રેરણાડી બોલી, ‘પપ્પા! આમાં ખરાબ કે ખોટું શું છે? ધીસ સોંગ ઇઝ સો કૂલ! બાદશાહે સહદેવની સાથે બનાવેલો વીડિયો જોયો?’ ‘બાડશાહ? એટલે સું મોડીજીએ સહડેવ સાથે વીડિયો બનાવ્યો?’ બાબુને નવાઈ લાગી. ‘અરે! આ એ બાદશાહની વાત નથી! આ બાદશાહ તો રેપ(rape) સિંગર છે!’ ભગુ બોલ્યો. ‘રૅપ(rap) સિંગર કહેવાય, એના બદલે તમે રેપ(rape) સિંગર બોલ્યા.’ મેં સુધારો કર્યો. બાબુ બોલ્યો, ‘બંનેવ ઉચ્ચાર હાચા, આ સિંગર બી ભેજા પર તો બલાત્કાર કરટો છે!’ પ્રેરણાડીએ સમજાવ્યું, ‘સહદેવ જેવા છત્તીસગઢના દેશી બોય સાથે શહેરની ગોરીચિટ્ટી ગર્લ જોડીમાં બતાવી છે!’ ‘તો શું ગ્રામ્યજીવન અને શહેરીકરણના સમન્વયની સામાજિક સમરસતા સિદ્ધ થઈ?’ ભગુ બોલ્યો, ‘કેમ નહીં? આમાં વિકાસનો મહિમા પણ છે. છોકરો પહેલાં છોકરીને એક પાંચ-દસ રૂપિયાવાળી ચોકલેટ બતાવે છે. એનાથી છોકરી રાજી થતી નથી. પછી છોકરો પચાસવાળી ચોકલેટ બતાવે છે. એથી છોકરી એને ભેટી પડે છે. એટલે ગામડાના લોકોને વિકાસના ફળ કેવા મળે છે એ બાબતે પણ આ વીડિયો મોટિવેટ પણ કરે છે!’ ધનશંકરે કહ્યું, ‘ઓહો! એક તો અનુચિત ઉંમરે પ્રેમ અને ઉપરથી ભૌતિકતાનો મહિમા! આ બધા સંસ્કૃતિના અધ:પતનના સંકેતો છે!’ ‘અમારા સમયમાં કેવા પ્રેમના ગીતો આવતા, ‘છુપા લો યૂં દિલ મેં પ્યાર મેરા કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી!’ ‘તુમ્હીં મેરી પૂજા તુમ્હીં દેવતા હો!’ કેવો પવિત્ર પ્રેમ!’ હસુભાઈ ગદ્્ગદ્ થયા. હેમિશ બોલ્યો, ‘તો શું તમારા સમયમાં ‘બચપન કા પ્યાર’નું અસ્તિત્વ જ નહોતું?’ ‘હા, અમે સંસ્કારી હતા!’ પ્રેરણાડી ગૂગલ કરી રહી હતી, ‘અચ્છા તો આ શું છે? આ તમારા દિલીપકુમાર ગાઈ રહ્યા છે ‘બચપન કે દિન ભૂલા ન દેના!’ અને આ તમારી મીનાકુમારી ગાઈ રહી છે, ‘બચપન કી મુહબ્બત કો દિલ સે ન જુદા કરના!’ અને આ તમારી નૂરજહાં ગાઈ રહી છે, ‘મેરે બચપન કે સાથી મુઝે ભૂલ ન જાના!’ સૌ વડીલો બે ઘડી ચૂપ થઈ ગયા. આખરે ધનશંકરે કહ્યું, ‘એક બાળકના મોંઢે ‘સોનુ મેરી ડાર્લિંગ’ શબ્દો અરુચિકર લાગે છે!’ ‘ખાસ કરીને આપના ડેશમાં સોનુ નિગમ નામનો પુરુસ ગાયક છે ટ્યારે ‘સોનુ મેરી ડાર્લિંગ’ શબ્દ સામે હું પન વાંઢો ઉઠાવું છું!” પ્રેરણાડીએ ઉપાડો લીધો, ‘આ ગીતમાં કશું ઓબજક્શનેબલ નથી!’ શાંતિલાલ બોલ્યા, ‘કાયદા મુજબ બાળલગ્ન પ્રતિબંધિત છે! તેથી સહદેવ અને સોનુનાં લગ્ન ન થઈ શકે!’ પ્રેરણાડી બોલી, ‘ગીતના કયા અંતરામાં સહદેવ કહે છે કે મારે સોનુ સાથે લગ્ન કરવા છે?’ ‘ઓહો, લગ્ન નઠી કરવા, ફક્ટ નિસ્વાર્ઠ પ્યાળ જ કરવો છે!’ હેમિશ બોલ્યો, ‘કવિ એમ કહે છે કે જાલિમ કાયદો અત્યારે આપણને લગ્ન નહીં કરવા દે. એટલે તું 21 વર્ષની થાય ત્યાં સુધી મારું થોબડું યાદ રાખજે. આમાં કાયદા અને પ્રેમનું બંનેનું સન્માન છે!’ ‘જે કંઈ કરવું હોય એ ભારતીય સંસ્કૃતિ મુજબ ગૃહસ્થાશ્રમ દરમિયાન અર્થાત પચીસથી પચાસ દરમિયાન જ કરાય! બચપનનો પ્રેમ અને પચપનનો પ્રેમ બંને સંસ્કૃતિવિરોધી છે!’ ‘સહડેવ સહિટ આપનો પન બૂચ લાગી ગિયો!’ બાબુએ નિસાસો નાખ્યો. ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...