તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના હકારની કવિતા:નજીક આવવાનું ગીત

2 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

સખી…અત્તરની શીશીમાં મોહ્યા… દૂરની સુગંધો પર માંડીને મીટ, અમે આંગણાના મોગરાને ખોયા… સખી…અત્તરની શીશીમાં મોહ્યા…

વાયરા પલાણ્યા, વંટોળિયા બાંધ્યા પણ ઓળખ્યા ના પોતાના શ્વાસને એટલું ન સમજ્યા કે થાતું શું હોય છે, ઝાકળ બંધાય ત્યારે ઘાસને…!

મલક્યાનો હોઠવગો ભૂલી મલક અમે નકશાના ગામ કાજે રોયા… સખી…અત્તરની શીશીમાં મોહ્યાં….

આપણે પણછ થકી છૂટેલાં તીર નથી, જેને ના હોય પાછું વળવું કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ જ સહજ છે ભૂલા પડવું

ઝાઝા ના દૂર હવે રાખો સખી…કે,
અમે ધબકારા છાતી વછોયા…
સખી…અત્તરની શીશીમાં મોહ્યાં…
- સંદિપ ભાટિયા

સુગંધની નબળી ઝેરોક્સ તે અત્તર. છતાંય વહાલું લાગે તો અત્તર! એને ગમે ત્યારે શ્વાસોમાં ભરવા માટે શીશીને છલકાઇ જવાનું ખાલી કહેણ આપવું પડે બસ..! વળી, કપડાં ઊપર લાંબો સમય ટકે. અલગ અલગ ફ્લેવર્ડના આવે, પરંતુ જ્યારે સાચા ફૂલો પાસે કપડાં પર અત્તર છાંટીને જઇએ ત્યારે અત્તર અને આપણે બંને છોભીલા પડી જઇએ! જે રૂઆબ સાચી સુગંધમાંથી આવે એ અત્તરની શીશીમાં કેમ સમાવી શકાય? દૂરની સુગંધને-પ્રોસેસને જ પ્રેમ કરવામાં ખરો પ્રોગ્રેસ ગુમ થઇ જાય છે. આંગણામાં મોગરાનો છોડ હોય ત્યારે કોઇ ખૂણો એવો ન હોય જે મોગરાની સુગંધ વગર કોરો રહી ગયો હોય! દૂરના પર આપણને વધારે વિશ્વાસ હોય છે, નજીકના આપણને હંમેશા નાહકના જ લાગ્યા છે!

પોતાના શ્વાસને ઓળખીશું તો ભીંતરની કસ્તુરીને પામી શકીશું. વાયરાના પલાણ્યાથી કે વંટોળિયાનાં બાંધ્યાથી મહેકને થોડી હડસેલી શકાય છે! ઝાકળ બંધાય ત્યારે ઘાસને જે થાય એટલી નજીકતા સંબંધની સુગંધતાને ઊજવે છે. નકશાના ગામ માટે આપણે મલક્યાનો હોઠવગો મલક જ ભૂલી ગયા છીએ. અત્તરની શીશી તો ખાલી પણ થાય, ક્યારેય મોગરાની સુગંધ ખાલી થઇ છે? રોજ નવો મોગરો અને રોજ તાજી સુગંધ! જાણ થાય ત્યારે પાછા વળતા પણ આવડવું જોઇએ. જે ખિસ્સામાં અત્તરની શીશી મૂકી એ જ ખિસ્સામાં મોગરા મૂકીને આયખાને મઘમઘતું પણ કરવું જોઇએ. પણછથી છૂટેલું તીર હોય તો સમજ્યા કે પાછું ન વળે! પણ, કેડીથી અજાણ્યું પાગલ પતંગિયુ હોઇએ ત્યારે ભૂલા પડવામાં પણ માનપાન મળે છે. હવે નિકટતા એ જ ઓવારો છે. ધબકારા અને છાતી જેટલી પણ દૂરતા નહીં, માત્ર શ્વાસ અને ધબકારાનું નૈકટ્ય.

‘જીવનના હકારની કવિતા’ ના કવિ છે સંદિપ ભાટિયા. લયના કામણમાં સંવેદનાનું મહેરામણ એવું ઊમટે કે એમની કલમ તરણેતરનો મેળો બની જાય. આ કવિતામાં ગમતી વ્યક્તિની પાસે જવાનો વૈભવ છલકાય છે. પાસે આવવા માટે થોડા દૂર જવું જરૂરી છે. જેમ અત્તરની શીશી અને મોગરો! ghazalsamrat@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser