માય સ્પેસ:સજાગ માતા-પિતા, તો સંતાન સલામત !

કાજલ ઓઝા વૈદ્ય6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણાં બાળકો આપણા ઘરમાં સુરક્ષિત છે, એમ માનીને આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ, પરંતુ બાળકોનો ઉપયોગ કેવા અને કયા ગુનામાં કરવામાં આવે છે એ જાણવા જેવું છે

19 70માં હું એક ઓલ્ટર બોય હતો. મારા ગુરુ જેવા પાદરીએ મારું શારીરિક શોષણ કર્યું. હું એટલો ડરેલો હતો કે મારા માતા-પિતાને પણ કહી શક્યો નહીં. મને પાછળના ભાગથી લોહી નીકળતું અને દુખતું, પરંતુ મારાથી કોઈને કહી શકાયું નહોતું.’ આ પત્ર એક ફ્રેન્ચ અખબારમાં પ્રકાશિત થયો અને ત્યાંથી આવી ઘટનાઓની તપાસ શરૂ થઈ. તપાસમાં ધીરે ધીરે જાણવા મળ્યું કે, ફ્રાન્સમાં વિવિધ કેથલિક ચર્ચમાં 70 વર્ષના સમયગાળા દરમિયાન સાડા ત્રણ લાખ જેટલાં બાળકો, પાદરીઓ અને બીજા લોકોની હવસ વૃત્તિનો ભોગ બન્યાં હતાં. આમાં છોકરાઓ અને છોકરીઓ બંનેનો સમાવેશ થતો હતો, પરંતુ એંસી ટકા છોકરાઓ હતા. જીન માર્ક સોવેના 2500 પાનાંના અહેવાલે સમગ્ર યુરોપને ચોંકાવી દીધું છે. કેથલિક ચર્ચના આ ભયાનક કાંડ પછી સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્થાનોમાં થતાં બાળકોનાં શોષણ વિશે જાગૃતિ આવી છે અને ઘણા લોકોએ આગળ આવીને ફરિયાદ કરી છે. એનસીઆરબી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ભારતમાં રોજનાં સો બાળકો સાથે સેક્સ્યુઅલ અબ્યુઝ (જાતીય શોષણ) થાય છે. આ બધું જ ધાર્મિક સ્થાનોમાં થાય છે, એવો કહેવાનો આશય નથી, પરંતુ ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ (ક્રાય) નામની સંસ્થાએ એક બુલેટિન બહાર પાડીને એવું જાહેર કર્યું છે કે, બાળકો સાથે થતા ગુનાના આંકડામાં ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે. સરકાર આ વિશે પ્રમાણમાં થોડીક નિષ્ક્રિય રહે છે એવું લાગી રહ્યું છે. બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનાં માતા-પિતાના શુભ આશયનો અનેક રીતે દુરુપયોગ થાય છે. મદરેસામાં મોકલવામાં આવતા બાળકોનું બ્રેઈન વોશ કરીને એમનો ઉપયોગ આતંકવાદી તરીકે કરવામાં આવે છે. તો બીજી તરફ, ધાર્મિક સ્થાનોમાં ગુરુ કે પાદરીની સેવા માટે મોકલવામાં આવતાં બાળકોનું ‘સેલિબસ’ કે ‘બ્રહ્મચારી’ રહેતા ગુરુ અને પાદરીઓ શોષણ કરે છે. ઘરમાં, નોકર કે ડ્રાઈવર પણ કેટલીકવાર બાળકો સાથે જાતીય છેડછાડ અને શોષણ કરતા જોવા મળ્યા છે. માતા-પિતાને જેના પર પૂરો વિશ્વાસ હોય એવા સગાં, પડોશી પણ બાળકોનું જાતીય શોષણ કરે છે. ક્યારેક સાવકા પિતા-મા કે કઝીન, મામા, કાકા પણ બાળકનું જાતીય શોષણ કરે છે. આ વિશેની ઘણી ફિલ્મો આપણે અવારનવાર જોઈ છે. ‘મોન્સૂન વેડિંગ’ કે ‘રોડ’ જેવી ફિલ્મોમાં આ વિશે ખૂલીને વાત કરવામાં આવી છે તેમ છતાં, માતા-પિતાની ઊંઘ ઊડતી નથી, એ કેટલી નવાઈની વાત છે ! દરેક પર શક કરવો કે બાળકને દરેકથી દૂર રાખવું-સતત ડરેલા રહેવું જરૂરી નથી, પરંતુ સાવધ રહેવામાં કોઈ નુકસાન નથી. બાજુમાં રમવા જતી દીકરી, કે ટ્યુશન ભણાવવા આવતા શિક્ષકો પર નજર રાખવી જોઈએ, એમાં કશું ખોટું નથી. એનસીઆરબીના ડેટા મુજબ 2017માં 32,608 અને 2018માં 39,000 બાળકો સાથે સેક્સ્યુઅલ અબ્યુઝના કેસીસ રજિસ્ટર થયા હતા. (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ) પોક્સોના કાયદા હોવા છતાં અને એનસીઆરબી સતત પ્રયાસ કરી રહી હોવા છતાં 21,605 ચાઈલ્ડ રેપ સત્તાવાર રીતે રજિસ્ટર થયા હતા. નાનાં ગામડાઓમાં અને દૂરદરાજના વિસ્તારોમાંથી જે ફરિયાદ નથી આવતી એના આંકડા જો જાણીએ તો કદાચ રૂંવાડા ઊભા થઈ જાય. માત્ર મહારાષ્ટ્રમાં 2,832, ઉત્તર પ્રદેશમાં 2,023 અને તામિલનાડુમાં 1,457 ચાઈલ્ડ રેપની ફરિયાદો નોંધાઈ હતી. આપણને નવાઈ લાગે, પરંતુ 2008થી 18 દરમિયાન સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા મુજબ દર વર્ષે દસથી બાર ટકાનો વધારો બાળકો સાથેના ગુનામાં નોંધાઈ રહ્યો છે. 