હસુભાઈ સવારની પહોરમાં મારા ઘરે આવ્યા, મને અને બાબુને કહેવા લાગ્યા, ‘કવિ! આજકાલ હેમિશની મૈત્રીઓ વધતી જાય છે.’ ‘મિત્રતાની જ તો આ ઉંમર છે. આપણા પણ મિત્રો હતા જ ને?’ ‘મેં ‘મૈત્રી’ શબ્દ વાપર્યો, સ્ત્રીલિંગ.. એના પર તમારું ધ્યાન ગયું નથી લાગતું!’ ‘ઓહ, ટમે હેમિશની ગર્લફ્રેન્ડ્સની વાટ કરટા છો!’હસુભાઈ બોલ્યા, ‘અત્યારે જે રીતે દુષ્કર્મના કેસ વધતા જાય છે, એ જોતા હું એને છોકરીઓથી દૂર રાખવા માંગુ છું.’ ‘પોયરીઓને એનાથી ડૂર રાખવાની હોય! અને એ કામ એ પોયરીઓના માબાપ કરહે.’ હસુભાઈ બોલ્યા, ‘અરે, કોઈએ તો એટલે સુધી કહ્યું કે બળાત્કારીઓને નહીં, પણ એમના માબાપ અને શિક્ષકોને સજા કરવી જોઈએ, કે આવા કેવા સંસ્કાર આપ્યા?’ ‘એટલે હેમિશ ગુનો કરે તો તમને સજા થાય એમ?’ ‘અને ટમે એના સિકસક સમાન છો, એટલે ટમને પણ સજા થાય!’ બાબુ બોલ્યો. હું ચિંતામાં પડ્યો, ‘તો આમાં મારે શું કરવાનું છે?’ ‘આપણે હેમિશને સમજાવવાનો છે કે છોકરીઓથી દૂર રહે. એમને મા-બેન સમજે! એમને દૂરથી માન આપે!’ અમે સારો સમય જોઈ હેમિશને પક્ડ્યો. એને સંસ્કાર આપવા વૉક પર ચાર રસ્તે લઈ ગયા. હેમિશે સંસ્કારનો ડોઝ લેતાં પહેલા બાપા પાસે કોફીના ડોઝની ફેવર માંગી. બાપાએ એક ટોફી (ચોકલેટ) જેટલું બજેટ મંજૂર કર્યું. હેમિશે મોં બગાડ્યું એટલે હસુભાઈએ બજેટ વધારીને એને ભૈયા પાસેથી કુલ્ફી અપાવી. હેમિશે ટોણો માર્યો, ‘તમારી ટોફી અને કુલ્ફીની જનરેશન હતી, અમારી કોફી અને સેલ્ફીની જનરેશન છે!’સામે 120 રૂપિયામાં ન ભાવે એવી કડવી કોફી મળે એવી કોઈ દુકાન હતી. બાબુ બોલ્યો, ‘કડવું જ પીવું હોય તો બીજા હારા ઓપ્સન છે.’ અમે સામે ફૂટપાથ પર બેઠા. હેમિશ કોફી લેવા ગયો. હેમિશે એની ટેવ પ્રમાણે કોફીની મોંઘી દુકાનની બહાર ઊભા રહીને ફેસબૂક પર લોકેશન શેર કર્યું અને પછી ફોટો મૂક્યો, લખ્યું, ‘Coffee with…guess who?’ મોબાઈલમાં નોટિફિકેશન જોઈને બાબુ કહે, ‘પોયરાએ આપન્ને કરણ જોહર સાથે હરખાવ્યા!’ ધડાધડ લાઈક્સ અને કોમેન્ટ્સ આવવાની શરૂ થઈ. છોકરીઓની જ લવ શેપની લાઈક્સ આવવા લાગી. હું અને હસુભાઈ ગણતાં જ રહ્યા. અમારે ધોરણ એકથી બારમાં સુધી કુલ જેટલી છોકરીઓ ક્લાસમાં હતી, એના કરતાં વધુ લાઈક્સ આવી ગઈ. હસુભાઈ મને ઠોંસો મારી કહે, ‘વાત શરૂ કરો. એને કેટલી ગર્લફ્રેન્ડ છે એ પૂછો.’ મેં ખોંખારો ખાઈ હેમિશને પૂછ્યું, ‘હેમિશ… તારા પપ્પા જાણવા માગે છે કે તારી કેટલી ગર્લફ્રેન્ડ્સ છે!’ ‘ઓછી જ છે. ને વધારે હોય તોય દાનમાં ન અપાય. બાપાને તો ન જ અપાય!’ હસુભાઈના હાથ ચંપલ પકડવા માટે સળવળી ઊઠ્યા, ‘એને કહો કે અમારીય ગર્લ ફ્રેન્ડ ઓછી નહોતી! પણ આમ બેશરમ થઈ જાહેરમાં લવ શેપની લાઈક નહોતી મોકલતી. અમે શેરીમાં નીકળતા ત્યારે ઘરની બારીની પાછળ પડદામાંથી એ જોતી.’ બાબુએ ઉમેર્યું, ‘અમે સરમ છોડી, પળીસ્રમ કરી, હિંમત એકઠી કરીકરી બોલવાની ટક મેલવતા ટાં હુધીમાં તો એટલું જ પૂછવાનું બાકી રહેતું, ‘સગાઈ થઈ ગેઈ? અભિનંડન!’ અને પછી એ પોયરી અમને એની કંકોટરી વહેંચવા લઈ જતી!’ ‘કેવા નિર્દોષ સંબંધો હતા!’ હસુભાઈ બોલ્યા. હેમિશ બોલ્યો, ‘ પપ્પા! તમે કહેવા શું માગો છો? દુષ્કર્મ કરનારા અમુક તમારી ઉંમરના પણ હોય છે!’ ‘એટલે?’ ‘માત્ર અમારી નહીં, તમારી જનરેશને પણ સુધરવાની જરૂર છે!’ ‘એ કામ અમારા બાપા કરહે, એ તારે નઠી કરવાનું!’ હસુભાઈ ગિન્નાયા, ‘હું તારો બાપ છું, તમારી જનરેશન દુષ્કર્મ કરે તો અમારી જવાબદારી થાય!’ ‘ચોકી કરશો અમારી?’ ‘દેખરેખ રાખીશું. તારી ગર્લફ્રેન્ડ્સ કેટલી છે, એ જવાબ આપ!’ હસુભાઈએ બાપગીરી શરૂ કરી. હેમિશે ફોન ધરી દીધો, ‘જોઈ લો.’ હસુભાઈએ ફાટી આંખે (અને મેં ત્રાંસી આંખે) ફોન જોવા માંડ્યો. એની ટાઈમલાઈન પર એની પોતાની પોસ્ટ ઓછી હતી. માત્ર છોકરીઓએ ડી. પી. બદલ્યા હોય, એની જ પોસ્ટ હતી. રિયા, હિયા, દિયા, એના, ફેના, નૈના, રિંકુ, ચિંકુ, ટીંકુ, મીની, જીની, વીની આ બધી દિવસમાં ત્રણવાર ડી.પી બદલી હેમિશની ટાઈમલાઈન પર મૂકતી. હસુભાઈ બોલ્યા, ‘મારો એક ફ્રેન્ડ કૂતરાં વેચે છે તે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર કૂતરાબિલાડાના ફોટા મૂકે છે, તારે આ છોકરીઓના ફોટાના મૂકવાની શી જરૂર?’ હેમિશ બોલ્યો, ‘મેં નથી મૂકયા, એમણે જાતે મૂક્યા છે!’ અમુક ચોક્ક્સ પ્રકારે હોઠની મુદ્રા કરીને સેલ્ફી પાડનારી અધધ કન્યાઓને જોઈ અબુધ હસુભાઈ બોલ્યા, ‘આ બધી અદૃશ્ય સ્ટ્રોથી કોલ્ડ ડ્રિંક પીતી હોય, એવું મોં કરીને કેમ ફોટો પડાવે છે?’ હેમિશે જવાબ આપ્યો, ‘છોકરીઓમાં અત્યારે આવો ટ્રેન્ડ છે, એને પાઉટ કહેવાય!’ અમે રાઉન્ડ અબાઉટ ચાલીસેક પોસ્ટ જોઈ, એમના એકસરખા પાઉટ જોઈ આઉટ થઈ ગયા, ‘પાઉટવાળી સેલ્ફીમાં તો બધી ચાલીસેચાલીસ સરખી જ દેખાય છે!’ હેમિશ બોલ્યો, ‘હા, છોકરીઓ પાઉટનાં કારણે સરખી દેખાય છે અને છોકરાઓ વિરાટ કોહલી જેવી દાઢીને કારણે સરખા દેખાય છે તેથી અમારી જનરેશનને પાર્ટનર બદલાય તો બહુ વાંધો નથી આવતો.’ આ જનરેશનને સુધારવાની નહીં, સમજવાની જરૂર છે એ ખ્યાલ મનમાં સ્પ્રાઉટ થતાં અમારા ત્રણેવ પ્રૌઢોના ચહેરે ‘પાઉટ’ આવી ગયું. ⬛ amiraeesh@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.