રાગ બિન્દાસ:ચિંતાનું ડાયટિંગ: ડાયટિંગની ચિંતા !

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરે જતી કન્યાથી બાબુલનું આંગન છૂટતું નથી એમ આપણાથી મીઠાઇ, ચોકલેટ, આઇસક્રીમ નથી છૂટતાં…

ટાઇટલ્સ ખોટા કસમ ખાવાથી વજન વધે?(છેલવાણી) ‘જગતમાં ન્યાય જેવું છે?’ -જેવો જ બીજો ગહન સવાલ છે કે ‘જગતમાં વજન ઉતારવાની કોઇ સચોટ રીત છે?’ અલગ અલગ ધર્મના લોકો, મોક્ષ વિશે અલગ અલગ દાવા કરે છે એમ અલગ અલગ ડાયટિશિયનો અનેક દાવા કરે છે. લેકિન-કિંતુ-પરંતુ, એ બધા દાવામાંથી કયા દાવાને માવવો? તમે કોઇ સ્ત્રીને જસ્ટ કહો કે- ‘આજે તમે અલગ લાગો છો!’ એટલે આવી બન્યું! સી. બી. આઇ. લેવલની ઇન્ક્વાયરી માટે તમારે તૈયાર રહેવું પડશે. ‘અલગ એટલે જાડી?’ પેલી પૂછશે તમે સમજાવશો: ‘ના..ના. અલગ એટલે અલગ. જાડા-પાતળાની વાત નથી.’ - તો ફરી એ સ્ત્રી કહેશે, ‘સારું લાગડવા કહો છોને? હમણાં કામકાજ બહુ રહે છે એટલે ધ્યાન નથી અપાતું! તમે માનશો,ગઇ કાલે જ કોલેજ ટાઇમનું જીન્સ મેં પહેરવા કાઢ્યું અને ફિટ આવ્યું? નથી માનતા ને?’ તમને ધ્રાસકો પડશે કે આ હમણાં અહીંયા જ જીન્સ પહેરીને બતાડશે કે શું? એટલે તમારે એને ‘સોરી બહેન, મમ્મી સિરિયસ છે… બાય!’ પેલી પાછળથી બૂમ પાડીને કહેશે, ‘ગિવ મી થ્રી મંથ્સ…વજન ઉતારીને દેખાડીશ!’ તમે મનમાં કહેશો, ‘ત્રણ મહિના નહીં, ત્રણ વરસ લે મારી મા, પણ મને છોડ! હરામ બરાબર છે કે ત્રણ મહિને પેલીનું વજન ત્રણ ગ્રામ પણ ઊતરે! પણ બીજીવાર તમે એને ફરીથી મળશો ત્યારે તમે સાવધાનીથી ‘રશિયામાં રબરની ખેતી’ જેવા કોઇ પણ વિષય પર વાતો કરશો પણ એના દેખાવ વિશે હરફ પણ નહીં બોલો! સમસ્યા સ્ત્રીઓ પૂરતી જ નથી. કોઇ સ્ત્રી પણ પુરુષને સહેજ કહી બેસે કે- ‘અરે, બહુ બદલાઇ ગયા તમે!’ કે તરત પેલો પુરુષ કહેશે, ‘વજન વધ્યું છે ને? ઓફિસનાં કામમાં ખાવાનું ભાન જ નથી રહેતું એટલે મૂછ કાઢી નાખી એટલે ફેસ મોટો લાગે છેને? જ્યારથી મને પ્રમોશન આપીને ‘મેનેજર’ બનાવ્યો અને કંપનીએ ગાડી આપી એટલે ચાલવાનું ઓછું, રાત-દી’ ફાઇવસ્ટારમાં ખાવા-પીવાનું, યુસી, સક્સેસની ફેટ છે આ! હે… હે… હે!’…આવાં લાળાં ચાવીને એ વધી ગયેલી ‘ફાંદ’ને ઢાંકવાનો પ્રયત્ન કરશે. આ સાંભળીને બિચારી સ્ત્રી કહેશે, ‘ના,ના, યુ આર ફાઇન! અરે, યાદ આવ્યું ઘરે નળ ખુલ્લો રહી ગયો છે, નીકળું?' અમારી જ વાત કરીએ તો ‘10 દિવસમાં વજન ઉતારો’ પ્રકારની બુક્સો અમે ભરપેટ સૂતાં સૂતાં વાંચી હોવાથી વજન ઘટવાને બદલે વધ્યું જ છે! આવી જાડી કિતાબો વાંચી વાંચીને અમે પોતે એક ‘ફેટ-બુક ઓન ફેટ ફાઇટિંગ’ લખી શકીએ એટલા સક્ષમ છીએ! ઇન્ટરવલ રૂપ તેરા ઐસા દર્પનમેં ના સમાયે ( ‘જાડી વ્યક્તિ’ વિશે કવિ ઇન્દીવર) એક્ટર રાજકપૂરના પપ્પા, રણવીર કપૂરના પ્રપિતામહ અને ‘મુગલે-આઝમ’માં શહેનશાહ અકબર બનેલ જાજરમાન અભિનેતા પૃથ્વીરાજ કપૂર, ખાવાપીવાના અતિ શોખીન ને અતિ જાડા. ડોક્ટરે વજન ઘટાડવાની સલાહ આપી કે જમવામાં માત્ર બાફેલાં શાકભાજી-સેલડ જ ખાવાનાં પણ તોયે ત્રણ મહિના પછી પૃથ્વીરાજજીનું વજન ઓર વધી ગયું! ડોકટરે એમને પૂછ્યું, ‘તમે બાફેલાં શાકભાજી, સેલડ નથી ખાતા? પૃથ્વીજી બોલ્યાં,‘ ખાઉં છું ને? ને એના પછી જ તો દસ પરોઠાં, ત્રણ સબ્જી, બે દાળ, ને એક મીઠાઇ ખાઉં છું!’ આપણું પણ એવું જ છે. સાસરે જતી કન્યાથી બાબુલનું આંગન છૂટતું નથી એમ આપણાથી મીઠાઇ, ચોકલેટ, આઇસક્રીમ નથી છૂટતાં…બાકી એનાં સિવાય તો ડાયટિંગ તો ચાલુ જ છે! હમણાં જ વિચાર આવ્યો (જે એક્ચ્યુઅલી અગાઉ ક્યાંક વાંચેલો) કે જે ખુશખુશાલ રહેતા હોય એ નોર્મલી જાડા હોય અને ચિંતાતુર હોય એ પાતળ-સૂકલકડી. હવે જો એમ હોય તો આપણે ચિંતા કરવાનું કે 'ચિંતન ડાયટ’ અજમાવવા જેવું છે… એટલે એમ કે રોજ રોજ તમારે અમુક માત્રામાં ચિંતા કર્યાં કર્યાં કરવાની જેથી તમારું વજન જીવ બાળવાથી ઊતરવા માંડે! જેમ કે- 1. ‘દાળના ભાવ ક્યારે ઘટશે ને પૂરણપોળી ખાવા મળશે?’(300 કેલરી ઘટે) 2. ‘અમેરિકાએ બીજા દેશોને અને સીબીઆઇએ વિપક્ષી નેતાઓને ડરાવવા જોઇએ નહીં..’ (50 કેલરી ઘટે) 3. ‘રોડ પર બધે રખડતાં ઢોર અને બધે બગડતા બોર ક્યારે બંધ થશે?’ (200 કેલરી ઘટે) 4. ‘સોક્રેટિસ, સરદાર, ચાણક્ય પર હજી કેટલી કિતાબ લખાશે?’(10 કેલરી ઘટે) આવી જાતજાતની ચિંતાઓને અજમાવીને, જાડાઓનાં માનસિક શારીરિક ઇતિહાસ-ભૂગોળ ધ્યાનમાં રાખીને નિતનવા ડાયટપ્લાન બનાવી શકાય. એ ઉપરાંત- ‘પેટ્રોલનાં ભાવ હજી વધશે?’ કે ‘રાહુલ ગાંધીએ રિટાયર થઇ જવું જોઇએ?’ જેવા જનરલ ટોપિકથી પણ વજન ચોકકસ ઘટી શકે. ‘બૂઢાપામાં જો બટાટા ખાવાથી વજન વધે તો ત્યારે કેમ ના વધ્યું જ્યારે સ્કૂલની કેન્ટીનમાં દસ વરસ બટાકાવડા ખાધેલાં?’ જેવું પણ વિચારી શકાય! વળી ‘આપણું વજન ક્યારેય વધારે નથી હોતું, જોવાવાળાની અપેક્ષા વધારે હોય છે.’ એવા સુવિચારો પણ ‘ચિંતન ડાયટ’ને રસપ્રદ બનાવી શકે. લેખક પાસે જ્યારે વિષયો ખૂટી ગયા હોય અથવા કોઇ પણ વિષય પર(આજના લેખ જેવા) લખવું પડે ત્યારે અમારે પણ લખવા પર જ હવે ડાયટિંગ કરવું રહ્યું! એન્ડ ટાઇટલ્સ ઇવ: ડાયટિંગનો પ્લાન કહું? આદમ: ના, એના કરતા કર!! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...