હસાયરામ:ઓટોગ્રાફ પ્લીઝ!

સાંઇરામ દવે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમોસાવાળાના શબ્દો આત્મઘાતક હતા. મારાં ચરણો થંભી ગયાં. હું ઓરિજનલ સાંઈરામ છું એ સાબિત કરવાનો મારી પાસે કોઈ પુરાવો ન હતો

હયાતીનો દાખલો એ મોટાભાગે પેન્શન વખતે ફરજિયાત હોય છે. તમે જીવો છો, એ ઓનપેપર સાબિત કરવું પડે ત્યારે એ વ્યક્તિએ સમજી જવું જોઈએ કે તમે જીવતા નથી. અધ્યાત્મની સમજ પ્રમાણે તો આપણે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છીએ. પરંતુ એરપોર્ટ પર આપણે ઉપર્યુક્ત શબ્દો કોઈને કહીએ તો એ ‘સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ’નું પણ આધારકાર્ડ માગે. તો સંસ્થા ગોટે ચડે અને સંસ્થાએ ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપ લઈને ચાલતી પકડવી પડે. હું સાંઈરામ દવે છું જેની સાબિતી માટે મારી પાસે ધાર કાઢેલું આધારકાર્ડ, માંડ માંડ નીકળેલું લાઇસન્સ, કાળું પડેલું ઈલેક્શન કાર્ડ, થાકેલોપાકેલો પાસપોર્ટ અને દૂબળી પાતળી માર્કશીટ જ છે. એન્ડ વેલ જેના પર કોઈ મફત પાન પણ નથી આપતું એવું એકાદ પાનકાર્ડ પણ છે. કોઈ અકસ્માતે આ બધું જો એકસાથે સાગમટે લોસ થઈ જાય અને મને ઓળખનારની મેમરી સાગમટે લોસ થઈ જાય તો મારે મને સાબિત કરવો અશક્ય છે. ‘તમે સાંઈરામ દવે છો?’ આ સવાલ જુગુપ્સાપૂર્વક કોઈ જાહેરમાં પૂછી બેસે ત્યારે ઠંડે કલેજે હું એક જ શબ્દમાં ઉત્તર વાળંુ કે, ‘હા ઓરિજનલ!’ કેટલાક ચાહકો કોઈ જોવાલાયક સ્થળને નિહાળતા હોય એવી જિજ્ઞાસાથી ઘણી વાર કલાકારને જોતા હોય છે. આ તો સારું છે ઈશ્વરે ઓળખાણ માટે અવાજ આપ્યો છે. બાકી જો અવાજ વયો જાય તો તો લોકો ચોકમાં લીવિંગ સર્ટિ. જ માગી લ્યે એમ છે. જાતને સાબિત કરવી એ કેટલી કઠણ છે આવો જ્યારે મને વિચાર આવે છે ત્યારે મારા માંહ્યલામાંથી એવો પણ ઉત્તર નીકળે છે કે દોસ્ત સાંઈ! તું એક નહીં આ જગત આખું પોતાની જાતને સાબિત કરવા જ મચી પડેલું ના કહેવાય? ક્યાંક પિતા તરીકે તો ક્યાંક પતિ તરીકે, ક્યાંક પુત્ર તરીકે તો ક્યાંક મિત્ર તરીકે આપણે પળેપળ આપણી જાતને સાબિત કરતી રહેવી જ પડે છે. એક ઢળતી સાંજે પ્રોગ્રામને હજુ વાર હોવાથી મેં ચાલતી પકડી. એટલે કે હું બહુ ચુસ્ત હેલ્થ કોન્શિયસ વ્યક્તિ છું આવી આયોજક ઉપર છાપ ઊભી થાય માટે મંગળદાસ ટાઉનહોલની આજુબાજુ વોકિંગ કરવા એકલો નીકળ્યો. બે સોહામણી કોલેજકન્યાઓ સ્મિત વદને ફૂટપાથ પર મારા તરફ ચાલીને આવતી જણાઈ. હું કોલેજમાં ભણતો ત્યારે પણ કોઈએ મારી સામું નથી જોયું તો હવે કોઈ શા માટે જુએ? વર્ષોથી મારા માંહ્યલામાં પડઘાતો આ નિરાશાવાદ સપાટી પર આવ્યો. મારી પાછળ નક્કી આ કન્યાઓના સહેતુક મિત્રો