2018માં કિડનેપિંગમાં 44.2 ટકા અને બાળકો સાથેના સેક્સ્યુઅલ અબ્યુઝમાં 34.7 ટકાનો વધારો નોંધાયો છે. આપણાં બાળકો આપણાં ઘરમાં સુરક્ષિત છે, એમ માનીને આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ, પરંતુ બાળકોનો ઉપયોગ કેવા અને કયા ગુનામાં કરવામાં આવે છે એ જાણવા જેવું છે. દારૂ અને ડ્રગ્સની હેરફેરમાં 10થી 14 વર્ષનાં લાખો બાળકો સંડોવાયેલાં છે. બાળકો ઉપર કોઈને સામાન્ય રીતે શક ન થાય એમ માનીને એમની સ્કૂલ બેગ અને એમનાં વસ્ત્રોમાં ડ્રગ્સ સંતાડીને એમને પેડલર તરીકે ટ્રેઈન કરવામાં આવે છે. યુરોપ અને યુએઈના દેશોમાં માનસિક રીતે વિકૃત લોકો માટે છથી તેર વર્ષનાં બાળકોને ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં સપ્લાય કરવામાં આવે છે. સત્તાવાર આંકડા મુજબ આપણા દેશમાં દર વર્ષે એક લાખ ચાલીસ હજાર બાળકો ગુમ થાય છે. આમાંથી કેટલાં બાળકો યુરોપ અને બીજા દેશોમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ દ્વારા મોકલી દેવાતાં હશે એના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. અમેરિકાના બોર્ડરના દેશોમાં એરપોર્ટના લગભગ દરેક વોશરૂમનાં બારણાંની પાછળ ચાઈલ્ડ અને વુમન ટ્રાફિકિંગમાં મદદરૂપ થઈ શકે એવી સંસ્થા અને પોલીસના નંબરના પોસ્ટર લગાડવામાં આવે છે. યુરોપના કેટલાય દેશોમાં હવે આવાં પોસ્ટર જોવાં મળે છે, પરંતુ ચાઈલ્ડ ટ્રાફિકિંગના આંકડા ઘટવાને બદલે સતત વધતા રહ્યા છે. નવાઈની વાત એ પણ છે કે, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ જેવાં રાજ્યોમાં, અને આફ્રિકાના દેશોમાં ગરીબીની કારણે માતા-પિતા પોતે જ પોતાનાં બાળકને વેચી દે છે ! નાગેશ કુકનુરની એક ફિલ્મ ‘લક્ષ્મી’માં એક બાળકી પર થતા અત્યાચારની કથા હૃદય હલાવી દે એવી છે, આ ફિલ્મ સત્યકથા પર આધારિત છે. સૌથી અગત્યની વાત એ છે કે, લગભગ દરેક માતા-પિતાએ પોતાનાં સંતાનને સમજણું થાય એટલે તરત જ અજાણી વ્યક્તિ સાથે વાત નહીં કરવાની, એની પાસેથી ચોકલેટ કે રમકડું નહીં લેવાની સૂચના ગંભીરતાથી આપવી જોઈએ. ઘરમાં સગાં, શાળામાં કે ટ્યુશનમાં શિક્ષક, મોટી ઉંમરના કઝીન કે બીજું કોઈ પણ જો પ્રાઈવેટ ભાગમાં અડે કે છેડછાડ કરે તો તરત જ માતા-પિતાને જણાવવાનો વિશ્વાસ અને મિત્રતા દરેક માતા-પિતાએ પોતાનાં સંતાન સાથે કેળવવાં રહ્યાં. એટલું જ નહીં, ઘરમાં આવતા કોઈ ધર્મગુરુ કે ધર્મસ્થાનમાં કોઈ પણ વ્યક્તિ આવી છેડછાડ કરે તો ડર્યાં વગર, એમના વિશેના આદરનો વિચાર કર્યાં વગર બાળક માતા-પિતાને જણાવી શકે એટલી શ્રદ્ધા માતા-પિતાએ ધર્મપુરુષને બદલે પોતાનાં સંતાનમાં રાખવી જોઈએ. ‘એ આવું કરે જ નહીં...’ એવું માનીને પોતાનાં સંતાનની વાતમાં શંકા કરવાને બદલે ‘કોઈ પણ, કંઈ પણ કરી શકે...’ એવું માનવાનો સમય કોઈ પણ જાતિ-વર્ગ-ધર્મ કે સમાજના માતા-પિતા માટે શરૂ થઈ ચૂક્યો છે. આપણું સંતાન કોઈનાં શોષણ કે અપહરણનો ભોગ ન બને એ જોવાની જવાબદારી માતા-પિતા તરીકે સૌથી પહેલાં આપણી છે. જો કદાચ એવું બને, તો ડર્યાં વગર, શેહમાં આવ્યાં વગર એ વિશેની ફરિયાદ કરવી એ આપણી ફરજ છે જેથી બીજાં બાળકોને આવાં શોષણ કે અપહરણથી બચાવી શકાય. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...