વિશેષ:અરિહા... માફ કરજે! ભારતને તારી ચિંતા નથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જૈન પરિવાર પર જર્મનીમાં પોતાની જ દીકરી ‘અરિહા’ ઉપર ચાઇલ્ડ અબ્યૂઝ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ચાર્જીસ લગાવવામાં આવ્યાં છે. નાની એવી આ બાળકી છેલ્લાં દોઢ વર્ષથી જર્મની ફોસ્ટર કેરમાં રહે છે અને માતા-પિતાને મહિનામાં તેને માત્ર બે વાર મળવાની છૂટ છે. એવામાં ઇન્ડિયન એમ્બેસી તરફથી મદદ તો મળી, પણ હજી ન્યાય નથી મળ્યો!

અમદાવાદનાં જૈન દંપતી ધારા શાહ તથા ભાવેશ શાહ નોકરી અર્થે જર્મની ગયાં અને ત્યાં ગયાં પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું ‘અરિહા’. આવી ફૂલ જેવી દીકરીને જ્યારે લગભગ સાત મહિનાની હતી અને ડાયપર વગર ઘરમાં રમતી હતી, ત્યારે તેને મૂત્રમાર્ગ પાસે કંઇક વાગ્યું અને લોહી નીકળ્યું. સૌપ્રથમ તેનાં દાદીની નજર પડી અને દાદીએ તાબડતોબ તેને ઘરગથ્થુ રીતે મટાડવા ફર્સ્ટ એડ સારવાર આપી અને તરત જ તેનાં માતા-પિતાને જાણ કરી. માતા-પિતા તેને ડાયપર પહેરાવીને હોસ્પિટલ લઇ ગયાં, જ્યાં તેને બાળકોનાં ડોક્ટરોને બતાવવામાં આવી. ડોક્ટરે તપાસ કરી અને કહ્યું કે કંઈ ટેન્શન જેવું નથી. ઈન્જરી પણ વધુ નથી, કદાચ હોર્મોનલ ડિસ્ચાર્જ પણ હોઈ શકે. થોડા દિવસમાં સરખું થઇ જશે. જરૂર લાગે તો ફોલો અપ માટે બતાવવા આવજો. આટલું વાંચીને એમ લાગ્યું ને કે આ તો દરેક ઘરમાં, દરેક બાળક સાથે થાય. આમાં શું મોટી વાત? પણ દયનીય સ્થિતિ હવે શરૂ થાય છે. દીકરી અરિહા એકદમ સ્વસ્થ હતી, રમતી હતી, પરંતુ પરિવારને લાગ્યું કે ચાર દિવસ થયા છે તો ચાલો, ફોલો અપ કરાવતાં આવીએ જેથી કોઈ તકલીફ હોય તો ખ્યાલ આવે. માતા-પિતા દીકરીને લઈને ફરી એ જ હોસ્પિટલમાં ગયાં ફોલો અપ માટે. બાળકીની ફરી તપાસ કરવામાં આવી અને ત્યારે ડોકટરે જે કહ્યું તે સાંભળીને માતા-પિતાનાં પગ તળેથી જમીન સરકી ગઈ. ડોકટરોએ કહ્યું કે અમે તેનાં વધુ રિપોર્ટ કરાવવા માંગીએ છીએ જેથી માતા-પિતા નીચે રાહ જોઇને બેસી રહ્યાં અને ત્યાં સુધીમાં જર્મનીની ‘ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસ’ના ઓફિસર્સ આવીને દીકરીને લઇ ગયાં અને કહ્યું કે, ‘હવે તમારી દીકરી પર વધુ રિપોર્ટ કર્યા પછી જ તેની કસ્ટડી તમને મળશે.’ કેવી દયનીય હાલત હશે એ માતા-પિતાની? ત્યાર બાદ એક અઠવાડિયાં સુધી દીકરીને મળવા પણ ના દીધા પછી તેઓને એડવોકેટ દ્વારા ખ્યાલ આવે છે કે તેઓની ઉપર તો પોતાની જ બાળકી ઉપર ચાઈલ્ડ અબ્યુઝ અને સેક્સ્યુલ હેરેસમેન્ટનાં ચાર્જીસ લગાવવામાં આવ્યાં છે. એ ઘડી અને આજનો દિવસ! એ માતા-પિતા સતત લડી રહ્યાં છે. હજુ પણ તેમની દીકરી અથવા તો એમ કહીએ કે ભારતની દીકરીની કસ્ટડી તેનાં માતા-પિતાને નથી મળી. દિવસ-રાત જોયાં વગર આ પરિવાર મહેનત કરી રહ્યો છે કે તેમનો સુનો ખોળો તેમની અરિહા તેમને મળે અને ખીલી જાય. આ સમય દરમિયાન અનેક પ્રકારના ક્રિમિનલ કેસ, ટ્રાયલ, સાઈકોલોજિકલ ટેસ્ટમાંથી આ યુગલ પસાર થયું છે. વિશ્વનાં સારામાં સારા ડોકટરો પાસે આ યુગલે રીપોર્ટ તૈયાર કરાવ્યાં છે, પરંતુ જર્મનીની કોર્ટ આ બાબતને ગંભીરતાથી નથી લઇ રહી. પોલીસ કેસનું ફાઈનલ જજમેન્ટ આવી ગયું છે, જેમાં આ યુગલને નિર્દોષ છોડ્યાં છે. સાઈકોલોજિકલ રીપોર્ટમાં પણ તેઓની વિરુદ્ધનાં કોઈ રીપોર્ટ નથી અને તેમ છતાં દીકરી અરિહાની કસ્ટડી નથી મળી રહી. આ માતા-પિતાએ ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને મદદ માંગેલ, મદદ મળી, પણ જેટલી ઝડપથી ન્યાય મળવો જોઈએ, એ રીતે ન્યાય નથી મળી રહ્યો. હાલમાં કેટલીય મહેનતનાં અંતે આ દીકરી મહિને ફક્ત બે વાર માતા-પિતાને મળી શકે છે. એ જ ડોકટરોએ નાનકડી દીકરી ઉપર અનેક પ્રકારનાં ટેસ્ટ કરીને રીપોર્ટ આપ્યો છે કે ઈન્જરી ઇન્ટર્નલ નહોતી, પણ એક્સટર્નલ હતી. આ એવા ટેસ્ટ હતા જે મોટી સ્ત્રીઓ ઉપર કરવામાં આવે તેવી અસહ્ય યાતના આપણી ભારતની ફૂલ જેવી દીકરીએ વેઠી છે. દીકરીનાં મૂળભૂત અધિકારોનું શું? જો દીકરીની કસ્ટડી આપવામાં આવે અને કદાચ એવું કહેવામાં આવે કે તેનાં માતા-પિતા પાસે નહીં રાખી શકાય, તો ક્યાં રાખી શકાય, તેના માટે અમદાવાદનાં જ બે પરિવારોના દરેક પ્રકારનાં રજીસ્ટ્રેશન થઇ ગયા છે. પણ ક્યારે મળશે અરિહાની કસ્ટડી? આ સવાલનો કોઈ જવાબ હાલ નથી. હવે તો જેનાં આંસુય સુકાઈ ગયા છે તેવી તેની મમ્મી ધારા અને પપ્પા ભાવેશની નોકરી પણ જતી રહી છે, પરંતુ તેઓ મક્કમ મનોબળ ધરાવે છે અને કહે છે કે, ‘અમે અમારી દીકરીને પાછી મેળવવામાં ક્યાય પાછાં નહીં પડીએ.’ જર્મનીના કાયદાની માયાજાળમાં આ પરિવાર એવો તો ફસાઇ ગયો છે કે રાતોની ઊંઘ હરામ થઇ ગઈ છે. આપણા વિદેશ મંત્રી માનનીય ડો. જયશંકરનાં હસ્તક્ષેપ બાદ જર્મન કોર્ટે સુનાવણીમાં રસ દાખવ્યો છે, પણ ભારત સરકારે આ બાબતે વિશેષ રસ દાખવીને વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. જ્યારે બાળક બે દિવસ પણ માતા-પિતાથી અળગું હોય, તો પણ માતા-પિતા માટે અસહ્ય થઇ જાય છે, ત્યારે આ દીકરી સવા વર્ષથી તેનાં માતા-પિતાથી દૂર છે. જર્મન ફોસ્ટર કેરમાં બાળકીનાં દરેક અધિકારોનું હનન થઇ રહ્યું છે. જૈન પરિવારની દીકરીને પ્યોર વેજ જમવાનું નથી અપાતું. તેને તેની ગુજરાતી ભાષા શીખવવામાં નથી આવતી, તેને માતા-પિતા અને પરિવાર સાથે રહેવાના અધિકાર નથી મળી રહ્યાં, તેને ભારતીય સંસ્કારો નથી અપાતાં અને આ બધું જ જ્યારે તેનાં માતા-પિતા તેની મુલાકાત દરમિયાન કરે, તો જર્મન ફોસ્ટર કેર દ્વારા ‘કટ્ટર’ વર્તન ગણાવવામાં આવી રહ્યું છે. આ ક્યાંનો ન્યાય? શું અરિહાને જલ્દી ન્યાય મળશે? તેનાં નિર્દોષ માતા-પિતા અને પરિવારને ક્યારે કસ્ટડી મળશે? આ બાળકીનું બાળપણ ખોવાયું છે જર્મન ફોસ્ટર કેરમાં. શું ભારત સરકાર તથા ગુજરાત સરકાર આ બાબતે ઠોસ પગલાં લેશે? આ દરેક પ્રશ્નોનાં ઉત્તરો ક્યારે મળશે? ⬛ (લેખિકા 12 વર્ષથી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે.)

અન્ય સમાચારો પણ છે...