તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન િવશેષ:અનુભવની કેડીએથી કશો બોધ લેવો છે ?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુલાકાત પૂર્ણ થયા પછી સચિવ કુલપતિને પોર્ચ સુધી વળાવવા જતા !

53 વર્ષનો શિક્ષણ જગતનો શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવનાર સ્વતંત્રતાના વર્ષમાં જન્મેલા એક કર્મઠ શિક્ષણ વહીવટકારે પોતાના ‘50 વર્ષના અનુભવની કેડીએ’થી ગુજરાતને શિક્ષણનો આયનો બતાવતું એક પુસ્તક અર્પણ કર્યું છે. ધ્રુવકુમાર પ્રવીણચંદ્ર છાયા ગુજરાતના શૈક્ષણિક વહીવટના ટોચના દરેક હોદ્દા પર રહ્યા અને તેમણે ઉચ્ચ શિક્ષણના સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે નીતિ-નિયમો ઘડીને તેને સુપેરે વ્યવહારમાં મૂકી આપ્યા. હા, એ ખરું કે તેઓ નાગરી પરંપરા મુજબ પ્રોટોકોલનો પૂરો આદર કરીને એકદમ શિષ્ટ ભાષામાં પોતાના અનુભવ વર્ણવે છે. પરિણામે, ક્યાંક સોઈ ઝાટકીને કહેવા જેવી વાત બહુ માધુર્યથી કહેવામાં આવી છે એવું વાચકને લાગ્યા વગર રહેતું નથી.ધ્રુવ છાયા પોતાના પુસ્તકમાં જે સાત યુનિવર્સિટીઓમાં તેમણે કાર્ય કર્યું તે સાત યુનિવર્સિટી અને આઠમા શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઇતિહાસને ટૂંકમાં રજૂ કરી તેની કામ કરવાની શૈલી આપણી સમક્ષ મૂકી આપે છે. આ પુસ્તકના છેલ્લા બે પ્રકરણોમાં લેખકના અનેક સૂચનો અને મંતવ્યો છે જેને વાંચી જવાથી આજના કમ-અનુભવી વહીવટદારોને એક પ્રશસ્ત માર્ગનો ખ્યાલ આવશે. ધ્રુવ છાયાના આ અનુભવ ભાથામાંથી કેટલાક સીમાચિહ્્નરૂપ વિધાનો અહીં રજૂ કર્યાં છે, કારણ કે આ વિધાનો જ આપણને વિચારતા કરી મૂકે તેમ છે : #જ્યારે ડો. કોઠારી કમિશનનો રિપોર્ટ તે વખતના રાષ્ટ્રપતિને સુપ્રત કરવા કમિશન ગયું ત્યારે તેમને કશુંક કહેવા ડો. કોઠારીએ વિનંતી કરી. તેમણે ત્રણ શબ્દો ઉચ્ચાર્યા : ‘implementation, implementation, implementation. (અમલ, અમલ, અમલ)  યુનિવર્સિટીના નીતિવિષયક નિર્ણય લેવામાં સમાજના દરેક વર્ગના પ્રતિનિધિઓ ભાગ લઈ શકે એવી ગણતરીથી ચૂંટાયેલા ધારાસભ્યો સહિતનાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. આગળ જતાં તેમાં રાજકારણે પ્રવેશ કર્યો. તેનાથી ધીરે ધીરે દૂષણો પોષાયાં અને યુનિવર્સિટીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા.  સરકાર તરફથી જે પ્રતિનિધિઓની નિમણૂક થાય છે તે રાજકારણીઓ અથવા રાજકારણીઓની ભલામણથી થાય છે.  યુજીસીની જ્ઞાનમ કમિટીની ભલામણોને આધારે જે-તે યુનિવર્સિટીના કાયદામાં સુધારા કરવાના પ્રયત્નો થયા, પણ કેટલાક ઘર કરી ગયેલા સ્થાપિત હિતો અને રાજકારણને કારણે હજી સુધી તે થઈ શક્યું નથી. તેના કારણે ખાસ કરીને કુલપતિઓનો મોટા ભાગનો સમય યુનિવર્સિટીના બે પક્ષો કે તેનાં હિતોને બેલેન્સ કરવામાં જાય છે અને ક્યારેક તેમને ડિપ્લોમેટ પણ બનવું પડે છે. જો એમ ન કરે તો તેમના માટે ટકવું મુશ્કેલ બને છે.  આજે મોટા ભાગની સરકારી યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર/કુલસચિવ વર્ષોથી નથી, કામચલાઉ વ્યવસ્થાથી વહીવટ ચલાવવામાં આવે છે. જ્યાં રજિસ્ટ્રાર/કુલસચિવ નિયમિત મુકાયા તે કાં તો પોતે રાજીનામું આપીને જતા રહ્યા છે અથવા તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. આથી મોટા ભાગે કાર્યદક્ષ અને સારી વ્યક્તિ રજિસ્ટ્રાર તરીકે આવવા તૈયાર નથી. રજિસ્ટ્રાર નહીં મળવાનું બીજું કારણ એ છે કે યુજીસીની ભલામણ પ્રમાણે પ્રોફેસરને મળતું પગાર ધોરણ એમને દાયકાઓથી સરકાર દ્વારા આપવામાં આવતું નથી  ડો. કરસનભાઈ પટેલ પોતે નિરમા યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેન હતા. તેઓ યુનિવર્સિટીની દરેક બાબતમાં ઊંડાણથી રસ લેતા, અભ્યાસ કરતા, ચર્ચા કરતા અને તેમને પૂરો સંતોષ થાય તો જ બોર્ડમાં મૂકવાની પરવાનગી આપતા. તેના માટે જરૂરી જોગવાઈ વિનિમયોમાં જ કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે રેગ્યુલેશનમાં એવી જોગવાઈ કરાવેલી કે : તમામ પરીક્ષાનાં પરિણામો પરીક્ષાની તારીખથી 15 દિવસમાં પ્રસિદ્ધ કરવા અને કોઈ પણ કારણસર 30 દિવસથી વધારે એક દિવસ પણ વિલંબ થાય તો તેના કારણો સહિત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટની મંજૂરી લેવી પડે.  કુલપતિ અને કુલ સચિવની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલી ભરી અને હથિયાર વગરના લશ્કર જેવી હોય છે. કુલપતિ તો ગમે તેમ કરીને ત્રણ વર્ષ કાઢી નાખે છે, પણ કુલસચિવને લાંબા સમય સુધી રહેવું પડે છે.  લેખક જ્યારે શિક્ષણ વિભાગમાં હતા ત્યારે એવી પરિસ્થિતિ પણ જોઈ છે કે જ્યારે કુલપતિ શિક્ષણ સચિવને મળવા આવતા, ત્યારે તે મુલાકાત પૂર્ણ થયા પછી સચિવ કુલપતિને પોર્ચ સુધી વળાવવા જતા! આવું માન સરકારના અધિકારીઓ ઉપરાંત મંત્રીઓ પણ જાળવતા હતા. આજે આવી પરિસ્થિતિ નથી તે હકીકત સ્વીકારવી જ રહી. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...