રાગ બિન્દાસ:કળા પર કાતર કલ ભી, આજ ભી, કલ ભી

20 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • જીતેન્દ્રજીનો વિરોધ સાચો હોય તો પણ દેશમાં એકવાર સેન્સર થયેલી ફિલ્મને કોણ કોણ, કેટલીવાર, ફરી ફરી સેન્સર કરશે એનો કોઇ પાસે જવાબ નથી

ટાઇટલ્સ બધું જાણીને પણ કંઈ જ ન કરવું એય હિંમતનું કામ છે! (છેલવાણી) તમે મર્ડર કરો તો જેલમાં જાવ પણ ફિલ્મોમાં મર્ડર બતાડી શકો છો ને જેલ નહીં થાય… પણ તમે રિયલ લાઈફમાં સેક્સ કરો તો જેલ નથી થતી પણ ફિલ્મોમાં દેખાડો તો જેલ થઈ શકે છે! આ વિચિત્ર વિરોધાભાસ એટલે જ કલાને સેન્સર કરવાની વિવાદાસ્પદ વાત. હમણાં મરાઠીમાં ‘હરહર મહાદેવ' નામની ફિલ્મ આવી છે જેમાં શિવાજી મહારાજના સેનાપતિ અને શિષ્ય તાનાજી વચ્ચે ફાઇટ સીન વગેરે દેખાડ્યા અને લોકોને એમ લાગ્યું કે શિવાજીનાં જીવન-ચરિત્ર ને ઇતિહાસ સાથે ખૂબ ચેડાં થયાં છે. એવામાં એન.સી.પી.પાર્ટીના પ્રગતિશીલ ગણાતા નેતા, જીતેન્દ્ર આવ્હાડ ફિલ્મના ચાલુ શોમાં ઘૂસી ગયા ને એમના સાગરીતોએ પ્રેક્ષકોને ધક્કે ચઢાવ્યા, શો અટકાવ્યો. પછી નેતાજીની ધરપકડ પણ થઇ ને પછી કોર્ટે જામીન પર છોડી મૂક્યા. એવામાં અચાનક રાજ ઠાકરેની પાર્ટીએ રાજકારણ રમવા પેલી ફિલ્મના જીતેન્દ્રજીના વિરોધના વિરોધમાં ફિલ્મનો મફતમાં શો પણ યોજી દીધો! ઇનશોર્ટ, જીતેન્દ્રજીનો વિરોધ સાચો હોય તો પણ દેશમાં એકવાર સેન્સર થયેલી ફિલ્મને કોણ કોણ, કેટલીવાર, ફરી ફરી કરશે એનો કોઇ પાસે જવાબ નથી. ફિલ્મ છોડો, 2010માં આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રની રાજનીતિમાં આવતાવેંત જ રોહિન્ટન મિસ્ત્રીની નોવેલ ‘સચ અ લોંગ જર્ની’ને બી. એ.ના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવા મુંબઈ યુનિવર્સિટી પર દબાણ કર્યું કે નોવેલમાં મરાઠી માણસ વિશે અભદ્ર ટીકાઓ છે, ભાષા વલ્ગર છે… વગેરે વગેરે… પછી યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરે ‘યુવા-સેના'નાં પ્રેશરથી કોર્સમાંથી નોવેલ રદ કરવી પડેલી! સારું છે કે ‘મહાભારત’ લખનાર વેદવ્યાસ આજે હયાત નથી, નહીં તો લોકો દ્રૌપદીનું વસ્ત્રાહરણ અભદ્ર છે એમ કહી સેન્સર કરાવત! એમ તો બીજેપી નેતા જશવંતસિંહની મો.અલી ઝીણા પરની કિતાબને બાળવાવાળા પણ એક સમયે સડક પર ઊતરેલા. સવાલ એ છે કે જો કોઈ કિતાબ કે ફિલ્મથી સમાજમાં હિંસા કે કામવૃતિ ભડકતી હોય તો શું કિતાબો કે ફિલ્મોના આગમન પહેલાં સમાજનાં ખૂન, બળાત્કાર નહોતાં થતાં? આજે સેટેલાઈટ ચેનલો કે ઇન્ટરનેટ પર મફતમાં બધું જ જ્યારે ખુલ્લેઆમ જોઈ શકાય છે, ત્યારે કિતાબો કે ફિલ્મો પર પડદો ઢાંકવાથી સમાજ રાતોરાત ડાહ્યો થઈ જશે? 1970માં બાળ ઠાકરેએ ‘વિજય તેંદૂલકર’ના નાટક ‘ધાશીરામ કોતવાલ’ના ચાલુ શોમાં સભાગૃહમાં તોડફોડ કરેલી અને 1998માં ‘ફાયર’ ફિલ્મનો પણ હિંસક વિરોધ કરેલો. આવા વિરોધ કરવામાં કોઇ પક્ષ કે કોઇ કોમ બાકાત નથી. 1985માં સલમાન રશ્દીની નોવેલ ‘સેતાનિક વર્સિસ' સૌથી પહેલા ભારતમાં બેન થયેલી. પેલી બાજુ મમતા બેનર્જી તો કાર્ટૂન ચીતરનારનેય જેલમાં નાખે છે.‘જે પ્રજા આજે પુસ્તક બાળે છે એ કાલે ઊઠીને માણસો બાળશે’ એવું કહેવાય છે પણ માણસો બળે કે મરે, કોને ક્યારે પડી હોય છે? ખજૂરાહો જેવાં શ્રૃંગારિક મંદિરોની મૂર્તીઓને પ્લાસ્ટર ઓફ પેરિસથી ઢાંકી દેવા જોઈએ, એવું કહેનારી પાર્ટીઓ આજેય બિંદાસ રાજકારણમાં છે જ ને? ઇન્ટરવલ ફટા પૉસ્ટર, નિકલા હીરો! (હીરો હીરાલાલ- ફિલ્મ) આપણા લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તા ’કુત્તી’ને અશ્લીલ ગણાવીને સરકારી તંત્રે એમને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખવડાવેલા. હવે આ ‘શ્લીલ' ને ‘અશ્લીલ'ની વ્યાખ્યા કોણ કરશે? 50 વર્ષ પહેલાં જે અશ્લીલ હતું એ આજે શ્લીલ છે તો શું 50 વર્ષ પહેલાંનો સમાજ ખોટો હતો? હેન્રી મિલરની નવલકથાઓમાં ‘પોર્નાગ્રાફી’ છે, એમ કહીને વર્ષો સુધી અમેરિકામાં બેન કરવામાં આવેલી, આજે એ અંગ્રેજીનું ઉત્તમ ગદ્યસાહિત્ય કહેવાય છે. ડી. એચ. લોરેન્સની, ઇરોટિક કથા ‘લેડી ચેટરલીઝ લવર’ વર્ષો સુધી અમેરિકા-યુરોપમાં બેન થયેલી, આજે માનભેર કોલેજોમાં ભણાવાય છે. બોલિવૂડની 30 ફિલ્મો લખ્યા બાદ સેન્સર બોર્ડ વિશે મારા વ્યક્તિગત અનુભવો કડવા અને રમૂજી રહ્યા છે. ફિલ્મની વાર્તાને અંગ્રેજીમાં ‘થીમ’ (Theme) કહેવાય છે, પણ સેન્સર બોર્ડના સભ્ય એને ‘ધીમ’ કહીને મારી સાથે ચર્ચામાં ઊતરેલા! મેં લખેલી 1975ની ઇમરજન્સી પર બનેલી ફિલ્મ ‘ઇંદુ સરકાર' ફિલ્મમાં આખરી શોટને કાઢી નાખવા કારણ વિના સેન્સર-બોર્ડના અધ્યક્ષ પહેલાજ નિહલાનીએ જીદ કરેલી! સેન્સર બોર્ડમાં લોકો રાજકીય વગ વાપરીને હરખભેર ઘૂસે છે, એ જાહેર સત્ય છે. અમુક સભ્યો તો શાનથી ફિલ્મી પાર્ટીઓમાં કહે છે કે- ‘તમે ત્રણ વરસ લગાડીને ફિલ્મો બનાવો છો, અમે ત્રણ કલાકમાં એને કાપીએ છીએ!' ઘણીવાર સેન્સર બોર્ડના સભ્યો, નિર્માતા પાસે પૈસા ઉપરાંત ફિલ્મોમાં રોલ પણ માગે છે! અમુક સેન્સર બોર્ડ સભ્યો તો ફિલ્મ જોઈને થિયેટરના માલિકોને કે ફિલ્મ ખરીદનારા ડિસ્ટ્રિબ્યુટરને રીતસરની ખુફિયા માહિતી પૈસાથી વેચે છે કે: ‘ફલાણું પિક્ચર ખરીદતાં નહીં, તમને નુકસાન જશે...' અને નિર્માતાઓ બરબાદ થઇ જાય છે! ફિલ્મવાળા દૂધે ધોયેલા છે ને સેન્સર બોર્ડ ના જ હોવું જોઇએ એવો બેફામ દાવો પણ અહીં કરવો નથી કારણ કે ચાલાક નિર્માતાઓ સેન્સર બોર્ડમાં લાંચ આપીને અમુક દૃશ્યો પાસ કરાવી જ લે છે…પણ કસ્ટમના ક્લિયરિંગ એજન્ટોની જેમ ફિલ્મ સેન્સર કરાવવા માટે પણ બાકાયદા એજન્ટો રીતસર કાર્ડ છપાવીને ધંધો કરે છે. કરોડો રૂપિયા નાખીને વર્ષોની મહેનત કરીને ફિલ્મ બનાવનાર નિર્માતા-નિર્દેશક, છેવટે પોતાની બધી ખુમારીને ચૂલામાં નાખીને સેન્સર-બોર્ડના પગે પડી જાય છે. છેલ્લી ઘડીએ મંડપમાં દહેજ માગતા છોકરાવાળા સામે છોકરીના મજબૂર બાપ જેવી નિર્માતાની હાલત થઈ જાય છે. આઝાદીનાં આટલાં વર્ષ પછીયે કલાકાર આઝાદ છે? એન્ડ ટાઇટલ્સ આદમ: જીભ પર કાતર મૂક! ઇવ: તું સેન્સર-બોર્ડ છે? { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...