ચાલ્યા આવતા હશે એવા દૃઢ વિશ્વાસે મેં ફૂટપાથ પર પાછળ નજર ફેરવી! અહો આશ્ચર્યમ્! ત્યાં કોઈ જ નહોતું. મતલબ કે આ સુંદર કન્યાઓએ મને જ સ્મિત કર્યું હતું. જે વિચારે ગળાનું થૂંક માંડ માંડ ગળે ઉતાર્યું. શ્રૃંગારની વાતો કરવી અને શ્રૃંગાર સાથે વાતો કરવી આ બંને ભિન્ન પરિસ્થિતિઓ છે. જેમાં પ્રથમ ઉપક્રમનો મને અભ્યાસ હતો પરંતુ બીજા ઉપક્રમ માટે હું અજ્ઞાની ઠર્યો. ‘ઓટોગ્રાફ પ્લીઝ!’ કહીને એક કન્યાએ પોતાની કોમળ હથેળી પર નાજુકડી રંગીન ઓટોગ્રાફ બુક મારી આગળ ધરી. હળવા સ્મિત સાથે તે કન્યાને તેનાં નામ સાથેના ઓટોગ્રાફ આપ્યા બાદ તેણે ભોળા ભાવે પૂછ્યું કે ‘સોરી બટ તમારું નામ શું?’ ઓટોગ્રાફ લીધા બાદ પુછાયેલો આ પ્રશ્ન મારા માટે ડાબી બાજુ લેફ્ટમાં એટેક લાવી દે એવો હતો. છતાં મેં મારા ગુસ્સાને કંટ્રોલ કર્યો કારણ કે એ જ સમયે બીજી કન્યાએ પોતાનો મોબાઈલ કેમેરા સેલ્ફી મોડ પર ગોઠવેલો હતો. સાવ ધરાહારની સેલ્ફીમાં મારો ગુસ્સો પકડાઇ ન જાય તેની મેં સાવચેતી રાખી. ‘આ ફોટો ગૂગલ કરી લેજો, મારો પરિચય મળી જશે!’ કહીને મેં બંને કન્યાઓ પાસેથી અણધારી વિદાય લીધી. ‘બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે’ મિર્ઝા ગાલિબની ગઝલની આ એક કડી વારે ઘડીએ એ જ સમયે શા માટે યાદ આવી રહી છે તે મને ના સમજાયું. ભગ્ન હૃદયે હું મંગળદાસની પ્રદક્ષિણા પૂરી કરું ત્યાં જ એક ચાહક-કાકાએ જોરથી બૂમ મારી, ‘એ સાંઈરામ દવે!’ કાકાની બૂમથી હૃદયને થોડી ટાઢક વળી. કન્યાઓના અજ્ઞાનથી દુઃખી થયેલા મનને શાતા મળી. પેલા કાકા સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં મને નિહાળી રહ્યા હતા. દરેક વખતે તરસ્યો જ કૂવા પાસે ન જાય, ક્યારેક કૂવાએ પણ તરસ્યા પાસે જવું જોઈએ. એવા હકારાત્મક અભિગમ સાથે મેં કાકા તરફ લાંબા અને ઝડપી ડગલાં ભર્યાં. હું કાકાની બરોબર નજીક પહોંચીને હસ્તધૂનન કરું ત્યાં તેની બાજુમાં ઊભેલો સમોસાવાળો બોલ્યો, ‘કાકા, સાંઈરામ દવે કદી ફૂટપાથ પર ના હોય. આવા કેટલાય રખડે છે અમદાવાદમાં...!’ સમોસાવાળાના શબ્દો આત્મઘાતક હતા. મારાં ચરણો થંભી ગયાં. હું ઓરિજનલ સાંઈરામ છું એ સાબિત કરવાનો મારી પાસે કોઈ પુરાવો ન હતો. પ્રોગ્રામ પહેલાંના વોકિંગથી ફાયદા કરતાં ગેરફાયદા વધુ થશે એમ વિચારી મેં મંગળદાસ તરફ ગતિ કરી. પેલા કાકા અને પેલી કન્યાઓ બંને શ્રોતામાં ત્રીજી રોમાં બેઠેલી પણ એની સામે જોવે એ બીજા... બસ, ત્યારથી એક નિયમ બનાવ્યો છે કે જે કોઈ ઓટોગ્રાફ લેવા આવે એને પહેલાં હું મારું નામ પૂછી લઉં છું. ⬛ }}} હાયરામ હાથફેરામાં કેટલા ફેરા ફરવા પડે? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...