તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન િવશેષ:આપણે શું કુદરતના મહેમાન માત્ર છીએ?

ભદ્રાયુ વછરાજાની3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હા, આ બ્રહ્માંડ ઉપરના સૌ પંચમહાભૂતના થોડા સમય માટેના અતિથિ છે એ ભૂલવા જેવું નથી. માલિકી ભાવ તો કેવળ કુદરતનો છે

તમે જોયું ? તમે એ નોંધ લીધી ? તમે ક્યારેય વિચાર્યું ? તમારા ખ્યાલમાં એ આવ્યું છે ખરું ? કદાચ આપણે એ નોંધવાનું ચૂકી ગયા છીએ અને ત્યાં જ આપણી ગફલત થાય છે. આપણે રોજ સવારે ઊઠીએ ત્યારે ચિંતામાં હોઇએ છીએ. ઈશ્વરનો આભાર માની એ છીએ કે એક નવો દિવસ આપણને આજે ભેટમાં મળ્યો છે. આપણે રાત્રે સૂઈએ ત્યારે ભગવાનને થેન્ક યૂ કહીએ છીએ, કારણ કે એણે આજે આપણને જીવતા રાખ્યા છે. આટલો ઉચાટ હોવા છતાં તમે પ્રકૃતિના કોઈ પણ પરિમાણને ઉદાસ જોયું છે? પૃથ્વી પરની આટલી ગમગીની છતાં સૂરજ ને નિરાશાથી ઊગતો ભાળ્યો છે? નદીઓમાં વહેતું પાણી એ જ રીતે ખળખળ વહે છે. પવન એ જ લહેરથી અને મસ્તીથી લહેરાઈ રહ્યો છે. આકાશ પણ સવાર, બપોર અને સાંજ નિજ મૂડમાં પ્રકાશિત છે. અગ્નિ પણ as it is છે. ધરતી પહેલાં હતી એવી જ છે.. નથી આકાશનો રંગ બદલ્યો, નથી પાણીનો વહેવાનો મિજાજ બદલ્યો, નથી પવનની લહેરખીઓ અટકી. અગ્નિની જ્વાળાઓ પોતાનો સ્વભાવ છોડતી નથી. જળની વહેતી ધારાઓ જરા પણ બદલાઈ નથી.. ટૂંકમાં, સમગ્ર વિશ્વ જ્યારે મહામારીથી ભયાનક રીતે ઘેરાયું છે. શાસકથી લઈને મજૂર સુધીના સૌના ચહેરાઓ પડી ગયા છે, ત્યારે એક ને માત્ર એક કુદરત જ ગઈ કાલે હતી તેમ જ આજે છે. મારા ઘરની બાલ્કનીમાં દિવસમાં ત્રણ વખત દેવ ચકલીઓ આવે છે, ચપટીક પાણી અને થોડું ચણ ચણી જાય છે અને કલશોર પ્રેમમંદિરમાં ભરી જાય છે. કાગારોળ મચાવનારા પેલા કાગડા અને બહુ જ ચુપકીદીથી આપણી આસપાસ લટાર મારી જનારી ખિસકોલી સહજ ભાવથી રોજ વર્તી રહી છે. અરે, સૂગથી ભરી દેનાર પેલી ગરોળી અને પેલાં વરવાં ચામાચીડિયા પણ પોતાના નિત્યક્રમને જાળવી રહ્યા છે. પર્વતો સવારે ટટ્ટાર થઈને ‘ગુડ મોર્નિંગ’ કહે છે. સૂરજદેવ આપણે ન ઊઠીએ તો પણ આપણને ‘ચાલો, ઊઠો ભાઈ’ એમ કહેવા માટે હાજર હોય છે. પુષ્પો અને પુષ્પોમાંથી લહેરાતી સુગંધો, આ બધું જ ગઈ કાલે હતું એવું જ આજે અકબંધ છે. લાગે છે એવું કે મહામારીની લેશમાત્ર અસર કુદરત ઉપર નથી... સમજીએ તો અર્થ એવો થાય કે આપણે કુદરતના મહેમાન છીએ, કુદરત આપણી મહેમાન નથી. કુદરત તરફથી આપણને મૂક સંદેશ છે કે : ‘દોસ્ત, યાદ રાખ. પવન-પાણી-અગ્નિ-પૃથ્વી અને આકાશ આ પંચમહાભૂતના ભાડાના મકાનમાં ઘરમાં તમે માણસો આવીને રહ્યા છો. આ તમારી માલિકીનો દસ્તાવેજ ધરાવતી જગ્યા નથી. તમે ભલે જ્યાં રહો છો અને જ્યાં તમને ગમ્યું છે ત્યાંના દસ્તાવેજો તમારા શહેરની સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં કરાવી લીધા હોય, પણ એ ભૂલતા નહીં કે આ બધી જ જગ્યા અને આ બધા જ અવકાશનો માલિકી ભાવ તો કેવળ અને કેવળ કુદરતનો છે. તમે અહીંના પ્રવાસી છો. એમ માની લ્યો કે તમે પૃથ્વી નામના એક ફાઇવ સ્ટાર રિસોર્ટ ઉપર થોડો સમય ગાળવા માટે આવ્યા છો અને તમારું પેકેજ પૂરું થશે કે તરત તમને મળતા શ્વાસનો અંત આવશે.’ તમે કેટલાં વૃક્ષો વાવ્યાં? તમે કેટલું પાણી બચાવ્યું? તમે ક્યારેય બિનજરૂરી લાઈટ-પંખા કે એસી બંધ કર્યાં ખરા? તમે કેટલી વાર ધરતીને ગંદી થતી અટકાવી? તમે કેટલી વાર મૌન રહીને ધ્વનિ પ્રદૂષણથી પૃથ્વીને ગભરામણ થતી અટકાવી? આવું આપણે અત્યાર સુધી ક્યારેય વિચાર્યું છે ખરું? જે હાથમાં આવ્યું તે ભોગવ્યું છે. જે પોતાનું લાગ્યું તેને વાપર્યું છે. માનવને પણ આપણા સ્વાર્થ માટે આપણે લપેટમાં લીધો છે. કોઈના ઘરમાં રહેવું અને પાછી દાદાગીરી કરવી એ ઉચિત ગણાય? કોઈ મકાન માલિક એવા હોય કે જે પોતાના અતિથિની અમર્યાદિત જરૂરિયાતોને મૂંગે મોઢે પોષ્યા કરે? ક્યારેક તો એ ધક્કો મારીને બહાર કાઢી દે કે નહીં ?? બસ, અત્યારે આવું જ થયું છે. જે વિચારી શકે છે તેના માટે આટલું કાફી છે. આજે એકમાત્ર સબક શીખવા જેવો છે કે આ બ્રહ્માંડ ઉપર આપણે સૌ પંચમહાભૂતના થોડા સમય માટેના અતિથિ માત્ર છીએ, માલિક નથી, નથી ને નથી. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...