સોિશયલ નેટવર્ક:અનંતની યાત્રાએ બાબાસાહેબ પુરંદરે

કિશોર મકવાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છત્રપતિ શિવાજી મહારાજની કથાને બાબાસાહેબ પુરંદરે ઘરે ઘરે ગૂંજતી કરી હતી

જેમના જીવનનો મંત્ર હતો : ‘ભારતના દરેક બાળકને શિવાજીની કથા સંભળાવવી છે….’ એવા સુપ્રસિદ્ધ મરાઠી લેખક, ઇતિહાસકાર અને નાટ્યવિદ્ પદ્મ વિભૂષણ બલવંત મોરેશ્વર પુરંદરે - બાબાસાહેબ પુરંદરે જીવનયાત્રા સમેટી લઇ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. છત્રપતિ શિવાજીની કથા એમણે મહારાષ્ટ્રમાં ઘરે ઘરે પહોંચાડી. બાબાસાહેબ પુરંદરે લખેલું ‘જાણતા રાજા’ નાટક દ્વારા શિવાજી મહારાજનું જીવન-ચરિત્ર ભારતભરમાં ગૂંજતું કર્યું. બાબાસાહેબ કહેતા : ‘દરેક પેઢીએ પોતાના મહાન રાષ્ટ્રને વધુ મહાન બનાવવા માટે પોતાના રાષ્ટ્રના રાષ્ટ્રીય ચરિત્રમાંથી પ્રેરણા લેવી જોઇએ. આ દૃષ્ટિએ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયી છે. એમની આજે પણ પ્રાસંગિકતા છે. ઇતિહાસમાંથી બોધપાઠ લઇ આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવી શકીએ. એ રીતે છત્રપતિ શિવાજી મહારાજનું સમગ્ર જીવન આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. રાજનીતિમાં કેવા સાવચેત રહેવું જોઇએ, વીરતા કેવી હોય, પરિશ્રમ કેવો કરવો જોઇએ, પ્રેમ અને સ્નેહ કેવો હોવો જોઇએ, સ્વરાજને પ્રેમ અને સેવા કેવી કરવી જોઇએ - આ બધી બાબતો શિવાજી મહારાજના જીવનમાંથી શીખવા મળે છે.’ શિવાજી મહારાજ વિશે આવી અનેક બાબતો બાબાસાહેબે લોકોને જણાવી. શત્રુ-સંહારનાં કાર્યમાં છત્રપતિ શિવાજીની ‘ભવાની’ તલવાર ચમકતી. એ જ રીતે આદર્શ ધર્મરાજ્યની સ્થાપનામાં પણ એમની સર્જનાત્મક પ્રતિભા તેજસ્વી બની ખીલી ઊઠતી. મહાભયંકર શત્રુ-વિદેશી મોગલ સંહારક, શ્રેષ્ઠ સુધારક તથા સકારાત્મક નેતૃત્વ ધારણ કરી, એમણે રાષ્ટ્રસંરક્ષણ અને સંવર્ધનનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું. જાતિવાદ એમને પણ નડ્યો છતાંય એ વિદેશી આક્રમણકારી મોગલોને પરાજિત કરી હિન્દવી સ્વરાજની સ્થાપના કરી. તે સમયે વિદેશી મોગલ કારોબારથી પ્રભાવિત બધાં ક્ષેત્રોમાં મલેચ્છ શબ્દો અને રૂઢિઓ પ્રચલિત હતી. શિવાજી મહારાજે આના સ્થાને નવો ‘રાજવ્યવહાર કોશ’ પંડિતો પાસે તૈયાર કરાવ્યો. પોતાની રાજમુદ્રા પણ સંસ્કૃતમાં જ અંકિત કરાવી. આદર્શ હિન્દવી રાજ્યની સ્થાપના થઈ, એમાં સ્વરાજ ભક્ત મુસલમાન અને ઇસાઈ પણ હતા. જેમનામાં સ્વરાજ્યનિષ્ઠા હતી એવા બધાને પુરસ્કાર મળતા! શત્રુઓની સ્ત્રીઓ બાબતે પણ એમનું માન-સન્માન અને એમનો પૂજ્યભાવ લોકવિખ્યાત છે. સામાન્ય પ્રજાના સુખ વિશે શિવાજી ખૂબ સજાગ હતા. એમની સેના આક્રમણ કરતી ત્યારે ખેતરોમાં ઊભા પાકને હાથ ન લગાડવો, બજારમાં પ્રજાની જેમ જ પૈસા આપીને સામાન ખરીદવો વગેરે નિયમોનું પાલન થતું. આનું ઉલ્લંઘન કરનારને આકરી સજા થતી. સૈનિકોની માફક જ શ્રીમંતો અથવા સરકારી અધિકારીઓ પ્રજાને હેરાન ન કરે એની વિશેષ ચિંતા શિવાજી મહારાજ કરતા. સ્વરાજ્યનો ગુપ્તચર વિભાગ પણ અત્યંત બાહોશ હતો. ખોટી માહિતી આપનારને મૃત્યુદંડ મળતો. વ્યક્તિઓની પસંદગી અને એમના ગુણ પરીક્ષણમાં છત્રપતિ શિવાજી ખૂબ જ નિષ્ણાત હતા. એ મુજબ જ એમને જવાબદારી સોંપતા હતા. ગુણો મુજબ જ પુરસ્કાર પણ આપતા. કીર્તિના ઉચ્ચ શિખર પર પહોંચ્યા પછી પણ શિવાજી મહારાજ પોતાના પરિશ્રમથી મેળવેલું રાજ્ય સમર્થ રામદાસજીની ઝોળીમાં મૂકી સંતની જેમ નીકળી જવા માટે તૈયાર, એવી અદ્્ભુત, વિરક્ત, નિર્મોહી વૃત્તિ હતી! રામદાસજીએ ‘રાજ્ય શિવાજીનું નહીં, રાજ્ય ધર્મનું છે’ કહી પરત કરી દીધું. હિન્દીના કવિ ભૂષણ છત્રપતિનાં ગુણગાન ગાવા દોડી આવ્યા હતા અને ‘કાશીજી કી કલા જાતી, મથુરા મસ્જિદ હોતી, શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબ કી!’ એવું સચોટ વર્ણન કર્યું છે.⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...