તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહો આશ્ચર્યમ્:બેકટેરિયાની જૈવિક ફેક્ટરીમાં ઉત્પન્ન થશે અદ્્ભુત રેશમ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક કરોળિયો તેના જીવનમાં ખૂબ ઓછું રેશમ ઉત્પન્ન કરે છે

ઘણાં લોકો કરોળિયાથી ખૂબ ડરતા હોય છે અને તેને મારી નાખીને જ જંપે છે, પરંતુ વૈજ્ઞાનિકો ત્રણ કારણોસર કરોળિયાઓને ખૂબ મૂલ્યવાન માને છે. પ્રથમ કારણ એ છે કે પાકને નષ્ટ કરનારી ઘણી જીવાતોને મારી નાખી તેઓ તેનું નિયંત્રણ કરે છે. બીજું, કરોળિયામાં મળી આવતા વિષના અનેક ઉપચારાત્મક ઉપયોગો થઇ શકે છે. અને હવે ત્રીજું કારણ એવું સામે આવ્યું છે કે કરોળિયાના જાળાંનો દોરો ખૂબ જ હલકો, લચીલો પણ એટલો જ મજબૂત હોય છે. ભલે આપણે હાથ અથવા ઝાડુથી કરોળિયાના જાળાઓને તોડી નાખીએ તો પણ જાળાઓમાં વપરાતા દોરાઓ તોડવા અઘરા હોય છે. તેનો ઉપયોગ તબીબી ચિકિત્સા, એરોસ્પેસ અને કાપડ ઉદ્યોગોમાં થઈ શકે છે. કરોળિયામાંથી રેશમનું ઉત્પાદન: કરોળિયાની રેશમ ઉત્પન્ન કરનારી ગ્રંથિઓ ઘણા પ્રકારના રેશમના દોરા બનાવી શકે છે, પરંતુ સૌથી મજબૂત રેશમી દોરાઓને ‘ડ્રેગલાઇન સિલ્ક’ કહેવામાં આવે છે. તે મજબૂત, સ્થિતિસ્થાપક, હળવા અને બાયોડીગ્રેડેબલ હોય છે. તે એક બાયોકોમ્પેટિબલ પણ છે, એટલે કે શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેને સ્વીકારી લે છે. તેથી આ રેશમનો ઉપયોગ કેપ્સ્યુલ્સ બનાવીને શરીરમાં દવા પહોંચાડવા, આંખો માટેના લેન્સ અને અન્ય ઇમ્પ્લાન્ટ ઉત્પાદનોમાં, પ્રયોગશાળામાં માનવ અવયવો બનાવવા માટેના મોલ્ડ બનાવવા માટે પણ થઈ શકે છે. કરોળિયાઓના રેશમના આ ગુણધર્મોને કારણે જ વૈજ્ઞાનિકો રેશમનો વ્યાપકપણે ઉપયોગ કરવા માંગે છે, પરંતુ મુશ્કેલી એ છે કે દરેક કરોળિયો તેના જીવનકાળમાં ખૂબ જ ઓછું રેશમ ઉત્પન્ન કરે છે. લાખો કરોળિયાઓને રેશમના ઉત્પાદન માટે પાળવામાં આવે તો પણ એટલું ઉત્પાદન ન થઇ શકે, જેમાંથી કંઈક ખાસ બનાવી શકાય અને તેમને ઉછેરવાનો ખર્ચ પણ વધુ થશે. એક સાથે હજારો કરોળિયાઓનો ઉછેર એ પણ એક અસાધ્ય કાર્ય છે, કારણ કે કરોળિયા પોતાનો વિસ્તાર બનાવી રહે છે અને સ્વભક્ષી પણ હોય છે. તેથી કરોળિયાઓમાંથી રેશમ મેળવવાની જગ્યાએ વૈજ્ઞાનિકોએ તેના રેશમ બનાવતા જનીનોને છોડ, યીસ્ટ અને અન્ય જંતુઓમાં દાખલ કરી રેશમ ઉત્પાદનના સફળ પ્રયોગો કર્યા છે. જોકે તેના પર થયેલા ભારે ખર્ચને કારણે, હજી સુધી વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી. નવા સંશોધનથી આશા જાગી : તાજેતરમાં જાપાનના રિકન સેન્ટર ફોર સસ્ટેનેબલ રિસોર્સ સાયન્સના વૈજ્ઞાનિકોએ દરિયાઈ બેક્ટેરિયા ‘રોડોવુલમ સલ્ફિડોફિલમ’માં કરોળિયાના રેશમ ઉત્પન્ન કરતા જનીનને દાખલ કરી બેક્ટેરિયાને કરોળિયાના રેશમ ઉત્પાદન કરતી ફેક્ટરીમાં પરિવર્તિત કરી નાખ્યા. બેક્ટેરિયાને જૈવિક ફેક્ટરીમાં રૂપાંતરિત કરવાં એટલે મહત્વપૂર્ણ છે કે બેક્ટેરિયા ઉછેરવા માટે પ્રયોગશાળાઓએ વધારે ખર્ચ કરવો પડતો નથી. દરિયાઇ પાણીમાં રહેતા બેક્ટેરિયા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ગ્રહણ કરે છે અને સૌર ઊર્જાથી પોતાનો ખોરાક બનાવીને વૃદ્ધિ પામે છે. મોટે ભાગે ફેક્ટરીઓમાં ઊર્જા, પાણી, ઘન કચરાના નિકાલ અને ગ્લોબલ-વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ દરિયાઈ બેક્ટેરિયાનો ફેક્ટરી તરીકે કોઇ ખર્ચ વિના ઉપયોગ થશે. ⬛

અન્ય સમાચારો પણ છે...