ન્યુ રીલ્સ:શું બાયોપિક્સ એટલે આરતીઓ?

વિનાયક વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે રાજકીય વ્યક્તિની બાયોપિક બને છે ત્યારે તે આખી ફિલ્મોને ‘આરતી’ જેવી બનાવી રાખવી શું જરૂરી છે?

જયલલિતાના જીવન ઉપર આધારિત ફિલ્મની જાહેરાત થઇ, ત્યારે જ નવાઇ લાગી હતી કે ભારેખમ કાયા ધરાવતાં જયલલિતાના રોલમાં કંગના રણૌટ જેવી પાતળી અભિનેત્રીની પસંદગી કયા હિસાબે થઇ હશે? આ બાયોપિકના સૌથી વધુ પ્રેક્ષકો તો દક્ષિણ ભારતમાંથી જ મળવાના હતા, છતાં હિન્દી ફિલ્મના વધારાના પ્રેક્ષકોને ખેંચવા માટે જ જો કોઇ અભિનેત્રીને પસંદ કરવાની હોય તો વિદ્યા બાલન સૌથી પરફેક્ટ નામ હતું. કદાચ સોનાક્ષી સિંહા પણ આ કિરદાર નિભાવી જાત, પણ કંગના? નિર્માતાઓ શું વિચારતા હશે? માનનીય જયલલિતાજી પડદા ઉપર ‘સ્થૂળ’ ન દેખાવાં જોઇએ? જો આમ જ ચાલ્યું તો કાલે ઊઠીને લાલબહાદુર શાસ્ત્રીની બાયોપિકમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કરી નાખશે! (ભલે ને રઘુવીર યાદવ યોગ્ય હોય?) મૂળ વ્યક્તિ અને અભિનેતા વચ્ચે કંઇક તો શારીરિક સામ્ય હોવું જોઇએ કે નહીં? ચાલો, માની લઇએ કે વિક્રમ બત્રા કંઇ જાણીતો ચહેરો નહોતો, તેથી કોઇ પણ ફિટ દેખાવવાળા એક્ટરને કાસ્ટ કરી દેવાય, પરંતુ આર્મીની મહિલા ફાઇટર પાયલોટ ગુંજન સક્સેનાના રોલમાં સાવ માંદલી દેખાતી જાહ્્નવી કપૂર શી રીતે ફિટ થઇ શકે? એની તો હાઇટ અને વજન આર્મીના સ્ટાન્ડર્ડ ધારાધોરણથી પણ સાવ ઓછાં છે! છતાં, નિર્માતાને ‘સ્ટાર’ જોઇએ છે ને, એટલે કંઇ પણ ધૂપ્પલ ચાલી જાય છે. ભારતીય સિનેમામાં ખ્યાતનામ વ્યક્તિઓ અથવા અનોખી સિદ્ધિ મેળવનાર લોકોની બાયોપિક બનવા માંડી છે તે સારી વાત છે, પરંતુ જ્યારે રાજકીય વ્યક્તિની બાયોપિક બને છે ત્યારે તે આખેઆખી ફિલ્મોને ‘આરતી’ જેવી બનાવી રાખવી શું જરૂરી છે? ‘થલાઇવી’ રીલિઝ થઇ ત્યારે જે રિવ્યૂ આવ્યા તેમાં સૌએ કંગના રણૌટના વખાણ કર્યાં છે. (આ પણ એક જાણીતો ટ્રેન્ડ છે કેમ કે મોટા ફિલ્મ-સ્ટારોના મીડિયા મેનેજરો હોય છે.) પરંતુ લગભગ તમામ વિવેચકોએ ફિલ્મની પટકથા અને વાર્તા માટે આકરા શબ્દો વાપર્યાં છે. જ્યારે જયલલિતા જેવું અત્યંત રસપ્રદ પાત્ર, જેને ભણવાની ઉંમરે બાળપણથી જ ફિલ્મોમાં રીતસર ધકેલી દેવામાં આવી હતી, જે અનેક સંઘર્ષો પછી મેગા-સ્ટાર બની, જે પોતાનાથી લગભગ બમણી ઉંમરના ફિલ્મસ્ટારના પ્રેમમાં પડી અને પછી ભાગ્યના વિચિત્ર વળાંકોને કારણે તામિલનાડુ જેવા વિશાળ રાજ્યની મુખ્યમંત્રી બની ગઇ… એટલું જ નહીં, એમાં રીતસરના અનેક યુ-ટર્ન જેવી ચડતી-પડતી જોઇ અને જેનાં મૃત્યુ પછી હજારોની સંખ્યામાં લોકો જાહેરમાં છાતીફાટ રૂદન કરતાં જોવા મળ્યાં… એ કહાણી પડદા ઉપર તો કેટલી રોચક બની શકે? માત્ર ભારતમાં જ આવી ફિલ્મી દુનિયા અને રાજકારણને જોડતી રિયલ સ્ટોરીઓ જન્મે છે. એ હિસાબે જયલલિતાની બાયોપિક તો આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર સિનેરસિકો જ નહીં, પોલિટિક્સના અભ્યાસુઓ માટે પણ મહત્ત્વના દસ્તાવેજ સમાન બની શકી હોત. છતાં નિર્માતાઓએ આ સોનેરી તક ગુમાવી દીધી. શા કારણે? કારણ માત્ર એક જ, તેઓ જયલલિતાના ‘ચાહકો’ને કહાણીની ખરબચડી વાસ્તવિકતાઓ બતાવવાનું ‘જોખમ’ નહોતા લેવા માગતા. આવું જ કંઇક બાળ ઠાકરેની બાયોપિકમાં બન્યું. બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ કે દોડવીર મિલ્ખાસિંહની બાયોપિક બનાવતી વખતે થોડા કલ્પનાના રંગો ઉમેરો તો સ્વીકારી શકાય, પરંતુ જે લોકોનું આખું જીવન અખબારો અને ન્યૂઝ ચેનલો થકી સૌની સામે ખુલ્લું જ પડ્યું હોય તેમની બાયોપિકમાં આવા ઢાંકપિછોડા કરવાનો શો અર્થ છે? એ હિસાબે જેને સાચા અર્થમાં ‘ઓથેન્ટિક’ બાયોપિક કહી શકાય એવી કદાચ ત્રણ જ ભારતીય ફિલ્મો છે. શ્યામ બેનેગલે બનાવેલી ‘મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘બોઝ : ધ અનટોલ્ડ સ્ટોરી’ તથા કેતન મહેતાએ બનાવેલી ‘સરદાર’. નોંધપાત્ર વાત એ છે કે આ ત્રણે ફિલ્મોમાં એમણે આખા જીવનનો પથારો ચૂંથવાને બદલે એમની જિંદગીનાં માત્ર એવાં જ વર્ષો પસંદ કર્યાં છે, જેને ધ્યાનથી તપાસવામાં આવે તો આજે ભારત દેશ જેવો છે, તેવો શા માટે છે, તેનાં કારણો પણ મળી શકે છે. બાકી, ‘સંજુ’ જેવી ‘ચિલ્ડ્રન ફિલ્મ’ બનાવવી સાવ સહેલી છે. જેમાં તમે આસાનીથી એવું બતાવીને છટકી જઇ શકો છો કે મુંબઇમાં એક જ ડ્રગ ડીલર હતો! અને એ પોતે તો ગ્લુકોઝનો પાઉડર સૂંઘતો હતો! ⬛

અન્ય સમાચારો પણ છે...