શી જિનપિંગે જી-20 સમિટમાં જૉ બિડેન સાથે ત્રણ કલાકથી વધુ સમય સુધી વાત કર્યા પછી મીટિંગ અંગે ચીનનું નિવેદન સૂચવે છે કે યુએસ સંબંધો પ્રત્યે ચીનનો અભિગમ બદલાઈ રહ્યો છે. બંને નેતાઓએ સંબંધો માટે વધુ સકારાત્મક વાતાવરણ બનાવ્યું છે, જે હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ ઓગસ્ટમાં તાઇવાનની વિવાદાસ્પદ મુલાકાત લીધા પછી બગડી ગયું હતું. રાષ્ટ્રપતિ જિનપિંગ અને બિડેને એકબીજાને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી અને જળવાયુ પરિવર્તન, આર્થિક સ્થિરતા અને આરોગ્ય તેમજ ખાદ્ય સુરક્ષા પર દ્વિપક્ષીય વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા હતા. ત્યારબાદ વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિન્કન આગામી સમયમાં ચીન જશે. બિડેન અને જિનપિંગની મુલાકાતને ચીને ‘ફળદાયી’ ગણાવી જ્યારે બિડેને ‘નિખાલસ’ ગણાવી. બિડેને એમ પણ કહ્યું કે બે શક્તિઓ વચ્ચે શીતયુદ્ધ હોય જ એ જરૂરી છે? તાઇવાન, ટેક્નોલોજી અને માનવ અધિકારો સહિતના વિષયો પર પુષ્કળ મતભેદો છે. પરંતુ ચીનના નિવેદનથી અમેરિકાને સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે અને બંને વચ્ચેનો તણાવ ઓછો થયો છે. બિડેને પદ સંભાળ્યું ત્યારથી બંને વચ્ચે પાંચ વખત વાત થઈ ચૂકી છે, પરંતુ નેતાઓ તરીકે આ તેમની પ્રથમ સામસામેની ચર્ચા હતી. આજે બંને દેશોમાં રાજકીય પરિસ્થિતિ તદ્દન અનુકૂળ છે. ચીનમાં સત્તાધારી પાર્ટીની બેઠક અને અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીએ બંને નેતાઓને ઘરઆંગણે હાશકારો આપ્યો છે. બંને દેશો વચ્ચે સંબંધો સુધરે છતાં અમેરિકા સ્પષ્ટપણે ચીન સાથેની સ્પર્ધાને અનિવાર્ય અને ઇચ્છનીય માને છે, પરંતુ વ્હાઇટ હાઉસ અનુસાર બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ સંઘર્ષમાં ન પરિણમે તે માટેનાં પગલાં લેવાનો આ પ્રયાસ છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેના શીતયુદ્ધ જેવા લાગે છે, જ્યારે બંને દેશો તેમની દુશ્મનાવટને નિયંત્રિત કરવા શસ્ત્ર નિયંત્રણ સંધિઓ અને અન્ય પદ્ધતિઓ માટે સંમત થયા હતા. યુએસ-ચીન ડી-એસ્કેલેશનના કોઈ પણ પ્રયાસોનું કેન્દ્ર તાઈવાન હશે, અને બાલી સમિટ દરમિયાન આ મોરચે થોડી પ્રગતિ થઈ હતી. બિડેને અગાઉ તાઇવાનના સ્વાતંત્ર્યને સ્વીકારતા સંઘર્ષની સ્થિતિમાં તાઇવાન વતી દરમિયાનગીરી કરવાની વારંવાર ઘોષણા કરી હતી જે અમેરિકાની દાયકાઓ જૂની ‘વન-ચાઈના નીતિ’ના ભંગ સમાન જણાય છે, જે બેઈજિંગને ચીનની એકમાત્ર કાનૂની સરકાર તરીકે માન્યતા આપે છે. અમેરિકાએ તાઇવાન સાથે બિનસત્તાવાર સંબંધો જાળવી રાખ્યા છે. આથી જ ચીન સાથેના તણાવમાં ઘટાડો કરવા માટે, બિડેને બાલી સમિટ દરમિયાન જિનપિંગને ખાતરી આપવી પડી હતી કે તાઇવાન પર યુએસની નીતિ એ જ રહી છે, અને ઉમેર્યું હતું કે તેઓ નથી માનતા કે તાઇવાન પર ચીન નજીકના ભવિષ્યમાં કોઈ આક્રમણ કરી શકે છે.