રણમાં ખીલ્યું ગુલાબ:બખ્શીશ મત દે મુઝે ઇન ચંદ મુલાકાતોં કી, ગર ઇશ્ક હૈ તો હર લમ્હા મેરે નામ કર

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

પચીસ વર્ષનો અનિલ રઘવાટમાં ખોટો નંબર લગાડી બેઠો. દસ ડિજિટ્સમાંથી માત્ર એક જ ડિજિટ ખોટો હતો, પણ એટલામાં તો સામા છેડે આખી ‘જેન્ડર’ બદલાઇ ગઇ. મિત્ર મનહરને બદલે કોઇ માનુનીનો મીઠો અવાજ સંભળાયો. ‘હેલ્લો!’ સ્ત્રી-સ્વર સંસ્કારી શૈલીમાં પૂછી રહ્યો હતો: ‘તમે કોણ? કોનું કામ છે?’ અનિલે આટલી ઉંમરમાં કોઇ અજાણી છોકરીની સાથે ક્યારેય વાત કરી ન હતી. જેની-જેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો એ તમામનાં મુખેથી એક જ વાક્ય સાંભળવા મળ્યું હતું, ‘શું જોઇને વાત કરવા આવ્યો છે? અરીસામાં મોઢું જોયું છે?’ એને બદલે આ મીઠા અવાજની માલિકણ સભ્યતાપૂર્વક એનો પરિચય પૂછી રહી હતી. અનિલને આજે પહેલી વાર પોતાનું નામ ‘અનિલ’ હોવા બદલ અફસોસ થયો. આવું જૂનવાણી નામ તે કંઇ ચાલતું હશે! એ પણ આવી સુંદર, મોડર્ન, ભણેલી છોકરીની સામે! આવું વિચાર્યા પછી અનિલના ખુદના મનમાં સવાલો ઊઠ્યા: ‘સુંદર? મોડર્ન? ભણેલી છોકરી? કોને ખબર છે? મેં તો હજી આ છોકરીને જોઇ પણ નથી. ના, એ ખરેખર એવી જ હોવી જોઇએ. એનો અવાજ કહી આપે છે. આવી છોકરીને સાચું નામ કહેવાય જ નહીં. આજના જમાનાને અનુરૂપ નામ કહેવું જોઇએ. નહીંતર મારું નામ સાંભળીને જ એ ફોન કાપી નાખશે.’ જો કે ફોન તો પેલીએ કાપી જ નાખ્યો. અનિલે કહ્યું, ‘મારું નામ આહ્્લાદ છે. મારે… મારે…’ ‘સોરી, હું કોઇ આહ્્લાદ-ફાહ્્લાદને ઓળખતી નથી. રોંગ નંબર!’ આટલું બોલીને પેલીએ ફોન ‘કટ’ કરી નાખ્યો. અનિલ તડપી ઊઠ્યો. એ છોકરીનો અવાજ એના કાનમાં ગુંજી રહ્યો હતો. એણે ફરીથી એ જ નંબર લગાડ્યો. છોકરીએ ‘કોલ’ રિસિવ તો કર્યો, પણ આ વખતે જરાક વધુ કડક અવાજમાં વાત કરી, ‘મેં કહ્યુંને કે આ રોંગ નંબર છે! સમજતા કેમ નથી?’ અને એણે ‘કોલ’ કાપી નાખ્યો. એ દિવસ પૂરતી હિંમતનો ‘સ્ટોક’ ખલાસ થઇ ગયો હતો, એટલે અનિલે ફરીથી ફોન ન કર્યો. પણ બીજા દિવસે એ જ સમયે એણે ફરી પાછો ફોન કર્યો. છોકરીએ થોડો નંબર ‘સેવ’ કરી રાખ્યો હોય? એણે પૂછ્યું, ‘તમે કોણ? કોનું કામ છે તમારે?’ ‘હું રોંગ નંબરવાળો!’ અનિલે ઓળખાણ આપી, ‘તમે ગુસ્સે ન થશો. હું ખરાબ માણસ નથી. મારો ઇરાદો તમને પરેશાન કરવાનો નથી.’ ‘તો પછી શા માટે ફોન કરો છો?’ ‘તમારો અવાજ સાંભળવા માટે. તમે ક્યારેય તમારો અવાજ સાંભળ્યો છે? ક્યાંથી સાંભળ્યો હોય! ખૂબ મીઠો છે…’ ‘શટ અપ! મારે તમારો બકવાસ નથી સાંભળવો. મહેરબાની કરીને હવે પછી ફોન ન કરશો, નહીંતર…’ ધમકી પણ અધૂરી રહી અને ફોન પૂરો થઇ ગયો. ત્રીજા દિવસે અનિલે ફરીથી ફોન કર્યો. આ વખતે છોકરી નંબર ઓળખી ગઇ. કદાચ એણે ‘ડીલીટ’ કર્યો નહીં હોય. આ ‌વખતે એણે તડાફડી કરી નાખી, ‘મિસ્ટર, તમે જે હો તે. મારે એ વાત સાથે કોઇ લેવા-દેવા નથી. જો તમે ફોન કરવાનું બંધ નહીં કરો તો મારે મારા મમ્મી-પપ્પાને જણાવી દે‌વું પડશે. પછી તમારાં હાડકાં ભાંગી જાય તો મારો વાંક નહીં કાઢતા.’ અનિલને લાગ્યું કે વાત હવે ગંભીર રૂપ ધારણ કરી રહી છે. છોકરીનો અવાજ મધુર છે પણ એના બાપનો ઘાંટો મીઠો નહીં જ હોય. માટે ફોનનો સિલસિલો બંધ કરવામાં શાણપણ પણ છે અને સલામતી પણ છે. બે-ત્રણ દિવસ પસાર થઇ ગયા. એ સમય થાય એટલે અનિલને પેલી ‘અનામિકા’ યાદ આવી જાય. ફોન કરવા માટે હાથ તડપી ઊઠે. પછી બરડા પર વિંઝાતો ધોકો અને હાથ-પગના ફ્રેક્ચર્સ એની કલ્પનામાં રમવા માંડે. એ ફોન કરવાનું માંડી વાળે. ચોથા દિવસે ફરી પાછો એજ સમય થયો. અનિલ બેચેન બની ઊઠ્યો. થોડી થોડી વારે એ મોબાઇલ ફોન હાથમાં લે અને પાછો નીચે મૂકી દે. ત્યાં તો ફોન રણકી ઊઠ્યો. સ્ક્રીન પર ‘અનામિકા’નો જ નંબર હતો. અનિલની છાતી ભય અને આનંદના મિશ્ર ભાવોથી થડકવા લાગી. ફોન અનામિકાએ કર્યો હશે કે એના બાપે? કોલ રિસિવ કરવો જોઇએ કે ન કરવો જોઇએ? અચાનક એનો બાપ ગાળોનો વરસાદ વરસાવી દે તો શો જવાબ આપવો? પોતાનું નામ, ગામ, સરનામું પૂછે તો શું કરવું? સાચી માહિતી આપવી કે ખોટું બોલી દેવું? સવાલોની ઝડી વચ્ચે અનિલે ફોન રિસિવ કર્યો, ડરતાં ડરતાં એણે પૂછ્યું, ‘હેલ્લો, તમે…?’ ‘હા, હું!’ જવાબને બદલે કાનમાં ચાસણી ઠલવાઇ રહી. અનિલ પૂછી બેઠો, ‘તમે મને સામેથી ફોન કર્યો? શા માટે?’ મૌનભરી થોડી ક્ષણો અને પછી ગળાના મધપૂડામાંથી મધનાં બૂંદ સર્યા, ‘સાચું કહું? તમારા ફોનની મને આદત પડી ગઇ છે. તમે મારા અવાજના વખાણ કરો છો ને એ સાંભળવું મને ગમે છે.’ પછી અનિલ ઝાલ્યો રહી શકે? જે ચાલક ડ્રાઇવિંગ લાઇસન્સ વિના પ્રતિ કલાકે એંશી કિલોમીટરની ઝડપે બાઇક ભગાવતો હોય એ હવે લાઇસન્સ મળી ગયા પછી કાબૂમાં રહી શકે? અનિલે અવાજની પ્રશંસામાં સાહિત્યનો આખો કોશ ઠાલવી દીધો. બદલામાં એને શું મળ્યું? છોકરીનું નામ જાણવા મળ્યું. નામ હતું માઝૂમી. પછી તો આહ્્લાદ અને માઝૂમી