સીન-શોટ:કલાકારો પોતાના કપડાં, તો કોઈ જ્વેલરી લાવ્યાં

ઉમેશકુમાર ઉપાધ્યાય8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક કલાકારો તો એકસ્ટ્રા એફર્ટ રૂપે કોસ્ચ્યુમ ડિઝાઇનથી લઇને લુક ડિઝાઇનમાં પણ પોતાનું યોગદાન આપે છે

હિંદી ફિલ્મોમાં અગ્રીમતા લુક અને કોસ્ચ્યુમને આપવામાં આવે છે, તે પછી એક્ટિંગ આવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના પાત્રને જીવંત કરવા માટે કલાકારો દરેક રીતે મહેનત કરે છે. એટલું જ નહીં, કેટલાક કલાકારો તો એકસ્ટ્રા એફર્ટ રૂપે કોસ્ચ્યુમ ડિઝાઇનથી લઇને લુક ડિઝાઇનમાં પણ પોતાનું યોગદાન આપે છે. કેટલાક સ્ટાર્સે તો ફિલ્મોમાં પોતાનાં જ કપડાંનો ઉપયોગ કર્યો છે. જાણીએ એવા કલાકારો અંગે જેમણે પાત્રને જીવંત બનાવવા માટે લુકથી લઇને પોતાના કપડાં તેમ જ અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો છે. કોઇ પાત્રમાં એકસ્ટ્રા એફર્ટ ઉમેરવાની વાત આવે, ત્યારે સૌથી પહેલું નામ અમરીશ પુરીનું આવે છે. એ પોતાના કામ પ્રત્યે એટલા સમર્પિત હતા કે પાત્રના બારીક ડિટેઇલિંગમાં જતા. ફિલ્મ ‘હમ પાંચ’માં નિર્દેશક બાપૂએ અમરીશ પુરીને ઇશારામાં જણાવતા વિગનો સ્કેચ બનાવ્યો હતો. તે પછી એમણે પોતાની વિગ પોતે જ ડિઝાઇન કરાવી. એ વખતે એમને મહેનતાણું માત્ર ચાલીસ હજાર રૂપિયા મળ્યું હતું, પણ એક્સ્ટ્રા એફર્ટ માટે ફિલ્મ હિટ થયા પછી એમને બોનસ તરીકે દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા. એટલું જ નહીં, ‘મિ. ઇન્ડિયા’ ફિલ્મમાં મોગેમ્બોના પાત્ર માટે અમરીશ પુરીની પસંદગી થઇ ગઇ હતી, પણ ફિલ્મમેકરના મનમાં પાત્રનો કોસ્ચ્યુમ અને ગેટઅપ અંગે કશી સ્પષ્ટતા નહોતી. એ ગેટઅપ અને કોસ્ચ્યુમ બનાવવામાં અમરીશ પુરીનો સારો એવો ફાળો રહ્યો. એમણે માધવ ટેલર સાથે બેસી પાત્રની વિગ, કોસ્ચ્યુમ, લાકડી વગેરે ગેટઅપ ડિઝાઇન કરાવ્યો. એ માટે ત્યારે ડિઝાઇનર માધવને દસ હજાર રૂપિયા બોનસ મળ્યું હતું. ગુલશન ગ્રોવરની વાત કરીએ કે કેરેક્ટરનો લુક હોય કે કોસ્ચ્યુમ ડિઝાઇન, તેને ક્રિએટ કરવામાં એમનો ઘણો ફાળો હોય છે. ફિલ્મ ‘રંગીલા’માં એમણે પોતાના પાત્ર સ્ટીવન કપૂર માટે હોલિવૂડ ચેર પણ ભારતમાં ડિઝાઇન કરાવી. એ વખતે એ ખુરશી માત્ર વિદેશમાં જ મળતી હતી, પણ ખૂબ મથામણ પછી તેની કોપી કરાવીને તે ભારતમાં બનાવડાવી. એકમાત્ર ખુરશી હોવાથી જ્યાં જ્યાં આઉટડોર શૂટિંગ થાય, તે તમામ સ્થળે એ ચેર ટેમ્પોમાં મૂકીને લઇ જવામાં આવતી હતી. ફિલ્મ ‘ક્રાંતિવીર’માં નાના પાટેકરે પ્રતાપ નારાયણ તિલકનું પાત્ર અદા કર્યું હતું, જે સાવ સામાન્ય માણસ છે. એ ગરીબ લોકો વચ્ચે ચાલીમાં રહે છે, ખાટલા પર સૂએ છે અને એવી જ સ્ટાઇલમાં ચા પીએ છે. તેનું કારણ એ હતું કે આખી ફિલ્મમાં નાના પાટેકર જૂનાં કપડાંમાં જ જોવા મળ્યા. એ માટે ફિલ્મમેકરના કહેવાથી નાના ઘરેથી જ પોતાના આઠ-દસ જોડી કપડાં અને ચંપલ લઇ આવ્યા હતા. ફિલ્મના નિર્માતા મેહુલકુમાર જણાવે છે, ‘નાનાને ક્રાંતિવીરનો રોલ સંભળાવતી વખતે કહ્યું હતું કે તમારું પાત્ર સાવ સામાન્ય માણસનું છે તેથી એના કપડાં નવા નહીં બનાવડાવીએ. તમે ઘરે જે કપડાં, બનિયાન અને ચંપલ પહેરતાં હો, તે જ લઇ આવજો. તમારા માટે નવા કપડાં તૈયાર કરાવી આપીશું, તે ઘરે પહેરજો. નાના આઠ-દસ જોડી કપડાં અને ચંપલ ઘરેથી લઇ આવ્યા. બદલામાં એમને ડિઝાઇનર પાસે આઠ-દસ જોડી કપડાં તૈયાર કરાવી આપ્યાં.’ મિલિંદ લેલે નિર્દેશિત અને વિક્રમ ગોખલે, સુબોધ ભાવે અભિનીત ફિલ્મ ‘એબી આણિ સીડી’માં અમિતાભ બચ્ચને પોતાનો કેમિયો રોલ અદા કર્યો હતો. એ માટે અમિતાભ બચ્ચન પોતાના ઘરેથી એક-બે નહીં, અનેક જોડી કુર્તા અને જેકેટ લઇ આવ્યા હતા. ફિલ્મના નિર્દેશકના કહેવા મુજબ, ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ડેટ ફાઇનલ થઇ ગઇ ત્યારે એમને કોસ્ચ્યુમ અંગે પૂછ્યું કે તમારા ઘરે કોસ્ચ્યુમ ડિઝાઇનરને મોકલીએ કે તમારા પોતાના કોઇ ટેલર છે? તો એમણે કહ્યું, તમે નવાં કપડાં તૈયાર ન કરાવશો. મારી પાસે ઘણાં કપડાં છે. હું લઇ આવીશ. એમાંથી જે જોઇએ તેનો ઉપયોગ કરી લેજો. અમિતાભ બચ્ચન સેટ પર આવ્યા ત્યારે મને વેનિટી વાનમાં બોલાવ્યો. મેં જોયું તો વાનમાં એક-બે નહીં, પણ પંદર-વીસ જોડી કપડાં હેંગરમાં લટકાવેલા હતા. બચ્ચનસાહેબે કહ્યું, આમાંથી જે જોઇએ એ કહી દો. એમાંથી પસંદ કરીને ફિલ્મમાં બે જોડી ઝભ્ભા અને જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. ફિલ્મ ‘ઉમરાવ જાન’માં નિર્દેશક મુઝફ્ફર અલી અને રેખા પોતપોતાના ઘરેથી પાનદાની, પિકદાનીથી લઇને જ્વેલરીનો પણ ઉપયોગ કરી ચૂક્યા છે. નિર્દેશક અલી જણાવે છે, ફિલ્મમાં પાત્ર રીયલ લાગે તેથી કપડાં પર ખૂબ મહેનત કરું છું. આ ફિલ્મમાં ફારુખ શેખે જે કપડાં પહેર્યાં હતા, એ જૂના અને ફાટેલા હોય એ જરૂરી હોવાથી ટેક્સીવાળાઓ પાસેથી લઇને તે ધોવડાવી તેમને પહેરાવ્યા હતા. નાના પાટેકરે પણ પોતાના કપડાં પહેર્યાં હતા. મારા ઘરેથી પિકદાની, રાઝદાન, અત્તરદાની, શમાદાની, હુક્કા, ડબ્બા, ધાબળા વગેરે વસ્તુઓ લાવ્યા હતા. જ્યારે ‘ઇન આંખોં કી મસ્તી કે…’ ગઝલમાં રેખાએ પોતાની વીંટી, હાર વગેરે ક્લાસિક જ્વેલરી પહેરી હતી. આમ, દરેક કલાકારે પોતાની ફિલ્મોમાં કંઇ ને કંઇ વસ્તુ પોતાના ઘરની ઉપયોગમાં લીધી છે. ⬛

અન્ય સમાચારો પણ છે...