પરંતુ હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. બંને પક્ષોએ તાઈવાનની સામુદ્રધુનીની આસપાસ તેમની લશ્કરી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા કામ કરવું પડશે, અને જો આગામી યુએસ હાઉસ સ્પીકર નજીકના ભવિષ્યમાં તાઈપેઈની મુલાકાત ન લે તો તે મદદરૂપ થશે! અમેરિકામાં રિપબ્લિકન્સે હાઉસનો કબજો મેળવી લીધો છે, અને સંભવિત આગામી સ્પીકર, લઘુમતી નેતા કેવિન મેકકાર્થીએ કહ્યું છે કે તેઓ તાઇવાનની મુલાકાત લેવા માગે છે. વોશિંગ્ટનમાં તાઈવાનનું સમર્થન વધારવા અને ‘વન-ચાઈના નીતિ’નો ત્યાગ કરવા આવજો ઊઠી રહ્યા છે. અમેરિકન રાજકીય પ્રણાલીમાં સત્તાઓનું વિભાજન થયેલું છે, તેથી કારોબારી શાખા ધારાસભાને આદેશ આપી શકતી નથી. તેથી, જ્યારે હાઉસ સ્પીકર્સ, ખાસ કરીને વિરોધી પક્ષના લોકોના પ્રવાસની વાત આવે છે ત્યારે બિડેન કંઇ કરી શકે એમ નથી. બિડેન અને જિનપિંગે પરમાણુ યુદ્ધ ક્યારેય લડવું જોઈએ નહીં એવા તેમના કરારને પુનરાવર્તિત કર્યો અને યુક્રેનમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અથવા ઉપયોગની ધમકી સામેના વિરોધ પર ભાર મૂક્યો. જિનપિંગે નવેમ્બરની શરૂઆતમાં જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ સાથેની તેમની બેઠકમાં સમાન નિવેદન આપ્યું હતું અને જી-20 દ્વારા પણ પરમાણુ શસ્ત્રોનો વિરોધ કરતી ઘોષણા બહાર પાડી, જે ભારપૂર્વક દર્શાવે છે કે ચીન ખરેખર આ બાબતે ગંભીર છે. યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી અને રાષ્ટ્રપતિ પુતિનની પરમાણુ શસ્ત્રોની ધમકી પછીનાં ચીનનાં આ પ્રથમ નિવેદનો છે. રશિયા-યુક્રેન સંઘર્ષ પ્રત્યે ચીનના અભિગમમાં પરિવર્તન દેખાઈ આવે છે. યુદ્ધની શરૂઆતમાં, ચીન વારંવાર આ યુદ્ધ માટે નાટોને દોષી ઠેરવતું હતું. પરંતુ હવે તે આવા આક્ષેપો નથી કરતું. અલબત્ત, ચીન-રશિયા સંબંધો અકબંધ રહ્યા છે. ચીનના વિદેશ પ્રધાને તાજેતરમાં જ બંને દેશોની ભાગીદારીની પુષ્ટિ કરી હતી. બેઇજિંગ તરફથી નવી પરમાણુવિરોધી મુદ્રા એ પણ સૂચવે છે કે તે ઉત્તર કોરિયા સામે અમેરિકાની નીતિમાં સહયોગ કરી શકે છે. ચીને ભૂતકાળમાં પ્યોંગયાંગ પર દબાણ લાવવાના અમેરિકન પ્રયાસોને મદદ કરી છે. બાલી બેઠકમાં વેપારના મુદ્દાઓ પર કોઈ સ્પષ્ટ પ્રગતિ થઈ નથી. બિડેને ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને જાળવી રાખ્યાં છે અને સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર નિકાસ નિયંત્રણો ઉમેરીને ચીન પર દબાણ પણ વધાર્યું છે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો ટૂંકા ગાળામાં વધુ ખરાબ થવાની સંભાવના છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા વધુ નિકાસ નિયંત્રણો અપેક્ષિત છે, અને ‘ટિકટોક’ પર પ્રતિબંધ લાગી શકે છે કેમ કે એફબીઆઈ ડિરેક્ટરે આ ચીની એપ્લિકેશન અંગે ચિંતા વ્યકત કરી છે. બાલી મીટિંગ તણાવમાં ઘટાડો અને સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટેનું પ્રથમ પગલું હતું, પણ બંને દેશોના સંબંધો વધુ સ્થિર સ્તરે પહોંચે, વૈશ્વિક ભલાઈ માટે સહકાર આપે તેવું થવામાં ઘણી મહેનત કરવી પડશે.⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.