રોજ નિયત સમયે એક-એક કલાક માટે વાતો કરવા લાગ્યા. સતત સંપર્કની કુખમાંથી પ્રેમ નામનું સંતાન જન્મે છે. એક અઠવાડિયાની અંદર બંને પ્રેમમાં બંધાઇ ગયાં. વાતવાતમાં એકમેકના પરિવારો વિશે જાણકારી પણ અપાતી રહી અને મેળવાતી ગઇ. ‘મારા ઘરમાં ચાર ભાઇઓ, મમ્મી અને પપ્પા છે, ’ માઝૂમીએ કહ્યું, ‘પપ્પાનો સ્વભાવ ગરમ છે. ભાઇઓ ખાનદાનની પ્રતિષ્ઠા ખાતર કોઇનું ખૂન કરી નાખે એવા ખુંખાર છે. મારી મમ્મીનો સ્વભાવ શંકાશીલ છે. મારી કોલેજ પૂરી થઇ એ પછી મમ્મી મને ઘરની બહાર પગ પણ મૂકવા દેતી નથી. હું જ્યારે તમને ફોન કરું છું ત્યારે મમ્મી શાકભાજી લેવા માટે બહાર ગઇ હોય છે. ઘરમાં બીજું કોઇ હોતું નથી. જે દિવસે ઘરમાં કોઇને જાણ થઇ…’ ‘એ દિવસે શું થશે?’ તારા પપ્પા કે તારા ભાઇઓ તને માર મારશે?’ ‘મને નહીં એ લોકો તને મારશે.’ માઝૂમી ગંભીર થઇ ગઇ, ‘મારશે એટલે માત્ર મારશે એવું નહીં, તને સાવ મારી જ નાખશે. પૂરો વિચાર કરીને આગળ વધજે.’ ‘મેં વિચારી લીધું છે. હું તારી સાથે જ લગ્ન કરીશ; એ માટે મરવું પડે તો મરીશ. હવે તું તારો નિર્ણય જણાવી દે.’ માઝૂમીએ એક ક્ષણના યે વિલંબ વિના કહી દીધું, ‘હું પણ તારી સાથે જ લગ્ન કરીશ.’ એ દિવસથી બંને જણાં લગ્ન વિશે ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યાં. સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં એ માટેના રસ્તાઓ ખોળવા લાગ્યાં. એક દિવસ માઝૂમીએ રસ્તો શોધી કાઢ્યો, ‘આહ્્લાદ, તું આવીને મારા ગામમાંથી મને ભગાડી જા. આપણે ક્યાંક અજાણ્યાં શહેરમાં જઇને લગ્ન કરી લઇશું. એક-બે મહિના સુધી છુપાયેલાં રહીશું. ત્યાં સુધીમાં મમ્મી-પપ્પા અને ભાઇઓનો ગુસ્સો ઠંડો…’ એક દિવસ આહ્્લાદ મિત્રની બાઇક લઇને આવ્યો. માઝૂમી ઘરમાં એકલી જ હતી. બંને ભાગી ગયાં. ત્યારે ખબર પડી કે બંનેના ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી હતી. મેરેજના રજિસ્ટ્રેશન વખતે ખબર પડી કે બંનેનાં નામ પણ અનિલ અને મીના હતાં. અનિલ રિક્ષા ચલાવે છે. મીના એના ઘરમાં રોટલા ઘડે છે. બંનેના ઘરવાળાઓએ જરા પણ વિરોધ કર્યા વગર બેયનાં લગ્નને સ્વીકારી લીધાં છે. અસત્યના પાયા ઉપર ચણાયેલા પ્રેમની ઇમારત સત્ય સાબિત થઇ છે, મજૂબત સિદ્ધ થઇ છે. એક રોંગ નંબરથી શરૂ થયેલો સંબંધ ‘કરેક્ટ’ મંઝિલ તરફ આગળ ધપી રહ્યો છે. ⬛ શીર્ષકપંક્તિ: આતિફ અસલમ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...